Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › મે 2027 › 23 મે

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 23 મે 2027

રવિવાર · સામાન્ય કાળનું આઠમું અઠવાડિયું

પર્વો અને સંતો

પરમ પવિત્ર ત્રૈક્ય

મહોત્સવ · ધાર્મિક વિધિનો રંગ: સફેદ

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

પુન 4:32–34, 39–40

32કેમ કે ઈશ્વરે પૃથ્વી પર માણસનું સર્જન કર્યું ત્યારથી માંડીને તમારી અગાઉનો જે સમય વીતી ગયો છે તેને તથા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પૂછો કે, પહેલાં કદી આ પ્રમાણેની અદ્દભુત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે? 33જેમ તમે ઈશ્વરની વાણી અગ્નિ મધ્યે બોલતી સાંભળી તેવી વાણી સાંભળીને કોઈ લોકો કદી જીવતા રહ્યા છે શું? 34અથવા જે સર્વ તમારા ઈશ્વર યહોવાહે મિસરમાં તમારા માટે તમારી નજર સમક્ષ કર્યું તેવું કરીને એટલે પરીક્ષણો, ચિહનો, ચમત્કારો, યુદ્ધ, પરાક્રમી હાથ તથા લંબાવેલા ભુજ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે? 39એ માટે આજે તમે જાણો અને અંત:કરણમાં રાખો કે આકાશમાં અને પૃથ્વી ઉપર ઈશ્વર તે જ યહોવાહ છે અને તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી. 40તેમના કાનૂનો તથા તેમની આજ્ઞાઓ જેનો આજે હું તમને આદેશ આપું છું તે તમારે પાળવા, કે જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનનું ભલું થાય અને ઈશ્વર તમારા યહોવાહ જે દેશ તમને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 33:4–6, 9, 18–20, 22

4કેમ કે યહોવાહનો શબ્દ યથાર્થ છે અને તેમણે કરેલાં સર્વ કામો વિશ્વાસયોગ્ય છે. 5તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે. પૃથ્વી યહોવાહની કૃપાથી ભરાઈ ગઈ છે. 6યહોવાહના શબ્દ વડે આકાશો ઉત્પન્ન થયાં અને તેમના મુખના શ્વાસ વડે આકાશના સર્વ તારાઓની રચના થઈ. 9કારણ કે તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઈ; તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઈ. 18જુઓ, જેઓ યહોવાહનો ભય રાખે છે અને તેમના કરારના વિશ્વાસુપણામાં રહે છે, તેઓ પર તેમની નજર રહે છે. 19જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે. 20અમે યહોવાહની રાહ જોઈ; તે આપણી સહાય તથા આપણી ઢાલ છે. 22હે યહોવાહ, અમે તમારા પર આશા રાખી છે તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ.

બીજું વાંચન

રોમ 8:14–17

14કેમ કે જેટલાં ઈશ્વરના આત્માથી દોરાય છે, તેટલાં ઈશ્વરના દીકરા છે. 15કેમ કે ફરીથી ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને દત્તકપુત્ર તરીકેનો આત્મા મળ્યો છે જેને લીધે આપણે પિતા અબ્બા એવી હાંક મારીએ છીએ. 16પવિત્ર આત્મા પોતે આપણા આત્માની સાથે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ. 17જો સંતાનો છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે મહિમા પામવાને માટે જો આપણે ખરેખર તેની સાથે દુઃખ સહન કરીએ તો ખ્રિસ્તની સાથે સહવારસ પણ છીએ.

સુવાર્તા

માથ 28:16–20

16પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા. 17તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો. 18ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, “સ્વર્ગ તથા પૃથ્વી પરનો સર્વ અધિકાર મને અપાયો છે. 19એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. 20મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો