Bible Explorer એપ મેળવો

અન્વેષણ › રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં › સુલેમાન

રાજાઓ અને કાળવૃતાંત બાજુબાજુમાં · સુલેમાન

કોશને ભક્તિસ્થાનમાં લાવવામાં આવે છે

1 રાજા 8:1–11 · 2 કાળ 5:2–14

1 રાજાઓ

1 રાજા 8:1–11

1પછી સુલેમાને ઇઝરાયલના સર્વ વડીલો તથા કુળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇઝરાયલના લોકોના કુટુંબોના સર્વ આગેવાનોને યરુશાલેમમાં તેની સમક્ષ એકત્ર કર્યા. જેથી તેઓ દાઉદના સિયોન નગરમાંથી ઈશ્વરનો કરારકોશ લાવે.

2ઇઝરાયલીઓ બધા એથાનિમ માસ એટલે કે સાતમા માસમાં પર્વના સમયે રાજા સુલેમાન સમક્ષ ભેગા થયા.

3ઇઝરાયલના બધા જ વડીલો આવ્યા અને યાજકોએ કરારકોશ ઊંચક્યો.

4યાજકો અને લેવીઓ ઈશ્વરનો કરારકોશ, મુલાકાતમંડપ તથા તંબુમાંનાં બધાં પવિત્ર પાત્રો લઈ આવ્યા.

5રાજા સુલેમાન અને ઇઝરાયલના ભેગા થયેલા તમામ લોકો કરારકોશની સમક્ષ ઉપસ્થિત થયા અને તેઓએ અસંખ્ય ઘેટાં અને બળદોનાં અર્પણો ચઢાવ્યાં.

6યાજકો ઈશ્વરના કરારકોશને તેની જગ્યાએ એટલે સભાસ્થાનની અંદરના ખંડમાં, પરમ પવિત્રસ્થાનમાં કરુબોની પાંખો નીચે લાવ્યા.

7કેમ કે કરારકોશની જગ્યા પર કરુબોની પાંખો ફેલાયેલી હતી. કરારકોશ પર અને તેના દાંડા પર કરુબોએ આચ્છાદન કરેલું હતું.

8તે દાંડાઓ એટલા લાંબા હતા કે તેમને પરમ ઈશ્વરવાણી આગળના પવિત્ર સ્થાનમાંથી જોઈ શકાતા હતા, પરંતુ તે બહાર દેખાતા નહોતા અને આજ સુધી તે ત્યાં છે.

9ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા તે વખતે ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે બે શિલાપાટીઓ કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કંઈ જ નહોતું.

10જયારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા ત્યારે એમ બન્યું કે ઈશ્વરનું ભક્તિસ્થાન વાદળથી ભરાઈ ગયું.

11તે વાદળના કારણે યાજકો સેવા કરવા ઊભા રહી શક્યા નહિ કેમ કે આખું ભક્તિસ્થાન ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું હતું.

2 કાળવૃતાંત

2 કાળ 5:2–14

2પછી દાઉદ નગરમાંથી એટલે સિયોનમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા માટે સુલેમાને ઇઝરાયલના વડીલોને, દરેક કુળના આગેવાનોને, એટલે ઇઝરાયલી લોકોના કુટુંબોના આગેવાનોને યરુશાલેમમાં એકત્ર કર્યા.

3ઇઝરાયલના સર્વ પુરુષો સાતમા મહિનાના પર્વમાં રાજાની આગળ ભેગા થયા.

4ઇઝરાયલના સર્વ વડીલો આવ્યા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો.

5તેઓ કરારકોશને, મુલાકાતમંડપને તથા તંબુની અંદરનાં સર્વ પવિત્ર પાત્રોને લઈ આવ્યા. જે યાજકો લેવીઓનાં કુળના હતા તેઓ આ વસ્તુઓ લઈ આવ્યા.

6સુલેમાન રાજાએ તથા તેની આગળ એકત્ર મળેલી ઇઝરાયલની સમગ્ર પ્રજાએ કરારકોશની આગળ, અસંખ્ય ઘેટાં તથા બળદોનું અર્પણ કર્યું.

7યાજકોએ ઈશ્વરના કરારકોશને ઈશ્વરવાણીસ્થાનમાં, એટલે પરમપવિત્ર સ્થાનમાં, કરુબોની પાંખો નીચે લાવીને મૂક્યો.

8કરુબોની પાંખો કરારકોશ પર પસારેલી હતી, તેથી કરુબોની પાંખો દ્વારા કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કરાયું.

9કરારકોશના દાંડા એટલા લાંબા હતા કે તેના છેડા પરમપવિત્ર સ્થાન આગળ કોશ પાસેથી દેખાતા હતા પણ તે બહારથી દેખાતા ન હતા. ત્યાં તે આજ દિવસ સુધી છે.

10જયારે ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા ત્યારે હોરેબ કે જ્યાં ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો, ત્યાં મૂસાએ જે બે શિલાપાટીઓ કોશમાં મૂક્યા હતાં તે સિવાય બીજું કશું એમાં ન હતું.

11અને એમ થયું કે યાજકો સભાસ્થાનમાંથી બહાર આવ્યા. જે સર્વ યાજકો હાજર હતા તેઓએ પોતાને પવિત્ર કર્યા હતા; તેઓએ તેમના વિભાગોમાં જુદા પાડ્યાં.

12આ ઉપરાંત સર્વ ગાનારા લેવીઓ, એટલે આસાફ, હેમાન, યદૂથૂન તથા તેઓના સર્વ દીકરાઓ તથા ભાઈઓ બારીક શણનાં વસ્ત્ર પહેરીને ઝાંઝો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓની સાથે એકસો વીસ યાજકો રણશિંગડાં વગાડતા હતા.

13અને એમ થયું કે રણશિંગડાં વગાડનારા તથા ગાનારાઓએ ઈશ્વરની સ્તુતિ કરવા તથા આભાર માનવા ઊંચે સ્વરે એક સરખો અવાજ કર્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવા રણશિંગડાં, ઝાંઝ અને બીજા વાજિંત્રો સહિત ઊંચા સ્વરે સ્તુતિ કરી. તેઓએ ગાયું, “તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ ટકે છે.” પછી ઈશ્વરનું સભાસ્થાન વાદળ સ્વરૂપે ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું.

14યાજકો ઘરમાં સેવા કરવા ઊભા રહી શક્યા નહિ. કેમ કે ઈશ્વરના મહિમાથી સભાસ્થાન ભરાઈ ગયું હતું.

ચિહ્નિત: તમે વાંચો છો તે અનુવાદમાં, દરેક અહેવાલમાં હોય તેવા શબ્દો. સૌથી વધુ વપરાતા શબ્દો (“અને”, “તે”) ચિહ્નિત નથી; બીજા રૂપમાંનો શબ્દ કદાચ ચિહ્નિત ન હોય.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો