મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 10 માર્ચ
ઓર્થોડોક્સ પંચાંગ · 25 ફેબ્રુઆરી (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 10 માર્ચ 2027
બુધવાર · પનીરનું અઠવાડિયું · સ્વર 7
પર્વો અને સંતો
પનીરના અઠવાડિયાનો બુધવાર
પનીરનું અઠવાડિયું
માંસ નહિ; દૂધની વસ્તુઓ, ઈંડાં અને માછલીની છૂટ
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
છઠ્ઠો કલાક
12તોપણ હમણાં, યહોવાહ કહે છે, સાચા હૃદયથી તમે મારી પાસે પાછા આવો. ઉપવાસ કરો, રુદન અને વિલાપ કરો.” 13તમારાં વસ્ત્રો નહિ પણ તમારા હૃદયો ફાળો, તમારા ઈશ્વર યહોવાહ પાસે પાછા ફરો, તેઓ દયાળુ અને કૃપાળુ છે, તેઓ કોપ કરવામાં ધીમા અને દયાના સાગર છે; વિપત્તિને લીધે તેમને પશ્ચાત્તાપ થાય છે. 14કોણ જાણે કદાચ તે પશ્ચાતાપ કરીને પાછા આવે, અને પોતાની પાછળ આશીર્વાદ, એટલે તમારા ઈશ્વર યહોવાહને માટે ખાદ્યાર્પણ અને પેયાર્પણ રહેવા દે. 15સિયોનમાં રણશિંગડું વગાડો, પવિત્ર ઉપવાસ જાહેર કરો, અને ધાર્મિક સંમેલન ભરો. 16લોકોને ભેગા કરો, સમુદાયને પાવન કરો, વડીલોને ભેગા કરો, શિશુઓને એકઠા કરો અને સ્તનપાન કરતાં બાળકોને પણ ભેગા કરો. વર પોતાના ઓરડામાંથી બહાર આવે, અને કન્યા પોતાના લગ્ન મંડપમાંથી બહાર નીકળીને ત્યાં જાય. 17યાજકો, જેઓ યહોવાહના સેવકો છે, તેઓ પરસાળ અને વેદીની વચ્ચે રડો. તેઓ એમ કહે કે, હે યહોવાહ, તમારા લોકો પર દયા કરો, અને તમારા વારસાને બદનામ થવા ન દો, જેથી વિદેશીઓ તેમના પર રાજ ન કરે. દેશમાં એવું શા માટે કહેવા દેવામાં આવે કે, તેઓના ઈશ્વર કયાં છે?” 18ત્યારે યહોવાહને પોતાના લોકને માટે લાગણી થઈ, અને તેમને પોતાના લોકો પર દયા આવી. 19પછી યહોવાહે પોતાના લોકોને જવાબ આપ્યો; “જુઓ, હું તમારે માટે અનાજ, દ્રાક્ષારસ, અને તેલ મોકલીશ. તમે તેઓથી તૃપ્ત થશો. અને હું હવે પછી કદી તમને વિદેશીઓમાં નિંદાપાત્ર થવા દઈશ નહિ. 20પણ હું ઉત્તરના સૈન્યોને તમારામાંથી ઘણે દૂર હાંકી કાઢીશ અને હું તેઓને ઉજ્જડ તથા વેરાન દેશમાં મોકલી દઈશ. અને તેઓની અગ્ર હરોળના ભાગને સમુદ્રમાં, અને અંતિમ હરોળના સૈન્યને પશ્ચિમ સમુદ્ર તરફ ધકેલી દઈશ. તેની દુર્ગંધ ફેલાશે, અને તેની બદબો ઊંચી ચઢશે. હું મોટા કાર્યો કરીશ.” 21હે ભૂમિ, બીશ નહિ, હવે ખુશ થા અને આનંદ કર, કેમ કે યહોવાહે મહાન કાર્યો કર્યાં છે. 22હે જંગલી પશુઓ, તમે ડરશો નહિ; કેમ કે ગૌચરની જગ્યાઓ ફરીથી હરિયાળી થશે. વૃક્ષો પોતાના ફળ ઉપજાવશે, અંજીરવૃક્ષો અને દ્રાક્ષાવેલાઓ ફરીથી ફળવંત થશે. 23હે સિયોનપુત્રો, ખુશ થાઓ, અને યહોવાહ તમારા ઈશ્વરના નામે આનંદ કરો. કેમ કે તે તમને શરૂઆતનો વરસાદ જોઈએ તેટલો મોકલી આપે છે. તે તમારા માટે વરસાદ વરસાવશે, એટલે પ્રારંભનો અને અંતનો વરસાદ અગાઉની જેમ વરસાવશે. 24ખળીઓ ફરીથી ઘઉંથી ભરાઈ જશે અને કુંડો જૈતતેલ અને દ્રાક્ષારસથી છલકાઈ જશે. 25“તીડો, કાતરાઓ, ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ, મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વર્ષોનો પાક ખાઈ ગઈ છે તે પાક હું તમને પાછો આપીશ. 26તમે પુષ્કળ ભોજનથી તૃપ્ત થશો, અને તમારા ઈશ્વર યહોવાહ જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યા છે, તેમના નામની તમે સ્તુતિ કરશો, અને ફરી કદી મારા લોક શરમાશે નહિ.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
12“પ્રજાઓ ઊઠો. અને યહોશાફાટની ખીણમાં આવો. કેમ કે આસપાસની સર્વ પ્રજાઓનો, ન્યાય કરવા માટે હું ત્યાં બેસીશ. 13તમે દાતરડા ચલાવો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે. આવો, દ્રાક્ષાઓને ખૂંદો, દ્રાક્ષચક્કી ભરાઈ ગઈ છે, દ્રાક્ષકુંડો ઉભરાઈ જાય છે, કેમ કે તેમની દુષ્ટતા મોટી છે.” 14ન્યાયચુકાદાની ખીણમાં લોકોના ટોળેટોળાં મોટો જનસમુદાય છે કેમ કે ન્યાયચુકાદાની ખીણમાં યહોવાહનો દિવસ પાસે છે. 15સૂર્ય અને ચંદ્ર અંધારાય છે, અને તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે. 16યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે, અને યરુશાલેમમાંથી પોકાર કરશે, પૃથ્વી અને આકાશ કાંપશે, પણ યહોવાહ તેમના લોકો માટે આશ્રયસ્થાન થશે, તેઓ ઇઝરાયલ લોકો માટે કિલ્લો થશે. 17તેથી તમે જાણશો કે મારા પવિત્ર પર્વત સિયોન ઉપર રહેનાર હું યહોવાહ તમારો ઈશ્વર છું. પછી યરુશાલેમ પવિત્ર બનશે, અને પરદેશીઓ તેના પર ફરી આક્રમણ કરશે નહિ. 18તે દિવસે એમ થશે કે, પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, અને ડુંગરોમાંથી દૂધ વહેશે, યહૂદિયાની સુકાઈ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે. શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા, યહોવાહના પવિત્રસ્થાનમાંથી ઝરો નીકળશે. 19મિસર વેરાન થઈ જશે, અને અદોમ ઉજ્જડ બનશે, કેમ કે આ લોકોએ યહૂદાના વંશજો પર ઉત્પાત ગુજાર્યો હતો, તેઓએ પોતાના દેશમાં નિર્દોષ લોહી વહેવડાવ્યું છે. 20પણ યહૂદિયા સદાકાળ માટે, અને યરુશાલેમ પેઢી દર પેઢી માટે ટકી રહેશે. 21તેઓનું લોહી કે જેને મેં નિર્દોષ ગણ્યું નથી તેને હું નિર્દોષ ગણીશ,” કેમ કે યહોવાહ સિયોનમાં રહે છે.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 25 ફેબ્રુઆરી એટલે નાગરિક પંચાંગનો 10 માર્ચ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો