Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑગસ્ટ 2027 › 5 ઑગસ્ટ

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 5 ઑગસ્ટ 2027

ગુરુવાર · સામાન્ય કાળનું 18મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળના 18મા અઠવાડિયાનો ગુરુવાર

વૈકલ્પિક સ્મૃતિદિન · ધાર્મિક વિધિનો રંગ: લીલો

સંત મરિયમ મહાદેવળ (સાન્તા મારિયા માજોરે)નું પ્રતિષ્ઠાન · વૈકલ્પિક સ્મૃતિદિન

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

ગણ 20:1–13

1પહેલા મહિનામાં ઇઝરાયલ લોકોની આખી જમાત સીનના અરણ્યમાં આવી; તેઓ કાદેશમાં રહ્યા. ત્યાં મરિયમ મરણ પામી અને તેને ત્યાં દફનાવવામાં આવી. 2ત્યાં લોકો માટે પીવાનું પાણી નહોતું, તેથી તેઓ મૂસાની અને હારુનની વિરુદ્ધ એકત્ર થયા. 3લોકો મૂસા વિરુદ્ધ ફરિયાદ કરીને કહેવા લાગ્યા, “જ્યારે અમારા ભાઈઓ યહોવાહની સામે મરણ પામ્યા ત્યારે અમે પણ મરી ગયા હોત તો કેવું સારું! 4તમે યહોવાહના લોકોને આ અરણ્યમાં કેમ લાવ્યા છો, અમે તથા અમારાં જાનવરો મરી જઈએ? 5આ ભયાનક જગ્યામાં લાવવાને તું અમને મિસરમાંથી કેમ બહાર લાવ્યો છે? અહીંતો દાણા, અંજીરો, દ્રાક્ષા કે દાડમો નથી. અને પીવા માટે પાણી પણ નથી.” 6મૂસા તથા હારુન સભા આગળથી નીકળી ગયા. તેઓ મુલાકાતમંડપના દ્વાર પાસે ગયા અને ઉંધા પડ્યા. ત્યાં તેઓની સમક્ષ યહોવાહનું ગૌરવ પ્રગટ થયું. 7યહોવાહે મૂસા સાથે વાત કરીને કહ્યું, 8“લાકડી લે અને તું તથા તારો ભાઈ હારુન સમુદાયને એકત્ર કરો. તેઓની આંખો સમક્ષ ખડકને કહે કે તે પોતાનું પાણી આપે. તું ખડકમાંથી તેઓને સારુ પાણી વહેતું કર, તે તું જમાતને તથા જાનવરને પીવા માટે આપ.” 9જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ યહોવાહ આગળથી લાકડી લીધી. 10પછી મૂસાએ અને હારુને જમાતને ખડક આગળ ભેગી કરી. મૂસાએ તેઓને કહ્યું, “હવે, હે બળવાખોરો સાંભળો, શું અમે તમારે સારુ આ ખડકમાંથી પાણી બહાર કાઢીએ?” 11પછી મૂસાએ પોતાનો હાથ ઊંચો કરીને પોતાની લાકડી ખડકને બે વાર મારી, પુષ્કળ પાણી બહાર વહી આવ્યું. આખી જમાતે પાણી પીધું અને તેઓનાં જાનવરોએ પણ પીધું. 12પછી યહોવાહે મૂસાને અને હારુનને કહ્યું, કેમ કે તમે મારા પર ભરોસો ન કર્યો, કે ઇઝરાયલ લોકોની દ્રષ્ટિમાં મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ સભાને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ.” 13આ જગ્યાનું નામ મરીબાહનું પાણી એવું પાડવામાં આવ્યું, કેમ કે ત્યાં ઇઝરાયલના લોકોએ યહોવાહ સાથે ઝઘડો કર્યો હતો, તેઓ મધ્યે તેમણે પોતાને પવિત્ર મનાવ્યા.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 95:1–2, 6–9

1આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ; આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ. 2આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ; આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ. 6આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ; આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ. 7કારણ કે તે આપણા ઈશ્વર છે અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું! 8“મરીબાહમાં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો, અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે, 9જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું.

સુવાર્તા

માથ 16:13–23

13ઈસુએ કાઈસારિયા ફિલિપ્પીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?” 14ત્યારે તેઓએ કહ્યું કે, “કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક એલિયા, કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંના એક.” 15ઈસુએ તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” 16ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, “તમે ખ્રિસ્ત, જીવતા ઈશ્વરના દીકરા છો.” 17ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, “તું આશીર્વાદિત છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને એ જણાવ્યું છે. 18હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સ્થાપીશ, તેની વિરુદ્ધ પાતાળની સત્તાનું જોર ચાલશે નહીં. 19આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે.” 20તે ખ્રિસ્ત છે તેવું કોઈને પણ નહિ જણાવવા ઈસુએ તેના શિષ્યોને આજ્ઞા આપી. 21ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવાં લાગ્યા કે, તેણે યરુશાલેમમાં જવું પડશે. વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું દુઃખ સહન કરવું પડશે, માર્યો જશે અને ત્રીજે દિવસે પાછા મૃત્યુમાંથી સજીવન થશે. 22પિતર તેમને એક બાજુ પર લઈ જઈને ઠપકો દેવા લાગ્યો અને કહ્યું કે, “અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે; એવું તમને કદાપિ ન થાઓ.” 23પણ તેમણે પાછળ ફરીને પિતરને કહ્યું કે, “અરે શેતાન, મારી પછવાડે જા! તું મને અડચણરૂપ છે; કેમ કે ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર તું મન લગાડે છે.”

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો