Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑગસ્ટ 2027 › 2 ઑગસ્ટ

ઓર્થોડોક્સ પંચાંગ · 20 જુલાઈ (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 2 ઑગસ્ટ 2027

સોમવાર · પચાસમાના પર્વ પછીનું સાતમું અઠવાડિયું · સ્વર 5

પર્વો અને સંતો

Holy Glorious Prophet Elijah (9th C BC)

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 રાજા 17:1–23

1બહારથી આવી ને ગિલ્યાદ માં વસેલાં તિશ્બી એલિયા આહાબને કહ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, જેઓ જીવંત છે, જેની સંમુખ હું ઊભો રહું છું, તેના જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વર્ષોમાં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ વરસશે નહિ.” 2ત્યાર બાદ એલિયા પાસે યહોવાહનું એવું વચન આવ્યું કે, 3“આ જગ્યા છોડીને તું પૂર્વ તરફ જા, યર્દન નદીની બાજુમાં કરીંથના નાળાં પાસે સંતાઈ રહે. 4એમ થશે કે તું ઝરણાનું પાણી પીશે અને મેં કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તારે માટે ત્યાં ખોરાક પૂરો પાડે.” 5તેથી તેણે યહોવાહની આજ્ઞા પ્રમાણે કર્યું. તે યર્દનની પૂર્વ તરફ આવેલા કરીંથના નાળાં પાસે ગયો. 6કાગડાઓ સવાર સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા હતા અને નાળાંમાંથી તે પાણી પીતો હતો. 7પણ થોડા સમય પછી, નાળાનું પાણી સુકાઈ ગયું. કેમ કે દેશમાં કોઈ સ્થળે વરસાદ વરસ્યો ન હતો. 8પછી યહોવાહનું વચન એલિયા પાસે આવ્યું કે, 9“તું ઊઠ અને સિદોન નગરની પાસેના સારફતમાં જઈને રહે. જો, ત્યાં એક વિધવા સ્ત્રી રહે છે, તેને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે.” 10તેથી તે સારફત ચાલ્યો ગયો, જયારે તે નગરના પ્રવેશદ્વારે પહોંચ્યો ત્યારે તેણે એક વિધવા સ્ત્રીને લાકડાં વીણતી જોઈ, તેણે તેને બોલાવીને કહ્યું, “કૃપા કરીને મારે પીવા સારુ તું મને કૂજામાં થોડું પાણી લાવી આપ.” 11તે પાણી લેવા જતી હતી એટલામાં એલિયાએ તેને હાંક મારીને કહ્યું, “મારે સારુ રોટલીનો ટુકડો પણ લેતી આવજે.” 12પણ તે વિધવાએ જવાબ આપ્યો, “તારા ઈશ્વર યહોવાહની હાજરીમાં હું કહું છું કે મારી પાસે રોટલી નથી પણ માટલીમાં ફક્ત એક મુઠ્ઠી લોટ અને કૂંડીમાં થોડું તેલ છે. જો હું અહીં થોડાં લાકડાં વીણવા આવી છું, જેથી હું જઈને મારે માટે અને મારા પુત્ર માટે કંઈ રાંધુ કે જેથી અમે તે ખાઈએ અને પછીથી ભૂખે મરીએ.” 13એલિયાએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ. જઈને તારા કહેવા પ્રમાણે કર, પણ પહેલાં મારા માટે તેમાંથી એક નાની રોટલી બનાવીને મારી પાસે અહીં લઈ આવ. પછી તારા માટે તથા તારા દીકરા માટે બનાવજે. 14કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘દિવસે હું ભૂમિ પર વરસાદ વરસાવીશ, ત્યાં સુધી માટલીમાંનો લોટ અને કૂંડીમાંનું તેલ ખૂટી જશે નહિ.’” 15આથી તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યું. અને એલિયાએ, તે સ્ત્રીએ તથા તેના દીકરાએ ઘણા દિવસો સુધી ખાધું. 16યહોવાહ પોતાનું જે વચન એલિયા મારફતે બોલ્યા હતા તે પ્રમાણે માટલીમાંનો લોટ તથા કૂંડીમાંનું તેલ ખૂટી ગયું નહિ. 17ત્યાર બાદ તે સ્ત્રીનો દીકરો માંદો પડ્યો. તેની બીમારી એટલી બધી ભારે હતી કે આખરે તેનો શ્વાસ બંધ પડી ગયો. 18તેથી તેની માતાએ એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત તારે મારી વિરુદ્ધ શું છે? તું મારાં પાપનું સ્મરણ કરાવવાં તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યો છે!” 19પછી એલિયાએ તેને જવાબ આપ્યો, “તારો દીકરો મને આપ.” તેણે તે છોકરાંને તેની માતાની ગોદમાંથી લીધો. અને જે ઓરડીમાં તે પોતે રહેતો હતો ત્યાં તેને માળ પર લઈને પોતાના પલંગ પર સુવડાવ્યો. 20તેણે યહોવાહને પ્રાર્થના કરતાં કહ્યું, “હે મારા ઈશ્વર યહોવાહ, જે વિધવાને ત્યાં હું રહું છું, તેના દીકરાને મારી નાખીને તેના પર તમે આપત્તિ લાવ્યા છો શું?” 21પછી એલિયાએ તે છોકરા પર સૂઈ જઈને ત્રણ વાર યહોવાહને પ્રાર્થના કરી કે, “ઓ મારા ઈશ્વર યહોવાહ, હું તમને વિનંતિ કરું છું, કૃપા કરી આ બાળકનો જીવ તેનામાં પાછો આવવા દો.” 22યહોવાહે એલિયાની વિનંતિ સાંભળી; તે બાળકનો જીવ તેનામાં પાછો આવ્યો અને તે સજીવન થયો. 23એલિયા તે બાળકને લઈને ઉપરની ઓરડીમાંથી નીચેના ઘરમાં આવ્યો; તે છોકરાંને તેની માતાને સોંપીને બોલ્યો કે, “જો, તારો દીકરો જીવતો છે.”

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 રાજા 18; 1 રાજા 19 (પસંદ કરેલી કલમો)

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 રાજા 19:19–21 · 2 રાજા 2:1, 6–14

19તેથી એલિયા ત્યાંથી રવાના થયો અને તેને શાફાટનો દીકરો એલિશા મળ્યો. ત્યારે તે તેને ખેતર ખેડતો હતો. એની આગળ બાર જોડ બળદ હતા અને તે પોતે બારમી જોડની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો. 20પછી એલિશા બળદોને મૂકીને એલિયાની પાછળ દોડ્યો અને કહેવા લાગ્યો, “કૃપા કરીને મને મારા માતા પિતાને વિદાયનું ચુંબન કરવા જવા દે, પછી હું તારી પાછળ આવીશ.” પછી એલિયાએ તેને કહ્યું, “સારું, પાછો જા, પણ મેં તારા માટે જે કર્યું છે તેનો વિચાર કરજે.” 21તેથી એલિશા એલિયાની પાછળ ન જતાં પાછો વળ્યો. તેણે બળદની એક જોડ લઈને તે બે બળદને કાપીને ઝૂંસરીના લાકડાંથી તેઓનું માંસ બાફ્યું. તેનું ભોજન બનાવીને લોકોને પીરસ્યું. અને તેઓએ તે ખાધું. પછી તે ઊઠીને એલિયાની પાછળ ગયો અને તેની સેવા કરી. 2:1ઈશ્વર વંટોળિયા દ્વારા એલિયાને આકાશમાં લઈ લેવાના હતા ત્યારે એમ થયું કે, એલિયા એલિશાને લઈને ગિલ્ગાલથી ચાલી નીકળ્યો. 6અને એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે, ઈશ્વર મને યર્દન મોકલે છે.” એલિશાએ હહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” પછી તેઓ બંન્ને આગળ ચાલ્યા. 7પ્રબોધકોના પચાસ દીકરાઓ તેઓની સામે દૂર ઊભા રહ્યા અને તેઓ બન્ને યર્દન નદીને કિનારે ઊભા રહ્યા. 8એલિયાએ પોતાનો ઝભ્ભો લઈને તેને વીંટાળીને તેને પાણી પર માર્યો અને નદીના બે ભાગ થઈ ગયા, તેથી તેઓ બન્ને કોરી જમીન ચાલીને પેલે પાર ગયા. 9તેઓ નદી પાર ઊતર્યા પછી એમ થયું કે, એલિયાએ એલિશાને કહ્યું, “મને તારી પાસેથી લઈ લેવામાં આવે તે અગાઉ તું માગ કે હું તારે માટે શું કરું?” એલિશાએ કહ્યું, “કૃપા કરી તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે.” 10એલિયાએ કહ્યું, “તેં જે માગ્યું છે તે ભારે છે. તોપણ, જો તું મને તારી પાસેથી લઈ લેવાતો જોશે, તો તારે માટે એ શકય થશે, પણ જો નહિ જુએ, તો એવું નહિ થાય.” 11તેઓ વાતો કરતા કરતા આગળ ચાલ્યા જતા હતા એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ અને અગ્નિમય ઘોડા દેખાયા. એ બધાએ બન્ને માણસોને એકબીજાથી જુદા પાડી દીધા. એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચઢી ગયો. 12એલિશાએ તે જોયું, તેણે બૂમ પાડી, “ઓ મારા બાપ રે, ઓ મારા બાપ રે! ઇઝરાયલના રથો અને તેમના ઘોડેસવારો!” પછી એલિશાએ એલિયાને જોયો નહિ. અને એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ટુકડાં કરી નાખ્યા. 13પછી એલિશાએ એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો હતો તે તેણે ઉપાડી લીધો અને પાછો તે યર્દન કિનારે જઈને ઊભો રહ્યો. 14એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો તે લઈને એલિશાએ પાણી પર મારીને કહ્યું, “એલિયાના ઈશ્વર યહોવાહ કયાં છે?” જયારે તેણે પાણી પર માર્યું ત્યારે તે પાણી બે ભાગમાં વહેંચાય ગયાં અને એલિશા નદીની પાર ગયો.

પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા

લૂક 4:22–30

22બધાએ તેમના વિષે સાક્ષી આપી, અને જે કૃપાની વાતો તેમણે કહી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘શું એ યૂસફનો દીકરો નથી?’” 23ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.’ કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો. 24ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી. 25પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડાત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી; 26તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો. 27વળી એલિશા પ્રબોધકના વખતમાં ઘણાં કુષ્ઠ રોગીઓ ઇઝરાયલમાં હતા, પરંતુ અરામી નામાન સિવાય તેઓમાંનો અન્ય કોઈ શુદ્ધ કરાયો ન હતો. 28એ વાત સાંભળીને સભાસ્થાનમાંના સૌ ગુસ્સે ભરાયા; 29તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા. 30પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.

પત્ર

1 કરિં 5:9–6:11

9મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો; 10પણ આ દુનિયાના વ્યભિચારીઓ તથા લોભીઓ, જુલમી કે મૂર્તિપૂજકોની સંગત ન કરો એમ નહિ; કેમ કે જો એમ હોય તો તમારે માનવજગતમાંથી નીકળી જવું પડે. 11પણ હમણાં મેં તમને લખ્યું છે, કે જે આપણો ભાઈ કહેવાય છે, એવો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદા કરનારો, સ્વછંદી કે જુલમ કરનારો હોય, તો એવા માણસોની સંગત કરવી નહિ, અને તેની સાથે બેસીને ખાવું પણ નહિ. 12કેમ કે બહારનાઓનો ન્યાય મારે શું કામ કરવો છે? જેઓ વિશ્વાસી સમુદાયમાનાં છે તેઓનો ન્યાય તમે કરો છો કે નહિ? 13પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે તો તમે તમારામાંથી તે મનુષ્યને દૂર કરો. 6:1તમારામાંના કોઈને બીજાની સામે તકરાર થઈ હોય, તો સંતોની આગળ ન જતા અવિશ્વાસીઓની આગળ ન્યાય માગવા જાય એ કેવું કહેવાય? 2સંતો માનવજગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારાથી માનવજગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને યોગ્ય નથી? 3આપણે દૂતોનો ન્યાય કરીશું એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય આપણે ના કરી શકીએ? 4એ માટે જો તમારે આ જિંદગીની બાબતોનો ન્યાય કરવાનો હોય, તો વિશ્વાસી સમુદાયમાં જેઓને તમે ગણકારતા નથી તેઓને તમે ન્યાય કરવાને બેસાડો છો? 5હું તમને શરમાવવાને માટે કહું છું. કે શું ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે, એવો એક પણ જ્ઞાની માણસ તમારામાં નથી? 6પણ અહીં તો ભાઈ પોતાના ભાઈ સામે ફરિયાદ કરે છે; અને તે વળી અવિશ્વાસીઓ સમક્ષ! 7માટે હમણાં તમારામાં સાચે જ ગેરસમજ ઊભી થઈ છે, કે, તમે એકબીજા સામે ફરિયાદ કરો છો. એમ કરવાને બદલે તમે અન્યાય કેમ સહન કરતા નથી? 8ઊલટાનું તમે અન્યાય કરો છો, તથા બીજાનું પડાવી લો છો, અને તે પણ તમારા ભાઈઓનું! 9શું તમે જાણતા નથી કે અન્યાયીઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ? તમે ભૂલ ન કરો; વળી વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ તથા સજાતીય પુરુષ સંબંધ રાખનારાઓ, 10ચોરીઓ કરનાર, લોભીઓ, સ્વછંદી, નિંદા કરનારાઓ તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ. 11તમારામાંના કેટલાક એવા હતા, પણ તમે ઈસુ ખ્રિસ્તનાં નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રતા અને ન્યાયપણું પામ્યા છો.

પત્ર (પ્રબોધક એલિયા માટે)

યાકૂ 5:10–20

10ભાઈઓ અને બહેનો, દુઃખ સહેવા વિષે તથા ધીરજ માટેના નમૂના, જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓ પાસેથી ગ્રહણ કરો. 11જુઓ, જેઓએ સહન કર્યું છે તેઓ આશીર્વાદિત છે, એમ આપણે માનીએ છીએ. તમે અયૂબની સહનશીલતા વિષે સાંભળ્યું છે, પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે એ પ્રમાણે કે, પ્રભુ ઘણાં કરુણાળુ તથા દયાળુ છે. 12પણ મારા ભાઈઓ, વિશેષે કરીને તમે સમ ન ખાઓ; સ્વર્ગના નહિ કે પૃથ્વીના નહિ કે બીજા કોઈનાં સમ ન ખાઓ; પણ તમને સજા થાય નહિ માટે તમારી ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય. 13તમારામાં શું કોઈ દુઃખી છે? તો તેણે પ્રાર્થના કરવી. શું કોઈ આનંદિત છે? તો તેણે ગીત ગાવાં. 14તમારામાં શું કોઈ બીમાર છે? તો તેણે વિશ્વાસી સમુદાયના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ લગાવીને તેને માટે પ્રાર્થના કરવી. 15વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના બીમારને બચાવશે, પ્રભુ તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે, તો માફ કરવામાં આવશે. 16તમે નીરોગી થાઓ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો, એકબીજાને માટે પ્રાર્થના કરો; ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. 17એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો. પણ તેણે પ્રાર્થનામાં વિનંતી કરી કે ‘વરસાદ વરસે નહિ;’ તેથી સાડાત્રણ વરસ સુધી ભૂમિ પર વરસાદ વરસ્યો નહિ. 18તેણે ફરી પ્રાર્થના કરી અને સ્વર્ગમાંથી વરસાદ વરસ્યો; અને ધરતીએ પાક ઉપજાવ્યો. 19મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ તજીને અવળે માર્ગે ભટકી જાય અને કોઈ તેને પાછો ફેરવે, 20તો તેણે જાણવું કે પાપીને તેના અવળે માર્ગમાંથી જે પાછો વાળે છે, તે એક જીવને મૃત્યુથી બચાવશે અને તેના સંખ્યાબંધ પાપને ઢાંકી દેશે.

સુવાર્તા

માથ 13:54–58

54પછી પોતાના પ્રદેશમાં આવીને તેમણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે, તેઓ આશ્ચર્યચકિત થઈને બોલ્યા કે, “આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવાં પરાક્રમી કામો ક્યાંથી? 55શું એ સુથારના દીકરા નથી? શું એમની માનું નામ મરિયમ નથી? શું યાકૂબ, યૂસફ, સિમોન તથા યહૂદા તેમના ભાઈઓ નથી? 56શું એમની સઘળી બહેનો આપણી સાથે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?” 57તેઓએ તેમનો સ્વીકાર કર્યો નહિ. પણ ઈસુએ તેઓને કહ્યું કે, “પ્રબોધક પોતાના વતનમાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.” 58તેઓના અવિશ્વાસને લીધે તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યા નહિ.

સુવાર્તા (પ્રબોધક એલિયા માટે)

લૂક 4:22–30

22બધાએ તેમના વિષે સાક્ષી આપી, અને જે કૃપાની વાતો તેમણે કહી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘શું એ યૂસફનો દીકરો નથી?’” 23ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.’ કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો. 24ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી. 25પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડાત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી; 26તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો. 27વળી એલિશા પ્રબોધકના વખતમાં ઘણાં કુષ્ઠ રોગીઓ ઇઝરાયલમાં હતા, પરંતુ અરામી નામાન સિવાય તેઓમાંનો અન્ય કોઈ શુદ્ધ કરાયો ન હતો. 28એ વાત સાંભળીને સભાસ્થાનમાંના સૌ ગુસ્સે ભરાયા; 29તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા. 30પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 20 જુલાઈ એટલે નાગરિક પંચાંગનો 2 ઑગસ્ટ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો