મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જાન્યુઆરી 2027 › 18 જાન્યુઆરી
ઓર્થોડોક્સ પંચાંગ · 5 જાન્યુઆરી (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 18 જાન્યુઆરી 2027
સોમવાર · પચાસમાના પર્વ પછીનું 34મું અઠવાડિયું · સ્વર 8
પર્વો અને સંતો
ઈશ્વરપ્રાગટ્યની પૂર્વસંધ્યા
એક દિવસનો ઉપવાસ · કડક ઉપવાસ
ઉપવાસ: તેલ સાથે
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
પહેલો કલાક: ભવિષ્યવાણી
1અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; અને વન આનંદ કરશે અને ગુલાબની જેમ ખીલશે. 2તે પુષ્કળ ખીલશે, આનંદ કરશે અને હરખાઈને ગાયન કરશે. તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાહનું ગૌરવ અને આપણા ઈશ્વરનો વૈભવ જોશે. 3ઢીલા હાથોને દૃઢ કરો અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો. 4જેઓ ભયભીત હૃદયના છે તેઓને કહો, “દૃઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર વેર લેવા આવશે, ઈશ્વર તમને યોગ્ય બદલો આપશે અને તે પોતે આવીને તમને તારશે.” 5ત્યારે અંધજનોની આંખો ઉઘાડવામાં આવશે અને બધિરોના કાન સાંભળશે. 6ત્યારે અપંગો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ ગાયન કરશે, કેમ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળાં ફૂટી નીકળશે. 7દઝાડતી રેતી તે તળાવ, અને તરસી ભૂમિ તે પાણીના ઝરણાં બની જશે; શિયાળોનાં રહેઠાણમાં, તેમના સૂવાને સ્થાને, ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે. 8ત્યાં રાજમાર્ગ થશે અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેના પર કોઈ અશુદ્ધ ચાલશે નહિ પણ જે પવિત્રતામાં ચાલે છે તેને માટે તે થશે, એ માર્ગમાં મૂર્ખ પણ ભૂલો પડશે નહિ. 9ત્યાં સિંહ હશે નહિ, કોઈ હિંસક પશુ ત્યાં આવી ચઢશે નહી; ત્યાં તેઓ જોવામાં આવશે નહિ. પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે. 10યહોવાહે જે લોકો માટે મુક્તિ મૂલ્ય ચૂકવ્યું છે તેઓ પાછા ફરશે અને હર્ષનાદ કરતા કરતા સિયોન સુધી પહોંચશે અને તેઓને માથે હંમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ અને આનંદ પ્રાપ્ત થશે, તેઓના શોક તથા નિશ્વાસ જતા રહેશે.
પહેલો કલાક: પત્ર
25યોહાન પોતાની દોડ પૂરી કરી રહેવા આવ્યો હતો એ દરમિયાન તે બોલ્યો કે, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે નથી. પણ જુઓ, જે મારી પાછળ આવે છે, જેમનાં પગનાં ચંપલની દોરી છોડવાને હું યોગ્ય નથી.’ 26ભાઈઓ, ઇબ્રાહિમનાં વંશજો તથા ઈશ્વરનું ભય રાખનારા વિદેશીઓ, આપણી પાસે એ ઉદ્ધારની વાત મોકલવામાં આવી છે. 27કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી. 28મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો. 29તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા. 30પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા. 31અને તેમની સાથે ગાલીલથી યરુશાલેમમાં આવેલા માણસોને ઘણાં દિવસ સુધી તે દર્શન આપતા રહ્યા, અને તેઓ હમણાં લોકોની આગળ તેમના સાક્ષી છે. 32અને જે આશાવચનો આપણા પૂર્વજોને આપવામાં આવ્યા હતા તેનો શુભસંદેશ અમે તમારી પાસે લાવ્યા છીએ કે,
પહેલો કલાક: સુવાર્તા
1તે દિવસોમાં યોહાન બાપ્તિસ્મા કરનાર યહૂદિયાના અરણ્યમાં ઉપદેશ આપતા એમ કહેતો હતો કે, 2“પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.” 3કારણ કે તે એ જ છે, જેનાં વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, “અરણ્યમાં પોકારનારની એવી વાણી છે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’” 4યોહાનનાં વસ્ત્રો ઊંટના વાળનાં હતાં, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા રાની મધ તેનો ખોરાક હતા. 5ત્યારે યરુશાલેમના, યહૂદિયાના તથા યર્દનના આસપાસના સર્વ પ્રદેશના લોકો તેની પાસે ગયા. 6તેઓ પોતાનાં પાપો કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. 7પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાંને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને યોહાને તેઓને કહ્યું કે, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં? 8પસ્તાવો કરનારાને શોભે તેવા ફળ આપો. 9તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે, ‘ઇબ્રાહિમ અમારા પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે. 10વૃક્ષોના મૂળ પર કુહાડો પહેલેથી જ મુકાયો છે. માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. 11માટે પસ્તાવાને સારુ હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સામર્થ્યવાન છે, હું તેમના ચંપલ ઊંચકવાને યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી તથા અગ્નિથી કરશે.
ત્રીજો કલાક: ભવિષ્યવાણી
16સ્નાન કરો અને શુદ્ધ થાઓ; મારી આંખ આગળથી તમારાં દુષ્ટ કાર્યો દૂર કરો; ભૂંડું કરવું બંધ કરો; 17સારું કરતા શીખો; ન્યાય શોધો, જુલમથી દુ:ખી થયેલાંને મદદ કરો, અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો.” 18યહોવાહ કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ” “તમારાં પાપ જો કે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કિરમજના જેવાં રાતાં હોય, તો પણ તેઓ ઊન સરખાં થશે. 19જો તમે ખુશીથી મારી આજ્ઞા પ્રમાણે કરશો, તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો; 20પણ જો તમે ઇનકાર કરશો અને બળવા કરશો, તો તમે તલવારથી માર્યા જશો,” કેમ કે આ યહોવાહના મુખનું વચન છે.
ત્રીજો કલાક: પત્ર
1એમ થયું કે જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસમાં આવ્યો, અને કેટલાક શિષ્યો તેને મળ્યા. 2તેણે તેઓને પૂછ્યું કે, ‘તમે વિશ્વાસ કર્યો ત્યારે શું પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે, ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.’” 3પાઉલે પૂછ્યું કે, ‘ત્યારે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?’ અને તેઓએ કહ્યું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા.’” 4ત્યારે પાઉલે કહ્યું કે, યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો.’” 5તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું. 6જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ (અન્ય) ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા. 7તેઓ બધા મળીને બાર પુરુષ હતા. 8પછી ભક્તિસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી ઈસુના વચનો કહ્યા, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.
ત્રીજો કલાક: સુવાર્તા
1ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તાની શરૂઆત. 2જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે, ‘જો, હું તારી આગળ મારા સંદેશવાહકને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે; 3અરણ્યમાં પોકારનારની વાણી એવી છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો. 4એ પ્રમાણે યોહાન બાપ્તિસ્મા અરણ્યમાં પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો. 5આખા યહૂદિયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેમની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. 6યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા જંગલી મધ તેનો ખોરાક હતો. 7તેણે એવું પ્રગટ કર્યું કે, મારા કરતાં જે સામર્થ્યવાન છે તે મારી પાછળ આવે છે; હું તો વાંકો વળીને તેમના ચંપલની દોરી છોડવા યોગ્ય નથી. 8હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.’”
છઠ્ઠો કલાક: ભવિષ્યવાણી
3તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો. 4તે દિવસે તમે કહેશો, “યહોવાહનો આભાર માનો અને તેમનું નામ લઈને હાંક મારો; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો. 5યહોવાહનાં ગીત ગાઓ, કેમ કે તેમણે મહિમાવાન કૃત્યો કર્યાં છે; આ વાત આખી પૃથ્વીમાં જાહેર થાઓ. 6હે સિયોનના રહેવાસીઓ, જોરથી પોકારો અને આનંદનો પોકાર કરો, કેમ કે ઇઝરાયલના પવિત્ર તમારામાં મહાન મનાય છે.”
છઠ્ઠો કલાક: પત્ર
3શું તમે નથી જાણતા કે, આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા. 4તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. 5કેમ કે જો આપણે તેમના મરણની સમાનતામાં તેમની સાથે જોડાયાં, તો તેમના મરણોત્થાનની સમાનતામાં પણ જોડાયેલાં થઈશું. 6આપણે જાણીએ છીએ કે આપણું જૂનું મનુષ્યત્વ તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય; એટલે હવે પછી આપણે પાપના દાસત્વમાં રહીએ નહિ. 7કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે. 8પણ જો આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામેલા છીએ, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા. 9કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા અને તે ફરી મૃત્યુ પામનાર નથી; હવે પછી મૃત્યુનો અધિકાર તેમના પર નથી. 10કેમ કે તેઓ મર્યા, એટલે પાપ સંબંધી એક જ વાર મૃત્યુ પામ્યા, પણ તેઓ જીવે છે એટલે ઈશ્વર સંબંધી જીવે છે. 11તેમ તમે પોતાને પણ પાપ સંબંધી મૃત્યુ પામેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સંબંધી જીવતા ગણો.
છઠ્ઠો કલાક: સુવાર્તા
9તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા; 10પછી તરત પાણીમાંથી બહાર આવતાં તેમણે સ્વર્ગો ખુલ્લાં થયેલા તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતા જોયા, 11અને સ્વર્ગોમાંથી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’” 12તરત આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા; 13અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી. 14યોહાનની ધરપકડ કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યા અને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું કે, 15‘સમય પૂરો થયો છે, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો.’”
9મો કલાક: ભવિષ્યવાણી
8યહોવાહ એવું કહે છે: એક સમયે હું મારી કૃપા બતાવીશ અને તને ઉત્તર આપીશ તથા ઉદ્ધારને દિવસે હું તને સહાય કરીશ; હું તારું રક્ષણ કરીશ અને તને લોકોને માટે કરારરૂપ કરીશ, જેથી તું દેશને ફરીથી બાંધે અને નિર્જન ભૂમિનો વારસો વહેંચી આપે. 9તું બંદીવાનોને કહેશે, ‘બહાર આવો;’ જેઓ અંધકારમાં છે તેઓને કહેશે, ‘પ્રકાશમાં આવો.’ તેઓ રસ્તાઓ પર અને સર્વ ઢોળાવ પર ચરનારાં ઘેટાં જેવા મુક્ત થશે. 10તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; અને તેઓને લૂ તથા તાપ લાગશે નહિ, કેમ કે જે તેઓ ઉપર દયા કરે છે, તે તેઓને દોરી જશે; પાણીના ઝરાઓની પાસે તેઓને લઈ જશે. 11મારા સર્વ પર્વતો પર હું માર્ગો બનાવીશ અને મારા રાજમાર્ગોને સપાટ કરીશ.” 12જુઓ, તેઓ દૂરથી આવશે, થોડા ઉત્તરથી તથા પશ્ચિમથી; તથા અન્ય સીનીમ દેશમાંથી આવશે. 13હે આકાશો, ગાઓ અને હે પૃથ્વી, આનંદ કર; હે પર્વતો, તમે જયઘોષ કરવા માંડો! કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે અને તે પોતાના દુ:ખી લોકો પર દયા કરશે. 14પણ સિયોને કહ્યું, “યહોવાહે મને તજી દીધી છે અને પ્રભુ મને ભૂલી ગયા છે.” 15શું સ્ત્રી પોતાના બાળકને, અરે પોતાના સ્તનપાન કરતા બાળકને ભૂલી જાય, પોતાના પેટના દીકરા પર તે દયા ન કરે? હા, કદાચ તે ભૂલી જાય પરંતુ હું તને ભૂલીશ નહિ.
9મો કલાક: પત્ર
11કેમ કે ઈશ્વરની કૃપા જે સઘળાં માણસોનો ઉદ્ધાર કરે છે તે પ્રગટ થઈ છે; 12તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ત્યાગ કરીને વર્તમાન જમાનામાં આત્મસંયમી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું; 13અને આશીર્વાદિત આશાપ્રાપ્તિની તથા મહાન ઈશ્વર તેમ જ આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તનાં મહિમાના પ્રગટ થવાની પ્રતિક્ષા કરવી; 14જેમણે આપણે સારુ સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તેઓ આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારુ ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તરીકે તૈયાર કરે. 3:4પણ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દયા તથા માનવજાત પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો, 5ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણાનાં કામોથી નહિ, પણ તેમની દયા પ્રમાણે નવા જન્મનાં સ્નાનથી તથા પવિત્ર આત્માનાં નવીનીકરણથી તેમણે આપણને બચાવ્યા. 6પવિત્ર આત્માને તેમણે આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ વરસાવ્યા છે; 7જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ.
9મો કલાક: સુવાર્તા
13ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા. 14પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, “તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?” 15પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, “હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે.” ત્યારે યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું. 16જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા, અને જુઓ, તેમને સારુ સ્વર્ગ ઉઘાડાયું અને ઈશ્વરના આત્માને કબૂતર રૂપે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા. 17જુઓ, સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું.”
સંધ્યા-પ્રાર્થના: વાંચન
1પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં. 2પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો. 3ઈશ્વરે કહ્યું, “ત્યાં અજવાળું થાઓ” અને અજવાળું થયું. 4ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં. 5ઈશ્વરે અજવાળાંને “દિવસ” અને અંધારાને “રાત” કહ્યું. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ. 6ઈશ્વરે કહ્યું, “પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો.” 7ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી અલગ કર્યાં. એ પ્રમાણે થયું. 8ઈશ્વરે અંતરિક્ષને “આકાશ” કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ. 9ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ.” એ પ્રમાણે થયું. 10ઈશ્વરે કોરી જગ્યાને “ભૂમિ” કહી અને એકત્ર થયેલા પાણીને “સમુદ્રો” કહ્યા. તેમણે જોયું કે તે સારું છે. 11ઈશ્વરે કહ્યું, “પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે.” એ પ્રમાણે થયું. 12ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. 13સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
15પછી યહોવાહે મૂસાને કહ્યું, “મને પોકારો કરવાની શી જરૂર છે? ઇઝરાયલી લોકોને કહે કે આગળ કૂચ કરે, પ્રવાસ ચાલુ રાખે. 16તું તારી લાકડીને રાતા સમુદ્ર પર ઊંચી કર. તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ અને સમુદ્ર બે ભાગ થઈ જશે. ઇઝરાયલ લોકો સમુદ્રની કોરી જમીન પર થઈને સમુદ્ર પાર કરશે. 17પછી હું મિસરવાસીઓને હઠીલા અને આવેશી બનાવીશ. એટલે તેઓ તમારા પર સમુદ્ર તરફ ધસી આવશે. ફારુનને, તેના રથસવારો, ઘોડેસવારો અને સમગ્ર સૈન્યને હું નષ્ટ કરીશ. તેઓ મારું ગૌરવ નિહાળશે. 18ત્યારે ફારુન અને તેના સૈન્ય સહિત સમગ્ર મિસરવાસીઓને ખબર પડશે કે હું યહોવાહ છું.” 21મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ્યો, એટલે યહોવાહે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ કોરી જમીન બનાવી હતી. 22ઇઝરાયલી લોકો કોરી જમીન પર ચાલીને સમુદ્રમાં થઈને પાર ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની દીવાલો બની ગઈ હતી. 23મિસરીઓ તેઓની પાછળ પડયા. ફારુનના બધા જ રથસવારો, ઘોડેસવારો તથા અન્ય સૈનિકો તેઓની પાછળ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા. 27એટલે તે પરોઢ થવાના સમયે મૂસાએ સમુદ્ર પર હાથ લંબાવ્યો ત્યારે સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં પાછો આવી ગયો. મિસરના સૈન્યએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી પણ યહોવાહે તેઓને સમુદ્રમાં વચ્ચોવચ્ચ ડુબાવી માર્યા. 28સમુદ્રના પાણીએ પાછાં વળીને રથસવારોને, ઘોડેસવારોને અને ફારુનના સમગ્ર સૈન્યને ડુબાડી દીધું. તેઓમાંથી કોઈ બચી શક્યું નહિ. 29પરંતુ ઇઝરાયલના લોકો તો સમુદ્રની વચ્ચેથી કોરી ભૂમિ પર થઈને પસાર થઈ ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની ભીંતો થઈ ગઈ હતી.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
22પછી મૂસા ઇઝરાયલી લોકોને રાતા સમુદ્રથી આગળ લઈ ગયો. અને તેઓ ત્યાંથી નીકળીને શૂરના અરણ્યમાં આવ્યા; તેઓ ત્યાં ત્રણ દિવસ એ અરણ્યમાં આગળ ચાલતા રહ્યા. ત્યાં તેઓને પાણી મળ્યું નહિ. 23પછી તેઓ ‘મારાહ’ નામની જગ્યાએ આવી પહોંચ્યા. પણ ત્યાંનાં પાણી પી શક્યા નહિ, કેમ કે તે કડવાં હતાં. તેથી એ જગ્યાનું નામ ‘મારાહ’ પડયું. 24તેથી બધા લોકોએ મૂસાની વિરુદ્ધ બબડાટ કર્યો કે, “અમે શું પીઈએ?” 25એટલે મૂસાએ યહોવાહને પ્રાર્થના કરી, એટલે યહોવાહે તેને એક વૃક્ષનું થડ બતાવ્યું. મૂસાએ તેને પાણીમાં નાખ્યું અને પાણી મીઠાં થઈ ગયાં. ત્યાં યહોવાહે તેઓની કસોટી કરી. તેઓને માટે વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. અને ત્યાં જ તેમની કસોટી કરી. 26યહોવાહે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર યહોવાહની વાણી કાળજીથી સાંભળશો અને જે સત્ય છે તેને પાળશો તો મેં મિસરીઓ પર જે રોગચાળો ફેલાવ્યો હતો તેમાંનો કોઈ હું તમારા પર મોકલીશ નહિ. કેમ કે તમારા રોગ મટાડનાર હું તમારો ઈશ્વર યહોવાહ છું.” 27પછી તેઓ એલીમ આવી પહોંચ્યા, ત્યાં પાણીના બાર ઝરા હતા અને સિત્તેર ખજૂરીઓ હતી, અહીં જ્યાં પાણી હતું તે જગ્યાએ તેઓએ છાવણી કરી. 16:1ઇઝરાયલીઓએ એલીમથી પોતાની મુસાફરી શરૂ કરી. તેઓ મિસરમાંથી બહાર આવ્યા પછી બીજા માસને પંદરમે દિવસે એલીમ અને સિનાઈની વચ્ચે આવેલા સીનના અરણ્યમાં આવી પહોંચ્યા.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
7અને યહોવાહે યહોશુઆને કહ્યું, “આજ હું તને ઇઝરાયલની નજરમાં મોટો માણસ બનાવીશ. એ સારુ કે તેઓ જાણે કે જેમ હું મૂસા સાથે હતો તેમ તારી સાથે પણ હોઈશ. 8જે યાજકોએ કરારકોશ ઊંચક્યો છે તેઓને આજ્ઞા કર, કે યર્દનને કિનારે આવો ત્યારે યર્દનનદીમાં જ ઊભા રહેજો.” 15કરાર કોશને ઊંચકનારા યાજકો જયારે યર્દન પાસે આવ્યા અને તેઓના પગ પાણીમાં પડ્યા યર્દન કાપણીની પૂરી ઋતુ દરમિયાન તેના બન્ને કિનારે છલકાતી હતી 16ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદમ નગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા. 17ઇઝરાયલના સઘળાં લોકો કોરી જમીન પર ચાલીને પાર ઊતર્યા ત્યાં સુધી યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકો યર્દનની મધ્યમાં કોરી જમીન પર ઊભા રહ્યા.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
6અને એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે, ઈશ્વર મને યર્દન મોકલે છે.” એલિશાએ હહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” પછી તેઓ બંન્ને આગળ ચાલ્યા. 7પ્રબોધકોના પચાસ દીકરાઓ તેઓની સામે દૂર ઊભા રહ્યા અને તેઓ બન્ને યર્દન નદીને કિનારે ઊભા રહ્યા. 8એલિયાએ પોતાનો ઝભ્ભો લઈને તેને વીંટાળીને તેને પાણી પર માર્યો અને નદીના બે ભાગ થઈ ગયા, તેથી તેઓ બન્ને કોરી જમીન ચાલીને પેલે પાર ગયા. 9તેઓ નદી પાર ઊતર્યા પછી એમ થયું કે, એલિયાએ એલિશાને કહ્યું, “મને તારી પાસેથી લઈ લેવામાં આવે તે અગાઉ તું માગ કે હું તારે માટે શું કરું?” એલિશાએ કહ્યું, “કૃપા કરી તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે.” 10એલિયાએ કહ્યું, “તેં જે માગ્યું છે તે ભારે છે. તોપણ, જો તું મને તારી પાસેથી લઈ લેવાતો જોશે, તો તારે માટે એ શકય થશે, પણ જો નહિ જુએ, તો એવું નહિ થાય.” 11તેઓ વાતો કરતા કરતા આગળ ચાલ્યા જતા હતા એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ અને અગ્નિમય ઘોડા દેખાયા. એ બધાએ બન્ને માણસોને એકબીજાથી જુદા પાડી દીધા. એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચઢી ગયો. 12એલિશાએ તે જોયું, તેણે બૂમ પાડી, “ઓ મારા બાપ રે, ઓ મારા બાપ રે! ઇઝરાયલના રથો અને તેમના ઘોડેસવારો!” પછી એલિશાએ એલિયાને જોયો નહિ. અને એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ટુકડાં કરી નાખ્યા. 13પછી એલિશાએ એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો હતો તે તેણે ઉપાડી લીધો અને પાછો તે યર્દન કિનારે જઈને ઊભો રહ્યો. 14એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો તે લઈને એલિશાએ પાણી પર મારીને કહ્યું, “એલિયાના ઈશ્વર યહોવાહ કયાં છે?” જયારે તેણે પાણી પર માર્યું ત્યારે તે પાણી બે ભાગમાં વહેંચાય ગયાં અને એલિશા નદીની પાર ગયો.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
9તેથી નામાન પોતાના ઘોડા અને રથો સાથે એલિશા પ્રબોધકના ઘરના બારણા સામે આવીને ઊભો રહ્યો. 10એલિશાએ તેની પાસે સંદેશાવાહક મોકલીને કહ્યું, “તું જઈને યર્દન નદીમાં સાત વખત ડૂબકી માર, એટલે તને નવું માંસ આવશે અને તું શુદ્ધ થઈશ.” 11પણ નામાને ગુસ્સે થઈને કહ્યું કે, “હું તો વિચારતો હતો કે, તે બહાર આવીને મારી પાસે ઊભો રહીને પોતાના ઈશ્વર યહોવાહને વિનંતી કરશે. અને મારા શરીર પર પોતાનો હાથ ફેરવશે અને મારો કુષ્ઠ રોગ મટી જશે. 12શું દમસ્કસની નદીઓ અબાના અને ફાર્પાર ઇઝરાયલનાં બીજાં જળાશયો કરતાં વધારે સારી નથી? શું હું તેઓમાં સ્નાન કરીને શુદ્ધ ના થાઉં?” આમ તે ગુસ્સામાં પાછો ચાલવા લાગ્યો. 13ત્યારે નામાનના ચાકરોએ તેની પાસે આવીને તેને કહ્યું, “અમારા માલિક, જો પ્રબોધકે તને કોઈ મુશ્કેલ કામ કરવા માટે કહ્યું હોત, તો શું તે તું કરત નહિ? તો જયારે તે તને કહે છે કે, સ્નાન કરીને શુદ્ધ થા. તો વિશેષ કરીને તે કરવું જ જોઈએ?” 14પછી નામાને જઈને ઈશ્વરભક્ત એલિશાના કહ્યા પ્રમાણે યર્દન નદીમાં સાત વખત ડૂબકી મારી. એટલે તેનું માંસ નાના બાળકના માંસ જેવું થઈ ગયું, તે શુદ્ધ થઈ ગયો.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
16સ્નાન કરો અને શુદ્ધ થાઓ; મારી આંખ આગળથી તમારાં દુષ્ટ કાર્યો દૂર કરો; ભૂંડું કરવું બંધ કરો; 17સારું કરતા શીખો; ન્યાય શોધો, જુલમથી દુ:ખી થયેલાંને મદદ કરો, અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો.” 18યહોવાહ કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ” “તમારાં પાપ જો કે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કિરમજના જેવાં રાતાં હોય, તો પણ તેઓ ઊન સરખાં થશે. 19જો તમે ખુશીથી મારી આજ્ઞા પ્રમાણે કરશો, તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો; 20પણ જો તમે ઇનકાર કરશો અને બળવા કરશો, તો તમે તલવારથી માર્યા જશો,” કેમ કે આ યહોવાહના મુખનું વચન છે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
1યાકૂબ પણ પોતાના રસ્તે ચાલતો થયો અને રસ્તામાં ઈશ્વરના દૂતો તેને મળ્યા. 2જયારે યાકૂબે તેઓને જોયા ત્યારે તે બોલ્યો, “આ તો ઈશ્વરની છાવણી છે,” તેથી તેણે તે જગ્યાનું નામ ‘માહનાઇમ’ પાડ્યું. 3યાકૂબે પોતાની આગળ અદોમના દેશમાંના સેઈર પ્રદેશમાં તેના ભાઈ એસાવની પાસે સંદેશાવાહકો મોકલ્યા. 4તેણે તેઓને આજ્ઞા આપીને કહ્યું, “મારા માલિક એસાવને તમે એમ કહેજો: તારો સેવક યાકૂબ કહે છે કે: ‘આજ સુધી મામા લાબાનને ત્યાં હું રહ્યો હતો. 5મારી પાસે બળદ, ગધેડાં, ઘેટાંબકરાં, દાસ તથા દાસીઓ છે. મેં મારા માણસોને આ ખબર આપવાને મારા ઘણી પાસે મોકલ્યા છે, જેથી તું મારા પ્રત્યે ભલાઈ અને સહાનુભૂતિ દર્શાવે.” 6એસાવને મળીને પાછા આવ્યા પછી સંદેશાવાહકોએ યાકૂબને કહ્યું, “અમે તારા ભાઈ એસાવની પાસે ગયા હતા. તે તને મળવાને આવી રહ્યો છે અને તેની સાથે ચારસો માણસો છે. 7તેથી યાકૂબ ઘણો ગભરાઈને ચિંતાતુર થયો. તેણે પોતાની સાથેના લોકોના, ઘેટાંબકરાંના, ઊંટોના તથા અન્ય જાનવરોના ભાગ પાડીને બે છાવણી કરી. 8તેણે કહ્યું, “જો એસાવ એક છાવણી પાસે આવીને તેની પર હુમલો કરે, તો બાકી રહેલી છાવણી બચી જશે. 9યાકૂબે કહ્યું, “પ્રભુ, મારા પિતા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાકના ઈશ્વર, જેમણે મને કહ્યું હતું, ‘તું તારા દેશ તથા તારા સંબંધીઓની પાસે પાછો જા અને હું તને સમૃદ્ધ કરીશ,’ 10તમે કરેલા કરાર સંબંધી તમે મારા પર જે કૃપા કરી છે તેને તથા તમારી સત્યનિષ્ઠાને હું લાયક જ નથી. કેમ કે હું કેવળ મારી લાકડી લઈને યર્દન પાર ગયો હતો અને હવે મારી પાસે જાનવરોના ટોળાંની બે છાવણી છે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
5એટલામાં ફારુનની રાજકુંવરી નદીમાં સ્નાન કરવા માટે ત્યાં આવી. તેની સાથે તેની દાસીઓ પણ હતી. તેઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુંવરીની નજર બરુઓની વચ્ચે પડેલી પેલી પેટી પર પડી. તેણે પોતાની દાસીને મોકલીને તે પેટી મંગાવી લીધી. 6કુંવરીએ પેટી ઉઘાડીને જોયું, તો તેમાં એક છોકરો હતો. તે રડતો હતો. તેના હૃદયમાં બાળક પ્રત્યે લાગણી થઈ. તે સમજી ગઈ કે, આ કોઈ હિબ્રૂનો જ છોકરો છે. 7પછી તે છોકરાની બહેન ફારુનની દીકરીની પાસે આવી. તેને કહ્યું, “હું જઈને કોઈ હિબ્રૂ સ્ત્રીને બોલાવી લાવું? તે આ છોકરાને સાચવે અને તેના લાલનપાલનમાં તમારી મદદ કરે?” 8ફારુનની દીકરીએ તેને કહ્યું, “હા, જઈને બોલાવી લાવ.” એટલે તે છોકરી જઈને તે બાળકની માતાને જ બોલાવી લાવી. 9ફારુનની દીકરીએ તેને કહ્યું, “આ નાના છોકરાને લઈ જા અને મારા વતી તેને સંભાળીને સ્તનપાન કરાવજે. તે બદલ હું તને સારું વેતન આપીશ.” તેથી સ્ત્રી તેના છોકરાને લઈ ગઈ અને તેનું લાલનપાલન કર્યું. 10પછી તે છોકરો મોટો થયો. એટલે તે તેને ફારુનની કુંવરી પાસે લઈ ગઈ અને તેને સોંપ્યો. કુંવરીએ તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, એમ કહીને કુંવરીએ તેનું નામ ‘મૂસા’ એટલે પાણીમાંથી બહાર કાઢેલો રાખ્યું.”
સંધ્યા-પ્રાર્થના: વાંચન
36ગિદિયોને ઈશ્વરને કહ્યું, “જો તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના હોય, 37તો જુઓ, હું ખળીમાં ઊન મૂકીશ. જો એકલા ઊન પર ફક્ત ઝાકળ પડે અને બાકીની ભૂમિ સૂકી રહે, તો હું જાણીશ કે તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના છો.” 38બીજે દિવસે વહેલી સવારે ગિદિયોને ઊઠીને ઊન દબાવ્યું, ત્યારે તે જ પ્રમાણે થયું, ઊનને નિચોવતાં એક વાટકો ભરાય તેટલું ઝાકળનું પાણી નીકળ્યું. 39પછી ફરીથી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમારો કોપ મારા પર ન સળગાવો, હું માત્ર હજુ એકવાર બોલીશ, હવે કૃપા કરીને એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દો, હવે એકલું ઊન કોરું રહે અને બાકીની ભૂમિ પર ફક્ત ઝાકળ પડે.” 40તે રાત્રે તેણે જેવું માગ્યું તેવું ઈશ્વરે કર્યું. કેમ કે એકલું ઊન કોરું હતું અને બાકીની જમીન પર ફક્ત ઝાકળ હતું.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
30પછી એલિયાએ બધા લોકોને કહ્યું, “અહીં મારી નજીક આવો.” લોકો તેની પાસે નજીક આવ્યા; યહોવાહની વેદી જે તોડી નાખવામાં આવી હતી, તેને તેણે સમારી. 31યાકૂબ કે જેની પાસે યહોવાહનું એવું વચન આવ્યું હતું કે, “તારું નામ ઇઝરાયલ થશે.” તેના પુત્રોના કુળસમૂહોની સંખ્યા પ્રમાણે તેણે બાર પથ્થર લીધા. 32તે પથ્થરો વડે એલિયાએ યહોવાહને નામે એક વેદી બનાવી. તેણે તે વેદીની આસપાસ બે હાથ પહોળી ખાઈ ખોદી. 33પછી તેણે આગને સારુ લાકડાં પણ ગોઠવ્યાં. બળદને કાપીને ટુકડાં કર્યા અને તેને લાકડાં પર મૂક્યા. પછી તેણે કહ્યું કે, “ચાર ઘડા પાણી ભરી લાવીને દહનીયાર્પણ પર અને લાકડાં પર રેડો.” 34વળી તેણે કહ્યું, “આમ બીજી વાર પણ કરો.” અને તેઓએ તેમ બીજી વાર કર્યું. પછી તેણે કહ્યું, “આમ ત્રીજી વાર પણ કરો.” અને તેઓએ તેમ ત્રીજી વાર પણ કર્યું. 35તેથી પાણી વેદીની ચારે બાજુએ ફેલાઈ ગયું. અને પેલો ખાડો પણ પાણીથી છલકાઈ ગયો. 36સાંજે અર્પણના સમયે એલિયા પ્રબોધક નજીક આવીને બોલ્યો, “ઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર યહોવાહ, તમે જ ઇઝરાયલમાં ઈશ્વર છો. હું તમારો સેવક છું અને આ બધું મેં તમારા કહેવાથી કર્યું છે એમ આજે આ લોકોને ખબર પડવા દો. 37હે યહોવાહ, મારું સાંભળો, મારું સાંભળો. જેથી આ લોકો જાણે કે, તમે જ યહોવાહ ઈશ્વર છો અને તમે જ તેઓનાં હૃદય પાછાં પોતાના તરફ ફેરવ્યાં છે.” 38પછી એકાએક યહોવાહનાં અગ્નિએ પડીને દહનીયાર્પણ, લાકડાં, પથ્થર અને ધૂળ બાળીને ભસ્મ કરી નાખ્યાં અને તે ખાડાના પાણીને પણ સૂકવી નાખ્યાં. 39જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓએ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “યહોવાહ એ જ ઈશ્વર છે! યહોવાહ એ જ ઈશ્વર છે!”
સંધ્યા-પ્રાર્થના: વાંચન
19તે નગરના માણસોએ એલિશાને કહ્યું, “કૃપા કરીને જો, જેમ મારા માલિક જુએ છે કે આ શહેર કેવું રમણીય છે, પણ અહીંનું પાણી સારું નથી અને દેશ ફળદ્રુપ નથી.” 20એલિશાએ કહ્યું, “મને એક નવો વાટકો લાવી આપો અને તેમાં થોડું મીઠું નાખો.” એટલે તેઓ તેની પાસે લાવ્યા. 21એલિશાએ ઝરા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, “ઈશ્વર એમ કહે છે, ‘મેં આ પાણીને નીરોગી કર્યા છે. હવે પછી તેમાં કોઈ મરણ થશે નહિ કે ફળ ખરી પડશે નહિ.’ 22માટે એલિશા જે વચન બોલ્યો તે પ્રમાણે આજ સુધી તે પાણી શુદ્વ છે.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
8યહોવાહ એવું કહે છે: એક સમયે હું મારી કૃપા બતાવીશ અને તને ઉત્તર આપીશ તથા ઉદ્ધારને દિવસે હું તને સહાય કરીશ; હું તારું રક્ષણ કરીશ અને તને લોકોને માટે કરારરૂપ કરીશ, જેથી તું દેશને ફરીથી બાંધે અને નિર્જન ભૂમિનો વારસો વહેંચી આપે. 9તું બંદીવાનોને કહેશે, ‘બહાર આવો;’ જેઓ અંધકારમાં છે તેઓને કહેશે, ‘પ્રકાશમાં આવો.’ તેઓ રસ્તાઓ પર અને સર્વ ઢોળાવ પર ચરનારાં ઘેટાં જેવા મુક્ત થશે. 10તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; અને તેઓને લૂ તથા તાપ લાગશે નહિ, કેમ કે જે તેઓ ઉપર દયા કરે છે, તે તેઓને દોરી જશે; પાણીના ઝરાઓની પાસે તેઓને લઈ જશે. 11મારા સર્વ પર્વતો પર હું માર્ગો બનાવીશ અને મારા રાજમાર્ગોને સપાટ કરીશ.” 12જુઓ, તેઓ દૂરથી આવશે, થોડા ઉત્તરથી તથા પશ્ચિમથી; તથા અન્ય સીનીમ દેશમાંથી આવશે. 13હે આકાશો, ગાઓ અને હે પૃથ્વી, આનંદ કર; હે પર્વતો, તમે જયઘોષ કરવા માંડો! કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે અને તે પોતાના દુ:ખી લોકો પર દયા કરશે. 14પણ સિયોને કહ્યું, “યહોવાહે મને તજી દીધી છે અને પ્રભુ મને ભૂલી ગયા છે.” 15શું સ્ત્રી પોતાના બાળકને, અરે પોતાના સ્તનપાન કરતા બાળકને ભૂલી જાય, પોતાના પેટના દીકરા પર તે દયા ન કરે? હા, કદાચ તે ભૂલી જાય પરંતુ હું તને ભૂલીશ નહિ.
પત્ર (ઈશ્વરપ્રાગટ્યની પૂર્વસંધ્યા માટે)
19કેમ કે સર્વથી સ્વતંત્ર હોવા છતાં હું સર્વનો દાસ થયો કે જેથી ઘણાં મનુષ્યોને બચાવું. 20યહૂદીઓ માટે હું યહૂદી જેવો થયો કે જેથી યહૂદીઓને બચાવું; નિયમશાસ્ત્રને આધીન લોકો માટે હું નિયમશાસ્ત્રને આધીન મનુષ્ય જેવો થયો કે જેથી નિયમશાસ્ત્રને આધીન લોકોને બચાવું. 21નિયમશાસ્ત્રરહિત લોકો માટે નિયમશાસ્ત્રરહિત મનુષ્ય જેવો થયો; જોકે હું પોતે ઈશ્વરનાં નિયમશાસ્ત્રરહિત નહિ પણ ખ્રિસ્તનાં નિયમશાસ્ત્રને આધીન છું; 22નિર્બળોની સાથે હું નિર્બળ થયો કે જેથી નિર્બળોને બચાવું. સર્વની સાથે સર્વના જેવો થયો છું કે જેથી હું સર્વ રીતે કેટલાકને બચાવું. 23હું સુવાર્તાને લીધે બધું કરું છું, એ માટે કે હું તેનો સહભાગી થાઉં. 24શું તમે નથી જાણતા કે શરતમાં દોડનારાં સર્વ તો ઇનામને માટે દોડે છે, પણ ઇનામ એકને જ મળે છે? તમે એવું દોડો કે ઈનામ તમને મળે. 25પ્રત્યેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે; તેઓ તો વિનાશી મુગટ પામવા માટે એવું કરે છે; પણ આપણે અવિનાશી મુગટ પામવા માટે. 26એ માટે હું એવી રીતે દોડું છું, પણ શંકા રાખનારની જેમ નહિ; હું મુક્કેબાજ છું પણ હવામાં મુક્કા મારનારના જેવો નહિ. 27હું મારા શરીરને શિસ્ત તથા સંયમમાં રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે પડતો મુકાઉં.
સુવાર્તા (ઈશ્વરપ્રાગટ્યની પૂર્વસંધ્યા માટે)
1હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વર્ષે, જયારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ, તથા હેરોદ ગાલીલનો રાજ્યકર્તા તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજ્યકર્તા તથા લુસાનિયસ આબીલેનેનો રાજ્યકર્તા હતો 2આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા ત્યારે ઝખાર્યાનાં દીકરા યોહાનની પાસે ઈશ્વરનું વચન અરણ્યમાં આવ્યું. 3તે યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો. 4યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખ્યું છે તેમ કે, ‘અરણ્યમાં ઘાંટો કરનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો; 5દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડા ટેકરાવાળાં માર્ગ સપાટ કરવામાં આવશે. 6સઘળાં મનુષ્યો ઈશ્વરનો ઉદ્ધાર જોશે.’” 7તેનાથી બાપ્તિસ્મા પામવાને આવતા ઘણાં લોકોને યોહાને કહ્યું કે, ‘ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં? 8તો પસ્તાવો કરનારને શોભે તેવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે, ઇબ્રાહિમ અમારા પિતા છે,’ કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને સારુ સંતાન ઉત્પન્ન કરી શકે છે.’” 9વળી હમણાં કુહાડો વૃક્ષોની જડ પર છે, માટે દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.’” 10લોકોએ યોહાનને પૂછ્યું, ‘ત્યારે અમારે શું કરવું?’” 11તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એક પણ નથી તેને આપે; જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.’” 12દાણીઓ પણ બાપ્તિસ્મા પામવા સારુ આવ્યા, ને તેને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમારે શું કરવું?’” 13તેણે તેઓને કહ્યું કે, “જે તમારે સારુ નિયત કરાયેલો કર છે, તે કરતાં વધારે જબરદસ્તીથી ન લો.” 14સૈનિકોએ પણ તેને પૂછતાં કહ્યું કે, ‘અમારે શું કરવું?’ તેણે તેઓને કહ્યું કે, ‘જબરદસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવો નહિ. અને કોઈની ઉપર જૂઠા આરોપો ન મૂકો. તમારા પગારથી સંતોષી રહો.’” 15લોકો ખ્રિસ્તની રાહ જોતાં હતા, અને સઘળા યોહાન સંબંધી પોતાના મનમાં વિચાર કરતા હતા કે, ‘એ ખ્રિસ્ત હશે કે નહિ;’ 16ત્યારે યોહાને ઉત્તર આપતાં સર્વને કહ્યું કે, ‘હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતાં જે સામર્થ્યવાન છે તે આવે છે, તેમના ચંપલની દોરી છોડવાને પણ હું યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે. 17તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને ઘઉં તે પોતાની વખારમાં ભરશે; પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.’” 18તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.
પાણીનો મહાન આશીર્વાદ
1અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; અને વન આનંદ કરશે અને ગુલાબની જેમ ખીલશે. 2તે પુષ્કળ ખીલશે, આનંદ કરશે અને હરખાઈને ગાયન કરશે. તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાહનું ગૌરવ અને આપણા ઈશ્વરનો વૈભવ જોશે. 3ઢીલા હાથોને દૃઢ કરો અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો. 4જેઓ ભયભીત હૃદયના છે તેઓને કહો, “દૃઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર વેર લેવા આવશે, ઈશ્વર તમને યોગ્ય બદલો આપશે અને તે પોતે આવીને તમને તારશે.” 5ત્યારે અંધજનોની આંખો ઉઘાડવામાં આવશે અને બધિરોના કાન સાંભળશે. 6ત્યારે અપંગો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ ગાયન કરશે, કેમ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળાં ફૂટી નીકળશે. 7દઝાડતી રેતી તે તળાવ, અને તરસી ભૂમિ તે પાણીના ઝરણાં બની જશે; શિયાળોનાં રહેઠાણમાં, તેમના સૂવાને સ્થાને, ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે. 8ત્યાં રાજમાર્ગ થશે અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેના પર કોઈ અશુદ્ધ ચાલશે નહિ પણ જે પવિત્રતામાં ચાલે છે તેને માટે તે થશે, એ માર્ગમાં મૂર્ખ પણ ભૂલો પડશે નહિ. 9ત્યાં સિંહ હશે નહિ, કોઈ હિંસક પશુ ત્યાં આવી ચઢશે નહી; ત્યાં તેઓ જોવામાં આવશે નહિ. પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે. 10યહોવાહે જે લોકો માટે મુક્તિ મૂલ્ય ચૂકવ્યું છે તેઓ પાછા ફરશે અને હર્ષનાદ કરતા કરતા સિયોન સુધી પહોંચશે અને તેઓને માથે હંમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ અને આનંદ પ્રાપ્ત થશે, તેઓના શોક તથા નિશ્વાસ જતા રહેશે.
પાણીનો મહાન આશીર્વાદ
1હે સર્વ તૃષિત જનો, તમે પાણીની પાસે આવો! અને જેની પાસે કંઈ પણ નાણું નથી તે, તમે સર્વ આવો, ખરીદો અને ખાઓ! આવો, નાણાં વિના અને વિના મૂલ્યે દ્રાક્ષારસ અને દૂધ લઈ જાઓ. 2જે રોટલી નથી તેને સારુ ચાંદી શા માટે ખર્ચો છો? અને જેનાથી તૃપ્તિ થતી નથી તેને માટે મહેનત શા માટે કરો છો? કાન દઈને મારું સાંભળો અને સારો ખોરાક ખાઓ તથા ચરબીથી તમારા જીવને ખુશ કરો. 3કાન દો અને મારી પાસે આવો! સાંભળો એટલે તમે જીવતા રહેશો! હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ, જે કરારનું વિશ્વાસુપણું મેં દાઉદને આપ્યું હતું. 4જુઓ, મેં તેને લોકોને માટે સાક્ષી, તેઓને માટે સરદાર તથા અધિકારી ઠરાવી આપ્યો છે. 5જુઓ, જે દેશને તું જાણતો નથી તેને તું બોલાવશે; અને જે દેશ તને જાણતો નથી, તે તારા ઈશ્વર યહોવાહને લીધે તારી પાસે દોડી આવશે. તે ઇઝરાયલના પવિત્રને લીધે જેણે તને પ્રતાપી કર્યો છે. 6યહોવાહ મળે છે ત્યાં સુધીમાં તેમને શોધો; તે પાસે છે ત્યાં સુધીમાં તેને હાંક મારો. 7દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે અને પાપી માણસ પોતાના વિચારો તજી દે. તેને યહોવાહ, આપણા ઈશ્વરની પાસે પાછા ફરવા દો અને તે તેમના પર દયા કરશે અને સંપૂર્ણ ક્ષમા કરશે. 8“કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવાહ કહે છે. 9“કેમ કે જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. 10કેમ કે જેમ વરસાદ અને હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના, તેને ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનાર ને અન્ન આપ્યા વિના વચનો પાછાં ફરતાં નથી. 11તે પ્રમાણે મારું જે વચન મારા મુખમાંથી નીકળે છે: તે નિરર્થક પાછું ફરશે નહિ, પણ જે હું ચાહું છું તેને પરિપૂર્ણ કરશે અને જે માટે મેં તેને મોકલ્યું હતું તેમાં તે સફળ થશે. 12તમે આનંદસહિત નીકળી જશો અને શાંતિથી તમને દોરી જવામાં આવશે; તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે અને ખેતરોનાં સર્વ વૃક્ષો તાળી પાડશે. 13કાંટાનાં ઝાડને સ્થાને લીલોતરી થશે અને જંગલનાં ગુલાબને સ્થાને મેંદી ઊગશે, અને તે યહોવાહને માટે, તેમના નામને માટે, અનંતકાળના ચિહ્ન તરીકે તેને કાપી નાખવામાં આવશે નહિ.”
પાણીનો મહાન આશીર્વાદ
3તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો. 4તે દિવસે તમે કહેશો, “યહોવાહનો આભાર માનો અને તેમનું નામ લઈને હાંક મારો; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો. 5યહોવાહનાં ગીત ગાઓ, કેમ કે તેમણે મહિમાવાન કૃત્યો કર્યાં છે; આ વાત આખી પૃથ્વીમાં જાહેર થાઓ. 6હે સિયોનના રહેવાસીઓ, જોરથી પોકારો અને આનંદનો પોકાર કરો, કેમ કે ઇઝરાયલના પવિત્ર તમારામાં મહાન મનાય છે.”
પાણીનો મહાન આશીર્વાદ (પત્ર)
1મારા ભાઈઓ, હું ઇચ્છતો નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળાં ની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા; 2તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા; 3સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું, 4તેઓ સર્વએ એક જ આત્મિક પાણી પીધું; કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું; તે ખડક તો ખ્રિસ્ત હતા.
પાણીનો મહાન આશીર્વાદ (સુવાર્તા)
9તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા; 10પછી તરત પાણીમાંથી બહાર આવતાં તેમણે સ્વર્ગો ખુલ્લાં થયેલા તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતા જોયા, 11અને સ્વર્ગોમાંથી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’”
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 5 જાન્યુઆરી એટલે નાગરિક પંચાંગનો 18 જાન્યુઆરી. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો