મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 22 માર્ચ
ઓર્થોડોક્સ પંચાંગ · 9 માર્ચ (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 22 માર્ચ 2027
સોમવાર · મહાન ઉપવાસકાળનું બીજું અઠવાડિયું · સ્વર 1
પર્વો અને સંતો
The Holy Forty Martyrs of Sebaste († c.320): Cyrion, Candidus, Domnus, Hesychius, Iraclius, Smaragdus, Eunoicus, Valentus, Vivian, Claudius, Priskus, Theodulus, Eutichius, John, Xanthus, Ilian, Sisinius, Angius, Aetius, Flavius, Dometian, Gaius, Leontius, Athanasius, Cyrill, Sakerdonus, Nicholas, Valerius, Philoctimon, Seberian, Chudionus, Aglaius, and Meliton
મહાન ઉપવાસકાળ
ઉપવાસ: તેલ સાથે
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા (શહીદો માટે)
12પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે. 13એ તમારે સારુ સુવાર્તા સંભળાવવી તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે. 14માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ. 15કેમ કે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઈ શકશે નહિ. 16માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે. 17મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે. 18પણ તમારા માથાના એક વાળનો પણ નાશ થશે નહિ. 19તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.
છઠ્ઠો કલાક
2તે દિવસે ઇઝરાયલના બચેલાને માટે યહોવાહે ઉગાડેલા અંકુર સુંદર તથા તેજસ્વી અને તે ભૂમિનું ફળ સ્વાદિષ્ટ તથા શોભાયમાન થશે. 3ત્યારે, સિયોનમાં તથા યરુશાલેમમાં રહી ગયેલા શેષ, એટલે યરુશાલેમમાંના જીવતાઓમાં નોધાયેલા, દરેક પવિત્ર કહેવાશે. 4જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે અને યરુશાલેમમાંથી રક્તના ડાઘ ન્યાયના આત્મા તથા બળતી અગ્નિના આત્માથકી શુદ્ધ કરી નાખશે. 5ત્યારે યહોવાહ સિયોન પર્વતનાં દરેક રહેઠાણ પર અને તેની સભાઓ પર, દિવસે મેઘ તથા ધુમાડો અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે; કેમ કે તે સર્વ ગૌરવ ઉપર આવરણ થશે. 6તે દિવસે તે તાપથી છાયા તરીકે અને તોફાન તથા વરસાદથી રક્ષણ કરનાર તથા આશ્રયસ્થાન થશે. 5:1હું મારા પ્રિયતમ માટે, તેની દ્રાક્ષવાડી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં, મારા વહાલા પ્રિયતમને ફળદ્રુપ ટેકરી પર એક દ્રાક્ષવાડી હતી. 2તેણે તે ખેડી અને તેમાંથી પથ્થર વીણી કાઢ્યા અને તેમાં ઉત્તમ દ્રાક્ષવેલા રોપ્યા અને તેની મધ્યમાં બુરજ બાંધ્યો અને તેમાં દ્રાક્ષકુંડ ખોદી કાઢ્યો, તેમાં દ્રાક્ષની સારી ઊપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષની ઊપજ થઈ. 3હે યરુશાલેમના રહેવાસીઓ તથા યહૂદિયાના લોકો; તમે મારી અને મારી દ્રાક્ષવાડી વચ્ચે ઇનસાફ કરજો. 4મારી દ્રાક્ષવાડી વિશે વધારે હું શું કરી શક્યો હોત, જે મેં નથી કર્યું? જયારે હું સારી દ્રાક્ષ ઊપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષની ઊપજ કેમ થઈ હશે? 5હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું; હું તેની વાડ કાઢી નાખીશ; જેથી તે ભેલાઈ જશે; તેનો કોટ હું પાડી નાખીશ, જેથી તે કચડાઈ જશે 6હું તેને ઉજ્જડ કરી મૂકીશ, તે સોરવામાં આવશે નહિ અને કોઈ તેને ખેડશે નહિ, પણ એમાં કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે, વળી હું વાદળોને આજ્ઞા કરીશ કે તેઓ એમાં વરસાદ ન વરસાવે. 7કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના યહોવાહની દ્રાક્ષવાડી છે અને યહૂદિયાના લોકો તેના મનપસંદ રોપા છે; તેણે ન્યાયની આશા રાખી હતી, પણ બદલામાં ત્યાં રક્તપાત હતો, નેકીની આશા રાખી હતી પણ ત્યાં વિલાપ હતો.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
21યહોવાહ ઈશ્વરે આદમ તથા તેની પત્ની માટે પશુઓનાં ચર્મનાં વસ્ત્ર બનાવ્યાં અને તેઓને પહેરાવ્યાં. 22પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ખાય અને અમર થઈ જાય.” 23તે માટે જે જમીનમાંથી તેનું સર્જન કરાયું હતું, તે ખેડવાને, પ્રભુ ઈશ્વરે તેને એદન વાડીમાંથી બહાર કાઢી મૂક્યો. 24ઈશ્વરે તે માણસને વાડીમાંથી દૂર કર્યો અને જીવનના વૃક્ષની સીમાને સાચવવા તેમણે એદન વાડીની પૂર્વગમ અગ્નિરૂપી તલવાર સાથે કરુબોને ચોકીદાર તરીકે ગોઠવ્યા. 4:1આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ અને તેણે પુત્ર કાઈનને જન્મ આપ્યો. તેણે કહ્યું, “ઈશ્વરની કૃપાથી મને દીકરો જન્મ્યો છે.” 2પછી તેણે બીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાળક હતો અને કાઈન ખેડૂત હતો. 3આગળ જતા એમ થયું કે કાઈન ઈશ્વરને માટે ભૂમિનાં ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો. 4હાબેલ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પ્રથમ જન્મેલાં તથા ઉત્તમ અર્પણો લાવ્યો. ઈશ્વરે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં, 5પણ કાઈનને તથા તેના અર્પણને અમાન્ય કર્યાં. તેથી કાઈન ઘણો ગુસ્સે થયો અને તેનું મોં ઊતરી ગયું. 6યહોવાહે કાઈનને કહ્યું કે, “તને શા માટે ગુસ્સો આવ્યો છે અને તારું મોં ઊતરી ગયું છે? 7જે સારું છે તે તું કરે, તો શું તું માન્ય નહિ થશે? પણ જે સારું છે તે તું નહિ કરે, તો પાપ તારે દ્વારે રહે છે અને તે તેની તરફ તારું આકર્ષણ કરશે, પણ તું તેના પર જીત મેળવી શકીશ.”
સંધ્યા-પ્રાર્થના: વાંચન
34તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે, પણ તે નમ્ર જનોને કૃપા આપે છે. 35જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, પણ મૂર્ખોને બદનામી જ મળશે. 4:1દીકરાઓ, પિતાની શિખામણ સાંભળો, સમજણ મેળવવા માટે ધ્યાન આપો. 2હું તમને ઉત્તમ બોધ આપું છું; મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ. 3જ્યારે હું મારા પિતાનો માનીતો દીકરો હતો, ત્યારે હું મારી માતાની દૃષ્ટિમાં સુકુમાર તથા એકનોએક હતો, 4ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતું કે, “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે અને મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે. 5ડહાપણ પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; એ ભૂલીશ નહિ અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ. 6ડહાપણનો ત્યાગ ન કરીશ અને તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે અને તે તારી સંભાળ રાખશે. 7ડહાપણ એ ખૂબ જ મહત્વની બાબત છે, તેથી ડહાપણ પ્રાપ્ત કર અને તારું જે કંઈ છે તે આપી દે, એનાથી તને બુદ્ધિ પ્રાપ્ત થશે. 8તેનું સન્માન કર અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે; જ્યારે તું તેને ભેટશે, ત્યારે તે તને પ્રતિષ્ઠિત કરશે. 9તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે; તે તને તેજસ્વી મુગટ આપશે.” 10હે મારા દીકરા, મારી વાતો સાંભળીને ધ્યાન આપ એટલે તારા આયુષ્યનાં વર્ષો વધશે. 11હું તને ડહાપણનો માર્ગ બતાવીશ; હું તને પ્રામાણિકપણાને માર્ગે દોરીશ. 12જ્યારે તું ચાલશે, ત્યારે તારાં રસ્તામાં કોઈ ઊભો રહી નહિ શકે અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ. 13શિખામણને મજબૂત પકડી રાખ, તેને છોડતો નહિ; તેની કાળજી રાખજે, કારણ કે તે જ તારું જીવન છે. 14દુષ્ટ માણસોના માર્ગને અનુસરીશ નહિ અને ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ. 15તે માર્ગે ન જા, તેનાથી દૂર રહેજે; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા. 16કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી અને કોઈને ફસાવે નહિ, તો તેમની ઊંઘ ઊડી જાય છે. 17કારણ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે. 18પણ સદાચારીઓનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે; જે દિવસ થતાં સુધી વધતો અને વધતો જાય છે. 19દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે, તેઓ શા કારણથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી. 20મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ; મારાં વચન સાંભળ. 21તારી આંખ આગળથી તેઓને દૂર થવા ન દે; તેને તારા હૃદયમાં સંઘરી રાખ. 22જે કોઈને મારાં વચનો મળે છે તેના માટે તે જીવનરૂપ છે અને તેઓના આખા શરીરને આરોગ્યરૂપ છે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (શહીદો માટે)
9સર્વ પ્રજાઓ એકઠી થાઓ અને લોકો ભેગા થાઓ. તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે? તેઓ પોતાને સાચા ઠરાવવા પોતાના સાક્ષીઓ હાજર કરે અને તેઓ સાંભળીને કહે, ‘એ ખરું છે.’ 10યહોવાહ કહે છે, “તમે મારા સાક્ષી છો,” અને મારા સેવકને મેં પસંદ કર્યો છે, જેથી તમે મને જાણો અને મારો ભરોસો કરો તથા સમજો કે હું તે છું. મારા અગાઉ કોઈ ઈશ્વર થયો નથી અને મારી પાછળ કોઈ થવાનો નથી. 11હું, હું જ યહોવાહ છું; અને મારા વિના બીજો કોઈ ઉદ્ધારક નથી. 12મેં તો જાહેર કર્યું છે, બચાવ કર્યો છે અને સંભળાવ્યું છે, કે તમારામાં કોઈ અન્ય દેવ નથી. તમે મારા સાક્ષી છો” અને “હું જ ઈશ્વર છું” એમ યહોવાહ કહે છે. 13વળી આજથી હું તે છું અને કોઈને મારા હાથમાંથી છોડાવનાર કોઈ નથી. હું જે કામ કરું છું તેને કોણ ઊંધું વાળશે?” 14તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલના પવિત્ર યહોવાહ કહે છે: “તમારે માટે હું બાબિલને મોકલીશ અને તેઓને બંદીવાસના રૂપમાં નીચે લઈ જઈશ અને બાબિલનો આનંદ, વિલાપના ગીતમાં ફેરવાઈ જશે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન (શહીદો માટે)
આ અનુવાદમાં નથી
સંધ્યા-પ્રાર્થના: વાંચન (શહીદો માટે)
આ અનુવાદમાં નથી
પત્ર (શહીદો માટે)
1આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, તેથી આપણે પણ દરેક પ્રકારના બોજા તથા વળગી રહેનારાં પાપ નાખી દઈએ અને આપણા માટે નિયત કરેલી દોડની સ્પર્ધામાં ધીરજથી દોડીએ. 2આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની સમક્ષ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને વધસ્તંભ પર મરણનું દુઃખ સહન કર્યું અને હાલ તેઓ ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે. 3તો જેમણે પોતા પર પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેમનો વિચાર કરો, એમ ન થાય કે તમે પોતાના મનમાં અશક્ત થવાથી થાકી જાઓ. 4તમે પાપનો સામનો કરો, પણ રક્તપાત સુધી તમે હજી સામનો કર્યો નથી. 5વળી જે ઉપદેશ બાળકોની માફક સમજાવીને તમને અપાય છે, તે તમે ભૂલી ગયા, એટલે, ‘ઓ, મારા પુત્ર, તું પ્રભુની શિક્ષાને તુચ્છ ન ગણ અને તે ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા. 6કેમ કે જેનાં પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે, જે પુત્રનો તે અંગીકાર કરે છે, તે દરેકને તે કોરડા મારે છે.’” 7જે શિક્ષા તમે સહન કરો છો, તે શિક્ષાણને માટે છે જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે, કેમ કે એવું કયું બાળક છે જેને પિતા શિક્ષા કરતા નથી? 8પણ જે શિક્ષાના ભાગીદાર સઘળાં થયા છે, તે શિક્ષા તમને ન થાય, તો તમે દાસીપુત્રો છો, ખરા પુત્રો તો નહિ. 9વળી પૃથ્વી પરના આપણા પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન રહીને જીવીએ નહિ? 10કેમ કે તેઓએ તો થોડાક દિવસો સુધી પોતાને જે વાજબી લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ તેમણે તો આપણા હિતને માટે શિક્ષા કરી કે આપણે તેમની પવિત્રતાના સહભાગી થઈએ.
સુવાર્તા (શહીદો માટે)
1કેમ કે સ્વર્ગનું રાજ્ય એક જમીનદાર જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો નક્કી કરવાને વહેલી સવારે બહાર ગયો. 2તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા. 3તે દિવસના આશરે સવારના ત્રણ કલાકે બહાર જઈને તેણે ચોકમાં બીજાઓને કામની શોધમાં ઊભા રહેલા જોયા. 4ત્યારે માલિકે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને જે કંઈ ઉચિત હશે, તે હું તમને આપીશ.’ ત્યારે તેઓ ગયા. 5વળી તે જ દિવસે આશરે બાર કલાકે અને ત્રણ કલાકે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. 6ત્યાર પછી આશરે અગિયારમાં કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઊભેલા જોયા; તે માલિકે તેઓને કહ્યું કે, ‘આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?’ 7તેઓએ તેને કહ્યું કે, ‘કેમ કે કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી.’ તેણે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’” 8સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિકે પોતાના કારભારીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પહેલી વ્યક્તિ સુધીનાઓને તેઓનું વેતન આપ.’ 9જેઓને આશરે અગિયારમાં કલાકે કામ પર રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર આપવામાં આવ્યો. 10પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ ધારતા હતા કે અમને વધારે મળશે; પરંતુ તેઓને પણ એક દીનાર અપાયો. 11ત્યારે તે લઈને તેઓએ જમીનદારની વિરુદ્ધ કચકચ કરી. 12અને કહ્યું કે, ‘આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.’” 13પણ તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો કે, મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તે મારી સાથે એક દીનાર નક્કી કર્યો નહોતો? 14તારું જે છે તે લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાઓને પણ આપવાની મારી મરજી છે. 15જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ દુષ્ટ છે શું?’ 16એમ જેઓ છેલ્લાં તેઓ પહેલાં અને જેઓ પહેલાં તેઓ છેલ્લાં થશે.”
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 9 માર્ચ એટલે નાગરિક પંચાંગનો 22 માર્ચ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો