Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ડિસેમ્બર 2026 › 27 ડિસેમ્બર

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 27 ડિસેમ્બર 2026

રવિવાર · નાતાલકાળ

પર્વો અને સંતો

પવિત્ર કુટુંબ: ઈસુ, મરિયમ અને યૂસફ

પર્વ · ધાર્મિક વિધિનો રંગ: સફેદ

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

ઉત્પ 15:1–6; 21:1–3

1પછી ઈશ્વરના વચન દર્શનમાં ઇબ્રામ પાસે આવ્યું અને કહ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ! હું તારી રક્ષા કરીશ તથા મોટું પ્રતિફળ આપીશ.” 2ઇબ્રામે કહ્યું, “પ્રભુ ઈશ્વર, તમે મને શું આપશો? કેમ કે હું નિ:સંતાન છું અને મારા ઘરનો વારસ આ દમસ્કસનો એલીએઝેર બનશે.” 3ઇબ્રામે કહ્યું, “તમે મને હજી સુધી સંતાન આપ્યું નથી, માટે મારા ઘરનો કારભારી મારો વારસ થશે.” 4પછી ઈશ્વરના વચન તેની પાસે આવ્યું અને કહ્યું, “એ તારો વારસ થશે નહિ, પણ તેના બદલે તારો જે પુત્ર જન્મશે તે જ તારો વારસ થશે.” 5પછી ઈશ્વર ઇબ્રામને રાત્રે ઘરની બહાર આકાશ નીચે લઈ ગયા અને કહ્યું, “તું ઊંચે આકાશ તરફ જો અને ગણી શકે તો તારાઓ ગણ,” પછી તેમણે તેને કહ્યું, “એ તારાઓ જેટલાં તારા સંતાન થશે.” 6તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેમણે તે તેના ન્યાયીપણાના અર્થે માન્ય રાખ્યો. 21:1ઈશ્વરે જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદ્રષ્ટિ કરી અને ઈશ્વરે જે વચન સારાને આપ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું. 2સારા ગર્ભવતી થઈ અને ઇબ્રાહિમને સારુ તેની વૃદ્ધાવસ્થામાં, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું, તેમ નક્કી કરેલ સમયે તેણે દીકરાને જન્મ આપ્યો. 3ઇબ્રાહિમે સારાથી જન્મેલા દીકરાનું નામ ઇસહાક રાખ્યું.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 105:1–6, 8–9

1યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો; તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો. 2તેમની આગળ ગાઓ, તેમનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો. 3તેમના પવિત્ર નામને લીધે તમે ગૌરવ અનુભવો; યહોવાહને શોધનારનાં હૃદય આનંદ પામો. 4યહોવાહને તથા તેમના સામર્થ્યને શોધો; સતત તેમની હાજરીનો અનુભવ કરો. 5તેમણે જે આશ્ચર્યકારક કામો કર્યાં છે, તે તથા તેમના ચમત્કારો અને તેમના મુખમાંથી નીકળતા ન્યાયચુકાદા યાદ રાખો. 6તેમના સેવક ઇબ્રાહિમના વંશજો, તમે યાકૂબના વંશજો છો, તેમના પસંદ કરેલા, તમે તેમને યાદ કરો. 8તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે, હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે. 9જે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો અને ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા કરી હતી.

બીજું વાંચન

હિબ 11:8, 11–12, 17–19

8ઇબ્રાહિમ જે જગ્યા વારસામાં પામવાનો હતો, તેમાં જવાને તેડું પામીને આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે, એ ન જાણ્યાં છતાં વિશ્વાસથી તે રવાના થયો. 11વિશ્વાસથી સારા પણ વૃધ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવા સામર્થ્ય પામી; કેમ કે જેણે વચન આપ્યું હતું, તેમને તેણે વિશ્વાસપાત્ર ગણ્યા. 12એ માટે એકથી અને તે પણ વળી મૂએલા જેવો, તેનાથી સંખ્યામાં આકાશમાંના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠા પરની રેતી જે અગણિત છે તેના જેટલાં લોક ઉત્પન્ન થયા. 17ઇબ્રાહિમે, જયારે તેની કસોટી થઈ ત્યારે વિશ્વાસથી ઇસહાકનું બલિદાન આપ્યું; એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા અને જેને એવું કહેવામાં આવ્યું હતું કે, 18‘ઇસહાકથી તારો વંશ ગણાશે,’ તેણે પોતાના એકનાએક દીકરાનું બલિદાન આપ્યું. 19કેમ કે તે એવું માનતો હતો કે ઈશ્વર મૃત્યુ પામેલાઓને પણ ઉઠાડવાને સમર્થ છે; અને પુનરુત્થાનની ઉપમા પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો.

સુવાર્તા

લૂક 2:22–40

22મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસો પૂરા થયા, 23ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે, પ્રથમ જન્મેલો દરેક બાળક પ્રભુને સારુ પવિત્ર કહેવાય, તે પ્રમાણે તેઓ તેને પ્રભુની સમક્ષ રજૂ કરવાને, 24તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં કહ્યાં પ્રમાણે એક જોડ હોલાને અથવા કબૂતરનાં બે બચ્ચાનું બલિદાન કરવા સારુ, તેને યરુશાલેમમાં લાવ્યાં. 25ત્યારે જુઓ, શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો, તે ન્યાયી તથા ધાર્મિક હતો, તે ઇઝરાયલને દિલાસો મળે તેની રાહ જોતો હતો, અને પવિત્ર આત્મા તેના પર હતો. 26પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે, ‘પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.’” 27તે આત્માની પ્રેરણાથી ભક્તિસ્થાનમાં આવ્યો, ત્યાં નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા માટે બાળક ઈસુના માતાપિતા તેમને સિમયોનની પાસે લાવ્યા. 28ત્યારે તેણે બાળકને હાથમાં ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે, 29‘હે પ્રભુ, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને શાંતિથી જવા દો; 30કેમ કે મારી આંખોએ તમારો ઉદ્ધાર જોયો છે, 31જેને તમે સર્વ લોકોની સન્મુંખ તૈયાર કર્યા છે; 32તેઓ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.’” 33તેમના બાળક સંબંધી જે વાતો કહેવામાં આવી, તેથી તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા. 34શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેમની મા મરિયમને કહ્યું કે, ‘જો, આ બાળક ઇઝરાયલમાંનાં ઘણાંનાં પડવા, તથા પાછા ઊઠવા સારુ, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાની થવા સારુ ઠરાવેલો છે. 35હા, તારા પોતાના જીવને તલવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં મનોની કલ્પના પ્રગટ થાય.’” 36આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. અને તે પોતાનાં લગ્ન પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી. 37તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી; તે ભક્તિસ્થાનમાં જ રહેતી હતી, અને રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાસહિત ભજન કર્યા કરતી હતી. 38તેણે તે જ ઘડીએ ત્યાં આવીને ઈશ્વરની સ્તુતિ કરી, અને જેઓ યરુશાલેમના ઉદ્ધારની રાહ જોતાં હતા તે સઘળાને તે બાળક સંબંધી વાત કરી. 39તેઓ પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી ચૂક્યા પછી ગાલીલમાં પોતાના શહેર નાસરેથમાં પાછા ગયા. 40ત્યાં તે છોકરો મોટો થયો, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો, અને ઈશ્વરની કૃપા તેના પર હતી.

આજના સંતો

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો