Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 24 માર્ચ

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 24 માર્ચ 2027

બુધવાર · પવિત્ર સપ્તાહ

પર્વો અને સંતો

પવિત્ર સપ્તાહનો બુધવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

યશા 50:4–9

4હું થાકેલાઓને આશ્વાસનના શબ્દો બોલી શકું માટે, પ્રભુ યહોવાહે મને શીખેલાની જીભ આપી છે. તે દર સવારે મને જગાડે છે અને મારા કાનને ઉઘાડે છે કે હું શીખેલાની જેમ સાંભળું. 5પ્રભુ યહોવાહે મારા કાન ઉઘાડ્યાં છે અને મેં બંડ કર્યું નથી કે, પાછો હટ્યો નથી. 6મેં મારા મારનારની આગળ મારી પીઠ તથા વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા; અપમાનિત તથા થૂંકાવા છતાં મેં મારું મુખ સંતાડ્યું નહિ. 7કેમ કે પ્રભુ યહોવાહ મારી સહાય કરશે; તેથી હું ફજેત થનાર નથી; તેથી મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું કર્યું છે, કેમ કે હું જાણું છું કે હું લજ્જિત થઈશ નહિ. 8મને ન્યાયી ઠરાવનાર પાસે છે. કોણ મારો વિરોધ કરશે? આવો આપણે સાથે ઊભા રહીને એક બીજાની સરખામણી કરીએ. મારા પર આરોપ મૂકનાર કોણ છે? તેને મારી પાસે આવવા દો. 9જુઓ, પ્રભુ યહોવાહ મને સહાય કરશે. મને અપરાધી ઠરાવનાર કોણ છે? જુઓ, તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; ઉધાઈ તેઓને ખાઈ જશે.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 69:7–9, 20–21, 30, 32–33

7કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે. મારા મુખ પર શરમ પથરાયેલી છે. 8હું મારા ભાઈઓને પારકા જેવો અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું. 9કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે. 20નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે; હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ ત્યાં કોઈ નહોતું; મેં દિલાસો આપનારની રાહ જોઈ, પણ મને ત્યાં કોઈ મળ્યું નહિ. 21તેઓએ મને ખોરાકને માટે ઝેર આપ્યું છે; મને તરસ લાગતાં તેઓએ સરકો પીવડાવ્યો. 30હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ અને આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીશ. 32નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયો નવું જીવન પામો. 33કારણ કે યહોવાહ દરિદ્રીઓનું સાંભળે છે અને તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.

સુવાર્તા

માથ 26:14–25

14ત્યારે યહૂદા ઇશ્કારિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે, 15“તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા. 16ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો. 17બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?” 18ત્યારે ઈસુએ કહ્યું કે, “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સાથે તારે ઘેર પાસ્ખા પાળીશ.’” 19ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું. 20સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા. 21તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે.” 22ત્યારે તેઓ ઘણાં દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, “પ્રભુ, શું તે હું છું?” 23ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, “જેણે મારી સાથે થાળીમાં હાથ મૂક્યો છે તે જ મને પરાધીન કરશે. 24માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે! જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે વધારે સારું હોત.” 25ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, “ગુરુજી, શું તે હું છું?” ઈસુએ તેને કહ્યું કે, “તેં પોતે જ કહ્યું છે.”

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો