મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જુલાઈ 2027 › 2 જુલાઈ
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 2 જુલાઈ 2027
શુક્રવાર · સામાન્ય કાળનું 13મું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળના 13મા અઠવાડિયાનો શુક્રવાર
અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: લીલો
ઉપવાસ અને પ્રાયશ્ચિત્ત
પ્રાયશ્ચિત્તનો દિવસ
દરેક શુક્રવાર પ્રાયશ્ચિત્તનો દિવસ છે; તે કેવી રીતે પાળવો તે દરેક બિશપ પરિષદ નક્કી કરે છે: માંસનો ત્યાગ કે પ્રાયશ્ચિત્તનું બીજું કોઈ કાર્ય. ઉપવાસ 18 થી 59 વર્ષની ઉંમર સુધી, માંસનો ત્યાગ 14 વર્ષથી બંધનકારક છે.
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
ઉત્પ 23:1–4, 19; 24:1–8, 62–67
1સારાના આયુષ્યનાં વર્ષો એકસો સત્તાવીસ હતાં. 2તે કનાન દેશના હેબ્રોનમાં આવેલા કિર્યાથ-આર્બામાં મરણ પામી. ઇબ્રાહિમે સારાને માટે શોક પાળ્યો અને રુદન કર્યું. 3પછી ઇબ્રાહિમે સારાના મૃતદેહ પાસે ઊભા રહીને હેથના દીકરાઓને કહ્યું, 4“હું તમારી મધ્યે વિદેશી છું. કૃપા કરી મને મારી મૃત પત્નીને દફનાવવા માટે તમારા લોકોમાં જગ્યા આપો.” 19તે પછી, ઇબ્રાહિમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે, તેની આગળ, માખ્પેલાના ખેતરની ગુફામાં પોતાની મૃત પત્ની સારાને દફનાવી. 24:1ઇબ્રાહિમ વૃદ્ધ અને ઘણાં વર્ષનો થયો હતો અને ઈશ્વરે તેને સર્વ બાબતે પુષ્કળ આશીર્વાદ આપ્યાં હતા. 2તેણે પોતાના ઘરના સર્વસ્વના કારભારી વરિષ્ઠ ચાકરને કહ્યું, “મારી જાંઘ નીચે તારો હાથ મૂક 3અને પ્રભુ જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના સોગન આપીને હું તને કહું છું કે, કનાનીઓ કે, જેઓમાં હું રહું છે તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની લાવીશ નહિ. 4પણ તું મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે જા અને મારા દીકરા ઇસહાકને માટે કન્યા શોધી લાવ.” 5ચાકરે તેને કહ્યું, “કદાચ તે કન્યા મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો? તો શું જ્યાંથી તું આવ્યો છું તે દેશમાં તારા દીકરાને વસવા માટે હું લઈ જાઉં?” 6ઇબ્રાહિમે તેને કહ્યું, “ધ્યાન રાખ કે તું મારા દીકરાને ત્યાં લઈ જઈશ નહિ! 7આકાશના પ્રભુ ઈશ્વર, જે મને મારા પિતાના ઘરમાંથી અને મારા સંબંધીઓના દેશમાંથી બહાર લાવ્યા અને જેમણે મને સોગન સાથે ખાતરીદાયક આપ્યું છે કે, ‘આ દેશ હું તારા સંતાનને આપીશ,’ તેઓ તારી આગળ પોતાના દૂતને મોકલશે અને ત્યાંથી તેઓ મારા દીકરાને માટે કન્યા મળે એવું કરશે. 8તોપણ જો તે કન્યા તારી સાથે આવવાને રાજી ન હોય, તો તું મારા આ સમથી મુક્ત થશે. કેવળ મારા દીકરાને તું અહીંથી ત્યાં લઈ જઈશ નહિ.” 62હવે ઇસહાક બેર-લાહાય-રોઈને માર્ગે ચાલતો આવ્યો, કેમ કે તે નેગેબ દેશમાં રહેતો હતો. 63ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો. ત્યારે તેણે પોતાની આંખો ઊંચી કરી તો તેણે ઊંટોને આવતાં જોયાં! 64રિબકાએ નજર મિલાવીને જયારે ઇસહાકને જોયો, ત્યારે તે ઊંટ પરથી નીચે ઊતરી. 65તેણે ચાકરને કહ્યું, “આ માણસ કોણ છે કે જે આપણને મળવાને ખેતરમાં આવે છે?” ચાકરે કહ્યું, “તે મારો માલિક છે.” તેથી તેણે પોતાના દુપટ્ટાથી મુખ પર આવરણ કર્યું. 66ચાકરે જે કર્યું હતું તે બધું તેણે ઇસહાકને કહી સંભળાવ્યું. 67પછી ઇસહાક તેને પોતાની માતા સારાના તંબુમાં લાવ્યો અને તેણે રિબકાનો ઓવારણાં લીધા. રિબકા ઇસહાકની પત્ની થઈ. ઇસહાકે તેના પર પ્રેમ દર્શાવ્યો. માતાના મરણ પછી રિબકાએ ઇસહાકને ખૂબ દિલાસો આપ્યો.
પ્રત્યુત્તર ગીત
1યહોવાહની સ્તુતિ કરો. યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. 2યહોવાહનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? અથવા તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે? 3જેઓ ન્યાયને અનુસરે છે અને જેઓના કામો હંમેશાં ન્યાયી છે તે આશીર્વાદિત છે. 4હે યહોવાહ, જ્યારે તમે તમારા લોકો પર કૃપા કરો, ત્યારે મને યાદ રાખજો; જ્યારે તમે તેઓને બચાવો ત્યારે મને સહાય કરજો. 5જેથી હું તમારા પસંદ કરેલાઓનું ભલું જોઉં, તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું અને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.
સુવાર્તા
9ઈસુએ ત્યાંથી જતા માથ્થી નામના એક માણસને જકાત લેવાની ચોકી પર બેઠેલો જોયો; તેમણે તેને કહ્યું કે, ‘તું મારી પાછળ આવ.’ ત્યારે તે ઊઠીને તેમની પાછળ ગયો. 10ત્યાર પછી એમ થયું કે, ઈસુ માથ્થીના ઘરે જમવા બેઠા ત્યારે જુઓ, ઘણાં જકાત લેનારાઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા. 11ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે કેમ ખાય છે?” 12ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું કે, “જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે. 13પણ, ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.”
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો