મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 29 માર્ચ
ઓર્થોડોક્સ પંચાંગ · 16 માર્ચ (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 29 માર્ચ 2027
સોમવાર · મહાન ઉપવાસકાળનું ત્રીજું અઠવાડિયું · સ્વર 2
પર્વો અને સંતો
Martyr Sabinus of Egypt († 287)
મહાન ઉપવાસકાળ
કડક ઉપવાસ (સૂકો આહાર: રોટલી, શાકભાજી, ફળ)
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
છઠ્ઠો કલાક
13સૈન્યોના યહોવાહને તમે પવિત્ર માનો, તેમનાથી બીહો અને તેમનો જ ભય રાખો. 14તે તમારું પવિત્રસ્થાન થશે; પણ ઇઝરાયલના બન્ને કુળને માટે, તે ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર ખડક થશે અને યરુશાલેમના રહેવાસીઓ માટે તે ફાંદારૂપ અને જાળરૂપ થઈ પડશે. 15તેઓમાંના ઘણા ઠોકર ખાઈને પડશે અને છિન્નભિન્ન થઈ જશે અને જાળમાં સપડાઈ જશે. 16હું મારા સાક્ષી બાંધી દઈશ અને સત્તાવાર વિગતોને મહોર મારીને મારા શિષ્યોને સોંપી દઈશ. 17હું યહોવાહની રાહ જોઈશ, જે યાકૂબના સંતાનોથી પોતાનું મુખ સંતાડે છે, તેમને માટે હું રાહ જોઈશ. 18જુઓ, હું અને યહોવાહે જે સંતાનો મને ઇઝરાયલ માં ચિહ્નો તથા અદ્દભુત કાર્યોને અર્થે આપ્યાં છે તેઓ પણ, સૈન્યોના યહોવાહના સિયોન પર્વત પર વસે છે. 19તેઓ તમને કહેશે, “ભૂવાઓ અને જાદુગરની પાસે જાઓ,” ધીમે અવાજે બડબડનાર જાદુગરની પાસે જઈને ખબર કાઢો. પણ શું તેઓએ પોતાના ઈશ્વરની પાસે જઈને ખબર નહિ કાઢવી? શું જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું? 20તેથી તમારે નિયમશાસ્ત્ર અને સાક્ષી પર ધ્યાન લગાવવું! જો તેઓ આવી વાતો ન કહે, તો તેનું કારણ છે કે તેમનામાં પરોઢનો પ્રકાશ નથી. 21દુ:ખી તથા ભૂખ્યા થઈને તેઓ દેશમાં ભટકશે. જ્યારે તેઓ ભૂખ્યા થશે, ત્યારે તેઓ ગુસ્સે થશે અને ઊંચે આકાશ તરફ જોઈને પોતાના રાજાને તથા પોતાના ઈશ્વરને શાપ આપશે. 22તેઓ પૃથ્વી પર નજર કરશે અને વિપત્તિ, અંધકાર અને વેદનાની ગ્લાનિ જોશે. તેઓને ઘોર અંધકારમાં હાંકી કાઢવામાં આવશે. 9:1પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યુ હતું, તેમાં અંધકાર નહિ રહે. પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો, પણ છેવટે તે સમુદ્રના રસ્તે આવેલા, યર્દનને પેલે પાર, ગાલીલના દેશોને પ્રતિષ્ઠા અપાવશે. 2અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના દેશમાં રહેનારાઓ પર અજવાળું પ્રકાશ્યું છે. 3તેં પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેમનો આનંદ વધાર્યો છે; કાપણીમાં થતાં આનંદ પ્રમાણે તેઓ તમારી સમક્ષ આનંદ કરે છે, જેમ લોક લૂંટ વહેંચતા આનંદ કરે છે તેમ. 4કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેઓ ભારની ઝૂંસરીને, તેઓના ખભા પરની કાઠીને, તેઓના પર જુલમ કરનારની લાકડીને તેં ભાંગી નાખી છે. 5સૈનિકોના અવાજ કરતા જોડા અને રક્તમાં બોળેલાં વસ્ત્રો, તે સર્વને બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે. 6કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્દભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે. 7દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી, તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દૃઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના યહોવાહનો ઉત્સાહ આમ કરશે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
9નૂહ અને તેના કુટુંબ વિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દોષ હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો. 10નૂહને ત્રણ દીકરાઓ હતા: શેમ, હામ તથા યાફેથ. 11ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી. 12ઈશ્વરે પૃથ્વીમાં નજર કરી; તો જુઓ, ત્યાં પૃથ્વી પર સર્વ માણસો ભ્રષ્ટ અને દુરાચારી થઈ ગયા હતા. 13ઈશ્વરે નૂહને કહ્યું કે, “હું જોઉં છું કે સર્વ માનવજાત નષ્ટ થવાની છે, કેમ કે પૃથ્વીમાં તેઓની હિંસા અને દુરાચાર વ્યાપી ગયો છે. નિશ્ચે, હું તેઓનો પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ.” 14તું પોતાને સારુ એરેજનાં લાકડાંનું વહાણ બનાવ. તે વહાણમાં રૂમો બનાવ. વહાણની અંદર તથા બહાર ડામર લગાવીને તેનું આવરણ કર. 15તું તેને આ પ્રમાણે બનાવ: એટલે વહાણની લંબાઈ ત્રણસો હાથ, પહોળાઈ પચાસ હાથ અને તેની ઊંચાઈ ત્રીસ હાથ હોય. 16વહાણમાં છતથી એક હાથ નીચે બારી બનાવ. અને તું તેમાં નીચેનો, વચ્ચેનો તથા ઉપરનો એવા ત્રણ ખંડો બનાવ. 17સાંભળ, આકાશ નીચેના સર્વ સજીવો કે જેઓમાં જીવનનો શ્વાસ છે તે બધાનો સંપૂર્ણ નાશ કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવવાનો છું. તેનાથી પૃથ્વી પરનાં સર્વ જીવ મરણ પામશે. 18પણ હું તારી સાથે મારો કરાર કરું છું. તું, તારી સાથે તારા દીકરા, તારી પત્ની અને તારી પુત્રવધુઓને હું વહાણમાં સલામત રાખીશ. 19સર્વ પ્રકારના જાનવરોમાંથી બબ્બે સજીવો, એટલે એક નર તથા એક નારી બચાવવા માટે તારી સાથે તું વહાણમાં લાવ. 20દરેક જાતનાં પક્ષીઓ, પશુઓ તથા પેટે ચાલનારાંઓમાંથી નર અને નારીની એક એક જોડને વહાણમાં લાવ. 21સર્વ પ્રકારની ખાદ્ય સામગ્રી ભેગી કરીને તારી પાસે વહાણમાં તેનો સંગ્રહ કરી રાખ. તે તારે માટે તથા તેઓને માટે ખોરાક થશે. 22ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહે બધાં કામ પૂરાં કર્યાં.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
1શું ડહાપણ હાંક મારતું નથી? અને બુદ્ધિ પોકારતી નથી? 2તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબુતરાઓની ટોચ પર ઊભું રહે છે. 3અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે: 4“હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું મારું બોલવું પ્રત્યેક માણસને માટે છે. 5હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો અને હે મૂર્ખા તમે સમજણા થાઓ. 6સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું અને જે સાચું છે તે જ બાબતો વિષે મારું મુખ ઊઘડશે. 7મારું મુખ સત્ય ઉચ્ચારશે, મારા હોઠોને જૂઠાણું ધિક્કારપાત્ર લાગે છે. 8મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે, તેઓમાં કશું વાંકુ કે વિપરીત નથી. 9સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે. 10ચાંદી નહિ પણ મારી સલાહ લો અને ચોખ્ખા સોના કરતાં ડહાપણ પ્રાપ્ત કરો. 11કારણ કે ડહાપણ રત્નો કરતાં વધારે મૂલ્યવાન છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ. 12મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ બનાવ્યું છે, અને કૌશલ્ય અને વિવેકબુદ્ધિને હું શોધી કાઢું છું. 13યહોવાહનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઈ, દુષ્ટમાર્ગ અને અવળું બોલાનારાઓને હું ધિક્કારું છું. 14ડહાપણ તથા કૌશલ્ય મારાં છે; મારી પાસે ઊંડી સમજ અને શક્તિ છે. 15મારા દ્વારા જ રાજાઓ રાજ કરે છે અને રાજકર્તાઓ ન્યાય ચૂકવે છે. 16મારે લીધે રાજકુમારો શાસન કરે છે અને ઉમદા લોકો સાચો ચુકાદો આપે છે. 17મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું; અને જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે. 18દ્રવ્ય તથા ડહાપણ મારી પાસે છે, મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે. 19મારાં ફળ સોના કરતાં ચડિયાતાં છે, ચોખ્ખા સોના કરતાં અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ઠ છે. 20હું સદાચારને માર્ગે ચાલું છું, મારો માર્ગ ન્યાયનો છે, 21જેથી મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપી શકું અને તેઓના ભંડારો ભરપૂર કરી શકું.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 16 માર્ચ એટલે નાગરિક પંચાંગનો 29 માર્ચ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો