Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › એપ્રિલ 2027 › 5 એપ્રિલ

ઓર્થોડોક્સ પંચાંગ · 23 માર્ચ (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 5 એપ્રિલ 2027

સોમવાર · મહાન ઉપવાસકાળનું ચોથું અઠવાડિયું · સ્વર 3

પર્વો અને સંતો

Martyr Nikon in Sicily and his 199 Disciples († 251)

મહાન ઉપવાસકાળ

કડક ઉપવાસ (સૂકો આહાર: રોટલી, શાકભાજી, ફળ)

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

છઠ્ઠો કલાક

યશા 14:24–32

24સૈન્યોના યહોવાહે શપથ લીધા છે, “નિશ્ચિત, જે પ્રમાણે મેં ધારણા કરી છે, તે પ્રમાણે નક્કી થશે; અને મેં જે ઠરાવ કર્યો છે તે કાયમ રહેશે: 25એટલે મારા દેશમાં હું આશ્શૂરનાં ટુકડેટુકડા કરીશ અને મારા પર્વતો પર હું તેને પગ નીચે ખૂંદી નાખીશ. ત્યારે તેની ઝૂંસરી તેઓ પરથી ઊતરી જશે અને તેનો ભાર તેઓના ખભા પરથી ઊતરી જશે.” 26જે સંકલ્પ આખી પૃથ્વી વિષે કરેલો છે તે એ છે અને જે હાથ સર્વ દેશો સામે ઉગામેલો છે તે એ છે. 27કેમ કે સૈન્યોના યહોવાહે જે યોજના કરી છે; તેમને કોણ રોકશે? તેમનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે? 28આહાઝ રાજા મરણ પામ્યો તે વર્ષે આ જાહેરાત કરવામાં આવી: 29હે સર્વ પલિસ્તીઓ, જે છડીએ તમને માર્યા તે ભાંગી ગઈ છે, એ માટે હરખાશો નહિ. કેમ કે સાપના મૂળમાંથી નાગ નીકળશે અને તેમાંથી ઊડતા સાપ પેદા થશે. 30ગરીબોના પ્રથમજનિત ખાશે અને જરૂરતમંદો સુરક્ષામાં સૂઈ જશે. હું તારા મૂળને દુકાળથી મારી નાખીશ અને તારા સર્વ બચેલાની કતલ કરવામાં આવશે. 31વિલાપ કર, હે પલિસ્તી દેશ; વિલાપ કર, હે નગર તું પીગળી જા. કેમ કે ઉત્તર તરફથી ધુમાડાનાં વાદળ આવે છે અને તેમના સૈન્યમાં કોઈ પાછળ રહી જનાર નથી. 32તો દેશના સંદેશવાહકોને કેવો ઉત્તર આપવો? તે આ કે, યહોવાહે સિયોનનો પાયો નાખેલો છે અને તેમના લોકોમાંના જેઓ દીન છે તેઓ તેમાં આશ્રય લઈ શકે છે.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

ઉત્પ 8:21–9:7

21યહોવાહે સુગંધીઓથી પ્રસન્ન થઈને પોતાના હૃદયમાં કહ્યું કે, “બાળપણથી જ માણસના હૃદયનું વલણ દુષ્ટ હોય છે તે છતાં પણ હવે પછી માનવજાતને નષ્ટ કરીને હું ભૂમિને ફરી શાપિત નહિ કરું. જેમ મેં સર્વ સજીવોનો નાશ કર્યો છે એવું ફરીથી કદી હું નહિ કરું. 22પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણીની મોસમ, ઠંડી તથા ગરમી, ઉનાળો તથા શિયાળો અને દિવસ તથા રાત થયા વગર રહેશે નહિ.” 9:1પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. 2પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે. 3પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું. 4પણ તેનું માંસ તમારે જીવ એટલે લોહી સહિત ન ખાવું. 5હું નિશ્ચે તમારા લોહીનો બદલો માગીશ. દરેક પશુ પાસેથી હું બદલો લઈશ. કોઈપણ માણસના હાથ પાસેથી, એટલે કે, જે હાથે તેણે પોતાના ભાઈની હત્યા કરી છે, તેના જીવનો બદલો હું માંગીશ. 6જે કોઈ માણસનું લોહી વહેવડાવે, તેનું લોહી પણ માણસથી વહેવડાવાશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે. 7તમે સફળ થાઓ, આખી પૃથ્વી પર વંશવૃદ્ધિ કરો અને વધતા જાઓ.”

સંધ્યા-પ્રાર્થના: વાંચન

નીતિ 11:19–12:6

19જે માણસ નેકીમાં સુદ્રઢ છે તે જીવન સંપાદન કરે છે, પણ બૂરાઈ શોધનાર પોતાનું જ મોત લાવે છે. 20વિપરીત અંતઃકરણવાળા માણસોથી યહોવાહ કંટાળે છે, પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેમને આનંદરૂપ છે. 21ખાતરી રાખજો કે દુષ્ટને સજા થયા વિના રહેશે નહિ, પણ સદાચારીઓનાં સંતાનનો બચાવ થશે. 22જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે તેમ વિવેકહીન સ્ત્રીની સુંદરતા છે. 23નેક માણસની ઇચ્છા સારી જ હોય છે, પરંતુ દુષ્ટોની ઇચ્છાઓ કોપરૂપ છે. 24એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ પામે છે; અને કેટલાક વધુ પડતી કરકસર કરે છે તેમ છતાં તેઓ કંગાળ થાય છે. 25ઉદાર વ્યક્તિ આબાદ થશે, પાણી આપનાર પોતે પણ પાણી પીશે. 26અનાજ સંઘરી રાખનારને લોકો શાપ આપે છે, પણ વેચનાર ઉપર તેઓ આશીર્વાદ વરસાવે છે. 27ખંતથી હિત શોધનારને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે, પણ જે અહિત કરે છે તેઓને નુકશાન થશે. 28પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે, પણ નેકીવાન લીલા પાનની માફક ખીલશે. 29જે પોતાના જ કુટુંબને દુ:ખી કરે છે, તેને પવનનો વારસો મળશે, અને મૂર્ખ માણસ જ્ઞાનીનો ચાકર બનશે. 30નેકીવાનનું ફળ તે જીવનનું વૃક્ષ છે, પણ જે જ્ઞાની છે તે બીજા આત્માઓને બચાવે છે. 31નેકીવાનને પૃથ્વી પર બદલો મળશે; તો દુષ્ટ અને પાપીને પણ તેના કામ પ્રમાણે બદલો મળશે તે કેટલું ખાતરીપૂર્વક છે! 12:1જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે વિદ્યા પણ ચાહે છે, પણ જે વ્યક્તિ ઠપકાને ધિક્કારે છે તે પશુ જેવો છે. 2સારો માણસ યહોવાહની કૃપા મેળવે છે, પણ કુયુક્તિખોર માણસને તે દોષપાત્ર ઠેરવશે. 3માણસ દુષ્ટતાથી સ્થિર થશે નહિ, પણ નેકીવાનની જડ કદી ઉખેડવામાં આવશે નહિ. 4સદગુણી સ્ત્રી તેના પતિને મુગટરૂપ છે, પણ નિર્લજ્જ સ્ત્રી તેનાં હાડકાને સડારૂપ છે. 5નેકીવાનના વિચાર ભલા હોય છે, પણ દુષ્ટોની સલાહ કપટભરી હોય છે. 6દુષ્ટની વાણી રક્તપાત કરવા વિષે હોય છે, પણ પ્રામાણિક માણસનું મુખ તેને બચાવશે.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 23 માર્ચ એટલે નાગરિક પંચાંગનો 5 એપ્રિલ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો