Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › મે 2027 › 16 મે

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 16 મે 2027

રવિવાર · પાસ્ખાકાળનું સાતમું અઠવાડિયું

પર્વો અને સંતો

પચાસમાના પર્વનો રવિવાર

મહોત્સવ · ધાર્મિક વિધિનો રંગ: લાલ

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

પ્રે.કૃ 2:1–11

1પચાસમાનો દિવસ આવ્યો, તે સમયે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા. 2ત્યારે સ્વર્ગમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી ઊઠયું. 3અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેઓને દેખાઈ, અને તેઓમાંના દરેક ઉપર બેઠી. 4તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. 5હવે આકાશની નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા. 6તે અવાજ સંભળાયો ત્યારે ઘણાં લોકો ભેગા થયા, અને ચકિત થઈ ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યાં. 7તેઓ સઘળા વિસ્મિત થયા અને નવાઈ પામીને એકબીજાને કહેવા લાગ્યા કે, જુઓ, શું આ તમામ બોલનારા ગાલીલના નથી? 8તો કેમ તેઓને આપણે આપણી માતૃભાષામાં બોલતાં સાંભળીએ છીએ? 9પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદોકિયાના, પોન્તસના, આસિયાના, 10ફ્રુગિયાના, પામ્ફૂલિયાના, મિસરના તથા કુરેની પાસેના લિબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ તથા રોમન પ્રવાસીઓ, યહૂદીઓ તથા નવા થયેલા યહૂદીઓ, 11ક્રીતીઓ તથા આરબો, તેઓને આપણી પોતાની ભાષાઓમાં ઈશ્વરનાં પરાક્રમી કામો વિષે બોલતાં સાંભળીએ છીએ.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 104:1, 24, 29–31, 34

1હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો; તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે. 24હે યહોવાહ, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે તે સર્વને બુદ્ધિપૂર્વક બનાવ્યાં છે; તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે. 29જ્યારે તમે તમારું મુખ ફેરવો છો, ત્યારે તેઓ ગભરાઈ જાય છે; જો તમે તેઓનો પ્રાણ લઈ લો છો, તો તેઓ મરણ પામે છે અને પાછાં ધૂળમાં મળી જાય છે. 30જ્યારે તમે તમારો આત્મા મોકલો છો, ત્યારે તેઓ ઉત્પન્ન થાય છે અને તમે દેશભરનું નવીકરણ કરો છો. 31યહોવાહનો મહિમા સદાકાળ ટકી રહો; પોતાના સર્જનથી યહોવાહ આનંદ પામો. 34તેમના માટેના મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ; હું યહોવાહમાં આનંદ કરીશ.

બીજું વાંચન

ગલ 5:16–25

16પણ હું કહું છું કે, આત્માની દોરવણી અનુસાર ચાલો અને તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ. 17કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ; કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ઇચ્છો તે તમે કરતા નથી. 18પણ જો તમે આત્માની દોરવણી મુજબ વર્તો છો, તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી. 19દેહનાં કામ તો દેખીતાં છે, એટલે જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટપણું, 20મૂર્તિપૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, 21અદેખાઈ, સ્વચ્છંદતા, ભોગવિલાસ તથા તેઓના જેવા કામો; જેમ પહેલાં મેં તમને ચેતવ્યાં હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ. 22પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23નમ્રતા અને આત્મસંયમ છે; આ બાબતોની વિરુદ્ધ કોઈ નિયમ નથી. 24અને જેઓ ખ્રિસ્તનાં છે, તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે. 25જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માની દોરવણી પ્રમાણે ચાલવું પણ જોઈએ.

સુવાર્તા

યોહ 15:26–27; 16:12–15

26પણ સહાયક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી આવે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ; તે જયારે આવશે, ત્યારે મારા સંબંધી સાક્ષી આપશે. 27તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો. 16:12હજુ પણ મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે સમજી શકો તેમ નથી. 13તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે. 14તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંથી તે લઈને તમને કહી બતાવશે. 15જે પિતાનાં છે, તે સર્વ મારાં છે; માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંથી લઈને તે તમને કહી બતાવશે.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો