મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જુલાઈ 2027 › 18 જુલાઈ
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 18 જુલાઈ 2027
રવિવાર · સામાન્ય કાળનું 16મું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળનો 16મો રવિવાર
રવિવાર · ધાર્મિક વિધિનો રંગ: લીલો
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
1“જે પાળકો મારા બીડનાં ઘેટાંનો નાશ કરે છે તથા તેઓને વિખેરી નાખે છે. તેઓને અફસોસ!” એમ યહોવાહ કહે છે. 2તેથી જે પાળકો મારા લોકનું પાલન કરે છે તેઓ વિષે યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, “તમે મારા ટોળાંને વિખેરી નાખ્યું છે અને નસાડી મૂક્યું છે. અને તેની પર ધ્યાન નથી આપ્યું, એ માટે! હવે હું તમે કરેલા દુષ્કૃત્યોની તમને સજા કરીશ” એવું યહોવાહ કહે છે. 3“વળી જે દેશોમાં મેં મારા ટોળાંને નસાડી મૂક્યા છે ત્યાંથી પાછા એકત્ર કરીને, તેઓને તેઓના વાડાઓમાં પાછા લાવીશ. ત્યાં તેઓ સફળ થશે અને વૃદ્ધિ પામશે. 4હું એવા પાળકોની નિમણૂક કરીશ કે જેઓ તેમનું પાલન કરે. તેઓ ફરી બીશે નહિ કે ગભરાશે નહિ. અને ભૂલા પડશે નહિ” એમ યહોવાહ કહે છે. 5‘યહોવાહ કહે છે, “જુઓ, એવો સમય આવી રહ્યો છે “જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી “અંકુર’ ઉગાવીશ. તે રાજા તરીકે રાજ કરશે. તેના શાસનમાં આબાદી હશે. અને દેશમાં ન્યાય અને નીતિમત્તા લાવશે. 6તેની કારકિર્દીમાં યહૂદિયાનો ઉદ્ધાર થશે અને ઇઝરાયલ સુરક્ષિત રહેશે. અને યહોવાહ અમારું ન્યાયીપણું છે. એ નામથી તેઓ તમને બોલાવશે.
પ્રત્યુત્તર ગીત
1દાઉદનું ગીત. યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ. 2તે મને લીલાં ઘાસમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે. 3તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે. 4જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે. 5તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો તમે મારા માથા પર તેલ રેડ્યું છે; મારો પ્યાલો છલકાઈ જાય છે. 6નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.
બીજું વાંચન
13પણ પહેલાં તમે જેઓ દૂર હતા તેઓ ખ્રિસ્ત ઈસુ દ્વારા તેમના રક્તથી નજદીક આવ્યા છો. 14કેમ કે તે ઈસુ આપણી શાંતિ સમાધાન છે, તેમણે બન્નેને એક કર્યા, અને આપણી વચ્ચેની આડી દીવાલ પાડી નાખી છે; 15સલાહ કરીને પોતાનામાં તે બન્નેનું એક નવું માણસ કરવાને, 16અને વધસ્તંભ પર વૈરનો નાશ કરીને એ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્નેનું સમાધાન કરાવવાને, તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રરૂપી વૈરને નાબૂદ કર્યું. 17અને તેમણે આવીને તમે જેઓ દૂર હતા તેઓને તથા જે પાસે હતા તેઓને શાંતિની સુવાર્તા પ્રગટ કરી; 18કેમ કે તેમના દ્વારા એક આત્મા વડે આપણે બન્ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.
સુવાર્તા
30પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા. અને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેમને કહી સંભળાવ્યું. 31તેમણે તેઓને કહ્યું કે, ‘તમે પોતે ઉજ્જડ જગ્યાએ એકાંતમાં આવો અને થોડો વિસામો લો;’ કેમ કે આવનારા અને જનારાં ઘણાં હતા; અને તેમને ખાવાનો પણ વખત મળતો નહોતો. 32તેઓ હોડીમાં બેસીને ઉજ્જડ જગ્યાએ એકાંતમાં ગયા. 33લોકોએ તેઓને જતા જોયા, ઘણાંએ તેઓને ઓળખ્યા, અને સઘળાં શહેરમાંથી દોડી આવીને ત્યાં ભેગા થયા અને તેઓની આગળ જઈ પહોંચ્યા. 34ઈસુએ બહાર આવીને અતિ ઘણાં લોકોને જોયા; અને તેમને તેઓ પર અનુકંપા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે બોધ કરવા લાગ્યા.
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો