Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑક્ટોબર 2027 › 2 ઑક્ટોબર

ઓર્થોડોક્સ પંચાંગ · 19 સપ્ટેમ્બર (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 2 ઑક્ટોબર 2027

શનિવાર · પચાસમાના પર્વ પછીનું 15મું અઠવાડિયું · સ્વર 5

પર્વો અને સંતો

ઉત્કર્ષના પર્વ પછીનો શનિવાર

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

પત્ર (ક્રૂસના ઉત્કર્ષ પછીના શનિવાર માટે)

1 કરિં 1:26–29

26ભાઈઓ, ઈશ્વરના તમારાં તેડાને લક્ષમાં રાખો કે, માનવીય ધોરણ મુજબ તમારામાંના ઘણાં જ્ઞાનીઓ ન હતા, પરાક્રમીઓ ન હતા, ઉચ્ચ કુળમાં જન્મેલા ન હતા. 27પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા સારુ દુનિયાના મૂર્ખોને અને શક્તિમાનોને શરમાવવા સારુ દુનિયાના નિર્બળોને પસંદ કર્યા છે. 28વળી જેઓ મોટા મનાય છે તેઓને નહિ જેવા કરવા માટે, ઈશ્વરે દુનિયાના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કશી વિસાતમાં નથી તેઓને પસંદ કર્યા છે 29કે, કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન કરે નહિ.

પત્ર

1 કરિં 4:17–5:5

17મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો છે, તે ખ્રિસ્તમાં મારો પ્રિય તથા વિશ્વાસુ પુત્ર છે. જેમ હું દરેક જગ્યાએ સર્વ વિશ્વાસી સમુદાયોમાં શીખવું છું તેમ તે ખ્રિસ્તમાં મારા માર્ગો વિષે તમને સ્મરણ કરાવશે. 18જાણે હું તમારી પાસે પાછો આવવાનો ન હોઉં, એવું સમજીને તમારામાંનાં કેટલાક અભિમાની થઈ ગયા છે. 19પણ પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી પાસે વહેલો આવીશ, અને અભિમાનીઓનું બોલવું નહિ, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ. 20કેમ કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નહિ, પણ સામર્થ્યમાં છે. 21તમારી શી ઇચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું, કે પ્રેમભાવે તથા નમ્રભાવે આવું? 5:1મારા સાંભળવામાં આવ્યું એવું છે કે તમારામાં વ્યભિચાર વ્યાપેલો છે, અને તે પણ એવો કે જે બિનયહૂદીને પણ ચાલતો નથી; એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે. 2એમ છતાં એ બાબતો વિષે શરમિંદા થવાને બદલે તમે છાતીકાઢીને ચાલો છો! જેણે આ કામ કર્યું છે તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો. 3કેમ કે શરીરે હું ગેરહાજર છતાં, આત્મામાં પ્રત્યક્ષ હોવાથી, જાણે હું પોતે હાજર હોઉં એમ, એ કામ કરનારાનો ન્યાય કરી ચૂક્યો છું. 4કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સામર્થ્ય સહિત, તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામે, 5તમારે એ માણસને શરીરનાં નુકસાનને સારુ શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના પુનરાગમન સમયે તેનો આત્મા ઉદ્ધાર પામે.

સુવાર્તા (ક્રૂસના ઉત્કર્ષ પછીના શનિવાર માટે)

યોહ 8:21–30

21તેમણે તેઓને ફરીથી કહ્યું કે, ‘હું જવાનો છું, તમે મને શોધશો અને તમે તમારાં પાપમાં મરશો; જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.’” 22યહૂદીઓએ કહ્યું કે, ‘શું તે આપઘાત કરશે? કેમ કે તે કહે છે કે, જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.’” 23ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે પૃથ્વી પરના છો, હું ઉપરનો છું; તમે આ જગતના છો, હું આ જગતનો નથી. 24માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપોમાં મરશો; કેમ કે તે હું છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપોમાં મરશો.’” 25માટે તેઓએ તેમને પૂછ્યું, ‘તમે કોણ છો?’ ઈસુએ તેઓને કહ્યું કે, ‘પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ.’” 26મારે તમારે વિષે કહેવાની તથા ન્યાય કરવાની ઘણી બાબતો છે; તોપણ જેમણે મને મોકલ્યો છે, તેઓ સત્ય છે; અને જે વાતો મેં તેમની પાસેથી સાંભળી છે, તે હું માનવજગતને કહું છું.’” 27તે તેઓની સાથે પિતા વિષે વાત કરે છે, તે તેઓ સમજ્યા નહિ. 28ઈસુએ કહ્યું, ‘જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું તે વાતો બોલું છું. 29જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે; અને તેમણે મને એકલો મૂક્યો નથી; કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.’” 30ઈસુ તે કહેતાં હતા, ત્યારે ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.

સુવાર્તા

માથ 24:1–13

1ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને ભક્તિસ્થાનમાંનાં બાંધકામો બતાવવાને પાસે આવ્યા. 2ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “શું તમે એ બધા નથી જોતાં? હું તમને નિશ્ચે કહું છું કે, આ બધું તોડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.” 3પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.” 4ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો. 5કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે. 6યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે. 7કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે. 8પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે. 9ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે. 10અને તે સમયે ઘણાં લોકો વિશ્વાસ ગુમાવશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે. 11ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે. 12દુષ્ટતા વધી જવાના કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. 13પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 19 સપ્ટેમ્બર એટલે નાગરિક પંચાંગનો 2 ઑક્ટોબર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો