મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › એપ્રિલ 2027 › 14 એપ્રિલ
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 14 એપ્રિલ 2027
બુધવાર · પાસ્ખાકાળનું ત્રીજું અઠવાડિયું
પર્વો અને સંતો
પાસ્ખાકાળના ત્રીજા અઠવાડિયાનો બુધવાર
અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: સફેદ
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
1શાઉલે તેની હત્યા કરવાની સંમતિ આપી હતી, તે જ દિવસે યરુશાલેમના વિશ્વાસી સમુદાય પર ભારે સતાવણી શરૂ થઈ, અને પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરુનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા. 2ધર્મનિષ્ઠ પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને સારુ ઘણો વિલાપ કર્યો. 3પણ શાઉલે વિશ્વાસી સમુદાયને ભારે ત્રાસ આપ્યો, એટલે ઘેરેઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને જેલમાં પૂર્યા. 4જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ બધે સુવાર્તા પ્રગટ કરતા ગયા. 5ફિલિપે સમારીઆ શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિષે પ્રચાર કર્યો. 6ફિલિપે કહેલી વાતો સાંભળીને તથા કરેલા ચમત્કારિક ચિહ્નો જોઈને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું. 7કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણાંમાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા, અને ઘણાં પક્ષઘાતીઓ તથા પગે અપંગો સાજાં કરવામાં આવ્યા. 8અને તે શહેરમાં બહુ આનંદ થયો.
પ્રત્યુત્તર ગીત
1મુખ્ય ગવૈયાને માટે. ગાયન; ગીત. હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ; 2તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો. 3ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે. 4આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે અને તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે.” સેલાહ 5આવો અને ઈશ્વરનાં કૃત્યો જુઓ; માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર છે. 6તે સમુદ્રને સૂકવી નાખે છે; તેઓ પગે ચાલીને નદીને સામે કિનારે ગયા; ત્યાં આપણે તેમનામાં આનંદ કર્યો હતો. 7તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; તેમની આંખો દેશોને જુએ છે; બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. સેલાહ
સુવાર્તા
35ઈસુએ તેઓને કહ્યું, ‘જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે. 36પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી. 37પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ. 38કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું. 39જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લાં દિવસે તેને પાછું ઉઠાડું. 40કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.’”
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો