Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › નવેમ્બર 2027 › 21 નવેમ્બર

ઓર્થોડોક્સ પંચાંગ · 8 નવેમ્બર (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 21 નવેમ્બર 2027

રવિવાર · સ્વર 5

પર્વો અને સંતો

પચાસમાના પર્વ પછીનો 22મો રવિવાર

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન

યહો 5:13–15

13અને યહોશુઆ યરીખો પાસે હતો, તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં તાણેલી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું, “શું તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો છે?” 14તેણે કહ્યું, “એમ તો નહિ, પણ હું યહોવાહનાં સૈન્યનો સરદાર છું.” અને યહોશુઆએ ભૂમિ પર પડીને તેનું ભજન કરીને કહ્યું, “મને માલિકનો આદેશ ફરમાવો.” 15ત્યારે યહોવાહનાં સૈન્યના સરદારે યહોશુઆને કહ્યું કે “તારા પગમાંથી તારા ચંપલ ઉતાર. કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર છે.” અને યહોશુઆએ તેના કહ્યા પ્રમાણે કર્યું.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

ન્યાય 6:2, 7, 11–24

2મિદ્યાનનો હાથ ઇઝરાયલ વિરુદ્ધ પ્રબળ થયો. મિદ્યાનીઓને લીધે ઇઝરાયલના લોકોએ પર્વતોમાં કોતરો, ગુફાઓ તથા ગઢો છે તે પોતાને માટે બનાવ્યાં. 7જયારે ઇઝરાયલી લોકોએ મિદ્યાનીઓના ત્રાસ ને કારણે ઈશ્વરની આગળ પોકાર કર્યો ત્યારે, 11પછી ઈશ્વરનો દૂત આવીને ઓફ્રામાં અબીએઝેરી યોઆશનું જે એલોન વૃક્ષ હતું તેની નીચે બેઠો, ત્યાં યોઆશનો દીકરો, ગિદિયોન, મિદ્યાનીઓથી સંતાઈને દ્રાક્ષચક્કીની અંદર ઘઉં ઝૂડતો હતો. 12ઈશ્વરના દૂતે તેને દર્શન આપીને તેને કહ્યું, “પરાક્રમી શૂરવીર, ઈશ્વર તારી સાથે છે!” 13ગિદિયોને તેને કહ્યું, “મારા માલિક, જો ઈશ્વર અમારી સાથે હોય, તો શા માટે આ બધું અમારી પર આવી પડે છે? તેમનાં અદ્દભુત કાર્યો વિષે અમારા પિતૃઓએ અમને જણાવ્યું છે, તેઓએ કહ્યું ‘શું ઈશ્વર અમને મિસરમાંથી કાઢી લાવ્યા નથી?’ તોપણ તેમણે તો અમને તજી દીધા છે અને અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે.” 14ઈશ્વરે તેના તરફ કૃપાદ્રષ્ટિ કરીને કહ્યું, “તું તારા આ સામર્થ્ય દ્વારા આગળ વધ. ઇઝરાયલીઓને મિદ્યાનીઓના હાથમાંથી બચાવ. મેં તને મોકલ્યો નથી શું?” 15ગિદિયોને તેને કહ્યું, “કૃપા કરી, પ્રભુ, હું કેવી રીતે ઇઝરાયલને બચાવું? જુઓ, મનાશ્શામાં મારું કુટુંબ કમજોર છે અને હું મારા પિતાના ઘરમાં સૌથી નાનો છું.” 16ઈશ્વરે તેને કહ્યું, “હું તારી સાથે રહીશ અને તું મિદ્યાનીઓના સમગ્ર સૈન્યને એકલો મારશે.” 17ગિદિયોને તેમને કહ્યું, “જો તમે મારી પર કૃપા કરી હોય, તો મને કોઈ ચિહ્ન આપો કે જે મારી સાથે વાત કરે છે તે તમે જ છો. 18જ્યાં સુધી હું તમારી પાસે આવું અને અર્પણ લઈને તમારી આગળ મૂકું, ત્યાં સુધી કૃપા કરીને અહીંથી જશો નહિ.” ઈશ્વરે કહ્યું, “જ્યાં સુધી તું પાછો આવે ત્યાં સુધી હું રાહ જોઈશ.” 19ગિદિયોને ઘરમાં જઈને લવારું તથા એફાહ લોટમાંની બેખમીરી રોટલી તૈયાર કરી. તેણે ટોપલીમાં માંસ ભર્યું તથા એક ઘડામાં માંસનો રસો લઈને, એલોન વૃક્ષની નીચે લાવ્યો અને અર્પણ કર્યા. 20ઈશ્વરના દૂતે તેને કહ્યું, “માંસ તથા બેખમીર રોટલી લઈને તેને આ ખડક પર મૂક અને તેઓ પર રસો રેડી દે.” ગિદિયોને એ મુજબ કર્યું. 21ત્યારે ઈશ્વરના દૂતે પોતાના હાથમાંથી લાકડીના છડાથી માંસ અને બેખમીર રોટલીને સ્પર્શ કર્યો; ખડકમાંથી અગ્નિ નીકળ્યો અને માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કર્યા. પછી ઈશ્વરનો દૂત અદ્રશ્ય થઈ ગયો પછી ગિદિયોન તેને જોઈ શક્યો નહિ. 22ગિદિયોન સમજ્યો કે આ ઈશ્વરનો દૂત હતો. તેણે કહ્યું, “પ્રભુ ઈશ્વર, મને અફસોસ! કેમ કે મેં ઈશ્વરના દૂતને મારી સમક્ષ જોયો!” 23ઈશ્વરે તેને કહ્યું, “તને શાંતિ હો! ગભરાઈશ નહિ, તું મૃત્યુ પામશે નહિ.” 24તેથી ગિદિયોને ઈશ્વરને સારુ ત્યાં એક વેદી બનાવી. તેનું નામ ઈશ્વર-શાલોમ પાડ્યું. તે આજ દિવસ સુધી અબીએઝેરીઓના ઓફ્રામાં છે.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

યશા 14:7–20

7આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થયેલી છે; તેઓ ગીતો ગાઈને હર્ષનાદ કરવા માંડે છે. 8હા, લબાનોનનાં દેવદાર અને એરેજવૃક્ષો તારે લીધે આનંદ કરે છે; તેઓ કહે છે, ‘તું પડ્યો ત્યારથી કોઈ કઠિયારો અમારા ઉપર ચઢી આવ્યો નથી.’ 9જ્યારે તું ઊંડાણમાં જાય ત્યારે શેઓલ તને ત્યાં મળવાને આતુર થઈ રહ્યું છે. તે તારે લીધે પૃથ્વીના સર્વ રાજાઓને તથા મૂએલાઓના આત્માઓને જાગૃત કરે છે, વિદેશીઓના સર્વ રાજાઓને તેમના રાજ્યાસન પરથી ઉતાર્યા છે. 10તેઓ સર્વ બોલી ઊઠશે અને તને કહેશે, ‘તું પણ અમારા જેવો નબળો થયો છે, તું અમારા સરખો થયો છે. 11તારા વૈભવને તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના અવાજને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે. તારી નીચે અળસિયાં પાથરેલાં છે અને કૃમિ તને ઢાંકે છે.’ 12હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓ પર જય પામનાર, તને કેમ કાપી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો છે! 13તેં તારા હૃદયમાં કહ્યું હતું, ‘હું આકાશમાં ઊંચે ચઢીશ અને ઈશ્વરના તારાઓ કરતાં પણ મારું સિંહાસન ઊંચું રાખીશ અને હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ; 14હું સર્વથી ઊંચાં વાદળો પર ચઢી જઈશ; અને હું પોતાને પરાત્પર ઈશ્વર સમાન કરીશ.’ 15તે છતાં તને શેઓલ સુધી નીચે, અધોલોકના તળિયે પાડવામાં આવ્યો છે! 16જ્યારે તેઓ તને જોશે તને નિહાળશે; તેઓ તારા વિશે વિચાર કરશે. તેઓ કહેશે કે ‘શું આ એ જ માણસ છે, જેણે પૃથ્વીને થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં, 17જેણે જગતને અરણ્ય જેવું કર્યું હતું, જેણે તેમનાં નગરો પાયમાલ કરી નાખ્યાં હતાં, જેણે પોતાના બંદીવાનોને છૂટા કરીને ઘરે જવા ન દીધા, તે શું આ છે?’ 18સર્વ દેશોના રાજાઓ, તેઓ સર્વ, મહિમામાં, પોતપોતાની કબરમાં સૂતેલા છે. 19પરંતુ જેઓને તલવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, જેઓ ખાડાના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વેષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે. 20તું ખૂંદાયેલા મૃતદેહ જેવો છે, તને તેઓની સાથે દાટવામાં આવશે નહિ, કારણ કે તેં જ તારા દેશનો નાશ કર્યો છે. તેં જ તારા પોતાના લોકની કતલ કરી છે દુર્જનોનાં સંતાનના નામ ફરી કોઈ લેશે નહિ.”

પ્રભાત-પ્રાર્થનાની 11મી સુવાર્તા

યોહ 21:15–25

15હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુએ સિમોન પિતરને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, ‘હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુએ તેને કહ્યું કે, ‘મારાં ઘેટાંને પાળ.’” 16તેઓ બીજી વખત તેને કહે છે કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, ‘હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુ તેને કહે છે કે, ‘મારાં ઘેટાંઓની સંભાળ રાખ.’” 17તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’” 18હું તને નિશ્ચે કહું છું કે, ‘જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે. 19હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’” 20ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો અને પૂછ્યું હતું કે, ‘પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?’ ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો. 21ત્યારે પિતરે તેને જોઈને ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, એ માણસનું શું થશે?’” 22ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. 23તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું? 24જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે; અને તેની સાક્ષી સાચી છે, એ અમે જાણીએ છીએ. 25ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ, એવું મારું માનવું છે.

પત્ર

ગલ 6:11–18

11જુઓ, હું મારા હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું. 12જેઓ દેહ વિષે પોતાને જેટલાં સારા બતાવવા ચાહે છે, તેટલાં ખ્રિસ્તનાં વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરવાની ફરજ પાડે છે. 13કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમશાસ્ત્રને પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્નત થાય એવો આગ્રહ રાખે છે. 14પણ એવું ન થાઓ કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભ વગર હું બીજા કશામાં અભિમાન કરું, જેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત માટે હું. 15કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે. 16જેટલાં આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો. 17હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુનાં ચિહ્ન મારા શરીરમાં અપનાવેલાં છે. 18ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.

પત્ર (સ્વર્ગદૂતો માટે)

હિબ 2:2–10

2કેમ કે જો સ્વર્ગદૂતો દ્વારા કહેલું વચન સત્ય ઠર્યું અને દરેક પાપ તથા આજ્ઞાભંગ કરનારાઓને યોગ્ય બદલો મળ્યો, 3તો આપણે આ મહાન ઉદ્ધાર વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે ઉદ્ધારની વાત પહેલાં ઈશ્વરે પોતે કહી, પછી સાંભળનારાઓએ તેની ખાતરી અમને કરી આપી. 4ઈશ્વર પણ ચમત્કારિક ચિહ્નોથી, આશ્ચર્યકર્મોથી, વિવિધ પરાક્રમી કામોથી તથા પવિત્ર આત્માએ પોતાની ઇચ્છા પ્રમાણે આપેલાં દાનથી તેઓની સાથે સાક્ષી આપતા રહ્યાં છે. 5કેમ કે જે આગામી યુગ સંબંધી અમે તમને કહીએ છીએ તેનું નિયંત્રણ તેમણે સ્વર્ગદૂતોને આધીન કર્યું નથી. 6પણ ગીતકર્તા દાઉદ જણાવે છે કે, ‘માણસ વળી કોણ છે, કે તમે તેનું સ્મરણ કરો છો? અથવા મનુષ્યપુત્ર કોણ છે કે તમે તેની મુલાકાત લો છો? 7તેમણે તેને થોડા સમય માટે સ્વર્ગદૂતો કરતાં ઊતરતો કર્યો છે; અને તેના મસ્તક પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. તમારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે. 8તમે સમગ્ર સૃષ્ટિ તેના હાથમાં સોંપી છે; આમ બધું તેને સ્વાધીન કરવાથી તેને સુપ્રત કર્યું ના હોય એવું કંઈ બાકાત રાખ્યું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજી સુધી આપણી નજરે પડતું નથી. 9પણ ઈશ્વરની કૃપાથી સઘળાં માણસને માટે મૃત્યુ પામવાને અર્થે જેમને સ્વર્ગદૂતો કરતાં થોડીવાર સુધી ઊતરતા કરવામાં આવ્યા છે, અને મરણ સહેવાને લીધે જેમનાં પર મહિમા તથા ગૌરવનો મુગટ મૂકવામાં આવ્યો, તે ઈસુને જોઈએ છીએ. 10કેમ કે જેમને માટે બધું છે, તથા જેમનાંથી સઘળાં ઉત્પન્ન થયાં છે, તેમને એ યોગ્ય હતું કે, તે ઘણાં દીકરાઓને મહિમામાં લાવતાં તેઓના ઉદ્ધારના અધિકારીને દુઃખ ભોગવવાથી પરિપૂર્ણ કરે.

સુવાર્તા

લૂક 8:41–56

41જુઓ, યાઈરસ નામે એક માણસ આવ્યો, અને તે સભાસ્થાનનો અધિકારી હતો; અને તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી કે, ‘મારે ઘરે પધારો.’” 42કેમ કે તેને આશરે બાર વર્ષની એકની એક દીકરી હતી અને તે મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા તે દરમિયાન ઘણાં લોકોએ તેમના પર પડાપડી કરી. 43એક સ્ત્રીને બાર વર્ષથી લોહીવાનો રોગ થયો હતો, અને તેણે પોતાનાં બધાં નાણાં વૈદો પાછળ ખરચી નાખ્યાં હતાં પણ કોઈ તેનો રોગ મટાડી શક્યા ન હતા. 44તે ઈસુની પાછળ આવીને તેમના ઝભ્ભાની કોરને સ્પર્શી, અને તરત તેનો લોહીવા બંધ થયો. 45ઈસુએ કહ્યું કે, ‘મને કોણે સ્પર્શ કર્યો? અને બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જે તેની સાથે હતા તેઓએ કહ્યું કે, ‘ગુરુ, ઘણાં લોકો તમારા ઉપર પડાપડી કરે છે, અને તમને દબાવી દે છે.’” 46પણ ઈસુએ કહ્યું કે, ‘કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.’” 47જયારે તે સ્ત્રીએ જાણ્યું કે હું છૂપી રહી શકી નહિ, ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમને પગે પડીને શા કારણથી તેણે તેમને સ્પર્શ કર્યો હતો અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ ઈસુને કહી સંભળાવ્યું. 48ઈસુએ તેને કહ્યું કે, ‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા.’” 49ઈસુ હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક માણસે આવીને તેને કહ્યું કે, ‘તારી દીકરી મરી ગઈ છે, ગુરુને તસ્દી ન આપીશ.’” 50પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ કર, અને તારી દીકરી સાજી થશે.’” 51ઈસુ ઘરમાં પહોંચ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન, અને છોકરીનાં માબાપ સિવાય ઈસુએ કોઈને પોતાની સાથે આવવા દીધાં નહિ. 52ત્યાં બધાં લોકો છોકરી પાછળ રડતાં તથા વિલાપ કરતાં હતાં; પણ ઈસુએ કહ્યું કે, રડશો નહિ; તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે. 53તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ ઈસુને હસી કાઢ્યાં. 54પણ ઈસુએ તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે, ‘દીકરી, ઊઠ.’” 55અને તેનો આત્મા પાછો આવ્યો, અને તે તરત ઊભી થઈ. અને ઈસુએ તે છોકરીને ખાવાનું આપવાનો હુકમ કર્યો. 56તેનાં માબાપ આશ્ચર્યચકિત થયાં; પણ તેણે તેઓને તાકીદ કરી કે, ‘જે થયું તે વિષે કોઈને કશું કહેશો નહિ.’”

સુવાર્તા (સ્વર્ગદૂતો માટે)

લૂક 10:16–21

16જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે; અને જે તમારો નકાર કરે છે તે મારો પણ નકાર કરે છે; અને જે મારો નકાર કરે છે તે મારા મોકલનાર ઈશ્વરનો નકાર કરે છે.’” 17તે સિત્તેર ખુશ થતાં પાછા આવ્યા, અને તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, તમારા નામથી દુષ્ટાત્માઓ પણ અમારે તાબે થયાં છે.’” 18ઈસુએ તેઓને કહ્યું કે, ‘મેં શેતાનને વીજળીની જેમ સ્વર્ગથી પડતો જોયો. 19જુઓ, સર્પો તથા વીંછીઓ અને દુશ્મનની બધી શક્તિ પર મેં તમને અધિકાર આપ્યો છે; કશાથી પણ તમને ઈજા થશે નહિ. 20પણ દુષ્ટાત્માઓ તમારે તાબે થયા છે, તેને લીધે ખુશ થતાં નહિ; પણ તમારાં નામ સ્વર્ગમાં લખવામાં આવ્યા છે, તેને લીધે હરખાઓ.’” 21તે જ સમયે તે પવિત્ર આત્માથી હરખાયા, અને બોલ્યા કે, ‘ઓ ઈશ્વરપિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમંતોથી તમે એ વાતો ગુપ્ત રાખી અને બાળકોને પ્રગટ કરી છે; હા ઈશ્વરપિતા, કેમ કે તમને તે સારું લાગ્યું.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 8 નવેમ્બર એટલે નાગરિક પંચાંગનો 21 નવેમ્બર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો