Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › શાઉલ અને દાઉદ

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · શાઉલ અને દાઉદ

દાઉદના વિજયો

2 શમુ 8:1–14 · 1 કાળ 18:1–13

2 શમુએલ

2 શમુ 8:1–14

1દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા. અને દાઉદે મેથેગ આમ્મા પલિસ્તીઓના હાથમાંથી આંચકી લીધું.

2પછી તેણે મોઆબીઓને હરાવ્યા અને તેઓના માણસોને ભૂમિ પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે મારી નાખવા માટે બે દોરીઓ જેટલા માપ્યા અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા માપ્યા. તેથી મોઆબીઓ દાઉદના ચાકરો થઈ તેને ખંડણી આપતા થયા.

3પછી દાઉદે રહોબનો દીકરો સોબાહનો રાજા હતો તેને એટલે કે હદાદેઝેર જયારે તે ફ્રાત નદી પાસે પોતાનું રાજય પાછું મેળવવા માટે પાછો જતો હતો ત્યારે તેને હરાવ્યો.

4દાઉદે તેની પાસેથી એક હજાર રથો સાતસો સવારો અને ભૂમિદળના વીસ હજાર સૈનિકો લીધા. દાઉદે રથના સર્વ ઘોડાઓની નસો કાપી નાખી, પણ તેમાંના સો રથોને જરૂરી ઘોડાઓને જીવતા રાખ્યા.

5જયારે દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદેઝેરને મદદ કરવા માટે આવ્યા, ત્યારે દાઉદે અરામીઓમાંના બાવીસ હજાર માણસોને મારી નાખ્યા.

6પછી દાઉદે દમસ્કસના અરામમાં લશ્કર ગોઠવ્યું. પછી અરામીઓ તેના દાસ થયા અને ખંડણી ચૂકવવા લાગ્યા. દાઉદ જયાં જયાં ગયો ત્યાં ઈશ્વરે તેને વિજય અપાવ્યો.

7હદાદેઝેરના અધિકારીઓ પાસે સોનાની ઢાલો હતી તે લઈને દાઉદ તેમને યરુશાલેમમાં લાવ્યો.

8હદાદેઝેરનાં બેતા અને બેરોથાય નગરોમાંથી દાઉદ રાજાએ પુષ્કળ કાંસું લીધું.

9જયારે હમાથના રાજા ટોઈએ, સાંભળ્યું કે દાઉદે હદાદેઝેરના બધાં સૈન્યનો પરાજય કર્યો છે,

10ત્યારે ટોઈએ પોતાના દીકરા યોરામને દાઉદ રાજા પાસે તેને બિરદાવવા અને આશીર્વાદ આપવા મોકલ્યો, કારણ કે દાઉદે હદાદેઝેરની વિરુદ્ધ લડાઈ કરીને તેને હરાવ્યો હતો, યોરામ પોતાની સાથે ચાંદીના, સોનાનાં અને કાંસાનાં પાત્રો લઈને આવ્યો હતો.

11દાઉદ રાજાએ આ પાત્રો ઈશ્વરને સમર્પિત કર્યાં. ને તેની સાથે જે દેશો તેણે જીત્યા હતા તે સર્વનું સોનું તથા ચાંદી તેણે અર્પણ કર્યું,

12એટલે અરામનું, મોઆબનું, આમ્મોનપુત્રોનું, પલિસ્તીઓનું, અમાલેકનું, સોબાહના રાજા રહોબના દીકરા હદાદેઝેરે લૂંટી લીધેલું સોનું પણ ઈશ્વરને અર્પિત કર્યું.

13દાઉદ મીઠાની ખીણમાં અઢાર હજાર અરામી માણસોને મારીને પાછો આવ્યો ત્યારે તેનું નામ પ્રખ્યાત થયું.

14દાઉદ આખા અદોમમાં લશ્કરો ગોઠવ્યાં અને સર્વ અદોમીઓ તેના દાસો થયા. દાઉદ જ્યાં ગયો ત્યાં ઈશ્વરે તેને વિજય અપાવ્યો.

1 કાળવૃતાંત

1 કાળ 18:1–13

1દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા અને તેઓના હાથમાંથી ગાથ નગર અને તેની આસપાસનાં ગામો પોતાના તાબે કરી લીધાં.

2તેણે મોઆબીઓને પણ હરાવ્યા, તેઓ દાઉદના દાસો બનીને તેને કર આપવા લાગ્યા.

3એ પછી દાઉદે સોબાહના રાજા હદાદેઝેરને હમાથ આગળ હરાવ્યો અને હદારએઝેર ફ્રાત નદીની આસપાસના જે પ્રદેશ પર પોતાનું નિયંત્રણ સ્થાપવા માગતો હતો તે પર દાઉદે કબજો કર્યો.

4દાઉદે તેની પાસેથી તેના એક હજાર રથો, સાત હજાર ઘોડેસવારો અને વીસ હજાર પાયદળ સૈનિકોને કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાના પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના સો રથોને માટે પૂરતા ઘોડાઓનો બચાવ કર્યો.

5દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદેઝેરની સહાય કરવા આવ્યા ત્યારે દાઉદે બાવીસ હજાર અરામી સૈનિકોને મારી નાખ્યા.

6પછી દાઉદે દમસ્કસના અરામીઓના વિસ્તારમાં લશ્કરો ગોઠવ્યા. તેઓ દાઉદના દાસો બની ગયા અને તેઓ તેને કર આપવા લાગ્યા. દાઉદ જ્યાં કંઈ ગયો ત્યાં યહોવાહે તેને વિજય અપાવ્યો.

7દાઉદ હદાદેઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરુશાલેમમાં લઈ આવ્યો.

8વળી દાઉદે હદાદેઝેરના નગરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ પિત્તળ મેળવ્યું તેમાંથી સુલેમાને પિત્તળનો મોટો હોજ, સ્તંભો અને પિત્તળનાં વાસણો ભક્તિસ્થાન માટે તૈયાર કરાવ્યાં.

9હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના રાજા હદાદેઝેરને હરાવીને તેના સૈન્યનો સંહાર કર્યો છે,

10ત્યારે તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદ પાસે સોનું, ચાંદી અને પિત્તળનાં વાસણો લઈને તેને સન્માનવા અને હદાદેઝેરને યુદ્ધમાં હરાવવા બદલ ધન્યવાદ આપવા મોકલ્યો. કારણ કે, હદાદેઝેરને તોઉ સાથે યુદ્ધ ચાલ્યા કરતું હતું.

11દાઉદે તે બધાં પાત્રો યહોવાહના સભાસ્થાનની સેવા માટે અર્પણ કર્યા. તે જ રીતે, તેણે જીતેલી બધી પ્રજાઓ અદોમ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ અને અમાલેકીઓ પાસેથી મેળવેલું સોનું ચાંદી પણ તેણે ઈશ્વરને અર્પણ કર્યું.

12સરુયાના પુત્ર અબિશાયે મીઠાની ખીણમાં અઢાર હજાર અદોમીઓને મારી નાખ્યા.

13તેણે સમગ્ર અદોમ પ્રદેશમાં લશ્કરી છાવણીઓ ગોઠવી. બધા અદોમીઓ હવે દાઉદના દાસ બની ગયા. આમ, દાઉદ જ્યાં કંઈ ગયો, ત્યાં યહોવાહે તેને વિજય અપાવ્યો.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો