Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › એપ્રિલ 2027 › 13 એપ્રિલ

ઓર્થોડોક્સ પંચાંગ · 31 માર્ચ (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 13 એપ્રિલ 2027

મંગળવાર · મહાન ઉપવાસકાળનું પાંચમું અઠવાડિયું · સ્વર 4

પર્વો અને સંતો

St. Hypatius the Wonderworker and Bishop of Gangra († c. 326)

મહાન ઉપવાસકાળ

કડક ઉપવાસ (સૂકો આહાર: રોટલી, શાકભાજી, ફળ)

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

છઠ્ઠો કલાક

યશા 40:18–31

18તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો? 19મૂર્તિને તો કારીગર ઢાળે છે: સોની તેને સોનાથી મઢે છે અને તેને માટે રૂપાની સાંકળીઓ ઘડે છે. 20જે માણસ દરિદ્રી થઈ જવાથી અર્પણ કરવાને અસમર્થ થઈ ગયો હોય, તે સડી નહિ જાય એવું લાકડું પસંદ કરે છે, તે કુશળ કારીગરને શોધે છે કે જે હાલે નહિ કે પડી ન જાય એવી મૂર્તિ સ્થાપન કરે. 21શું તમે નથી જાણતા? તમે નથી સાંભળ્યું? આરંભથી તમને ખબર મળી નથી? પૃથ્વીનો પાયો નંખાયો ત્યારથી તમે સમજતા નથી? 22પ્રભુ તો પૃથ્વી ઉપરના આકાશમંડળ પર બિરાજનાર છે અને એમની નજરમાં તેના રહેવાસીઓ તીડ સમાન છે! તે પડદાની જેમ આકાશોને પ્રસારે છે અને રહેવા માટેના તંબુની જેમ તેઓને તાણે છે. 23અધિપતિઓને નહિ સરખા કરનાર તે છે અને તે પૃથ્વીના રાજકર્તાઓને શૂન્ય જેવા કરે છે. 24જુઓ, તેઓ રોપાયા ન રોપાયા કે, તેઓ વવાયા ન વવાયા, તેઓના મૂળ જમીનમાં જડાયાં કે, તરત જ તેઓ પર તે ફૂંક મારે છે અને તેઓ સુકાઈ જાય છે અને વાયુ તેમને ફોતરાંની જેમ ઉડાવી દે છે. 25વળી, પવિત્ર ઈશ્વર પૂછે છે, “તમે મને કોની સાથે સરખાવશો કે હું તેના જેવો ગણાઉં?” 26તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો! આકાશના આ સર્વ તારા કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓને સંખ્યાબંધ બહાર કાઢી લાવે છે અને તે સર્વને નામ લઈને બોલાવે છે, એકે રહી જતો નથી. 27યાકૂબ, શા માટે કહે છે, અને ઇઝરાયલ, તું શા માટે બોલે છે કે, “મારો માર્ગ યહોવાહથી સંતાડેલો છે અને મારો ન્યાય મારા ઈશ્વરના લક્ષમાં નથી?” 28તે શું નથી જાણ્યું? તે શું નથી સાંભળ્યું? યહોવાહ તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના છેડા સુધી ઉત્પન્ન કરનાર તે છે, તે કદી નિર્બળ થતા નથી કે થાકતા નથી; તેમની સમજણની કોઈ સીમા નથી. 29થાકેલાને તે બળ આપે છે તથા નિર્બળ થયેલાંને પુષ્કળ જોર આપે છે. 30છોકરા તો નિર્બળ થશે અને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે અને પડશે: 31પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને નિર્બળ થશે નહિ.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

ઉત્પ 15:1–15

1પછી ઈશ્વરના વચન દર્શનમાં ઇબ્રામ પાસે આવ્યું અને કહ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ! હું તારી રક્ષા કરીશ તથા મોટું પ્રતિફળ આપીશ.” 2ઇબ્રામે કહ્યું, “પ્રભુ ઈશ્વર, તમે મને શું આપશો? કેમ કે હું નિ:સંતાન છું અને મારા ઘરનો વારસ આ દમસ્કસનો એલીએઝેર બનશે.” 3ઇબ્રામે કહ્યું, “તમે મને હજી સુધી સંતાન આપ્યું નથી, માટે મારા ઘરનો કારભારી મારો વારસ થશે.” 4પછી ઈશ્વરના વચન તેની પાસે આવ્યું અને કહ્યું, “એ તારો વારસ થશે નહિ, પણ તેના બદલે તારો જે પુત્ર જન્મશે તે જ તારો વારસ થશે.” 5પછી ઈશ્વર ઇબ્રામને રાત્રે ઘરની બહાર આકાશ નીચે લઈ ગયા અને કહ્યું, “તું ઊંચે આકાશ તરફ જો અને ગણી શકે તો તારાઓ ગણ,” પછી તેમણે તેને કહ્યું, “એ તારાઓ જેટલાં તારા સંતાન થશે.” 6તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેમણે તે તેના ન્યાયીપણાના અર્થે માન્ય રાખ્યો. 7ઈશ્વરે તેને કહ્યું, “આ દેશ વતન તરીકે તને આપવા માટે ખાલદીઓના નગર ઉરમાંથી તને અહીં લઈ આવનાર ઈશ્વર હું છું.” 8તેણે કહ્યું, “પ્રભુ ઈશ્વર, હું તેનો વારસો પામીશ, એની ખાતરી મને કેવી રીતે થાય?” 9પછી તેમણે તેને કહ્યું, “મારે માટે ત્રણ વર્ષની એક વાછરડી, ત્રણ વર્ષની બકરી, ત્રણ વર્ષનું ઘેટું, એક હોલું અને કબૂતરનું બચ્ચું લે.” 10તેણે એ સર્વ લીધાં, તેઓને વચ્ચેથી બે ભાગમાં કાપ્યા અને દરેકના અડધા ભાગને સામસામા મૂક્યા, પણ તેણે પક્ષીઓને કાપ્યાં નહિ. 11જયારે શિકારી પક્ષી તે મૃત દેહ ઉપર ધસી આવ્યાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી દીધાં. 12પછી સૂર્ય આથમતો હતો ત્યારે ઇબ્રામ ભરનિદ્રામાં પડ્યો અને તેના પર ભયંકર અંધકાર આવી પડ્યો. 13પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, “તું નિશ્ચે જાણી લે કે, તારા વંશજો વિદેશમાં ભટકશે, ગુલામ બનશે અને તેઓ પર ચારસો વર્ષ સુધી જુલમ ગુજારવામાં આવશે. 14તેઓ જે લોકોની સેવા કરશે, તે લોકોનો ન્યાય હું કરીશ અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી મુક્ત થઈને બહાર આવશે. 15પણ તું પોતાના પૂર્વજોની પાસે શાંતિએ જશે અને તું ઘણી વૃદ્ધ ઉંમરે મૃત્યુ પામશે અને દફનાવાશે.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

નીતિ 15:7–19

7જ્ઞાની માણસના હોઠો ડહાપણ ફેલાવે છે, પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે. 8દુષ્ટના યજ્ઞાર્પણને યહોવાહ ધિક્કારે છે, પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે. 9દુષ્ટના માર્ગથી યહોવાહ કંટાળે છે, પરંતુ નીતિને માર્ગે ચાલનાર પર તે પ્રેમ દર્શાવે છે. 10સદ્દ્માર્ગને તજી દઈને જનારને આકરી સજા થશે, અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરણ પામશે. 11શેઓલ તથા અબદોન યહોવાહ સમક્ષ ખુલ્લાં છે; તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ? 12તિરસ્કાર કરનારને કોઈ ઠપકો આપે તે તેને ગમતું હોતું નથી; અને તે જ્ઞાની માણસની પાસે જવા પણ ઇચ્છતો નથી. 13અંતરનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે, પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે. 14જ્ઞાની હૃદય ડહાપણની ઇચ્છા રાખે છે, પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઈ છે. 15જેઓને સતાવવામાં આવે છે તેઓના સર્વ દિવસો ખરાબ જ છે, પણ ખુશ અંતઃકરણવાળાને તો સતત મિજબાની જેવું હોય છે. 16ઘણું ઘન હોય પણ તે સાથે મુશ્કેલીઓ હોય, તેના કરતા થોડું ધન હોય પણ તે સાથે યહોવાહનો ભય હોય તે વધારે ઉત્તમ છે. 17વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી માણસને ત્યાં સાદાં શાકભાજી ખાવાં ઉત્તમ છે. 18ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે, પણ ધીરજવાન માણસ કજિયાને શાંત પાડે છે. 19આળસુનો માર્ગ કાંટાથી ભરાયેલી જાળ જેવો છે, પણ પ્રામાણિકનો માર્ગ વિઘ્નોથી મુક્ત છે.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 31 માર્ચ એટલે નાગરિક પંચાંગનો 13 એપ્રિલ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો