મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 18 માર્ચ
ઓર્થોડોક્સ પંચાંગ · 5 માર્ચ (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 18 માર્ચ 2027
ગુરુવાર · મહાન ઉપવાસકાળનું પહેલું અઠવાડિયું · સ્વર 8
પર્વો અને સંતો
Martyr Conon of Isauria (1st C)
મહાન ઉપવાસકાળ
કડક ઉપવાસ (સૂકો આહાર: રોટલી, શાકભાજી, ફળ)
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
છઠ્ઠો કલાક
11માણસની ગર્વિષ્ઠ દૃષ્ટિ નીચી કરવામાં આવશે અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને તે દિવસે એકલા યહોવાહ જ શ્રેષ્ઠ મનાશે. 12કેમ કે તે સૈન્યોના યહોવાહનો દિવસ આવશે તે દરેક વિરુદ્ધ જે ગર્વિષ્ઠ તથા મગરૂર છે અને દરેક જે અભિમાની છે, તે સર્વને નમાવવામાં આવશે. 13લબાનોનનાં સર્વ મોટાં અને ઊંચાં થયેલાં દેવદાર વૃક્ષો પર અને બાશાનના સર્વ એલોન વૃક્ષો પર; 14અને સર્વ મોટા પર્વતો પર અને સર્વ ઊંચા ટેકરાઓ પર; 15અને સર્વ ઊંચા મિનારા પર અને દરેક કિલ્લાના કોટ પર; 16અને તાર્શીશના સર્વ વહાણો પર અને દરેક સઢવાળાં જહાજો પર તે દિવસે આવનાર છે. 17તે દિવસે, માણસનો ગર્વ ઉતારવામાં આવશે અને પુરુષોનું અભિમાન જતું રહેશે; એકલા યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે. 18મૂર્તિઓ તો બિલકુલ નાબૂદ થઈ જશે. 19યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે, ત્યારે તેમના ભયથી તથા તેમના મહિમાના ગૌરવથી બચવા, માણસો ખડકોની ગુફાઓમાં અને ભૂમિની બખોલમાં સંતાઈ જશે. 20તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને, છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે. 21જ્યારે યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેના રોષથી અને તેના મહિમાના ગૌરવથી બચવા, લોકો પર્વતોની ગુફાઓમાં અને ખડકોની તિરાડોમાં ભરાઈ જશે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
4આ આકાશ તથા પૃથ્વીના સર્જન સંબંધિત વૃત્તાંત છે; જયારે યહોવાહ ઈશ્વરે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યાં, 5ત્યારે ખેતરની કોઈપણ વનસ્પતિ હજુ પૃથ્વીમાં ઊગી ન હતી અને ખેતરમાં અનાજ ઊગ્યું ન હતું, કેમ કે યહોવાહ ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીનને ખેડવા માટે કોઈ માણસ ન હતું. 6પણ પૃથ્વી પર ઝરણું પડ્યું અને જમીનની આખી સપાટી ભીંજાઈ. 7યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી માટીનું માણસ બનાવ્યું, તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ થયું. 8યહોવાહ ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં તેમણે પોતાના સર્જેલ માણસને મૂક્યું. 9યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાવામાં સારાં તેઓને બનાવ્યાં. વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં. 10વાડીને પાણી પાવા સારુ એક નદી એદનમાંથી વહેતી થઈ. ત્યાંથી તેના ભાગ પડ્યા અને ચાર નદીઓ થઈ. 11પહેલીનું નામ પીશોન છે; જેનો પ્રવાહ આખા હવીલા દેશને ઘેરે છે, જ્યાં સોનું મળે છે. 12તે દેશનું સોનું સારું છે. ત્યાં મૂલ્યવાન મોતી તથા અકીક પાષાણ પણ છે. 13બીજી નદીનું નામ ગીહોન છે. જેનો પ્રવાહ આખા કૂશ દેશને ઘેરે છે. 14ત્રીજી નદીનું નામ હીદ્દેકેલ છે. તેનો પ્રવાહ આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. ચોથી નદીનું નામ ફ્રાત છે. 15યહોવાહ ઈશ્વરે તે માણસને એદનવાડીને ખેડવાને તથા તેની સંભાળ રાખવાને તેમાં રાખ્યો. 16યહોવાહ ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું, “વાડીના દરેક વૃક્ષનું ફળ ખાવાને તું સ્વતંત્ર છે. 17પણ સારું અને નરસું જાણવાના વૃક્ષનું ફળ તું ખાઈશ નહિ, કેમ કે જે દિવસે તું તે ખાશે, તે જ દિવસે નિશ્ચે તારું મરણ થશે.” 18પછી યહોવાહ ઈશ્વરે કહ્યું કે, “માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય એવી સહાયકારી બનાવીશ.” 19યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી ખેતરના દરેક પશુને અને આકાશના દરેક પક્ષીને બનાવ્યાં. પછી તેઓને માણસની પાસે લાવ્યા. માણસે દરેક સજીવને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
1મારા દીકરા, મારી આજ્ઞાઓ ભૂલી ન જા અને તારા હૃદયમાં મારા શિક્ષણને સંઘરી રાખજે; 2કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો અને શાંતિની વૃદ્ધિ આપશે. 3કૃપા તથા સત્યતા તારો ત્યાગ ન કરો, તેઓને તું તારા ગળે બાંધી રાખજે, તેઓને તારા હૃદયપટ પર લખી રાખજે. 4તેથી તું ઈશ્વર તથા માણસની દૃષ્ટિમાં કૃપા તથા સુકીર્તિ પામશે. 5તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ. 6તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર અને તે તારા માર્ગો સીધા કરશે. 7તું તારી પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા. 8તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારું શરીર તાજગીમાં રહેશે. 9તારા ધનથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર. 10એમ કરવાથી તારા અન્નના ભંડાર ભરપૂર થશે અને તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે. 11મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા. 12કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો આપે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે. 13જે માણસને ડહાપણ મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે. 14કેમ કે તેનો વેપાર ચાંદીના વેપાર કરતાં અને તેનો વળતર ચોખ્ખા સોનાના વળતર કરતાં શ્રેષ્ઠ છે. 15ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી. 16તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે. 17તેના માર્ગો સુખદાયક અને તેના બધા રસ્તા શાંતિપૂર્ણ છે. 18જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે, જેઓ તેને દૃઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 5 માર્ચ એટલે નાગરિક પંચાંગનો 18 માર્ચ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો