મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › મે 2027 › 26 મે
ઓર્થોડોક્સ પંચાંગ · 13 મે (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 26 મે 2027
બુધવાર · પાસ્ખાનું ચોથું અઠવાડિયું · સ્વર 3
પર્વો અને સંતો
પચાસમાના પર્વનું મધ્યપર્વ
ઉપવાસનો દિવસ
માછલીની છૂટ
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
સંધ્યા-પ્રાર્થના: વાંચન
2ઘણાં પ્રજાઓ આવશે અને કહેશે કે, “ચાલો, આપણે યહોવાહના પર્વત ઉપર, યાકૂબના ઈશ્વરના ઘરમાં જઈએ; તે આપણને તેમના માર્ગો શીખવશે, અને આપણે તેમના માર્ગોમાં ચાલીશું.” કેમ કે સિયોનમાંથી નિયમશાસ્ત્ર અને યહોવાહના વચન યરુશાલેમમાંથી બહાર નીકળશે. 3તે ઘણા લોકોની વચ્ચે ન્યાય કરશે, તે દૂરના બળવાન રાષ્ટ્રોનો ઇનસાફ કરશે. તેઓ પોતાની તલવારો ટીપીને હળની કોશો બનાવશે; પોતાના ભાલાઓનાં દાતરડાં બનાવશે. પ્રજાઓ એકબીજા વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ, તેઓ ફરીથી કદી યુદ્ધનું શિક્ષણ લેશે નહિ. 5કેમ કે બધા લોકો, એટલે પ્રત્યેક, પોતપોતાના દેવના નામ પર શ્રધ્ધા રાખીને ચાલશે. પણ અમે સદાસર્વકાળ, યહોવાહ અમારા ઈશ્વરના નામ પર ભરોસો રાખીને ચાલીશું. 6:2હે પર્વતો તથા પૃથ્વીના મજબૂત પાયાઓ, તમે યહોવાહની ફરિયાદ સાંભળો. કેમ કે યહોવાહને પોતાના લોકોની સાથે ફરિયાદ છે અને તે ઇઝરાયલની વિરુદ્ધ દાવો ચલાવશે. 3“હે મારા લોકો, મેં તમને શું કર્યું છે? મેં તમને કઈ રીતે કંટાળો આપ્યો છે? મારી વિરુદ્ધ જે કંઈ હોય તે કહી દો. 4કેમ કે હું તો તમને મિસર દેશમાંથી બહાર લાવ્યો અને મેં તમને ગુલામીના ઘરમાંથી છોડાવ્યા. મેં તમારી પાસે મૂસાને, હારુનને તથા મરિયમને મોકલ્યાં. 5હે મારા લોકો, યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી યોજના કરી અને બેઓરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો? શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી શું બન્યું તે તમે યાદ કરો, જેથી તમે યહોવાહનાં ન્યાયી કાર્યોને સમજી શકો.” 8હે મનુષ્ય, તેણે તને જણાવ્યું છે, કે સારું શું છે; ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા ઈશ્વર સાથે નમ્રતાથી ચાલવું, યહોવાહ તારી પાસે બીજું શું માગે છે. 5:4યહોવાહના સામર્થ્યથી તથા પોતાના ઈશ્વર યહોવાહના નામના પ્રતાપથી તે પુરુષ ઊભો રહીને પોતાના ટોળાનું પાલન કરશે. તેઓ કાયમ રહેશે, કેમ કે હવે તે પૃથ્વીના છેડા સુધી મોટો ગણાશે. 5તે આપણી શાંતિ થશે. જ્યારે આશ્શૂરીઓનું સૈન્ય આપણા દેશમાં આવશે, જ્યારે તેઓ આપણા કિલ્લાઓ ઉપર કૂચ કરશે, ત્યારે આપણે તેની વિરુદ્ધ સાત પાળકોને તથા આઠ આગેવાનોને ઊભા કરીશું.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
1હે સર્વ તૃષિત જનો, તમે પાણીની પાસે આવો! અને જેની પાસે કંઈ પણ નાણું નથી તે, તમે સર્વ આવો, ખરીદો અને ખાઓ! આવો, નાણાં વિના અને વિના મૂલ્યે દ્રાક્ષારસ અને દૂધ લઈ જાઓ. 12:3તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો. 4તે દિવસે તમે કહેશો, “યહોવાહનો આભાર માનો અને તેમનું નામ લઈને હાંક મારો; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો. 55:2જે રોટલી નથી તેને સારુ ચાંદી શા માટે ખર્ચો છો? અને જેનાથી તૃપ્તિ થતી નથી તેને માટે મહેનત શા માટે કરો છો? કાન દઈને મારું સાંભળો અને સારો ખોરાક ખાઓ તથા ચરબીથી તમારા જીવને ખુશ કરો. 3કાન દો અને મારી પાસે આવો! સાંભળો એટલે તમે જીવતા રહેશો! હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ, જે કરારનું વિશ્વાસુપણું મેં દાઉદને આપ્યું હતું. 4જુઓ, મેં તેને લોકોને માટે સાક્ષી, તેઓને માટે સરદાર તથા અધિકારી ઠરાવી આપ્યો છે. 5જુઓ, જે દેશને તું જાણતો નથી તેને તું બોલાવશે; અને જે દેશ તને જાણતો નથી, તે તારા ઈશ્વર યહોવાહને લીધે તારી પાસે દોડી આવશે. તે ઇઝરાયલના પવિત્રને લીધે જેણે તને પ્રતાપી કર્યો છે. 6યહોવાહ મળે છે ત્યાં સુધીમાં તેમને શોધો; તે પાસે છે ત્યાં સુધીમાં તેને હાંક મારો. 7દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે અને પાપી માણસ પોતાના વિચારો તજી દે. તેને યહોવાહ, આપણા ઈશ્વરની પાસે પાછા ફરવા દો અને તે તેમના પર દયા કરશે અને સંપૂર્ણ ક્ષમા કરશે. 8“કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવાહ કહે છે. 9“કેમ કે જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. 10કેમ કે જેમ વરસાદ અને હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના, તેને ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનાર ને અન્ન આપ્યા વિના વચનો પાછાં ફરતાં નથી. 11તે પ્રમાણે મારું જે વચન મારા મુખમાંથી નીકળે છે: તે નિરર્થક પાછું ફરશે નહિ, પણ જે હું ચાહું છું તેને પરિપૂર્ણ કરશે અને જે માટે મેં તેને મોકલ્યું હતું તેમાં તે સફળ થશે. 12તમે આનંદસહિત નીકળી જશો અને શાંતિથી તમને દોરી જવામાં આવશે; તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે અને ખેતરોનાં સર્વ વૃક્ષો તાળી પાડશે. 13કાંટાનાં ઝાડને સ્થાને લીલોતરી થશે અને જંગલનાં ગુલાબને સ્થાને મેંદી ઊગશે, અને તે યહોવાહને માટે, તેમના નામને માટે, અનંતકાળના ચિહ્ન તરીકે તેને કાપી નાખવામાં આવશે નહિ.”
સંધ્યા-પ્રાર્થના: વાંચન
1જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢ્યા છે; 2તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે અને દ્રાક્ષારસ મિશ્ર કર્યો છે; તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે. 3તેણે પોતાની દાસીઓને મોકલીને ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે: 4“જો કોઈ મૂર્ખ હોય, તે અહીં અંદર આવે!” અને વળી બુદ્ધિહીન લોકોને તે કહે છે કે, 5આવો, મારી સાથે ભોજન લો અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષારસ પીઓ. 6હે મૂર્ખો તમારી હઠ છોડી દો અને જીવો; બુદ્ધિને માર્ગે ચાલો. 7જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે, જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તેને બટ્ટો લાગે છે. 8ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તમારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે. 9જો તમે જ્ઞાની વ્યક્તિને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે; અને ન્યાયી વ્યક્તિને શિક્ષણ આપશો તો તેના ડહાપણમાં વૃદ્ધિ થશે. 10યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે, પવિત્ર ઈશ્વરની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે. 11ડહાપણને લીધે તારું આયુષ્ય દીર્ઘ થશે, અને તારી આવરદાનાં વર્ષો વધશે.
પત્ર
6ત્યારે તેઓ તે જાણીને લુકાનિયાનાં શહેરો લુસ્ત્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં વિખેરાઈ ગયા; 7ત્યાં તેઓએ સુવાર્તા પ્રગટ કરી. 8લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો. 9તેણે પાઉલને બોલતાં સાંભળ્યો. પાઉલે તેની તરફ એક નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે, 10એ જાણીને મોટે સ્વરે કહ્યું કે, ‘તું પોતાને પગે સીધો ઊભો રહે.’ ત્યારે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. 11પાઉલે જે ચમત્કાર કર્યો હતો તે જોઈને લોકોએ લુકાનિયાની ભાષામાં મોટે સ્વરે કહ્યું કે, માણસોનું રૂપ ધારણ કરીને દેવો આપણી પાસે ઊતરી આવ્યા છે. 12તેઓએ બાર્નાબાસને ઝૂસ માન્યો, અને પાઉલને હેર્મેસ માન્યો, કેમ કે પાઉલ મુખ્ય બોલનાર હતો. 13ઝૂસનું મંદિર એ શહેરની બહાર હતું તેનો પૂજારી બળદો તથા ફૂલના હાર શહેરના દરવાજાએ લાવીને લોકો સાથે બલિદાન ચઢાવવા ઇચ્છતો હતો. 14પણ બાર્નાબાસ તથા પાઉલ તથા પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, અને લોકોમાં દોડીને મોટે સ્વરે કહ્યું કે, 15‘સદ્દગૃહસ્થો તમે એ કામ કેમ કરો છો? અમે પણ તમારા જેવા માણસ છીએ, આ વ્યર્થ વાતો મૂકીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો, કે જે જીવતા ઈશ્વર છે તેમની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ. 16તેમણે તો ભૂતકાળમાં સર્વ લોકોને પોતપોતાને માર્ગે ચાલવા દીધાં. 17તોપણ ભલું કરીને આકાશમાંથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપીને, અને અન્નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરીને તેઓ ઈશ્વર પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી. 18પાઉલે અને બાર્નાબાસે લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતાં તેઓને મુશ્કેલીથી અટકાવ્યા.
સુવાર્તા
14પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ ભક્તિસ્થાનમાં જઈને ઉપદેશ કર્યો. 15ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘એ માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?’” 16માટે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારો ઉપદેશ મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે. 17જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, તે ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું. 18જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે; પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે, તે જ સત્ય છે અને તેનામાં કંઈ અન્યાય નથી. 19શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો?’” 20લોકોએ જવાબ આપ્યો કે, ‘તારામાં દુષ્ટાત્મા છે; કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?’” 21ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મેં એક કાર્ય કર્યું અને તમે સર્વ આશ્ચર્ય પામ્યા છો. 22આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે તે મૂસાથી છે એમ તો નહિ, પણ પૂર્વજોથી છે; અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો. 23મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય, માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો? 24દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ સચ્ચાઈપૂર્વક ન્યાય કરો.’” 25ત્યારે યરુશાલેમમાંના કેટલાકે કહ્યું કે, ‘જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે, તે શું એ જ નથી? 26પણ જુઓ, તે તો જાહેર રીતે બોલે છે અને તેઓ તેમને કંઈ કહેતાં નથી! અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે? 27તોપણ અમે તે માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી આવેલો છે; પણ જયારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી આવ્યો છે.’” 28એ માટે ઈસુએ ભક્તિસ્થાનમાં બોધ કરતાં બૂમ પાડીને કહ્યું કે, ‘તમે મને જાણો છો અને હું ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી પોતાની રીતે નથી આવ્યો, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી. 29હું તેમને જાણું છું; કેમ કે હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.’” 30માટે તેઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ.
પત્ર (પાણીનો આશીર્વાદ)
11કેમ કે જે પવિત્ર કરે છે અને જે પવિત્ર કરાય છે, તે સઘળાં એકથી જ છે, એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતા નથી. 12તે કહે છે કે, “હું તમારું નામ ભાઈઓને પ્રગટ કરીશ, વિશ્વાસી સમુદાયમાં ગીત ગાતાં હું તમારી સ્તુતિ કરીશ. 13હું તેમના પર ભરોસો રાખીશ; વળી, જુઓ, હું તથા જે બાળકો ઈશ્વરે મને આપ્યાં છે તેઓ ભરોસો કરીશું.” 14જેથી બાળકો માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે. 15અને મરણની બીકથી જે પોતાના આખા જીવનભર ગુલામ જેવા હતા તેઓને પણ મુક્ત કરે. 16કેમ કે નિશ્ચે તે સ્વર્ગદૂતોની સહાય નથી કરતા, પણ ઇબ્રાહિમનાં સંતાનની સહાય કરે છે. 17એ માટે તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, કે લોકોનાં પાપો માટે પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતો સંબંધી તેઓ દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. 18કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે એટલા માટે દુઃખ સહન કર્યું કે જેઓનું પરીક્ષણ થાય છે, તેઓને સહાય કરવાને તે સર્વશક્તિમાન છે.
સુવાર્તા (પાણીનો આશીર્વાદ)
1એ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું; તે સમયે ઈસુ યરુશાલેમ ગયા. 2હવે યરુશાલેમમાં ‘ઘેટાંનો દરવાજો’ નામે જગ્યા પાસે એક કૂંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી પાંચ પરસાળ છે. 3તેમાં રોગી, અંધજનો, અપંગ, લકવાગ્રસ્તો એવાં ઘણાં બીમાર લોકો હતા. તેઓ તે કૂંડમાં પાણી હલવાની રાહ જોતાં હતા. 4(કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કૂંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; પાણી હલાવ્યાં પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ હોય તેથી તે રોગી સાજો થતો.)
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 13 મે એટલે નાગરિક પંચાંગનો 26 મે. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો