મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 19 માર્ચ
ઓર્થોડોક્સ પંચાંગ · 6 માર્ચ (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 19 માર્ચ 2027
શુક્રવાર · મહાન ઉપવાસકાળનું પહેલું અઠવાડિયું · સ્વર 8
પર્વો અને સંતો
42 Martyrs of Ammoria in Phrygia († c. 845): Theodore, Constantine, Aetius, Theophilus, Basoes, Callistus, and others
મહાન ઉપવાસકાળ
કડક ઉપવાસ (સૂકો આહાર: રોટલી, શાકભાજી, ફળ)
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
છઠ્ઠો કલાક
1જુઓ, સૈન્યોના પ્રભુ યહોવાહ યરુશાલેમમાંથી તથા યહૂદામાંથી આધાર, ટેકો, રોટલી તથા પાણીનો આખો પુરવઠો લઈ લેનાર છે; 2શૂરવીર તથા લડવૈયા, ન્યાયાધીશ તથા પ્રબોધક, જોશી તથા વડીલ; 3સૂબેદાર, પ્રતિષ્ઠિત પુરુષ, સલાહકાર અને કુશળ કારીગર તથા ચતુર જાદુગરને તે લઈ લેશે. 4“હું જુવાનોને તેઓના આગેવાન ઠરાવીશ અને બાળકો તેઓના પર રાજ કરશે. 5લોકો એકબીજાથી અને દરેક વ્યક્તિ પોતાના પડોશીથી પીડા પામશે; બાળક વડીલનો અને સામાન્ય માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે. 6તે સમયે માણસ પોતાના ભાઈને તેના પિતાના ઘરમાં પકડીને, કહેશે કે, ‘તારી પાસે વસ્ત્ર છે; તું અમારો અધિપતિ થા અને આ ખંડિયેર તારા હાથ નીચે રહે.’ 7ત્યારે તે મોટા અવાજથી કહેશે, ‘હું તો સુધારનાર થવાનો નથી; મારી પાસે રોટલી કે વસ્ત્ર નથી. તમે મને લોકોનો અધિપતિ ઠરાવશો નહિ.” 8કેમ કે યરુશાલેમની પાયમાલી અને યહૂદાની પડતી થઈ છે, કારણ કે તેઓની વાણી અને કરણીએ યહોવાહની વિરુદ્ધ તેમના રાજ અધિકારની અવગણના કરી છે. 9તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; અને તેઓ સદોમની જેમ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. તેઓને અફસોસ છે! કેમ કે તેઓએ પોતે જ આફત વહોરી લીધી છે. 10ન્યાયી વ્યક્તિને કહો કે તેનું સારું થશે; કેમ કે તેઓ પોતાની કરણીનું ફળ ખાશે. 11દુષ્ટને અફસોસ! તે તેના માટે ખરાબ થશે, કેમ કે તે તેના હાથે કરેલાં કૃત્યનું ફળ ભોગવશે. 12મારા લોક પર તો બાળકો જુલમ કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે. મારા લોક, તમારા આગેવાનો તમને કુમાર્ગે દોરે છે અને તમારા ચાલવાના માર્ગ ગૂંચવી નાખે છે. 13યહોવાહ ન્યાય કરવાને ઊઠ્યા છે; પોતાના લોકોનો ન્યાય કરવાને તે ઊભા થયા છે; 14યહોવાહ પોતાના લોકોના વડીલોનો તથા તેમના સરદારોનો ન્યાય કરશે: “તમે દ્રાક્ષવાડીને ખાઈ ગયા છો; ગરીબોની લૂંટ તમારા ઘરમાં છે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
20તે માણસે સર્વ ગ્રામ્યપશુનાં, આકાશના પક્ષીઓનાં તથા સર્વ વનપશુઓનાં નામ પાડ્યાં, પણ તે માણસ આદમને પોતાના માટે અનુરૂપ એવી યોગ્ય સહાયકારી ન મળી હતી. 21યહોવાહ ઈશ્વરે તે માણસને ભર ઊંઘમાં નાખ્યો. તે ઊંઘી ગયો, ત્યારે ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક પાંસળી લીધી અને ખાલી પડેલી જગ્યાએ માંસ ભર્યું. 22યહોવાહ ઈશ્વરે માણસમાંથી જે પાંસળી લીધી હતી, તેની તેમણે એક સ્ત્રી બનાવી. તેને તે માણસ પાસે લાવ્યા. 23તે માણસ બોલી ઊઠ્યો કે, “આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે ‘નારી’ કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે.” 24તેથી માણસ તેનાં માતા અને પિતાને છોડીને, તેની પત્ની સાથે જોડાયેલો રહેશે અને તેઓ એક દેહ થશે. 25તે માણસ તથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, પણ તેને લીધે તેઓ શરમાતાં ન હતાં. 3:1હવે યહોવાહ ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, ‘વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?’ 2સ્ત્રીએ સાપને કહ્યું કે, “વાડીના વૃક્ષોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ, 3પણ ઈશ્વરે કહેલું છે કે, જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ ‘તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.”” 4સાપે સ્ત્રીને કહ્યું કે, “તમે મૃત્યુ નહિ પામો. 5કેમ કે ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તેને ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે ઈશ્વરો સમાન સારું શું અને નરસું શું છે તે સમજનારાં થશો.” 6તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું. 7ત્યારે તેઓ બન્નેની આંખો ઉઘડી ગઈ અને તેઓ સમજ્યા કે અમે વસ્ત્રહીન છીએ. તેથી તેઓએ અંજીરનાં પાંદડાં જોડીને પોતાને માટે આવરણ બનાવ્યાં. 8દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં. 9યહોવાહ ઈશ્વરે આદમને હાંક મારી કે, “તું ક્યાં છે?” 10આદમે કહ્યું કે, “મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો અને હું ગભરાયો. કેમ કે હું વસ્ત્રહીન છું. તેથી હું સંતાઈ ગયો.” 11ઈશ્વરે કહ્યું, “તને કોણે કહ્યું કે, તું નિવસ્ત્ર છે? જે ફળ ન ખાવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ફળ તેં ખાધું છે શું?” 12તે માણસે કહ્યું કે, “મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેણે મને ફળ આપ્યું અને મેં ખાધું.” 13યહોવાહ ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું?” સ્ત્રીએ કહ્યું કે, “સાપે મને છેતરી. તેથી મેં ફળ ખાધું.” 14યહોવાહ ઈશ્વરે સાપને કહ્યું કે, “તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ખાવી પડશે. 15તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે.” 16વળી યહોવાહ ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, “હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.” 17તેમણે આદમને કહ્યું, “કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, ‘તારે તે ન ખાવું’ તે વૃક્ષનું ફળ તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે. 18ભૂમિ તારે માટે કાંટા તથા ઝાંખરાં ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે. 19તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જશે.” 20તે માણસે તેની પત્નીનું નામ હવા પાડ્યું કેમ કે તે સમગ્ર માનવોની માતા થવાની હતી.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
19યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે. 20તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે. 21મારા દીકરા, સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ, તેઓને તારી નજર આગળથી દૂર થવા ન દે. 22તો તેઓ તારા આત્માનું જીવન અને તારા ગળાની શોભા થશે. 23પછી તું તારા માર્ગમાં સુરક્ષિત જઈ શકીશ અને તારો પગ ઠોકર ખાઈને લથડશે નહિ. 24જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે. 25જ્યારે આકસ્મિક ભય આવી પડે અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ. 26કેમ કે યહોવાહ તારી સાથે રહેશે અને તારા પગને સપડાઈ જતાં બચાવશે. 27હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનું હિત કરવામાં પાછો ન પડ. 28જ્યારે તારી પાસે પૈસા હોય, ત્યારે તારા પડોશીને એમ ન કહે, “જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ.” 29જે વ્યક્તિ તારી પડોશમાં નિર્ભય રહે છે, તેવા તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર. 30કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો તેની સાથે કારણ વગર તકરાર ન કર. 31દુષ્ટ માણસની અદેખાઈ ન કર, અથવા તેનો એક પણ માર્ગ પસંદ ન કર. 32કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે. 33યહોવાહ દુષ્ટ માણસોના ઘર પર શાપ ઉતારે છે; પણ તે ન્યાયી માણસોના ઘરને આશીર્વાદ આપે છે. 34તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે, પણ તે નમ્ર જનોને કૃપા આપે છે.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 6 માર્ચ એટલે નાગરિક પંચાંગનો 19 માર્ચ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો