મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જુલાઈ 2027 › 19 જુલાઈ
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 19 જુલાઈ 2027
સોમવાર · સામાન્ય કાળનું 16મું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળના 16મા અઠવાડિયાનો સોમવાર
અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: લીલો
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
5જ્યારે મિસરના રાજાને ખબર આપવામાં આવી કે, ઇઝરાયલી લોકો જતા રહ્યા છે. ત્યારે ફારુનનું અને તેના સરદારોનું વલણ બદલાઈ ગયું. તેઓને થયું કે, “આપણે શું કર્યુ? આપણે તેઓને કેમ જવા દીધા? આપણે આપણા ગુલામોને ગુમાવ્યા છે.” 6એટલે ફારુને પોતાનો રથ અને લશ્કરને તૈયાર કર્યું. 7ફારુને પોતાના રથદળમાંથી મિસરના સૌથી શ્રેષ્ઠ છસો સરદારોને અને અન્ય રથો સહિત તેઓના સરદારોને સાથે લીધા. 8યહોવાહે મિસરના રાજા ફારુનને હઠીલો બનાવ્યો, તે પોતાનું સૈન્ય લઈને નીડર ઇઝરાયલીઓની પાછળ પડ્યો. 9મિસરના લશ્કરના અસંખ્ય ઘોડેસવારો તથા રથસવારો તથા અન્ય સૈનિકોએ ઇઝરાયલીઓનો પીછો કર્યો. અને તેઓ બઆલ-સફોનની આગળ પીહાહીરોથની પાસે સમુદ્ર કિનારે છાવણીમાં તેઓની નજીક આવી પહોંચ્યા. 10ફારુન તેઓની નજીક આવી પહોંચ્યો, તે જોઈને ઇઝરાયલીઓને ખબર પડી કે મિસરીઓ તેઓની પાછળ પડ્યા છે! તેથી તેઓ ખૂબ ભયભીત થયા અને તેઓએ સહાય માટે યહોવાહને પોકાર કર્યો. 11તેઓએ મૂસાને કહ્યું, “તું અમને શા માટે મિસરમાંથી બહાર લાવ્યો છે? શું મિસરમાં કબરો નહોતી? તું તો અમને આ રણપ્રદેશમાં મરવા માટે લાવ્યો છે. શાંતિપૂર્વક મૃત્યુ પામવા અમારે માટે મિસરમાં ઘણી કબરો હતી. 12અમે મિસરમાં જ તને નહોતું કહ્યું કે, ‘અમને લોકોને અમે જેમ છીએ તેમ રહેવા દે, મિસરવાસીઓની સેવા કરવા દે? અમારે માટે અહીં અરણ્યમાં મરવા કરતાં મિસરવાસીઓની ગુલામી કરવી એ વધારે સારું હતું.” 13પરંતુ મૂસાએ લોકોને આશ્વાસન આપ્યું, “ગભરાશો નહિ. જ્યાં છો ત્યાં જ મક્કમતાપૂર્વક ઊભા રહો અને જુઓ કે આજે યહોવાહ તમારો કેવી અજાયબ રીતે બચાવ કરે છે! જે મિસરવાસીઓને તમે અત્યારે જુઓ છો તેઓ હવે પછી ક્યારેય તમને દેખાશે નહિ. 14તમારે તો આંગળી પણ અડાડવાની નથી; માત્ર જોયા કરવાનું છે. યહોવાહ તમારે માટે યુદ્ધ કરશે.” 15પછી યહોવાહે મૂસાને કહ્યું, “મને પોકારો કરવાની શી જરૂર છે? ઇઝરાયલી લોકોને કહે કે આગળ કૂચ કરે, પ્રવાસ ચાલુ રાખે. 16તું તારી લાકડીને રાતા સમુદ્ર પર ઊંચી કર. તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ અને સમુદ્ર બે ભાગ થઈ જશે. ઇઝરાયલ લોકો સમુદ્રની કોરી જમીન પર થઈને સમુદ્ર પાર કરશે. 17પછી હું મિસરવાસીઓને હઠીલા અને આવેશી બનાવીશ. એટલે તેઓ તમારા પર સમુદ્ર તરફ ધસી આવશે. ફારુનને, તેના રથસવારો, ઘોડેસવારો અને સમગ્ર સૈન્યને હું નષ્ટ કરીશ. તેઓ મારું ગૌરવ નિહાળશે. 18ત્યારે ફારુન અને તેના સૈન્ય સહિત સમગ્ર મિસરવાસીઓને ખબર પડશે કે હું યહોવાહ છું.”
પ્રત્યુત્તર ગીત
1પછી મૂસાએ અને ઇઝરાયલના લોકોએ યહોવાહની સમક્ષ આ સ્તુતિગાન ગાયું: “હું યહોવાહની સમક્ષ ગાયન કરીશ, તેમણે મહાન વિજય પ્રાપ્ત કર્યો છે. તેમણે ઘોડા અને સવારોને સમુદ્રમાં ડુબાડી દીધા છે; 2યહોવાહ મારું સામર્થ્ય અને ગીત છે; તે મારો ઉદ્ધાર થયા છે. આ મારા ઈશ્વર છે અને હું તેમની સ્તુતિ કરીશ. મારા પૂર્વજોના ઈશ્વર, હું તેમને મહાન માનું છું. 3યહોવાહ તો યોદ્ધા છે, તેમનું નામ યહોવાહ છે. 4તેમણે ફારુનનાં રથદળોને સમુદ્રમાં ડુબાડી દીધા; અને તેના માનીતા સરદારોને પણ સૂફ સમુદ્રમાં ડુબાડી દીઘા છે. 5પાણીના પ્રવાહો તેઓના પર ફરી વળ્યા છે. તેઓ પથ્થરની માફક છેક તળિયે ડૂબી ગયા છે. 6હે યહોવાહ! તમારો જમણો હાથ, પરાક્રમે મહિમાવાન છે. હે યહોવાહ! તમારો જમણો હાથ શત્રુઓને પછાડીને તેમના ચૂરા કરે છે.
સુવાર્તા
38ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “ઓ ઉપદેશક, અમે તમારી પાસેથી ચમત્કારિક ચિહ્ન જોવા ચાહીએ છીએ.” 39પણ ઈસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, “દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂના પ્રબોધકનાં ચમત્કારિક ચિહ્ન સિવાય કોઈ ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ. 40કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટી માછલીના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટાળમાં રહેશે. 41ન્યાયકાળે નિનવેહના માણસ આ પેઢી સાથે ઊઠીને ઊભા રહેશે અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે. 42દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે; કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો