Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › મે 2027 › 13 મે

ઓર્થોડોક્સ પંચાંગ · 30 એપ્રિલ (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 13 મે 2027

ગુરુવાર · પાસ્ખાનું બીજું અઠવાડિયું · સ્વર 1

પર્વો અને સંતો

Holy Apostle James Zebedee, brother of John the Theologian († 44)

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન (સંત યાકૂબ માટે)

યાકૂ 1:1–12

1વિખેરાઈ ગયેલા બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ. 2મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો; 3કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. 4તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. 5તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે. 6પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. 7એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. 8આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે. 9જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે; 10જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે. 11કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે. 12જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે.

સંધ્યા-પ્રાર્થના: વાંચન (સંત યાકૂબ માટે)

યાકૂ 1:13–27

13કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું કદાપિ પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં લાવતા પણ નથી. 14પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. 15પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. 16મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ. 17દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે. 18તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ. 19મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય; 20કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયપણું કામ કરતું નથી. 21માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો. 22તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ. 23કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે. 24કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે. 25પણ જે મુક્તિના સંપૂર્ણ નિયમમાં ધ્યાનથી નિહાળે છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ મનુષ્ય પોતાના વ્યવહારમાં આશીર્વાદિત થશે. 26જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને કાબૂમાં રાખતો નથી, તે પોતાના હૃદયને છેતરે છે, તેવા મનુષ્યની ધાર્મિકતા વ્યર્થ છે. 27વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે.

સંધ્યા-પ્રાર્થના: વાંચન (સંત યાકૂબ માટે)

યાકૂ 2:1–13

1મારા ભાઈઓ, તમે પક્ષપાત વિના આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો. 2કેમ કે જેની આંગળીએ સોનાની વીંટી હોય તથા જેનાં અંગ પર સુંદર કિંમતી વસ્ત્ર હોય, એવો માણસ જો તમારી સભામાં આવે અને જો ગંદા વસ્ત્ર પહેરેલો એક ગરીબ માણસ પણ આવે; 3ત્યારે તમે સુંદર કિંમતી વસ્ત્ર ધારણ કરેલા માણસને માન આપીને કહો છો, ‘તમે અહીં ઉત્તમ સ્થાને બેસો,’ પણ પેલા ગરીબને કહો છો, ‘તું ત્યાં ઊભો રહે,’ અથવા ‘અહીં મારા પગનાં આસન પાસે બેસ;’ 4તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતયુક્ત વિચારો સાથે આચરણ કરતા નથી? 5મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો; વિશ્વાસમાં ધનવાન થવા સારુ તથા ઈશ્વરે પોતાના લોકો પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું આશાવચન આપ્યું છે તેનું વતન પામવા સારુ, ઈશ્વરે આ માનવજગતના ગરીબોને પસંદ નથી કર્યા? 6પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ નથી કરતા? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી? 7જે ઉત્તમ નામથી તમે ઓળખાઓ છો, તેની નિંદા કરનારા શું તેઓ નથી? 8તોપણ શાસ્ત્રવચન પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે, ‘તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ,’ તે નિયમ જો તમે પૂરેપૂરો પાળો છો, તો તમે ઘણું સારું કરો છો; 9પણ જો તમે ભેદભાવ રાખો છો, તો પાપ કરો છો, નિયમશાસ્ત્રનો ભંગ કરનારા તરીકે નિયમશાસ્ત્રથી અપરાધી ઠરો છે. 10કેમ કે જે કોઈ પૂરેપૂરું નિયમશાસ્ત્ર પાળશે અને ફક્ત એક જ બાબતમાં ભૂલ કરશે, તે સર્વ સંબંધી અપરાધી ઠરે છે. 11કેમ કે જેમણે કહ્યું, ‘તું વ્યભિચાર ન કર, ‘તેમણે જ કહ્યું કે, ‘તું હત્યા ન કર;’ માટે જો તું વ્યભિચાર ન કરે, પણ જો તું હત્યા કરે છે, તો તું નિયમશાસ્ત્રનો ભંગ કરનારો થયો છે. 12સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વર્તો. 13કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર કરાશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.

પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા

યોહ 21:15–25

15હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુએ સિમોન પિતરને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, ‘હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુએ તેને કહ્યું કે, ‘મારાં ઘેટાંને પાળ.’” 16તેઓ બીજી વખત તેને કહે છે કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, ‘હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુ તેને કહે છે કે, ‘મારાં ઘેટાંઓની સંભાળ રાખ.’” 17તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’” 18હું તને નિશ્ચે કહું છું કે, ‘જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે. 19હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’” 20ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો અને પૂછ્યું હતું કે, ‘પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?’ ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો. 21ત્યારે પિતરે તેને જોઈને ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, એ માણસનું શું થશે?’” 22ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. 23તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું? 24જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે; અને તેની સાક્ષી સાચી છે, એ અમે જાણીએ છીએ. 25ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ, એવું મારું માનવું છે.

પત્ર

પ્રે.કૃ 4:23–31

23પછી છૂટીને તેઓ પોતાના સાથીઓની પાસે ગયા. અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું, તે સઘળું તેમને કહી સંભળાવ્યું. 24તે સાંભળીને તેઓએ એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સાદે કહ્યું કે, ઓ પ્રભુ, આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો; 25તમે પવિત્ર આત્માથી તમારા સેવક અમારા પૂર્વજ દાઉદના મુખે કહ્યું હતું કે, વિદેશીઓએ કેમ તોફાન કર્યું છે? અને લોકોએ વ્યર્થ કલ્પના કેમ કરી છે? 26પ્રભુની વિરુદ્ધ તથા તેના ખ્રિસ્તની વિરુદ્ધ દુનિયાના રાજાઓ સજ્જ થયા, તથા અધિકારીઓ એકઠા થયા. 27કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેમને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત, વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકઠા થયા હતા; 28જેથી તમારા હાથે તથા તમારા સંકલ્પે જે થવાનું અગાઉથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે. 29હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપો; 30તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લંબાવો; અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરાવો. 31અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા.

પત્ર (સંત યાકૂબ માટે)

પ્રે.કૃ 12:1–11

1આશરે તે જ સમયે હેરોદ રાજાએ વિશ્વાસી સમુદાયના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા. 2તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો. 3યહૂદીઓને એ વાતથી ખુશી થાય છે તે જોઈને તેણે પિતરની પણ ધરપકડ કરી. તે બેખમીર રોટલીના પર્વના દિવસો હતા. 4તેણે પિતરને પકડીને જેલમાં પૂર્યો, અને તેની ચોકી કરવા સારુ ચાર ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને આધીન કર્યો, અને પાસ્ખાપર્વ પછી લોકોની સમક્ષ તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો. 5તેથી તેણે પિતરને જેલમાં રાખ્યો; પણ વિશ્વાસી સમુદાયે તેને સારુ આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરી. 6હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બંધાયેલી સ્થિતિમાં ઊંઘતો હતો; અને ચોકીદારો જેલના દરવાજા આગળ ચોકી કરતા હતા. 7ત્યારે જુઓ, પ્રભુનો સ્વર્ગદૂત તેની પાસે ઊભો રહ્યો, અને જેલમાં પ્રકાશ પ્રગટ્યો; તેણે પિતરને કૂખમાં હલકો હાથ મારીને જગાળ્યો, અને કહ્યું કે, જલદી ઊઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી સરકી પડી. 8સ્વર્ગદૂતે તેને કહ્યું કે, કમર બાંધ, અને તારાં ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી સ્વર્ગદૂતે કહ્યું કે, તારો કોટ પહેરી લે અને મારી પાછળ આવ. 9તે બહાર નીકળીને સ્વર્ગદૂતની પાછળ ગયો; અને સ્વર્ગદૂત જે કરે છે તે વાસ્તવિક છે એમ તે સમજતો નહોતો, પણ તે દર્શન જોઈ રહ્યો છે એમ તેને લાગ્યું. 10તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોખંડના દરવાજે પહોંચ્યા; અને તે દરવાજો આપોઆપ ખૂલી ગયો; તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો; એટલે તરત સ્વર્ગદૂત તેની પાસેથી ચાલ્યો ગયો. 11જયારે પિતર સભાન થયો ત્યારે તેણે કહ્યું કે, હવે હું ચોક્કસ રીતે જાણું છું કે પ્રભુએ પોતાના સ્વર્ગદૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સર્વ ધારણાથી મને છોડાવ્યો છે.

સુવાર્તા

યોહ 5:24–30

24હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. 25હું તમને નિશ્ચે કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે. 26કેમ કે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેમણે આપ્યું. 27ન્યાય કરવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. 28તેથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમનો અવાજ સાંભળશે; 29અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું પુનરુત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક પુનરુત્થાન પામવા માટે, નીકળી આવશે. 30હું મારી પોતાની તરફથી કંઈ કરી શકતો નથી; પરંતુ જે પ્રમાણે હું સાંભળું છું, તે પ્રમાણે ન્યાય કરું છું; અને મારો ન્યાયચુકાદો અદલ છે. કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.

સુવાર્તા (સંત યાકૂબ માટે)

લૂક 5:1–11

1હવે એમ થયું કે ઘણાં લોકો ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરના વચનને સાંભળતાં હતા, ત્યારે ગન્નેસારેતના સરોવરને કિનારે તે ઊભા રહ્યા હતા. 2તેમણે સરોવરને કિનારે ઊભેલી બે હોડી જોઈ, પણ માછીમારો તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા. 3તે હોડીઓમાંની એક સિમોનની હતી, ઈસુ તે હોડીમાં ગયા. અને તેને કિનારેથી થોડે દૂર હડસેલવાનું કહ્યું. પછી તેમણે હોડીમાં બેસીને લોકોને બોધ કર્યો. 4ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, ‘હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને માછલાં પકડવા સારુ તમારી જાળો નાખો.’” 5સિમોને ઉત્તર આપ્યો કે, ‘ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.’” 6તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી. 7તેઓના ભાગીદાર બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી. 8તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, ‘ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમ કે હું પાપી માણસ છું.’” 9કેમ કે તે તથા તેના સઘળા સાથીઓ માછલાંનો જે જથ્થો પકડાયો હતો, તેથી આશ્ચર્ય પામ્યા હતા. 10તેમાં ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગીદાર હતા, તેઓને પણ આશ્ચર્ય થયું. ઈસુએ સિમોનને કહ્યું કે, ‘બીશ નહિ કારણ કે, હવેથી તું માણસો પકડનાર થશે.’” 11તેઓ હોડીઓને કિનારે લાવ્યા પછી બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 30 એપ્રિલ એટલે નાગરિક પંચાંગનો 13 મે. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો