Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જુલાઈ 2027 › 1 જુલાઈ

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 1 જુલાઈ 2027

ગુરુવાર · સામાન્ય કાળનું 13મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળના 13મા અઠવાડિયાનો ગુરુવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: લીલો

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

ઉત્પ 22:1–19

1ત્યાર બાદ ઈશ્વરે ઇબ્રાહિમની આધીનતાની કસોટી કરી. તેમણે તેને કહ્યું, “ઇબ્રાહિમ!” ઇબ્રાહિમે કહ્યું, “હું આ રહ્યો.” 2પછી ઈશ્વરે કહ્યું, “તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું ખૂબ પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હું તને બતાવું તે પર તું તેનું દહનીયાર્પણ કર.” 3તેથી ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને તેણે ગધેડા પર જીન બાંધ્યું. તેના બે યુવાન ચાકરોને તથા દીકરા ઇસહાકને તેની સાથે લીધા. દહનીયાર્પણને સારુ લાકડાં પણ લીધાં. ઈશ્વરે જે જગ્યા બતાવી હતી ત્યાં તેઓ ગયા. 4ત્રીજા દિવસે ઇબ્રાહિમે દૂરથી તે જગ્યાને નિહાળી. 5ઇબ્રાહિમે તેના જુવાનોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, હું તથા ઇસહાક ત્યાં ઉપર જઈશું. અમે અર્પણ કરીને તમારી પાસે પાછા આવીશું.” 6પછી ઇબ્રાહિમે દહનીયાર્પણ માટેનાં લાકડાં ઊંચકી લેવા માટે પોતાના દીકરા ઇસહાકને આપ્યાં. તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધાં અને તેઓ બન્ને સાથે પર્વત પર ગયા. 7ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમને કહ્યું, “મારા પિતા” અને તેણે કહ્યું, “બોલ, મારા દીકરા, હું આ રહ્યો.” તેણે કહ્યું, “જુઓ, અહીં અગ્નિ તથા લાકડાં તો છે, પણ દહનીયાર્પણને માટે ઘેટું ક્યાં છે? 8ઇબ્રાહિમે કહ્યું, “મારા દીકરા, દહનીયાર્પણને સારુ ઈશ્વર પોતે ઘેટું પૂરું પાડશે.” અને તેઓ આગળ ચાલ્યા. 9જે જગ્યા વિશે ઈશ્વરે તેમને કહ્યું હતું, ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે ત્યાં વેદી બનાવી અને તેના પર લાકડાં ગોઠવ્યાં. પછી તેના દીકરા ઇસહાકને બાંધીને તેને વેદી પરનાં લાકડાં પર મૂક્યો. 10ઇબ્રાહિમે તેના દીકરાને મારવાને માટે હાથમાં છરો લીધો. 11પછી તેણે છરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” અને તેણે કહ્યું, “બોલો, હું અહીં છું.” 12દૂતે તેને કહ્યું, “તારા દીકરા પર તારો હાથ ઉગામીશ નહિ અને તેને કશી ઈજા કરીશ નહિ, કેમ કે મને ખાતરી થઈ છે કે તેં તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી. તું ઈશ્વરની બીક રાખે છે.” 13ઇબ્રાહિમે ઉપર જોયું અને ત્યાં એક ઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેના દીકરાને બદલે એ ઘેટાંનું દહનીયાર્પણ કર્યું. 14પછી તેણે દહનીયાર્પણની એ જગ્યાનું નામ “યહોવાહ-યિરેહ “પાડ્યું.” તે આજ સુધી એ નામે ઓળખાય છે તેનો અર્થ એ છે કે, “ઈશ્વરના પર્વત પર ઈશ્વર પૂરું પાડે છે.” 15ઈશ્વરના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમ સાથે ફરીથી વાત કરી, 16અને કહ્યું કે, “આ ઈશ્વરની વાણી છે, “મેં પોતાના સમ ખાધા છે, તેં એ કામ કર્યું છે અને તારા એકનાએક દીકરાને તેં પાછો રાખ્યો નથી, 17તેથી નિશ્ચે હું તને આશીર્વાદ આપીશ અને આકાશના તારા તથા સમુદ્ર કિનારાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓના નગરના પ્રવેશદ્વારને કબજે કરશે. 18તારા વંશજોથી પૃથ્વીના સર્વ લોક આશીર્વાદિત થશે, કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.” 19પછી ઇબ્રાહિમ તથા ઇસહાક પોતાના જુવાન ચાકરો પાસે પાછા આવ્યા, ત્યાંથી તેઓ બેરશેબા આવ્યા અને ત્યાં રહ્યા.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 116:1–6, 8–9

1હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ અને મારી વિનંતી સાંભળી છે. 2તેમણે મારી તરફ પોતાના કાન ધર્યા છે, મારા જીવનપર્યંત હું તેમની પ્રાર્થના કરીશ. 3મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં. 4ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: “હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો.” 5યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે. 6યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો. 8કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે. 9હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.

સુવાર્તા

માથ 9:1–8

1ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા. 2ત્યાં જુઓ, ખાટલે પડેલા એક લકવાગ્રસ્તને લોકો તેમની પાસે લાવ્યા. ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે, “દીકરા, હિંમત રાખ, તારાં પાપ તને માફ થયા છે.” 3ત્યારે શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે, “એ દુર્ભાષણ કરે છે.” 4ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, “તમે તમારા મનમાં શા માટે દુષ્ટ વિચાર કરો છો? 5કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે ‘તારાં પાપ તને માફ થયાં છે,’ અથવા એમ કહેવું કે ‘ઊઠીને ચાલ્યો જા?’ 6પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો,” તેથી ઈસુએ લકવાગ્રસ્ત માણસને કહ્યું કે “ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.” 7અને તે ઊઠીને પોતાને ઘરે ગયો. 8તે જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, અને ઈશ્વરે માણસોને એવો અધિકાર આપ્યો છે, એ માટે તેઓએ તેમનો મહિમા કર્યો.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો