Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › એપ્રિલ 2027 › 21 એપ્રિલ

ઓર્થોડોક્સ પંચાંગ · 8 એપ્રિલ (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 21 એપ્રિલ 2027

બુધવાર · મહાન ઉપવાસકાળનું છઠ્ઠું અઠવાડિયું · સ્વર 5

પર્વો અને સંતો

Apostles of the Seventy Herodion (Rodion), Agabus, Asyncritus, Rufus, Phlegon and Hermes (1st C)

મહાન ઉપવાસકાળ

કડક ઉપવાસ (સૂકો આહાર: રોટલી, શાકભાજી, ફળ)

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

છઠ્ઠો કલાક

યશા 58:1–11

1મોટા આવજે પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, મારા લોકોને તેઓના અપરાધો અને યાકૂબના ઘરનાંને તેઓનાં પાપ કહી સંભળાવો. 2જેમ તેઓ ન્યાયીપણું કરનારી પ્રજા હોય અને તેઓના ઈશ્વરના નિયમને તજનાર ન હોય તે પ્રમાણે, તેઓ રોજ મને શોધે છે અને મારા માર્ગોના ડહાપણમાં આનંદ કરે છે. તેઓ મારી પાસે ન્યાયી ચુકાદા માગે છે; ઈશ્વર તેઓની પાસે આવે છે તેમાં તેઓ આનંદ માણે છે. 3તેઓ કહે છે, “અમે ઉપવાસ કર્યો છે પણ તમે કેમ જોયું નહિ? અમે અમારી જાતોને નમ્ર કરી, પણ કેમ તમે ધ્યાન આપ્યું નહિ?” જુઓ, ઉપવાસને દિવસે તમે તમારા આનંદને શોધો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. 4જુઓ, તમે ઝઘડા તથા કંકાસને માટે અને દુષ્ટતાની મુક્કી મારવા માટે ઉપવાસ કરો છો; તમારી વાણી આકાશમાં સંભળાય તે માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી. 5ખરેખર આ પ્રકારના ઉપવાસ હું ઇચ્છું છું: તે દિવસે દરેક માણસ પોતાની જાતને નમ્ર કરે, પોતાનું માથું બરુની જેમ નમાવે અને પોતાની બેઠક નીચે ટાટ તથા રાખનું પાથરણું કરે? શું ખરેખર તમે આને ઉપવાસ, યહોવાહનો માન્ય દિવસ કહો છો? 6આ એ ઉપવાસ નથી જેને હું પસંદ કરું છું: દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં દોરડાં છોડવાં, કચડાયેલાઓને મુકત કરવા અને દરેક ઝૂંસરીને ભાંગી નાખવી. 7શું ભૂખ્યાઓની સાથે તારી રોટલી વહેંચવી અને દરિદ્રી તથા બેઘર લોકોને પોતાના ઘરે બોલાવવા એ ઉપવાસ નથી? જ્યારે તું કોઈને નિર્વસ્ત્ર જુએ ત્યારે તારે તેને વસ્ત્ર પહેરાવવું; અને તારા સંબંધીઓથી તારે સંતાવું નહિ. 8ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે અને તારું આરોગ્ય જલદી થશે; તારું ન્યાયીપણું તારી આગળ ચાલશે અને યહોવાહનું ગૌરવ તારો પીઠરક્ષક થશે. 9ત્યારે તું હાંક મારશે અને યહોવાહ ઉત્તર આપશે; તું સહાય માટે પોકાર કરશે અને તે કહેશે, “હું આ રહ્યો.” જો તું તારામાંથી ઝૂંસરીને દૂર કરે, દોષ મૂકનારી આંગળી અને ભૂંડું બોલવાનું દૂર કરે, 10જો તું ભૂખ્યાને ખોરાક પૂરો પાડે અને દુઃખીના જીવને તૃપ્ત કરે; તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઊઠશે અને તારો અંધકાર બપોરના જેવો થઈ જશે. 11ત્યારે યહોવાહ તને નિત્ય દોરશે અને તારા આત્માનાં સૂકા પ્રદેશને તૃપ્ત કરશે અને તારાં હાડકાં મજબૂત કરશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો અને ઝરાના અખૂટ ભંડાર જેવો થશે.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

ઉત્પ 43:26–31; 45:1–16

26જયારે યૂસફ ઘરમાં આવ્યો, ત્યારે તેઓના હાથમાં જે ભેટો હતી તે તેની પાસે ઘરમાં લઈ આવીને જમીન સુધી નમીને પ્રણામ કર્યાં. 27યૂસફે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “જે વૃદ્ધ પિતા વિષે તમે મને કહ્યું હતું તે શું ક્ષેમકુશળ છે? તે શું હજી હયાત છે?” 28તેઓએ કહ્યું, “તારો દાસ અમારો પિતા ક્ષેમકુશળ છે. તે હજી હયાત છે.” ફરીથી તેઓએ નમીને યૂસફને પ્રણામ કર્યાં. 29યૂસફે તેના ભાઈ બિન્યામીનને એટલે તેની માતાના દીકરાને જોયો અને બોલ્યો, “શું આ તમારો સૌથી નાનો ભાઈ છે કે જેના વિષે તમે મને કહ્યું હતું? “તેણે પૂછ્યું, “મારા દીકરા, તું કેમ છે? ઈશ્વરની કૃપા તારા પર થાઓ.” 30યૂસફ ઉતાવળથી ઓરડાની બહાર ચાલ્યો ગયો, કારણ કે તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું. ત્યાં જઈને તે રડ્યો. 31તેણે પોતાનો ચહેરો ધોયો અને બહાર આવ્યો. તેની લાગણીઓ દબાવી રાખીને બોલ્યો, “ચાલો, આપણે જમીએ.” 45:1પછી યૂસફ તેની આસપાસ ઊભા રહેલા સર્વ દાસોની ઉપસ્થિતિમાં તેની સંવેદના સમાવી રાખી શક્યો નહિ. તેણે મોટેથી હુકમ કર્યો, “દરેક વ્યક્તિ મારી પાસેથી દૂર જાય.” તેઓ ગયા ત્યારે યૂસફે તેના ભાઈઓ આગળ પોતાની ઓળખ આપી. તે વખતે કોઈપણ ચાકર ત્યાં હતો નહિ. 2પછી યૂસફ મોટેથી રડ્યો. તેનું રુદન મિસરીઓએ તથા ફારુનના મહેલમાંના સૌએ સાંભળ્યું. 3યૂસફે પોતાના ભાઈઓને કહ્યું, “હું યૂસફ છું. શું આપણા પિતા હજુ હયાત છે? “તેના ભાઈઓ તેને ઉત્તર આપી શક્યા નહિ. તેઓ યૂસફને ઓળખીને સખત ગભરાઈ ગયા હતા. 4પછી યૂસફે ભાઈઓને કહ્યું, “કૃપા કરી મારી પાસે આવો.” તેઓ પાસે આવ્યા અને તેણે કહ્યું, “હું તમારો ભાઈ યૂસફ છું, જેને તમે મિસરમાં વેચી દીધો હતો. 5પરંતુ તમે મને અહીં વેચી દીધો હોવાને કારણે હવે કશો અપરાધ કે ઉચાટ અનુભવશો નહિ, કેમ કે એ ઈશ્વરની યોજના હતી. જીવનો બચાવવા માટે તેમણે મને તમારી અગાઉ અહીં મોકલ્યો છે. 6કેમ કે બે વર્ષથી દેશમાં દુકાળ છે અને હજી બીજા પાંચ વર્ષ સુધી વાવણી તથા કાપણી થશે નહિ. 7પૃથ્વીમાં તમારાં સંતાનો જીવંત રાખવાને તથા તમારા જીવનો બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો છે. 8તેથી હવે તમે નહિ, પણ ઈશ્વર મને અહીં લાવ્યા હતા. તેમણે જ મને ફારુનનો સલાહકાર, તેના સમગ્ર રાજ્યનો પ્રભુ તથા આખા મિસરનો અધિપતિ બનાવ્યો છે. 9તમે જેમ બને તેમ જલ્દી આપણા પિતા પાસે પાછા જાઓ અને તેને કહો, ‘તારો દીકરો યૂસફ આ પ્રમાણે કહે છે, ઈશ્વરે મને સમગ્ર મિસરનો અધિપતિ બનાવ્યો છે. તું મારી પાસે આવ અને વિલંબ કરીશ નહિ. 10ગોશેન દેશમાં તારો મુકામ થશે. તું, તારાં સંતાનો, તારા સંતાનોનાં સંતાનો, તારા જાનવરો તથા તારું સર્વસ્વ અહીં મારી નજીક રહેશો. 11તું, તારું કુટુંબ તથા જેઓ પણ તારી સાથે છે તેઓ સર્વ ગરીબાઈમાં ન આવી પડે તે માટે હું સર્વનું પાલનપોષણ કરીશ, હજુ દુકાળનાં બીજા પાંચ વર્ષ બાકી છે.” 12ભાઈઓ, જુઓ, તમારી આંખો તથા મારા ભાઈ બિન્યામીનની આંખો જોઈ રહી છે કે મારું મુખ તમારી સાથે બોલી રહ્યું છે. 13મિસરમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે જોયું તે મારા પિતાને જણાવો. જલ્દી જઈને મારા પિતાને અહીં લઈ આવો.” 14પછી યૂસફ તેના નાના ભાઈ બિન્યામીનને ભેટીને રડ્યો અને બિન્યામીન પણ તેને ભેટીને રડ્યો. 15તેણે સર્વ ભાઈઓને ચુંબન કર્યું અને તેઓને ભેટીને ગળગળો થયો. તે પછી તેના ભાઈઓએ હૃદય ખોલીને તેની સાથે વાતચીત કરી. 16ફારુનના કુટુંબમાં આ સમાચાર જણાવાયા કે, “યૂસફના ભાઈઓ આવ્યા છે.” ત્યારે ફારુનને તથા તેના દાસોને તે વાત સારી લાગી.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

નીતિ 21:23–22:4

23જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાં પોતાના આત્માનું રક્ષણ કરે છે. 24જે માણસ ઘમંડી છે; તેનું નામ “તિરસ્કાર” કરનાર છે, તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે. 25આળસુની ભૂખ જ તેને મારી નાખે છે, કારણ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે. 26એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભ જ કર્યા કરે છે, પણ નેક માણસ તો આપે છે અને હાથ પાછો ખેંચી રાખતો નથી. 27દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે, તે બદઇરાદાથી યજ્ઞ કરે, તો તે કેટલો બધો કંટાળારૂપ થાય. 28જૂઠી સાક્ષી પૂરનાર નાશ પામશે, પરંતુ જે માણસ ધ્યાનથી સાંભળે છે તેની જીત થશે. 29દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા કઠોર કરે છે, પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે. 30કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત યહોવાહની આગળ ચાલી શકે નહિ. 31યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો યહોવાહ દ્વારા જ મળે છે. 22:1સારું નામ એ પુષ્કળ ધન કરતાં અને પ્રેમયુક્ત રહેમ નજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે. 2દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કે યહોવાહે તે બન્નેના ઉત્પન્નકર્તા છે. 3ડાહ્યો માણસ આફતને આવતી જોઈને સંતાઈ જાય છે, પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે. 4વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન એ યહોવાહના ભયનાં ફળ છે.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 8 એપ્રિલ એટલે નાગરિક પંચાંગનો 21 એપ્રિલ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો