Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › યહૂદિયાના રાજાઓ

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · યહૂદિયાના રાજાઓ

ઇઝરાયલ રહાબામ વિરુદ્ધ બળવો કરે છે

1 રાજા 12:1–19 · 2 કાળ 10:1–19

1 રાજાઓ

1 રાજા 12:1–19

1રહાબામ શખેમ ગયો, કેમ કે તમામ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા માટે શખેમ આવ્યા હતા.

2નબાટના દીકરા યરોબામે એ સાંભળ્યું, પછી તે હજી મિસરમાં હતો, તે સુલેમાન રાજાની હજૂરમાંથી ત્યાં નાસી ગયો હતો. પછી યરોબામ મિસરમાં રહેતો હતો.

3તેથી તેઓએ માણસ મોકલીને તેને બોલાવડાવ્યો. અને યરોબામે તથા ઇઝરાયલની સમગ્ર પ્રજાએ આવીને રહાબામને કહ્યું,

4“તારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી. હવે પછી તારા પિતા અમારી પાસે સખત ગુલામી કરાવે છે તે બંધ કરાવ તથા અમારા પર તેણે મૂકેલી તેની ભારે ઝૂંસરી તું હલકી કરાવ, તો અમે તારે પક્ષે રહીને તારી સેવા કરીશું.”

5રહાબામે તેઓને કહ્યું, “અહીંથી ત્રણ દિવસ માટે ચાલ્યા જાઓ; પછી મારી પાસે પાછા આવજો.” એટલે તે લોકો ગયા.

6રહાબામ રાજાએ પોતાના પિતા સુલેમાનની હયાતીમાં, તેની આગળ જે વૃદ્ધ પુરુષો ઊભા હતા તેઓનું માર્ગદર્શન માગ્યું કે, “આ લોકોને જવાબ આપવા માટે તમે શી સલાહ આપો છો?”

7તેઓએ તેને કહ્યું, “જો તું આજે આ લોકોનો સેવક થઈશ, તેઓની સેવા કરીશ, તેઓને જવાબ આપીશ અને તેઓને ઉત્તમ વચનો કહીશ, તો તેઓ સદા તારા સેવકો થઈને રહેશે.”

8પણ રહાબામે વૃદ્ધ પુરુષોની આપેલી સલાહનો ઇનકાર કર્યો. અને જે યુવાનો તેની સાથે મોટા થયા હતા, જે તેની હજૂરમાં ઊભા રહેતા હતા, તેઓની સલાહ પૂછી.

9તેણે તેઓને પૂછ્યું, “આ જે લોકોએ મને કહ્યું છે કે, ‘તારા પિતાએ અમારી પર મૂકેલી ઝૂંસરી તું હલકી કર.’ તેઓને આપણે શો જવાબ આપીએ? તમે શો અભિપ્રાય આપો છો?”

10જે જુવાન પુરુષો રહાબામ સાથે મોટા થયા હતા તેઓએ તેને કહ્યું કે, “આ જે લોકોએ તમને કહ્યું હતું કે તારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી, પણ તું તે અમારા પરની ઝૂંસરીને હલકી કર. તેઓને તારે એમ કહેવું, ‘મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.

11તો હવે, મારા પિતાએ તમારા પર ભારે ઝૂંસરી મૂકી, તે તમારા પરની ઝૂંસરી હું વધુ ભારે કરીશ. મારા પિતાએ તમને ચાબુકથી શિક્ષા કરી, પણ હું તમને વીંછીઓથી શિક્ષા કરીશ.’”

12રાજાએ ફરમાવેલું, “ત્રીજે દિવસે મારી પાસે પાછા આવજો.” તે પ્રમાણે યરોબામ તથા સર્વ લોકો ત્રીજે દિવસે રહાબામ પાસે આવ્યા.

13રાજાએ તેઓને તોછડાઈથી જવાબ આપ્યો અને વૃદ્ધ પુરુષોએ તેને જે સલાહ આપી હતી તેનો ઇનકાર કર્યો.

14તેણે જુવાન પુરુષોની સલાહ પ્રમાણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારી ઝૂંસરી ભારે કરી, પણ હું તો તમારી ઝૂંસરી વધારે ભારે કરીશ. મારા પિતા તમને ચાબુકથી શિક્ષા કરતા, પણ હું તો તમને વીંછીઓથી શિક્ષા કરીશ.”

15રાજાએ લોકોનું કહેવું સાંભળ્યું નહિ. કેમ કે એ બનાવ યહોવાહ તરફથી બન્યો, કે જેથી યહોવાહે પોતાનું જે વચન શીલોની અહિયાની મારફતે નબાટના દીકરા યરોબામને આપ્યું હતું તે તે સ્થાપિત કરે.

16જયારે સર્વ ઇઝરાયલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને જવાબ આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ? યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી! ઓ ઇઝરાયલ, તમે તમારા તંબુમાં પાછા જાઓ. હવે હે દાઉદ તું તારું ઘર સંભાળી લે.” તેથી ઇઝરાયલ લોકો પોતપોતાના તંબુએ ગયા.

17પણ યહૂદિયાનાં નગરોમાં રહેતા ઇઝરાયલી લોકો પર રહાબામે રાજ કર્યું.

18પછી અદોરામ જે લશ્કરી મજૂરોનો ઉપરી હતો, તેને રહાબામ રાજાએ મોકલ્યો, પણ સર્વ ઇઝરાયલે તેને પથ્થરે એવો માર્યો કે તે મરણ પામ્યો. રહાબામ રાજા યરુશાલેમ નાસી જવા માટે ઉતાવળથી પોતાના રથ પર ચઢી ગયો.

19તેથી ઇઝરાયલે દાઉદના કુટુંબની વિરુદ્ધ આજ સુધી બંડ કરેલું છે.

2 કાળવૃતાંત

2 કાળ 10:1–19

1રહાબામ શખેમ ગયો, કેમ કે સર્વ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા શખેમમાં આવ્યા હતા.

2એમ બન્યું કે નબાટના પુત્ર યરોબામે આ વિષે સાંભળ્યું ત્યારે તે મિસરમાં હતો. તે સુલેમાન રાજાની પાસેથી મિસરમાં નાસી ગયો હતો; રહાબામ અંગે જાણીને યરોબામ મિસરમાંથી પાછો આવ્યો.

3માણસ મોકલીને તેને મિસરમાંથી બોલાવવામાં આવ્યો હતો. યરોબામે તથા સર્વ ઇઝરાયલીઓએ આવીને રહાબામને વિનંતી કરી,

4“તારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી. માટે હવે, તારા પિતાની સખત મહેનત તથા તેણે મૂકેલો ભારે બોજ તું કંઈક હલકો કર, એટલે અમે તારી સેવા કરીશું.”

5રહાબામે તેઓને કહ્યું, “ત્રણ દિવસ પછી તમે મારી પાસે પાછા આવજો.” તેથી લોકો ત્યાંથી પાછા ગયા.

6રહાબામ રાજાએ, જયારે તેના પિતા સુલેમાન જીવતા હતા ત્યારે તેની હજૂરમાં જે વડીલો ઊભા રહેતા તેઓની સલાહ લેતાં તેઓને પૂછ્યું, “આ લોકોને શો જવાબ આપવો તેના વિષે તમે મને શી સલાહ આપો છો?”

7તેઓએ તેને કહ્યું, “જો તું આ લોકો સાથે માયાળુપણે વર્તશે, તેઓને રાજીખુશીમાં રાખશે અને તેઓની સાથે મીઠાશથી વાત કરશે, તો તેઓ હંમેશા તારી આધીનતામાં રહેશે.”

8પરંતુ વૃદ્ધ માણસોએ જે સલાહ આપી હતી તેની રહાબામે અવગણના કરીને તેની સાથે ઊભેલા જુવાનોની સલાહ લીધી.

9તેણે યુવાનોને પૂછ્યું, “આ લોકોએ મને એમ કહ્યું છે કે, ‘તારા પિતાએ અમારા ઉપર જે બોજ મૂક્યો હતો તે કંઈક હલકો કર,’ હવે મારે તેઓને શો જવાબ આપવો તે વિષે તમે શી સલાહ આપો છો?”

10જે જુવાનો રહાબામ સાથે મોટા થયા હતા તેઓએ કહ્યું, “જે લોકોએ તારા પિતાએ મૂકેલો ભારે બોજો હલકો કરવાનું તને કહ્યું હતું. તેઓને તું કહેજે કે, ‘મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.

11તેથી હવે, મારા પિતાએ તમારા ઉપર જે ભારે બોજો મૂક્યો હતો, તે બોજાનો ભાર હલકો કરવાને બદલે હું તમારા પર વધારીશ. મારા પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતા, પણ હું તો વીંછીઓથી શિક્ષા કરીશ.’”

12રાજાએ કહેલું હતું, “ત્રીજા દિવસે મારી પાસે પાછા આવજો.” તેથી યરોબામ અને સર્વ લોકો ત્રીજા દિવસે રહાબામ પાસે પાછા આવ્યા.

13રહાબામ રાજાએ તેઓને ઉદ્ધતાઈથી જવાબ આપ્યો; અને વડીલોની સલાહને ગણકારી નહિ.

14પણ જુવાનોની સલાહ પ્રમાણે તેણે તેઓ સાથે વાત કરી; તેણે કહ્યું, “હું તમારા પરની ઝૂંસરી ભારે કરીશ; હું એ ઝૂંસરીનો ભાર વધારીશ. મારા પિતા તમને ચાબુકોથી સજા કરતા હતા, પણ હું તમને વીંછીઓથી સજા કરીશ.”

15આમ, રાજાએ લોકોની વાત સાંભળી નહિ, આ સર્વ ઈશ્વરની ઇચ્છાથી થયું હતું, કેમ કે ઈશ્વરે શીલોની અહિયા મારફતે નબાટના દીકરા યરોબામને જે વચન આપ્યું હતું તેને તે પૂર્ણ કરે.

16જ્યારે આખા ઇઝરાયલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી ત્યારે લોકોએ તેને ઉત્તર આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ? યિશાઈના દીકરામાં અમારો શો વારસો? દરેક જણ પોતપોતાના ઘરે પાછા જાઓ. હે દાઉદ પુત્ર, હવે તારું પોતાનું ઘર તું સંભાળજે.” એવું કહીને તમામ ઇઝરાયલી લોકો પોતપોતાને ઘરે પાછા ગયા.

17પણ યહૂદિયાના નગરોમાં જે ઇઝરાયલી લોકો રહેતા હતા તેઓ પર રહાબામે રાજ કર્યું.

18પછી રહાબામ રાજાએ હદોરામ, જે મજૂરોનો ઉપરી હતો અને જુલમથી કામ કરાવતો હતો તેને ઇઝરાયલના લોકો પાસે મોકલ્યો, પણ ઇઝરાયલના લોકોએ તેને પથ્થરે મારીને મારી નાખ્યો. તેથી રાજા તેના રથ પર બેસીને ઉતાવળે યરુશાલેમ નાસી ગયો.

19એમ, ઇઝરાયલે દાઉદના ઘર વિરુદ્ધ બળવો કર્યો, જે આજ દિવસ સુધી ચાલતો રહ્યો છે.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો