Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 9 માર્ચ

ઓર્થોડોક્સ પંચાંગ · 24 ફેબ્રુઆરી (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 9 માર્ચ 2027

મંગળવાર · પનીરનું અઠવાડિયું · સ્વર 7

પર્વો અને સંતો

પનીરના અઠવાડિયાનો મંગળવાર

પનીરનું અઠવાડિયું

માંસ નહિ; દૂધની વસ્તુઓ, ઈંડાં અને માછલીની છૂટ

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન (અગ્રદૂત માટે)

યશા 40; યશા 41; યશા 45; યશા 48; યશા 54 (પસંદ કરેલી કલમો)

સંધ્યા-પ્રાર્થના: વાંચન (અગ્રદૂત માટે)

માલા 3; માલા 4 (પસંદ કરેલી કલમો)

સંધ્યા-પ્રાર્થના: વાંચન (અગ્રદૂત માટે)

આ અનુવાદમાં નથી

પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા (અગ્રદૂત માટે)

લૂક 7:17–30

17તેમના સંબંધીની વાતો આખા યહૂદિયામાં તથા આસપાસના સઘળા પ્રદેશમાં ફેલાઈ ગઈ. 18યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો વિષે તેને કહી જણાવ્યું. 19યોહાને પોતાના શિષ્યોમાંના બેને પોતાની પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને પુછાવ્યું કે, ‘જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?’” 20તે માણસોએ તેમની પાસે આવીને કહ્યું કે, બાપ્તિસ્મા કરનાર યોહાને તમારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે, ‘જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?’” 21તે જ વખતે ઈસુએ વિભિન્ન પ્રકારના રોગથી, પીડાથી તથા દુષ્ટાત્માઓથી રિબાતા ઘણાંઓને સાજાં કર્યા, અને ઘણાં અંધજનોને દેખતા કર્યા. 22ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જે જે તમે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો; એટલે કે અંધજનો દેખતા થાય છે, પગથી અપંગ માણસો ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરાય છે, અને બધિર સાંભળતાં થાય છે, મૂએલાંને સજીવન કરવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે, 23અને જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.’” 24યોહાનના સંદેશવાહકો ગયા એટલે ઈસુએ લોકોને યોહાન વિશે કહ્યું કે, ‘અરણ્યમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને? 25પણ તમે શું જોવા ગયા હતા? શું મુલાયમ વસ્ત્ર પહેરેલા માણસને? જુઓ, જે ભપકાદાર વસ્ત્ર પહેરે છે તથા એશઆરામમાં રહે છે, તેઓ રાજમહેલોમાં હોય છે! 26પણ તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, અને પ્રબોધકના કરતાં પણ જે વધારે છે, તેને. 27જેનાં વિશે લખ્યું છે કે, જુઓ, હું મારા સંદેશવાહકને તારા આગળ મોકલું છું, કે જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે, તે એ જ છે. 28હું તમને કહું છું કે, સ્ત્રીઓથી જેઓ જનમ્યાં છે, તેઓમાં યોહાન કરતાં મોટો કોઈ નથી, તોપણ ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે પણ તેના કરતાં મોટો છે.’” 29એ સાંભળીને બધા લોકોએ તથા દાણીઓએ યોહાનના બાપ્તિસ્માના કારણે, ‘ઈશ્વર ન્યાયી છે’ એમ કબૂલ કર્યું. 30પણ ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેનાથી બાપ્તિસ્મા પામ્યા નહોતા, માટે તેઓના સંબંધી ઈશ્વરની જે યોજના હતી તે તેઓએ નકાર કર્યા.

પત્ર

યહૂ 1:1–10

1ઈશ્વર પિતાને વહાલા; ઈસુ ખ્રિસ્તને માટે સાચવી રખાયેલા અને તેડાયેલાઓને પત્ર લખનાર, ઈસુ ખ્રિસ્તનો દાસ, યાકૂબનો ભાઈ યહૂદા. 2તમને દયા, શાંતિ તથા પુષ્કળ પ્રેમ પ્રાપ્ત થાઓ. 3પ્રિયો, આપણા સામાન્ય ઉદ્ધાર વિષે તમારા પર લખવા માટે હું ઘણો આતુર હતો, એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર સોંપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્રદ્વારા તમને કરવાની મને અગત્ય જણાઈ. 4કેમ કે જેઓને શિક્ષાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા છે, તેવા કેટલાક માણસો ગુપ્ત રીતે આપણામાં આવ્યાં છે; તેઓ અધર્મી છે અને આપણા ઈશ્વરની કૃપાનો ઉપયોગ હવસખોરીમાં કરે છે અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા પ્રભુ તથા ઈશ્વર છે તેમનો ઇનકાર કરે છે. 5હવે તમે બધું જાણી ચૂક્યા છો ખરા, તોપણ હું તમને યાદ કરાવવા ચાહું છું કે પ્રભુએ મિસર દેશમાંથી લોકોને છોડાવ્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો. 6અને જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયચુકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે. 7તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, અનંતઅગ્નિ દંડ સહન કરીને ચેતવણી માટે નમૂનારૂપ જાહેર થયેલાં છે. 8તોપણ એવી રીતે પણ આ લોકો સ્વપ્નોથી પોતાના દેહને ભ્રષ્ટ કરે છે, અધિકારને તુચ્છ ગણે છે અને આકાશી જીવોની નિંદા કરે છે. 9પણ મીખાયેલ પ્રમુખ દૂતે જયારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ સર્જ્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ, પણ એટલું જ કહ્યું કે, “પ્રભુ તને ધમકાવો.” 10તોપણ તેઓ જે વિષે કંઈ જાણતા નથી તે બાબતોમાં તેઓ નિંદા કરે છે અને નિર્બુદ્ધ પશુઓની જેમ જેને તેઓ સ્વાભાવિક સમજે છે તેમાં પોતાને ભ્રષ્ટ કરે છે.

પત્ર (અગ્રદૂત માટે)

2 કરિં 4:6–15

6કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાંને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ખ્રિસ્તનાં ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે. 7પણ અમારો આ ખજાનો માટીનાં પાત્રોમાં છે, એ સારુ કે પરાક્રમની ઉત્તમતા ઈશ્વરથી થાય અને અમારાથી નહિ. 8સર્વ પ્રકારે અમે વિપત્તિ પામેલા હોવા છતાં દબાયેલા નથી; હેરાન થયા છતાં નિરાશ થયેલા નથી; 9સતાવાયેલા છીએ પણ ત્યજાયેલા નથી; નીચે પટકાયેલા છીએ પણ નાશ પામેલા નથી; 10ઈસુનું મરણ અમારા શરીરમાં સદા રાખીએ છીએ, એ સારુ કે ઈસુનું જીવન અમારાં શરીરદ્વારા જાહેર થાય. 11કેમ કે અમે જીવનારાં ઈસુને માટે, સદા મરણને સોંપાયેલા છીએ, એ માટે કે ઈસુનું જીવન પણ અમારા મૃત્યુપાત્ર મનુષ્યદેહમાં પ્રગટ કરાય. 12એમ જ અમારામાં મરણ પણ તમારામાં જીવન અસર કરે છે. 13વિશ્વાસનો તે જ આત્મા અમને છે તેથી મેં વિશ્વાસ કર્યો માટે હું બોલ્યો એ લેખ પ્રમાણે, અમે પણ વિશ્વાસ કરીએ છીએ અને તેથી બોલીએ છીએ. 14અને એવું જાણીએ છીએ કે, જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યાં, તે અમને પણ ઈસુની મારફતે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે. 15કેમ કે સઘળાં વાનાં તમારે સારુ છે એ માટે કે જે કૃપા ઘણાંઓની મારફતે પુષ્કળ થઈ તે ઈશ્વરના મહિમાને અર્થે ઉપકારસ્તુતિ કરાવે.

સુવાર્તા

લૂક 22:39–42, 45–23:1

39બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે ઈસુ જૈતૂન પહાડ પર ગયા; શિષ્યો પણ તેમની પાછળ ગયા. 40ઈસુ તે જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું કે, ‘પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.’” 41આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે, 42‘હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’” 45પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને દુઃખને લીધે નિદ્રાવશ થયેલા જોયા, 46ઈસુએ તેઓને કહ્યું કે, ‘કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.’” 47તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો. 48પણ ઈસુએ તેને કહ્યું, ‘શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?’” 49જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેમને પૂછ્યું, ‘પ્રભુ, અમે તલવાર મારીએ શું?’” 50તેઓમાંનાં એકે પ્રમુખ યાજકના ચાકરને તલવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો. 51પણ ઈસુએ કહ્યું કે, ‘હવે બસ કરો’. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો. 52જે મુખ્ય યાજકો તથા ભક્તિસ્થાનના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, ‘જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તલવારો તથા લાકડીઓ લઈને કેમ આવ્યા છો? 53હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ હાલ તમારો અને અંધકારનાં અધિકારનો સમય છે.’” 54તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. પ્રમુખ યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો. 55ચોકની વચમાં તાપણું સળગાવીને તેઓ તાપવા બેઠા ત્યારે પિતર તેઓની સાથે બેઠો હતો. 56એક દાસીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, ‘આ માણસ પણ તેમની સાથે હતો.’” 57પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘બહેન, હું તેમને ઓળખતો નથી.’” 58થોડીવાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે, “તું પણ તેઓમાંનો છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ, હું એમાંનો નથી.” 59આશરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, “ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે.” 60પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો. 61પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, “ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.” 62તે બહાર જઈને બહુ જ રડ્યો. 63ઈસુ જે માણસોના હવાલે હતા તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને તેમને માર માર્યો. 64તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે ‘કહી બતાવ, તને કોણે માર્યું?’” 65તેઓએ દુર્ભાષણ કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું. 66દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ભેગા થયા; અને તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે, 67“જો તમે ખ્રિસ્ત હો, તો અમને કહો.” પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી 68વળી જો હું પૂછીશ તો તમે મને જવાબ આપવાના નથી. 69પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે.” 70લોકોએ કહ્યું, “તો શું, તમે ઈશ્વરના દીકરા છો?” તેમણે તેઓને કહ્યું કે, “તમે કહો છો તે મુજબ હું તે છું.” 71અને તેઓએ કહ્યું કે, “હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.” 23:1અને તેઓનો આખો સમુદાય ઊઠીને ઈસુને પિલાતની પાસે લઈ ગયા.

સુવાર્તા (અગ્રદૂત માટે)

માથ 11:2–15

2હવે યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને 3તેમને પુછાવ્યું કે, “જે આવનાર છે તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?” 4ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમે જે જે સાંભળો છો તથા જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો. 5અંધજનો દેખતા થાય છે, અપંગો ચાલતા થાય છે, રક્તપિત્તના રોગીઓ શુદ્ધ કરાય છે, બહેરાઓ સાંભળતાં થાય છે; મૃત્યુ પામેલાઓ સજીવન થાય છે, તથા દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે. 6જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.” 7જયારે તેઓ જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા કે, “તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને? 8પણ તમે શું જોવા નીકળ્યા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? ખરેખર, જે એવાં વસ્ત્રો પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે. 9તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, પ્રબોધક કરતાં જે ઘણાં અધિક છે તેને. 10જેનાં સંબંધી એમ લખેલું છે કે, ‘જો, હું મારા સંદેશવાહકને તારી આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.’” 11હું તમને નિશ્ચે કહું છું કે, જેટલાં સ્ત્રીઓથી જનમ્યાં છે, તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી, તોપણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે તે પણ તેના કરતાં મોટો છે. 12યોહાન બાપ્તિસ્મા કરનારનાં સમયથી તે અત્યાર સુધી સ્વર્ગના રાજ્ય પર બળજબરી થાય છે, તથા બળજબરી કરનારાઓ તેને છીનવી લે છે. 13કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે. 14જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે. 15જેને સાંભળવાને કાન છે તે સાંભળે.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 24 ફેબ્રુઆરી એટલે નાગરિક પંચાંગનો 9 માર્ચ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો