Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › સુલેમાન

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · સુલેમાન

પ્રતિષ્ઠા વખતે સુલેમાનની પ્રાર્થના

1 રાજા 8:22–53 · 2 કાળ 6:12–42

1 રાજાઓ

1 રાજા 8:22–53

22સુલેમાને ઈશ્વરની વેદી સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ ઊંચા કર્યા.

23તેણે કહ્યું, “હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, ઉપર આકાશમાં તથા નીચે પૃથ્વી પર તમારા જેવા કોઈ ઈશ્વર નથી, એટલે તમારા જે સેવકો પોતાના સંપૂર્ણ હૃદયથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર કરો છો તથા તેઓ પર દયા રાખો છો.

24તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તમે તેની પ્રત્યે પાળ્યું છે. હા, તમે પોતાને મુખે બોલ્યા તથા તે તમે પોતાને હાથે પૂરું કર્યું છે, જેમ આજે થયું છે તેમ.

25હવે પછી, હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન તમે આપ્યું છે તે તેમના પ્રત્યે પાળો; એટલે કે, ‘મારી આગળ તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહિ, જો જેમ તું મારી આગળ ચાલ્યો, તેમ મારી સમક્ષ ચાલવા તારા વંશજોએ સાવચેત રહેવું.’

26હવે પછી, હે ઇઝરાયલના ઈશ્વર, હું પ્રાર્થના કરું છું કે તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું તમારું વચન કૃપા કરીને સત્ય ઠરો.

27પણ શું ઈશ્વર સાચે જ પૃથ્વી પર રહેશે? જુઓ, આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી; તો આ મારું બાંધેલું તમારા ભક્તિસ્થાનરૂપી ઘર તમારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે!

28તેમ છતાં, હે મારા પ્રભુ ઈશ્વર, કૃપા કરીને આ તમારા સેવકની પ્રાર્થના પર તથા વિનંતિ પર લક્ષ આપીને આજે તમારો સેવક જે વિનંતિ તથા પ્રાર્થના તમારી આગળ કરે છે, તે સાંભળો.

29આ ભક્તિસ્થાન પર, એટલે જે જગ્યા વિષે તમે કહ્યું છે કે ‘ત્યાં મારું નામ તથા હાજરી રહેશે.’ તે પર તમારી આંખો રાત દિવસ રાખો કે, તમારો સેવક આ સ્થાન તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તમે સાંભળો.

30તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલી લોકો આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તમે તેઓની દરેક વિનંતિ સાંભળજો. હા, તમારા રહેઠાણ આકાશમાં તમે સંભાળજો અને જયારે તમે સાંભળો ત્યારે સાંભળીને ક્ષમા કરજો.

31જો કોઈ માણસ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે અને તેને સમ ખવડાવવા માટે તેને સોગંદ આપવામાં આવે અને જો તે આવીને આ ભક્તિસ્થાનમાં તમારી વેદીની સમક્ષ સમ ખાય,

32તો તમે આકાશમાં સાંભળજો અને તે પ્રમાણે કરજો. તમારા સેવકનો ન્યાય કરીને અપરાધીને દોષિત ઠરાવી તેની વર્તણૂક તેને પોતાને માથે લાવજો. અને ન્યાયીને ન્યાયી ઠરાવી તેના ન્યાયીપણા પ્રમાણે તેને આપજો.

33જયારે તમારા ઇઝરાયલી લોકો તમારી વિરુદ્ધ પાપ કરવાને કારણે દુશ્મનોના હાથે માર્યા જાય, પણ જો તેઓ તમારી તરફ પાછા ફરે અને આ ભક્તિસ્થાનમાં તમારી આગળ વિનંતી કરીને ક્ષમા માગે,

34તો તમે આકાશમાંથી સાંભળીને તમારા લોકો ઇઝરાયલનાં પાપોની ક્ષમા કરજો; જે દેશ તમે તેઓના પૂર્વજોને આપ્યો તેમાં તેઓને પાછા લાવજો.

35તેઓએ તમારી વિરુદ્ધ કરેલાં પાપને કારણે જયારે આકાશ બંધ થઈ જાય અને વરસાદ ન આવે, ત્યારે જો તેઓ આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, તમારું નામ કબૂલ કરે અને તેઓ પર તમે વિપત્તિ મોકલી તેથી તેઓ પોતાના પાપથી ફરે,

36તો તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા લોકો ઇઝરાયલનાં પાપની ક્ષમા કરજો, જયારે તમે તેઓને ક્યા માર્ગે ચાલવું જોઈએ તે તેઓને શીખવો, ત્યારે તમારો જે દેશ તમે તમારા લોકોને વારસા તરીકે આપ્યો છે તેમાં વરસાદ મોકલજો.

37જો દેશમાં દુકાળ પડે, જો મરકી ફાટી નીકળે, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે; જો તેઓના દુશ્મનો તેઓના દેશમાં પોતાનાં નગરોમાં તેઓના પર હુમલો કરે અથવા ગમે તે મરકી કે રોગ હોય,

38જો કોઈ માણસ કે તમારા બધા ઇઝરાયલી લોકો પોતપોતાના હૃદયના દુઃખ જાણીને જે કંઈ પ્રાર્થના તથા વિનંતિ કરે અને પોતાના હાથ આ ભક્તિસ્થાન તરફ ફેલાવે.

39તો તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને ક્ષમા આપજો; દરેક માણસનું હૃદય તમે જાણો છો માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજો, કેમ કે તમે અને ફક્ત તમે જ સર્વ મનુષ્યોનાં હૃદયો જાણો છો.

40જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ જીવે તે બધા દિવસોમાં તેઓ તમારી બીક રાખે.

41વળી વિદેશીઓ જે તમારા ઇઝરાયલ લોકોમાંના નથી: તે જયારે તમારા નામની ખાતર દૂર દેશથી આવે,

42કેમ કે તેઓ તમારા મોટા નામ વિષે, તમારા પરાક્રમી હાથ તથા લંબાવેલા બાહુ વિષે સાંભળે અને તે આવીને આ ભક્તિસ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે,

43ત્યારે તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને જે સર્વ બાબત વિષે તે વિદેશીઓ તમારી પ્રાર્થના કરે, તે પ્રમાણે તમે કરજો, જેથી આખી પૃથ્વીના સર્વ લોકો તમારું નામ જાણે તથા તમારા ઇઝરાયલી લોકોની જેમ તેઓ તમારી બીક રાખે. એ પ્રમાણે તમે કરજો કે જેથી તેઓ જાણે કે આ મારું બાંધેલું ભક્તિસ્થાન તમારા નામથી ઓળખાય છે.

44જે રસ્તે તમે તમારા લોકોને મોકલો તે રસ્તે થઈને જો તેઓ પોતાના દુશ્મનની વિરુદ્ધ યુદ્ધ કરવા જાય અને જે નગર તમે પસંદ કર્યું છે તેની તરફ તથા જે ભક્તિસ્થાન મેં તમારા નામને અર્થે બાંધ્યું છે તેની તરફ મુખ ફેરવીને જો તેઓ ઈશ્વરની પ્રાર્થના કરે,

45તો આકાશમાં તેઓની પ્રાર્થના તથા તેઓની વિનંતિ તમે સાંભળજો અને તેમને મદદ કરજો.

46જો તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, કેમ કે પાપ ન કરે એવું કોઈ માણસ નથી અને તમે તેઓ પર કોપાયમાન થઈને તેઓને દુશ્મનોના હાથમાં સોંપો કે તેઓ તેમને બંદીવાન કરીને દૂરના કે નજીકના દુશ્મન દેશમાં લઈ જાય.

47પછી જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય, ત્યાં જો તેઓ વિચાર કરીને ફરે અને પોતાને બંદીવાન કરીને લઈ જનારાં દેશમાં તેઓ તમારી આગળ વિનંતી કરીને કહે ‘અમે પાપ કર્યું છે અને અમે સ્વચ્છંદી રીતે વર્ત્યા છીએ. અમે દુષ્ટ કામ કર્યું છે.’”

48તેઓને બંદીવાન કરીને લઈ જનારાં તેઓના દુશ્મનોના દેશમાં જો તેઓ પોતાના સંપૂર્ણ હૃદયથી તથા પોતાના સંપૂર્ણ જીવથી તમારી તરફ પાછા ફરે અને તેઓનો જે દેશ તેઓના પૂર્વજોને તમે આપ્યો, વળી જે નગર તમે પસંદ કર્યું તથા જે ભક્તિસ્થાન તમારા નામને અર્થે મેં બાંધ્યું છે, તેમની તરફ મુખ ફેરવીને તમારી પ્રાર્થના કરે.

49તો તમારા રહેઠાણ આકાશમાં તેઓની પ્રાર્થના, વિનંતિ તમે સાંભળજો અને તેમની મદદ કરજો.

50તમારી વિરુદ્ધ તમારા જે લોકોએ પાપ કર્યું તેમને તથા તમારી વિરુદ્ધ તેઓએ જે ઉલ્લંઘનો કર્યા તે સર્વની ક્ષમા આપજો. તેઓને બંદીવાન કરીને લઈ જનારાના મનમાં તેઓ પ્રત્યે દયા ઉપજાવજો, કે જેથી તેઓના દુશ્મનો તેમના પર દયા રાખે.

51તેઓ તમારા લોકો છે તેઓને તમે પસંદ કર્યા છે અને તમે મિસરમાંથી લોખંડની ભઠ્ઠી મધ્યેથી બહાર લાવ્યા છો.

52હું પ્રાર્થના કરીશ કે તમારા સેવકની તથા તમારા ઇઝરાયલ લોકોની વિનંતિ પર તમારી આંખો ખુલ્લી રહે, જયારે તેઓ તમને વિનંતિ કરે ત્યારે તમે તેઓનું સાંભળજો.

53કેમ કે હે પ્રભુ ઈશ્વર, તમે અમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવ્યા તે સમયે તમારા સેવક મૂસાની મારફતે બોલ્યા હતા, તેમ તેઓને તમારા વારસો થવા માટે પૃથ્વીના સર્વ લોકોથી જુદા કર્યા છે.”

2 કાળવૃતાંત

2 કાળ 6:12–42

12સુલેમાને ઈશ્વરની વેદીની સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ પ્રસાર્યા.

13તેણે પિત્તળનો પાંચ હાથ લાંબો, પાંચ હાથ પહોળો અને ત્રણ હાથ ઊંચો બાજઠ બનાવ્યો હતો. તેને આંગણાની વચ્ચે મૂક્યો હતો. સુલેમાન તેના પર ઊભો રહ્યો. અને સર્વ ઇઝરાયલી લોકોની આગળ ઘૂંટણે પડીને તેણે આકાશ તરફ પોતાના હાથ ઊંચા કર્યા.

14તેણે કહ્યું, “પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, આકાશમાં તથા પૃથ્વી પર તમારા જેવા બીજા કોઈ ઈશ્વર નથી, તમારા જે સર્વ સેવકો પોતાના ખરા અંતઃકરણથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર પાળો છો તથા તેઓ પર કૃપા રાખો છો;

15તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું વચન તમે પાળ્યું છે. હા, તમે તમારા મુખથી જે બોલ્યા અને તમારા હાથોથી તે પૂરું કર્યું છે, જેમ અગાઉ કર્યું હતું તેવું આજે પણ કરો છો.

16હવે પછી, પ્રભુ ઇઝરાયલના ઈશ્વર, તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે પૂરું કરો, તમે તેને કહ્યું હતું, ‘જો તારા વંશજો મારા વચનો સાંભળીને ચાલશે અને તારી જેમ મારા નિયમોનું સદા પાલન કરશે તો મારી નજર આગળ ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર પુરુષની ખોટ તને પડશે નહિ.’

17હવે પછી, ઇઝરાયલના ઈશ્વર, હું તમને પ્રાર્થના કરું છું કે તમે તમારા સેવક દાઉદને જે વચન આપેલું તે પૂર્ણ કરો.

18તો પણ શું ઈશ્વર ખરેખર માણસોની સાથે પૃથ્વી પર રહે ખરા? જુઓ, આકાશ તથા આકાશોના આકાશમાં તમારો સમાવેશ થાય તેમ નથી, ત્યારે આ જે સભાસ્થાન મેં બાંધ્યું છે તેમાં તમારો સમાવેશ થવો એ કેટલું અશક્ય છે!

19તેમ છતાં હે મારા ઈશ્વર યહોવાહ આ તમારા સેવકની પ્રાર્થનાઓ તથા વિનંતીઓ ધ્યાનમાં લઈને તમારો સેવક તમારી આગળ જે પોકાર તથા પ્રાર્થના કરે તે તમે સાંભળજો.

20રાત અને દિવસ તમારી દ્રષ્ટિ આ સભાસ્થાન પર રાખજો. તેને વિષે તમે કહ્યું હતું કે મારું નામ હું ત્યાં કાયમ રાખીશ. જયારે તમારો સેવક એટલે હું આ સ્થળ બાજુ ફરીને પ્રાર્થના કરું, ત્યારે તમે તે કાન ધરજો.

21તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલ લોકો આ સભાસ્થાન તરફ જોઈને પ્રાર્થના કરે ત્યારે તેઓની વિનંતીઓ તમે સાંભળજો. હા, તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે આકાશમાં, તે સાંભળજો; અને જયારે તમે સાંભળો, ત્યારે માફ કરજો.

22જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે તથા તેને સમ આપીને પ્રતિજ્ઞા અપાવે અને જો તે વ્યક્તિ આ સભાસ્થાનમાંની વેદી આગળ શપથ લઈને પ્રતિજ્ઞા લે,

23ત્યારે આકાશમાં તમારા સેવકનું સાંભળી અને દુષ્ટનાં કામો તેના પોતાના માથા પર નાખીને તેનો બદલો આપીને તમારા સેવકોનો ન્યાય કરજો. અને ન્યાયી માણસને પ્રામાણિક ઠરાવીને, તેની પ્રામાણિકતાનો બદલો આપજો.

24જયારે તમારા ઇઝરાયલી લોકો તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે દુશ્મનોથી હારી જાય, ત્યારબાદ જો તેઓ પાછા ફરીને તમારા નામે પસ્તાવો કરે અને આ ઘરમાં આવીને માફી માટે પ્રાર્થના તથા વિનંતીઓ કરે,

25ત્યારે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપની ક્ષમા કરજો; તમે જે દેશ તમારા લોકોને તથા તેઓના પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓને પાછા લાવજો.

26તેઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે જ્યારે આકાશ બંધ થઈ જાય અને વરસાદ ન વર્ષે, ત્યારે જો તેઓ આ સ્થળ તરફ ફરીને પ્રાર્થના કરે અને તમારા નામે પસ્તાવો કરે અને એ તમારી શિક્ષાને કારણે તેઓ પોતાના પાપોથી પાછા ફરે,

27તો પછી તમે આકાશમાં તે સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપ માફ કરજો, કેમ કે સારા માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો. તમારા લોકોને જે દેશ વારસા તરીકે તમે આપ્યો છે તે પર વરસાદ મોકલજો.

28કદાચ તે દેશમાં દુકાળ પડે અથવા રોગ ફેલાય, વિનાશ કે ફૂગ ફેલાય, તીડ કે ઈયળો પડે; અથવા દુશ્મનો તે દેશના પ્રવેશદ્વારો પર હુમલો કરે અથવા ગમે ત્યાં તે મરકી અથવા બીમારી આવે,

29ત્યારે તમારા લોકો તથા ઇઝરાયલી લોકોમાંના જો કોઈ આ સભાસ્થાન તરફ પોતાના હાથ પ્રસારીને પોતાની પીડામાં અને પોતાનું દુઃખ જાણીને પ્રાર્થના તથા વિનંતીઓ કરે;

30તો પછી તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે કે આકાશમાં તે સાંભળીને માફી આપજો અને દરેકને તેના માર્ગો પ્રમાણે યોગ્ય બદલો આપજો; તમે તેમનું હૃદય જાણો છો, કેમ કે તમે અને કેવળ તમે જ દરેક મનુષ્યનાં હૃદયો જાણો છો.

31આ પ્રમાણે તમે કરો કે જેથી તેઓ તમારો ભય રાખે, જેથી તેઓ તમારા માર્ગોમાં ચાલે અને જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ રહે.

32આ ઉપરાંત, વિદેશીઓ કે જેઓ તમારા ઇઝરાયલી લોકોમાંના નથી તેઓ સંબંધી: જ્યારે તેઓ તમારા મહાન નામને કારણે, તમારા પરાક્રમી હાથ તથા તમારા લંબાવેલા ભુજની ખાતર દૂર દેશથી આવે; જયારે તેઓ આવીને આ સભાસ્થાન તરફ ફરીને પ્રાર્થના કરે,

33તો કૃપા કરી તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે આકાશમાં તે સાંભળજો અને વિદેશીઓ જે કંઈ તમને કહે તે તમે કરજો, જેથી પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તમારું નામ જાણે, જેથી તમારા ઇઝરાયલી લોકોની જેમ તેઓ તમારો ભય રાખે અને કે આ સભાસ્થાન જે મેં બાંધ્યું છે તે તમારા નામથી ઓળખાય.

34કદાચ તમારા જે લોકો કોઈપણ માર્ગે તમે તેઓને મોકલો તે માર્ગે પોતાના દુશ્મનોની વિરુદ્ધ યુદ્ધ કરવા જાય અને ત્યાંથી જો તમે પસંદ કરેલ નગર તથા જે સભાસ્થાન મેં તમારા નામે બાંધ્યું છે, તેની તરફ ફરીને પ્રાર્થના કરે;

35ત્યારે તેઓની પ્રાર્થના તથા વિનંતિ સ્વર્ગથી સાંભળજો અને તેઓની મદદ કરજો.

36તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, એવું કોણ છે કે જે પાપ નથી કરતું? અને કદાચ રોષે ભરાઈને તમે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દો, જેથી તેઓ તેમને કેદ કરીને તેમના દેશમાં લઈ જાય પછી તે દૂર હોય કે નજીક હોય.

37પછી કદાચ જે દેશમાં તેઓને બંદીવાન કરાયા હોય તે દેશમાં તેમને ભાન થાય અને તેઓ પશ્ચાતાપ કરીને જ્યાં તેઓ બંદીવાન હોય તે દેશમાં તમારી કૃપા શોધે. તેઓ કહે, ‘અમે પાપ કર્યુ છે અને સ્વછંદીપણે વર્ત્યા છીએ. અમે દુષ્ટ કાર્યો કર્યા છે.’

38કદાચ જો તેઓ તેમના બંદીવાસમાંથી કે જ્યાંથી તેઓને બંદી બનાવવામાં આવ્યા હતા ત્યાંથી તેમના પૂરા મનથી તથા આત્માથી તમારી તરફ પાછા ફરે અને કદાચ તેઓ તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તમે પસંદ કરેલા શહેર તથા તમારા નામ માટે મેં બાંધેલા આ સભાસ્થાન તરફ મોં કરીને પ્રાર્થના કરે.

39તો પછી તમે જ્યાં રહો છો ત્યાં એટલે સ્વર્ગમાં તેમની પ્રાર્થના અને અરજ સાંભળજો અને તેમને મદદ કરજો. તમારા જે લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને માફ કરજો.

40હવે, મારા ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે આ જગ્યાએથી કરાતી પ્રાર્થના માટે તમારી આંખો ખુલ્લી રાખો અને તમારા કાન સચેત રાખો.

41હવે, ઈશ્વર યહોવાહ, તમે ઊઠો અને જ્યાં તમારું સામર્થ્ય દર્શાવતો કરારકોશ મૂકવામાં આવ્યો છે તેમાં તમારા વિસામાના સ્થળમાં પ્રવેશ કરો. ઈશ્વર યહોવાહ, તમારા યાજકો ઉદ્ધારના વસ્ત્રો પહેરે અને તમારા ભક્તો તમારી ભલાઈમાં આનંદ કરે.

42ઈશ્વર યહોવાહ, તમારું મુખ તમારા અભિષિક્તને તરછોડો નહિ. તમારા સેવક દાઉદ પરની કૃપાનું અને કરારના કાર્યોનું સ્મરણ કરો.”

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો