Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ફેબ્રુઆરી 2027 › 26 ફેબ્રુઆરી

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 26 ફેબ્રુઆરી 2027

શુક્રવાર · તપઋતુનું બીજું અઠવાડિયું

પર્વો અને સંતો

તપઋતુના બીજા અઠવાડિયાનો શુક્રવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી

ઉપવાસ અને પ્રાયશ્ચિત્ત

માંસનો ત્યાગ

દરેક શુક્રવાર પ્રાયશ્ચિત્તનો દિવસ છે; તે કેવી રીતે પાળવો તે દરેક બિશપ પરિષદ નક્કી કરે છે: માંસનો ત્યાગ કે પ્રાયશ્ચિત્તનું બીજું કોઈ કાર્ય. ઉપવાસ 18 થી 59 વર્ષની ઉંમર સુધી, માંસનો ત્યાગ 14 વર્ષથી બંધનકારક છે.

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

ઉત્પ 37:3–4, 12–13, 17–28

3હવે ઇઝરાયલ તેના સર્વ દીકરાઓ કરતાં યૂસફ પર વિશેષ પ્રેમ રાખતો હતો, કેમ કે તે તેના વૃદ્ધાવસ્થાનો દીકરો હતો. તેણે તેને સારુ રંગબેરંગી ઝભ્ભો સીવડાવ્યો. 4તેના ભાઈઓએ જાણ્યું કે તેઓનો પિતા તેના તમામ દીકરાઓમાંથી યૂસફ પર વિશેષ પ્રેમ કરે છે. તેથી તેઓ તેને નફરત કરતા હતા અને તેની સાથે શુદ્ધ હૃદયથી વાત કરતા નહોતા. 12તેના ભાઈઓ તેઓના પિતાના ટોળાં ચરાવવાને શખેમમાં ગયા. 13ઇઝરાયલે યૂસફને કહ્યું, “શું તારા ભાઈઓ શખેમમાં ઘેટાંબકરાં ચરાવતા નથી? હું તને તેઓની પાસે મોકલું છું.” યૂસફે તેને કહ્યું, “હું તૈયાર છું.” 17તે માણસે કહ્યું, “તેઓ દોથાન તરફ ગયા છે, કેમ કે મેં તેઓને એવું કહેતાં સાંભળ્યાં હતા કે, “ચાલો આપણે દોથાન જઈએ.” યૂસફે પોતાના ભાઈઓની પાછળ જઈને દોથાનમાં તેઓને શોધી કાઢ્યાં. 18તેઓએ તેને દૂરથી જોયો અને તેઓની પાસે તે આવી પહોંચે તે અગાઉ તેને મારી નાખવાને પેંતરો રચ્યો. 19તેના ભાઈઓએ એકબીજાને કહ્યું, “જુઓ, આ સ્વપ્નપતિ આવી રહ્યો છે. 20હવે ચાલો, આપણે તેને મારી નાખીને કોઈએક ખાડામાં નાખી દઈએ. પછી આપણે જાહેર કરીશું કે, ‘કોઈ જંગલી પશુ તેને ખાઈ ગયું છે.’ પછી તેના સ્વપ્નનું શું થાય છે તે આપણે જોઈશું.” 21રુબેને તે સાંભળ્યું અને ભાઈઓના હાથમાંથી તેણે તેને છોડાવ્યો. તેણે કહ્યું, “આપણે તેનો જીવ લેવો નથી.” 22તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રુબેને તેઓને કહ્યું, “તેનું લોહી ન વહેવડાવીએ. પણ આ અરણ્યમાં જે ખાડો છે તેમાં તેને નાખી દઈએ; પણ તેને કશી ઈજા કરીએ નહિ.” 23યૂસફ જયારે તેના ભાઈઓની પાસે પહોંચ્યો, ત્યારે તેઓએ તેના અંગ પરનો ઝભ્ભો ઝૂંટવી લીધો. 24તેઓએ તેને પકડીને ખાડામાં નાખી દીધો. પણ તે ખાડો ખાલી હતો અને તેમાં પાણી ન હતું. 25પછી તેઓ ભોજન કરવા માટે નીચે બેઠા. તેઓએ તેમની આંખો ઊંચી કરીને જોયું, તો, ઇશ્માએલીઓનો સંઘ ગિલ્યાદથી આવતો હતો. પોતાની સાથે સુગંધીઓ, ઔષધ તથા બોળથી લાદેલાં ઊંટોને લઈને તેઓ મિસર દેશમાં જતા હતા. 26યહૂદાએ તેના ભાઈઓને કહ્યું, “જો આપણે આપણા ભાઈને મારી નાખીને તેનું લોહી સંતાડી દઈએ તો તેથી આપણને શું મળે? 27ચાલો, આપણે તેને ઇશ્માએલીઓને વેચી દઈએ અને આપણે તેને કશું નુકસાન કરીએ નહિ. કેમ કે તે આપણો ભાઈ તથા આપણા કુટુંબનો છે.” તેના ભાઈઓએ તેનું કહેવું સ્વીકાર્યું. 28મિદ્યાની વેપારીઓ તેઓની પાસેથી પસાર થઈને જતા હતા ત્યારે યૂસફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર લાવીને વીસ ચાંદીના સિક્કામાં યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. ઇશ્માએલીઓ મિસરમાં લઈ ગયા.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 105:16–21

16તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો. 17તેમણે તેઓની પહેલાં યૂસફને કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો. 18બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી અને તેઓએ લોખંડનાં બંધનો તેના ગળે બાંધ્યાં. 19યહોવાહના શબ્દે પુરવાર કર્યુ કે તે સાચો હતો, ત્યાં સુધી યૂસફ જેલમાં રહ્યો. 20રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો; લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો. 21તેણે તેને પોતાના મહેલનો કારભારી અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો.

સુવાર્તા

માથ 21:33–43, 45–46

33એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો. 34ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા. 35ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો. 36પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું. 37પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’” 38પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.’ 39ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો. 40એ માટે જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?” 41તેઓએ ઈસુને કહ્યું કે, “તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.” 42ઈસુએ તેઓને કહ્યું કે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,’ એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું? 43એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે. 45મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તેઓ અમારા સંબંધી બોલે છે. 46તેઓ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા પણ તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો