Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑક્ટોબર 2027 › 3 ઑક્ટોબર

ઓર્થોડોક્સ પંચાંગ · 20 સપ્ટેમ્બર (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 3 ઑક્ટોબર 2027

રવિવાર · સ્વર 6

પર્વો અને સંતો

પચાસમાના પર્વ પછીનો 15મો રવિવાર

ઉત્કર્ષના પર્વ પછીનો રવિવાર

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

પ્રભાત-પ્રાર્થનાની ચોથી સુવાર્તા

લૂક 24:1–12

1અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી. 2તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. 3તેઓએ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ. 4એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા. 5તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, ‘મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો? 6તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું? 7પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.’” 8તેમને ઈસુની વાતો યાદ આવી. 9કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી. 10હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ મગ્દલાની, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી. 11એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેઓનો વિશ્વાસ કર્યો નહિ. 12પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘરે ગયો.

પત્ર (ક્રૂસના ઉત્કર્ષ પછીના રવિવાર માટે)

ગલ 2:16–20

16જાણીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ, પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરે છે. અમે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો કે જેથી અમે નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરીએ, કેમ કે નિયમશાસ્ત્રની કરણીઓથી કોઈ પણ મનુષ્ય ન્યાયી ઠરશે નહિ. 17પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઇચ્છા રાખીને, જો આપણે પોતે પાપી માલૂમ પડીએ, તો શું ખ્રિસ્ત પાપના સેવક છે? કદી નહિ. 18કેમ કે જેને મેં પાડી નાખ્યું, તેને હું ફરીથી બાંધુ, તો હું પોતાને અપરાધી ઠરાવું છું. 19કેમ કે હું ઈશ્વરને માટે જીવવાને, નિયમશાસ્ત્ર દ્વારા નિયમશાસ્ત્ર પ્રત્યે મૃત્યુ પામ્યો છું. 20હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું, પરંતુ હું જીવું છું, તોપણ હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે મનુષ્યદેહમાં મારું જે જીવન છે તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી છે; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.

પત્ર

2 કરિં 4:6–15

6કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાંને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ખ્રિસ્તનાં ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે. 7પણ અમારો આ ખજાનો માટીનાં પાત્રોમાં છે, એ સારુ કે પરાક્રમની ઉત્તમતા ઈશ્વરથી થાય અને અમારાથી નહિ. 8સર્વ પ્રકારે અમે વિપત્તિ પામેલા હોવા છતાં દબાયેલા નથી; હેરાન થયા છતાં નિરાશ થયેલા નથી; 9સતાવાયેલા છીએ પણ ત્યજાયેલા નથી; નીચે પટકાયેલા છીએ પણ નાશ પામેલા નથી; 10ઈસુનું મરણ અમારા શરીરમાં સદા રાખીએ છીએ, એ સારુ કે ઈસુનું જીવન અમારાં શરીરદ્વારા જાહેર થાય. 11કેમ કે અમે જીવનારાં ઈસુને માટે, સદા મરણને સોંપાયેલા છીએ, એ માટે કે ઈસુનું જીવન પણ અમારા મૃત્યુપાત્ર મનુષ્યદેહમાં પ્રગટ કરાય. 12એમ જ અમારામાં મરણ પણ તમારામાં જીવન અસર કરે છે. 13વિશ્વાસનો તે જ આત્મા અમને છે તેથી મેં વિશ્વાસ કર્યો માટે હું બોલ્યો એ લેખ પ્રમાણે, અમે પણ વિશ્વાસ કરીએ છીએ અને તેથી બોલીએ છીએ. 14અને એવું જાણીએ છીએ કે, જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યાં, તે અમને પણ ઈસુની મારફતે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે. 15કેમ કે સઘળાં વાનાં તમારે સારુ છે એ માટે કે જે કૃપા ઘણાંઓની મારફતે પુષ્કળ થઈ તે ઈશ્વરના મહિમાને અર્થે ઉપકારસ્તુતિ કરાવે.

સુવાર્તા (ક્રૂસના ઉત્કર્ષ પછીના રવિવાર માટે)

માર્ક 8:34–9:1

34ઈસુએ પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 35કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. 36કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે પણ તેના જીવને ગુમાવશે, તો તેથી તેને શો લાભ થાય? 37વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે? 38કેમ કે આ બેવફા તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના બાપના મહિમામાં પવિત્ર સ્વર્ગદૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.’” 9:1ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહિ.’”

સુવાર્તા

માથ 22:35–46

35તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે, 36“ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?” 37ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’ 38પહેલી અને મોટી આજ્ઞા તે છે. 39બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’ 40આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.” 41હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે, 42“ખ્રિસ્ત સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ તેમને કહ્યું કે, ‘દાઉદનો.’” 43ઈસુએ તેઓને કહ્યું, “તો પવિત્ર આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે?’ 44જેમ કે, ‘પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’” 45હવે જો દાઉદ તેમને ‘પ્રભુ’ કહે છે, તો તે કેવી રીતે તેનો દીકરો કહેવાય?” 46એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શકયું નહિ, વળી તે દિવસથી કોઈએ તેમને કંઈ પૂછવાની હિંમત કરી નહિ.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 20 સપ્ટેમ્બર એટલે નાગરિક પંચાંગનો 3 ઑક્ટોબર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો