Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › મે 2027 › 23 મે

ઓર્થોડોક્સ પંચાંગ · 10 મે (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 23 મે 2027

રવિવાર · સ્વર 3

પર્વો અને સંતો

પાસ્ખાનો ચોથો રવિવાર

લકવાગ્રસ્ત માણસનો રવિવાર

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 યોહ 3:21–4:6

21વહાલાંઓ, જો આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવતું નથી, તો ઈશ્વરની આગળ આપણને હિંમત પ્રાપ્ત થાય છે. 22જે કંઈ આપણે માગીએ છીએ, તે તેમના તરફથી પામીએ છીએ, કેમ કે તેમની આજ્ઞા આપણે પાળીએ છીએ અને તેમને જે પ્રસન્ન થાય છે તે કરીએ છીએ. 23તેમની આજ્ઞા એ છે કે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તનાં નામ પર આપણે વિશ્વાસ કરીએ અને જેમ તેમણે આપણને આજ્ઞા આપી, તેમ એકબીજા પર પ્રેમ રાખીએ. 24જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે તેમનાંમાં રહે છે અને તેઓ તેનામાં રહે છે. જે આત્મા તેમણે આપણને આપ્યો છે તેથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે. 4:1વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વરથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ; કેમ કે દુનિયામાં જૂઠાં પ્રબોધકો ઘણાં ઊભા થયા છે. 2ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વરનો છે, તેથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો. 3જે આત્મા ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા તેવું કબૂલ કરતો નથી તે ઈશ્વરનો નથી; અને ખ્રિસ્ત-વિરોધીનો આત્મા જે વિષે તમે સાંભળ્યું કે તે આવે છે, તે એ જ છે અને તે હમણાં પણ દુનિયામાં છે. 4તમે બાળકો, ઈશ્વરનાં છો અને તમે તેવા આત્માઓ પર વિજય પામ્યા છો, કેમ કે જે જગતમાં છે તે કરતાં જે તમારામાં છે તે મહાન છે. 5તેઓ જગતના છે, એ માટે તેઓ જગત વિષે બોલે છે અને જગત તેઓનું સાંભળે છે. 6આપણે ઈશ્વરના છીએ; જે ઈશ્વરને ઓળખે છે તે આપણું સાંભળે છે; જે ઈશ્વરનો નથી તે આપણું સાંભળતો નથી; એથી આપણે સત્યનો આત્મા તથા ભમાવનાર આત્મા વચ્ચેના તફાવતને પારખી શકીએ છીએ.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 યોહ 4:11–16

11વહાલાઓ, જો ઈશ્વરે આપણા પર એવો પ્રેમ કર્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. 12કોઈએ ઈશ્વરને કદી જોયા નથી; જો આપણે એકબીજા પર પ્રેમ કરીએ તો ઈશ્વર આપણામાં રહે છે અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે. 13તેમણે પોતાના પવિત્ર આત્માનું દાન આપણને આપ્યું છે, તે પરથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનાંમાં રહીએ છીએ અને તે આપણામાં રહે છે. 14અમે જોયું છે અને સાક્ષી આપીએ છીએ, કે પિતાએ પુત્રને માનવજગતના ઉદ્ધારકર્તા થવા મોકલ્યા છે. 15જે કોઈ કબૂલ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે, તેનામાં ઈશ્વર રહે છે અને તે ઈશ્વરમાં રહે છે. 16ઈશ્વરનો જે પ્રેમ આપણા પર છે તે આપણે જાણીએ છીએ, અને તે પર વિશ્વાસ કર્યો છે. ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 યોહ 4:20–5:5

20જો કોઈ કહે કે, હું ઈશ્વર પર પ્રેમ રાખું છું, પણ પોતાના ભાઈ પર દ્વેષ કરે છે, તો તે જૂઠો છે, કેમ કે પોતાના ભાઈને તેણે જોયો છે, છતાંય તેના પર જો તે પ્રેમ કરતો નથી, તો ઈશ્વરને જેને તેણે કદી જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી. 21જે ઈશ્વર પર પ્રેમ રાખે છે, તેણે પોતાના ભાઈ પર પણ પ્રેમ રાખવો જોઈએ, એવી આજ્ઞા તેમના તરફથી આપણને મળી છે. 5:1ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે, તે ઈશ્વરથી જન્મેલો છે. અને પિતા પર જે પ્રેમ રાખે છે તે તેનાથી જન્મેલાં પર પણ પ્રેમ રાખે છે. 2જયારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, ત્યારે એથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં બાળકો પર પણ પ્રેમ રાખીએ છીએ. 3કેમ કે ઈશ્વર પરનો પ્રેમ એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, કેમ કે તેમની આજ્ઞાઓ પાળવી એ ભારરૂપ નથી. 4કેમ કે જે ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે અને જે વિજય જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે. 5જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે તે વગર અન્ય કોણ જગતને જીતી શકે છે?

પ્રભાત-પ્રાર્થનાની ચોથી સુવાર્તા

લૂક 24:1–12

1અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી. 2તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. 3તેઓએ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ. 4એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા. 5તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, ‘મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો? 6તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું? 7પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.’” 8તેમને ઈસુની વાતો યાદ આવી. 9કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી. 10હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ મગ્દલાની, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી. 11એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેઓનો વિશ્વાસ કર્યો નહિ. 12પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘરે ગયો.

પત્ર

પ્રે.કૃ 9:32–42

32પિતર એક સ્થળેથી બીજે સ્થળે ફરતો ફરતો લુદામાં રહેનારા સંતોની પાસે પણ આવ્યો. 33ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો. તે પક્ષઘાતી હતો, અને આઠ વર્ષથી પથારીવશ હતો. 34પિતરે તેને કહ્યું કે, એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે; ઊઠ, અને તારું બિછાનું ઉઠાવી લે. એટલે તે તરત જ ઊઠ્યો. 35ત્યારે લુદા તથા શારોનના બધા લોકો તેને જોઈને પ્રભુ તરફ વળ્યા. 36હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું; તે સ્ત્રી ભલાઈ કરવામાં તથા દાનધર્મ કરવામાં આગળ પડતી હતી. 37તે દિવસોમાં એમ થયું કે તે બીમાર પડીને મરણ પામી. અને તેઓએ તેને સ્નાન કરાવીને મેડી પર સુવાડી. 38હવે લુદા જોપ્પાથી નજીક હતું અને પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે વ્યક્તિઓને તેની પાસે મોકલીને એવી આજીજી કરી કે, અમારી પાસે આવવાને તું વિલંબ કરીશ નહિ. 39ત્યારે પિતર ઊઠીને તેઓની સાથે ગયો, જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેઓ તેને મેડી પર લઈ ગયા; સર્વ વિધવા બહેનો તેની પાસે ઊભી રહીને રુદન કરતી જ્યારે દરકાસ તેઓની સાથે હતી ત્યારે જે અંગરખા તથા વસ્ત્રો તેણે બનાવ્યાં હતા તે તેઓ પિતરને બતાવવા લાગી. 40પણ પિતરે તે સર્વને બહાર જવાનું કહી, ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરી, પછી મૃતદેહ તરફ ફરીને તેણે કહ્યું કે, તાબીથા, ઊઠ; ત્યારે તાબીથાએ પોતાની આંખો ખોલી, અને પિતરને જોઈને તે બેઠી થઈ. 41પછી પિતરે તેને હાથ આપીને ઊભી કરી. અને સંતોને તથા વિધવાઓને બોલાવીને તેને જીવતી થયેલી બતાવી. 42અને આખા જોપ્પામાં દરકાસના ચમત્કારની વાત ફેલાઈ, અને ઘણાંએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.

પત્ર (સંત શિમયોન માટે)

1 કરિં 4:9–16

9માટે હું વિચારું છું કે, ઈશ્વરે અમો પ્રેરિતોને જાણે કે છેલ્લાં મરણદંડ પામનારા હોય એવા બતાવ્યા છે; કેમ કે અમે વિશ્વની, સ્વર્ગદૂતોની તથા માણસોની આગળ તમાશા જેવા ખુલ્લાં થયા છીએ. 10ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે નિર્બળ પણ તમે બળવાન; અને તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા થયા છીએ. 11અત્યાર સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા વસ્ત્રો વિનાના છીએ, સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ. 12અમે હાથે કામ અને મહેનત કરીએ છીએ; નિંદા પામવા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ; સતાવણી સહન કરીએ છીએ; 13તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરીએ છીએ; અમે હજી સુધી માનવજગતથી ધિક્કાર પામેલા તથા કચરા જેવા છીએ. 14હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી; પણ તમને મારાં પ્રિય બાળકો સમજીને શિક્ષણ આપું છું. 15જોકે તમને ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણાં પિતા નથી; કેમ કે ખ્રિસ્ત ઈસુમાં, સુવાર્તાદ્વારા હું તમારો પિતા થયો છું. 16તેથી હું તમને વિનંતી કરું છું કે, તમે મારા અનુયાયીઓ થાઓ.

સુવાર્તા

યોહ 5:1–15

1એ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું; તે સમયે ઈસુ યરુશાલેમ ગયા. 2હવે યરુશાલેમમાં ‘ઘેટાંનો દરવાજો’ નામે જગ્યા પાસે એક કૂંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી પાંચ પરસાળ છે. 3તેમાં રોગી, અંધજનો, અપંગ, લકવાગ્રસ્તો એવાં ઘણાં બીમાર લોકો હતા. તેઓ તે કૂંડમાં પાણી હલવાની રાહ જોતાં હતા. 4(કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કૂંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; પાણી હલાવ્યાં પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ હોય તેથી તે રોગી સાજો થતો.) 5ત્યાં એક માણસ હતો, જે આડત્રીસ વર્ષથી બીમાર હતો. 6તેને પડી રહેલો જોઈને તથા ઘણાં સમયથી તે એવો જ છે, તે જાણીને ઈસુ તેને કહે છે કે, ‘શું તું સાજો થવા ચાહે છે?’” 7તે બીમાર માણસે ઈસુને એવો જવાબ આપ્યો કે, ‘પ્રભુ, જે સમયે પાણી હાલે છે, તે સમયે મને કૂંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઊતરવા જાઉં છું, એટલામાં બીજો મારી અગાઉ ઊતરી પડે છે.’” 8ઈસુ તેને કહે છે કે, ‘ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.’” 9તરત તે માણસ સાજો થયો અને પોતાનું બિછાનું ઊંચકીને ચાલવા લાગ્યો. તે દિવસે વિશ્રામવાર હતો. 10તેથી જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું કે, ‘આજે વિશ્રામવાર છે, એટલે તારે બિછાનું ઊંચકવું યોગ્ય નથી.’” 11પણ તેણે તેઓને એવો જવાબ આપ્યો કે, ‘જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું કે, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.’” 12તેઓએ તેને પૂછ્યું કે, “તને જેણે એમ કહ્યું કે, ‘બિછાનું ઊંચકીને ચાલ,’ તે માણસ કોણ છે?” 13પણ તે કોણ છે, તે સાજો થયેલો માણસ જાણતો નહોતો; કેમ કે તે જગ્યાએ ભીડ હતી, ઈસુ ત્યાંથી આગળ ગયા હતા. 14પછીથી ઈસુએ તે માણસને ભક્તિસ્થાનમાં મળીને તેને કહ્યું કે, ‘જો તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે.’” 15તે માણસે જઈને યહૂદીઓને કહ્યું કે, ‘જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે.’”

સુવાર્તા (સંત શિમયોન માટે)

માથ 13:54–58

54પછી પોતાના પ્રદેશમાં આવીને તેમણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે, તેઓ આશ્ચર્યચકિત થઈને બોલ્યા કે, “આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવાં પરાક્રમી કામો ક્યાંથી? 55શું એ સુથારના દીકરા નથી? શું એમની માનું નામ મરિયમ નથી? શું યાકૂબ, યૂસફ, સિમોન તથા યહૂદા તેમના ભાઈઓ નથી? 56શું એમની સઘળી બહેનો આપણી સાથે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?” 57તેઓએ તેમનો સ્વીકાર કર્યો નહિ. પણ ઈસુએ તેઓને કહ્યું કે, “પ્રબોધક પોતાના વતનમાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.” 58તેઓના અવિશ્વાસને લીધે તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યા નહિ.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 10 મે એટલે નાગરિક પંચાંગનો 23 મે. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો