Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑગસ્ટ 2027 › 1 ઑગસ્ટ

ઓર્થોડોક્સ પંચાંગ · 19 જુલાઈ (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 1 ઑગસ્ટ 2027

રવિવાર · સ્વર 5

પર્વો અને સંતો

પચાસમાના પર્વ પછીનો છઠ્ઠો રવિવાર

પહેલી છ વિશ્વવ્યાપી મહાસભાઓના પિતૃઓ

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન (પિતૃઓ માટે)

ઉત્પ 14:14–20

14જયારે ઇબ્રામે સાંભળ્યું કે દુશ્મનોએ તેના સગાં સંબંધીઓને તાબે કર્યાં છે, ત્યારે તેણે પોતાના ઘરમાં જન્મેલા અને તાલીમ પામેલા ત્રણસો અઢાર પુરુષોને લઈને દાન સુધી સૈન્યનો પીછો કર્યો. 15તે રાત્રે તેણે તેઓની વિરુદ્ધ પોતાના માણસોના બે ભાગ પાડીને તેઓ પર હુમલો કર્યો અને દમસ્કસની ડાબી બાજુના હોબા સુધી તેઓનો પીછો કર્યો. 16પછી તે પોતાના સંબંધી લોતને, તેની સંપત્તિને, સ્ત્રીઓને તથા બીજા દાસોને પાછા લાવ્યો. 17કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા, તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો ત્યારે તેને મળવા સારુ સદોમનો રાજા શાવેહની ખીણમાં એટલે રાજાની ખીણમાં આવ્યો. 18સાલેમનો રાજા મલ્ખીસદેક, રોટલી તથા દ્રાક્ષારસ લઈને આવ્યો. તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો. 19તેણે ઇબ્રામ આશીર્વાદ આપીને કહ્યું, “પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા છે તેમનાંથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ. 20જે સર્વશ્રેષ્ઠ ઈશ્વરે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, પરાત્પર ઈશ્વરની સ્તુતિ થાઓ.” પછી ઇબ્રામે સર્વ સંપત્તિમાંથી તેને દસમો ભાગ આપ્યો.

સંધ્યા-પ્રાર્થના: વાંચન (પિતૃઓ માટે)

પુન 1:8–11, 15–17

8જુઓ, તમારી આગળ આ જે દેશ હું દર્શાવું છું; તેમાં પ્રવેશ કરો. એ દેશ વિષે યહોવાહે તમારા પૂર્વજો એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ પ્રતિજ્ઞા લીધી હતી કે હું તમને તથા તમારા વંશજોને તે દેશ આપીશ તેનું વતન પ્રાપ્ત કરો.’” 9“તે સમયે મેં તમને એવું કહ્યું હતું કે, હું પોતે એકલો તમારો બધાનો બોજો ઉપાડવાને શક્તિમાન નથી. 10તમારા યહોવાહે તમારો વિસ્તાર વધાર્યો છે, અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી છે. 11તમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહે તમને આપેલા વચન પ્રમાણે તમે છો તેના કરતાં તમને હજારગણા વધારો અને આશીર્વાદ આપો. 15“તેથી તમારાં કુળોમાંના આગેવાનો જેઓ બુદ્ધિમાન અને અનુભવી પુરુષો હતા તેઓને લઈને મેં તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે તમારાં કુળો પ્રમાણે હજાર-હજારના આગેવાનો તથા સો-સોના આગેવાનો, પચાસ-પચાસના આગેવાનો દસ-દસના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા. 16અને તે સમયે મેં તમારા ન્યાયીધીશોને એવી આજ્ઞા કરી હતી કે, તમારા ભાઈઓ વચ્ચેની તકરાર તમારે સાંભળવી. અને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશી વચ્ચે તમારે નિષ્પક્ષ ન્યાય કરવો. 17ન્યાય કરતી વખતે તમારે આંખની શરમ રાખવી નહિ; નાના તથા મોટા સૌનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ, કેમ કે ન્યાય કરવો એ ઈશ્વરનું કામ છે. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમારે મારી પાસે લાવવો એટલે તે હું સંભાળીશ.

સંધ્યા-પ્રાર્થના: વાંચન (પિતૃઓ માટે)

પુન 10:14–21

14જો, આકાશ તથા આકાશોનાં આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવાહ તમારા ઈશ્વરનું છે. 15તેમ છતાં તમારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાહને સારું લાગ્યું. અને તેમણે તેઓની પાછળ તેઓનાં સંતાનને એટલે સર્વ લોકોના કરતાં તમને પસંદ કર્યા જેમ આજે છે તેમ. 16તેથી તમે તમારાં પાપી હૃદયોને શુદ્વ કરો અને હઠીલાપણું છોડી દો. 17કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી. 18તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે. 19તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા. 20તમે યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો; તેમને જ તમે વળગી રહો. અને તેમના જ નામે સમ ખાઓ. 21તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભૂત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

આ અનુવાદમાં નથી

સંધ્યા-પ્રાર્થના: વાંચન

આ અનુવાદમાં નથી

સંધ્યા-પ્રાર્થના: વાંચન

આ અનુવાદમાં નથી

પ્રભાત-પ્રાર્થનાની છઠ્ઠી સુવાર્તા

લૂક 24:36–53

36તેઓ એ વાતો કહેતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે કે, ‘તમને શાંતિ થાઓ.’” 37પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે, અમારા જોવામાં કોઈ આત્મા આવે છે. 38તેમણે તેઓને કહ્યું કે, ‘તમે કેમ ગભરાઓ છો, અને તમારાં મનમાં શંકા કેમ થાય છે? 39મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતા નથી.’” 40એમ કહીને તેમણે પોતાના હાથ તથા પગ તેઓને બતાવ્યાં. 41તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને દંગ થઈ ગયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી પાસે કંઈ ખાવાનું છે?’” 42તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો, 43ઈસુએ તે લઈને તેઓની આગળ ખાધો. 44ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, જે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પૂરું થવું જોઈએ.’” 45ત્યારે પવિત્રશાસ્ત્ર સમજવા સારુ ઈસુએ તેઓનાં મન ખોલ્યાં. 46ઈસુએ તેઓને કહ્યું કે, ‘એમ લખ્યું છે, કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ; 47યરુશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપોની માફી પ્રગટ કરાવાં જોઈએ. 48એ વાતના સાક્ષીઓ તમે છો. 49હું મારા પિતાનું આશાવચન તમારા પર મોકલું છું; પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો.’” 50બેથાનિયાની સામે તેઓને બહાર લઈ ગયા પછી તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો. 51એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને સ્વર્ગમાં લઈ લેવાયા. 52તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા. 53અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.

પત્ર

રોમ 12:6–14

6આપણને જે કૃપા આપવામાં આવી છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં કૃપાદાન મળ્યાં છે; તેથી જો બોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય, તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે બોધ કરવો; 7અથવા જો સેવાનું, તો સેવામાં લાગુ રહેવું; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં લાગુ રહેવું; 8જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં વ્યસ્ત રહેવું; જે દાન આપે છે, તેણે ઉદારતાથી આપવું; જે અધિકારી છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો; અને જે દયા રાખે છે તેણે હર્ખથી દયા રાખવી. 9તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ખરાબ છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો. 10ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો. 11ઉદ્યોગમાં આળસુ ન થાઓ; આત્મામાં ઉત્સાહી થાઓ; પ્રભુની સેવા કરો; 12આશામાં આનંદ કરો; સંકટમાં ધીરજ રાખો; પ્રાર્થનામાં લાગુ રહો; 13સંતોની જરૂરિયાતો પૂરી પાડો; પરોણાગત કરવામાં તત્પર રહો. 14તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો અને શ્રાપ આપતા નહિ.

પત્ર (પિતૃઓ માટે)

હિબ 13:7–16

7જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરનું વચન કહ્યું છે, તેઓનું સ્મરણ કરો, તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસને અનુસરો. 8ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે. 9તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઈ જશો નહિ; કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે; અમુક ખોરાક ખાવા કે ના ખાવાથી એ પ્રમાણે વર્તવાથી કશો લાભ થતો નથી. 10આપણને એવી યજ્ઞવેદી છે કે તે પરનું ખાવાનો અધિકાર મંડપની સેવા કરનારાઓને નથી. 11કેમ કે પાપોના બલિદાનને માટે જે પશુઓનું લોહી પ્રમુખ યાજક પવિત્રસ્થાનમાં લાવે છે, તેઓનાં શરીર છાવણી બહાર બળાય છે. 12એ માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મૃત્યુ સહન કર્યું. 13તેથી આપણે પણ તેમનું અપમાન સહન કરીને તેમની પાસે છાવણી બહાર જઈએ. 14કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયાં નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ. 15માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ. 16ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવાં અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.

પત્ર (સંત સેરાફિમ માટે)

ગલ 5:22–6:2

22પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23નમ્રતા અને આત્મસંયમ છે; આ બાબતોની વિરુદ્ધ કોઈ નિયમ નથી. 24અને જેઓ ખ્રિસ્તનાં છે, તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે. 25જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માની દોરવણી પ્રમાણે ચાલવું પણ જોઈએ. 26આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને ઘમંડ ન કરીએ. 6:1ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તેઓ નમ્રભાવે તેને સાચા માર્ગે પાછો લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે. 2તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનાં નિયમનું સંપૂર્ણ પાલન કરો.

સુવાર્તા

માથ 9:1–8

1ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા. 2ત્યાં જુઓ, ખાટલે પડેલા એક લકવાગ્રસ્તને લોકો તેમની પાસે લાવ્યા. ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે, “દીકરા, હિંમત રાખ, તારાં પાપ તને માફ થયા છે.” 3ત્યારે શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે, “એ દુર્ભાષણ કરે છે.” 4ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, “તમે તમારા મનમાં શા માટે દુષ્ટ વિચાર કરો છો? 5કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે ‘તારાં પાપ તને માફ થયાં છે,’ અથવા એમ કહેવું કે ‘ઊઠીને ચાલ્યો જા?’ 6પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો,” તેથી ઈસુએ લકવાગ્રસ્ત માણસને કહ્યું કે “ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.” 7અને તે ઊઠીને પોતાને ઘરે ગયો. 8તે જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, અને ઈશ્વરે માણસોને એવો અધિકાર આપ્યો છે, એ માટે તેઓએ તેમનો મહિમા કર્યો.

સુવાર્તા (પિતૃઓ માટે)

યોહ 17:1–13

1ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગ તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે. 2કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે. 3અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે. 4જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે. 5હવે, ઓ પિતા, સૃષ્ટિની ઉત્પત્તિ અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તેથી તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો. 6માનવજગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે; તેઓ તમારાં હતાં, તેઓને તમે મને આપ્યાં છે; અને તેઓએ તમારાં વચન પાળ્યા છે. 7હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી જ છે. 8કેમ કે જે વાતો તમે મને કહેલી હતી તે મેં તેઓને કહી છે; અને તેઓએ તે સ્વીકારી છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું છે, તમે મને મોકલ્યો છે, એવો વિશ્વાસ તેઓએ કર્યો છે. 9જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું; માનવજગતને સારું હું પ્રાર્થના કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે; 10જે બધા મારાં તે તમારા છે અને જે તમારા તે મારાં છે; હું તેઓમાં મહિમાવાન થયો છું. 11હું લાંબા સમય સુધી દુનિયામાં નથી, પણ તેઓ આ દુનિયામાં છે અને હું તમારી પાસે આવું છું. ઓ પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તેમાં તેઓને પણ આપણા જેવા એક થવા માટે સંભાળી રાખો. 12હું તેઓની સાથે જગતમાં હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્રવચનો પૂરા થાય માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો વિનાશ થયો નહિ. 13હવે હું તમારી પાસે આવું છું; ‘તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,’ માટે હું આ બાબતો દુનિયામાં કહું છું.

સુવાર્તા (સંત સેરાફિમ માટે)

લૂક 6:17–23

17પછી ઈસુ શિષ્યોની સાથે પહાડ પરથી ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો સમુદાય તથા આખા યહૂદિયામાંથી, યરુશાલેમમાંથી, તેમ જ તૂર તથા સિદોનના દરિયાકિનારાંનાં લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે, જેઓ તેમના વચનો સાંભળવા તથા પોતાના રોગથી સાજાં થવા આવ્યા હતા; 18જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજાં કરવામાં આવ્યા. 19સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનાંમાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું. 20ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું કે, ‘ઓ નિર્ધનો, તમે આશીર્વાદિત છો કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે. 21અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે તૃપ્ત થશો. અત્યારે રડનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે હસશો. 22જયારે માણસના દીકરાને લીધે લોકો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, તમારું અપમાન કરશે, તમારા નામને કલંકિત માનીને તમને કાઢી મૂકશે, ત્યારે તમે આશીર્વાદિત છો. 23તે દિવસે તમે આનંદ કરો અને ખુશીથી કૂદો કેમ કે જુઓ, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે; કેમ કે તેઓના પૂર્વજોએ પ્રબોધકોની પ્રત્યે એવું જ વર્તન કર્યુ હતું.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 19 જુલાઈ એટલે નાગરિક પંચાંગનો 1 ઑગસ્ટ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો