Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › સુલેમાન

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · સુલેમાન

સુલેમાન ગિબ્યોનમાં જ્ઞાન માગે છે

1 રાજા 3:4–15 · 2 કાળ 1:2–13

1 રાજાઓ

1 રાજા 3:4–15

4રાજા ગિબ્યોનમાં અર્પણ કરવા ગયો, કેમ કે તે મોટું ધર્મસ્થાન હતું. તે વેદી પર સુલેમાને એક હજાર દહનીયાર્પણ ચઢાવ્યાં.

5ગિબ્યોનમાં યહોવાહે રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “માગ! હું તને શું આપું?”

6તેથી સુલેમાને કહ્યું, “તમારા સેવક, મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, ન્યાયીપણાથી તથા તમારી સાથે પ્રામાણિક હૃદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મોટી કૃપા પણ કરી. તમે તેમના પર આ મોટી કૃપા કરી છે એટલે જેમ આજે છે તેમ, તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે.

7હવે હે યહોવાહ મારા ઈશ્વર, તમે આ તમારા દાસને મારા પિતા દાઉદને સ્થાને રાજા કર્યો છે, હું તો હજી માત્ર નાનો બાળક છું. કેવી રીતે બહાર જવું અથવા અંદર આવવું તે હું જાણતો નથી.

8તમારા પસંદ કરેલા લોકો કે, જે એક એવી મહાન પ્રજા છે, જેની ગણતરી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહિ તેઓ મધ્યે તમારો સેવક છે.

9માટે તમારા લોકોનો ન્યાય કરવા મને તમારા સેવકને વિવેક અને બુદ્વિવાળું હૃદય આપો, કે જેથી સાચા અને ખોટાનો તફાવત હું પારખી શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”

10સુલેમાનની વિનંતીથી પ્રભુ પ્રસન્ન થયા.

11તેથી ઈશ્વરે તેને કહ્યું, “તેં યોગ્ય માગણી કરી છે અને પોતાના માટે લાબું આયુષ્ય માગ્યું નથી. વળી તેં પોતાને માટે સંપત્તિ અથવા તારા દુશ્મનોના જીવ માગ્યા નથી, પણ ન્યાય કરવા માટે બુદ્ધિ માગી છે,

12તે માટે મેં તારી ઇચ્છા પ્રમાણે કર્યું છે. મેં તને જ્ઞાની તથા વિવેકબુદ્ધિવાળું હૃદય આપ્યું છે. હવે કૌશલ્ય અને બુદ્ધિમતામાં તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી અને હવે પછી તારા જેવો કોઈ થશે પણ નહિ.

13વળી તેં જે માગ્યું નથી તે પણ એટલે દ્રવ્ય તથા સન્માન, એ બન્ને મેં તને આપ્યાં છે. તારા સર્વ દિવસોભર રાજાઓમાં તારા જેવો કોઈ થશે નહિ.

14જો તું તારા પિતા દાઉદની જેમ મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગે ચાલશે, તો હું તને લાંબુ આયુષ્ય આપીશ.”

15પછી સુલેમાન જાગ્યો, તો જુઓ, એ તો સ્વપ્ન હતું. તે યરુશાલેમ આવ્યો અને પ્રભુના કરારકોશ આગળ ઊભો રહ્યો. તેણે દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવ્યાં અને પોતાના સર્વ ચાકરોને મિજબાની આપી.

2 કાળવૃતાંત

2 કાળ 1:2–13

2સુલેમાને સર્વ ઇઝરાયલને, સહસ્રાધિપતિઓને, શતાધિપતિઓને, ન્યાયાધીશોને, ઇઝરાયલના દરેક રાજકુમારોને તથા કુટુંબનાં મુખ્ય વડીલોને આજ્ઞા કરી.

3પછી સુલેમાન પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાં ગયો; કેમ કે ત્યાં ઈશ્વરનો મુલાકાતમંડપ હતો, એ મુલાકાતમંડપ મૂસા અને ઈશ્વરના સેવકોએ અરણ્યમાં બનાવેલો હતો.

4દાઉદ ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી યરુશાલેમમાં લાવ્યો હતો, ત્યાં તેણે તેને માટે તંબુ તૈયાર કર્યો હતો.

5આ ઉપરાંત, હૂરના દીકરા, ઉરીના દીકરા, બસાલેલે પિત્તળની જે વેદી બનાવી હતી, તે ત્યાં ઈશ્વરના મંડપની આગળ હતી; સુલેમાન તથા આખી સભા ત્યાં ગયા.

6મુલાકાતમંડપમાં ઈશ્વરની આગળ જે પિત્તળની વેદી હતી, ત્યાં સુલેમાન ગયો. અને તેના પર એક હજાર દહનીયાર્પણો ચઢાવ્યાં.

7તે રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, “માગ! હું તને શું આપું?”

8સુલેમાને ઈશ્વરને કહ્યું, “તમે મારા પિતા દાઉદ પ્રત્યે ઘણાં વિશ્વાસુ રહ્યા હતા. અને તેની જગ્યાએ મને રાજા બનાવ્યો છે.

9હવે, પ્રભુ ઈશ્વર, મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત કરો, કેમ કે તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોકો પર રાજા બનાવ્યો છે.

10હવે તમે મને ડહાપણ તથા જ્ઞાન આપો, કે જેથી હું આ લોકોનો ન્યાયાધીશ થઈ શકું. કારણ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?”

11ઈશ્વરે સુલેમાનને કહ્યું, “તારા હૃદયમાં આ મહાન બાબત છે. તેં ધન, સંપત્તિ, આદર અથવા તને જે ધિક્કારે છે તેઓના જીવ, તેમ જ પોતાના માટે લાંબુ આયુષ્ય માગ્યું નહિ; પણ તેં તારા માટે ડહાપણ તથા જ્ઞાન માગ્યું, કે જેથી તું મારા લોકો પર રાજ અને ન્યાય કરી શકે. જો કે એ માટે જ મેં તને રાજા બનાવ્યો છે.

12હવે તને ડહાપણ તથા જ્ઞાન બક્ષ્યાં છે; હું તને એટલું બધું ધન, સંપત્તિ અને આદર આપીશ કે તારી અગાઉ જે રાજાઓ થઈ ગયા તેઓની પાસે એટલું ન હતું. અને તારા પછીના કોઈને મળશે પણ નહિ.”

13તેથી સુલેમાન ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાંથી મુલાકાતમંડપ આગળથી યરુશાલેમ આવ્યો; અને તેણે ઇઝરાયલ ઉપર રાજ કર્યું.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો