Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જાન્યુઆરી 2027 › 14 જાન્યુઆરી

ઓર્થોડોક્સ પંચાંગ · 1 જાન્યુઆરી (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 14 જાન્યુઆરી 2027

ગુરુવાર · પચાસમાના પર્વ પછીનું 33મું અઠવાડિયું · સ્વર 7

પર્વો અને સંતો

Circumcision of our Lord

નાતાલના દિવસો (સ્વ્યાત્કી)

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન

ઉત્પ 17:1–2, 4–12, 14

1ઇબ્રામ નવાણું વર્ષનો થયો ત્યારે ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું, તું મારી આગળ ચાલ અને પ્રામાણિક થા. 2પછી હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ અને તારા વંશને ઘણો જ વધારીશ. 4“જો, તારી સાથે મારો આ કરાર છે. તું ઘણી દેશજાતિઓનો પિતા થશે. 5હવે તારું નામ ઇબ્રામ નહિ રહે, પણ તારું નામ ઇબ્રાહિમ થશે - કેમ કે ઘણી દેશજાતિઓના પિતા તરીકે મેં તારી પસંદગી કરી છે. 6હું તને અતિશય સફળ કરીશ અને તારા વંશમાં ઘણી પ્રજા અને દેશજાતીઓ ઉત્પન્ન થશે. તેમાંથી રાજાઓ પણ થશે. 7તારો તથા તારા પછીના તારા વંશજોનો ઈશ્વર થવા સારુ, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી તથા તારી વચ્ચે અને પેઢી દર પેઢી તારાં વંશજોની વચ્ચે કરીશ. 8જે દેશમાં તું રહે છે, તે આખો કનાન દેશ, હું તને અને તારા પછીના તારા વંશજોને કાયમી વતન તરીકે આપીશ. અને હું તેઓનો ઈશ્વર થઈશ.” 9ઈશ્વરે તેને કહ્યું, “તારે તથા તારા પછીના તારા વંશજોએ પેઢી દરપેઢી મારા એ કરારનું પાલન કરવાનું રહેશે. 10મારી તથા તારી વચ્ચે અને તારા પછી તારા વંશજો વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે એ જ કે તમારામાંના દરેક પુરુષે પોતાની સુન્નત કરવી. 11તમારે તમારી ચામડીની સુન્નત કરાવવી અને એ મારી અને તમારી વચ્ચેના કરારની નિશાની થશે. 12તમારામાંના દરેક છોકરાંની તેના જન્મ પછી આઠમે દિવસે સુન્નત કરવી. એટલે તમારી સમગ્ર પેઢીમાંથી, જે દરેક નર બાળક તમારા ઘરમાં જન્મ્યો હોય તેની અને વિદેશી પાસેથી નાણાં આપી વેચાતો લીધો હોય પછી ભલે તે તમારા વંશનો ન હોય, તેની પણ સુન્નત કરવી. 14દરેક પુરુષ જેના શરીરમાં સુન્નત કરવામાં આવી નહિ હોય તેને પોતાના લોકોમાંથી અલગ કરાશે. તેણે મારો કરાર તોડ્યો છે.”

સંધ્યા-પ્રાર્થના: વાંચન

નીતિ 8:22–30

22યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, આદિકૃત્યો અગાઉ મારું સર્જન કર્યુ. 23સદાકાળથી, આરંભથી, પૃથ્વીનું સર્જન થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું. 24જ્યારે કોઈ જળનિધિઓ ન હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરણાંઓ ન હતાં ત્યારે મારો જન્મ થયો હતો. 25પર્વતોના પાયા નંખાયા તે અગાઉ, ડુંગરો સર્જાયા તે પૂર્વે મારો જન્મ થયો હતો. 26ત્યાં સુધી યહોવાહે પૃથ્વી અને ખેતરો પણ સૃજ્યાં નહોતાં. અરે! ધૂળ પણ સૃજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું. 27જ્યારે તેમણે આકાશની સ્થાપના કરી, અને સાગર ઉપર ક્ષિતિજની ગોઠવણી કરી ત્યારે મારું અસ્તિત્વ હતું. 28જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને જળનીધિના ઝરણાં વહાવ્યાં. 29જ્યારે તેમણે સાગરની હદ નિયુક્ત કરી અને તેની મર્યાદાનું ઉલ્લંઘન કરવાની તેમણે મના ફરમાવી. અને જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા. 30ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતું; અને હું દિનપ્રતિદિન તેમને આનંદ આપતું હતું; અને સદા હું તેમની સમક્ષ હર્ષ કરતું હતું.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

નીતિ 10:31–11:12

31સદાચારીઓનું મુખ ડહાપણ પ્રગટ કરે છે, પરંતુ હઠીલી જીભનો નાશ કરવામાં આવશે. 32સંતોષકારક અને ઉચિત શું છે તે સદાચારીના હોઠ જાણે છે. પણ દુષ્ટ પોતાને મુખે અવળું બોલે છે. 11:1ખોટાં ત્રાજવાં યહોવાહને કંટાળારૂપ છે, પણ સાચા વજનથી તેમને આનંદ થાય છે. 2અહંકાર આવે છે ત્યારે અપમાન પણ આવે છે, પણ નમ્ર જનો પાસે ડહાપણ હોય છે. 3પ્રામાણિક માણસની વિશ્વાનીયતા તેને દોરે છે, પણ ધુતારા પોતાના દુષ્ટ ઇરાદાઓથી નાશ પામશે. 4કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી, પણ નેકી મોતથી ઉગારે છે. 5પ્રામાણિક માણસની નેકી તેનો માર્ગ સ્થિર કરે છે, પણ દુષ્ટ માણસ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે. 6પ્રામાણિક માણસની નેકી, ઈશ્વરને પસંદ છે તેથી તે બચી જશે, પરંતુ કપટ કરનારા તેઓની પોતાની યોજનાઓમાં ફસાય છે. 7દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુ સમયે નાશ પામે છે, અને અન્યાયીની આશા પણ નાશ પામે છે. 8સદાચારીને સંકટમાંથી ઉગારી લેવામાં આવે છે અને તેને બદલે દુષ્ટો તેમાં ફસાય છે. 9દુષ્ટ માણસ પોતાની વાણીથી પોતાના પડોશીઓનો નાશ કરે છે, પરંતુ ન્યાયી તેના ડહાપણ વડે બીજાઓને ઉગારે છે. 10ન્યાયી વ્યક્તિની સફળતામાં આખું નગર હર્ષ કરે છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે. 11સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે. 12પોતાના પડોશીનો તુચ્છકાર કરનાર અજ્ઞાની છે, પણ બુદ્ધિમાન માણસ શાંત રહે છે.

પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા

યોહ 10:9–16

9પ્રવેશદ્વાર હું છું, મારા દ્વારા જે કોઈ પ્રવેશે, તે ઉદ્ધાર પામશે, તે અંદર આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે. 10ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજાકોઈ મતલબથી ચોર આવતો નથી. પણ હું તો તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું. 11ઉત્તમ ઘેટાંપાળક હું છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારુ પોતાનો જીવ આપે છે. 12જે નોકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો માલિક નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે; પછી વરુ તેઓને પકડીને વિખેરી નાખે છે. 13તે નાસી જાય છે, કેમ કે તે નોકર છે અને ઘેટાંની તેને કંઈ ચિંતા નથી. 14ઉત્તમ ઘેટાંપાળક હું છું અને પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારા પોતાનાં ઘેટાં મને ઓળખે છે. 15જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને સારુ હું મારો જીવ આપું છું. 16મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.

પત્ર (પ્રભુની સુન્નત માટે)

કલો 2:8–12

8સાવધાન રહો, કે, છેતરનાર ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના રીતિરિવાજ પ્રમાણે અને જગતના સિદ્ધાંતો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે નહીં. 9કેમ કે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે. 10તમે તેમનાંમાં સંપૂર્ણ થયા છો; તેઓ સર્વ શાસન તથા અધિકારનાં ઉપરી છે; 11જે સુન્નત હાથે કરેલી નથી તેથી તમે તેમનાંમાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્ત દ્વારા કરવામાં આવેલી સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સાથે ઉતારી મૂક્યો. 12તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દફનાવાયા, અને તેમાં પણ ઈશ્વર જેમણે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડ્યાં.

પત્ર (સંત બેસિલ માટે)

હિબ 7:26–8:2

26તેમના જેવા પ્રમુખ યાજકની આપણને જરૂર હતી, તે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી તદ્દન અલગ છે, અને તેમને આકાશ કરતાં વધારે ઉચ્ચસ્થાને બિરાજવામાં આવેલા છે. 27પ્રથમ પ્રમુખ યાજકોની માફક તે પોતાના પાપોને સારુ, પછી લોકોના પાપોને સારુ નિત્ય બલિદાન આપવાની તેમને અગત્ય નથી; કેમ કે તેમણે, પોતાનું અર્પણ કરીને એક જ વખતમાં એ કાર્ય પૂર્ણ કર્યું છે. 28કેમ કે નિયમશાસ્ત્ર નબળા માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે; પણ નિયમશાસ્ત્ર પછી જે સમનું વચન છે તે તો સદાને માટે સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે. 8:1હવે જે વાતો અમે કહીએ છીએ, તેનો સારાંશ એ છે, કે આપણને એવા પ્રમુખ યાજક મળ્યા છે, કે જે સ્વર્ગમાં ઈશ્વરના મહત્વના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે. 2પવિત્રસ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહિ, પણ પ્રભુએ બાંધેલો છે, તેના તે સેવક છે.

સુવાર્તા (પ્રભુની સુન્નત માટે)

લૂક 2:20–21, 40–52

20ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેથી તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પોતાનાં ઘેટાં પાસે પાછા ગયા. 21આઠ દિવસ પૂરા થયા પછી બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો, તેમનું નામ ઈસુ પાડવામાં આવ્યું, જે નામ, જન્મ પહેલાં સ્વર્ગદૂતે આપ્યું હતું. 40ત્યાં તે છોકરો મોટો થયો, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો, અને ઈશ્વરની કૃપા તેના પર હતી. 41તેનાં માતાપિતા વરસોવરસ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતા હતાં. 42જયારે ઈસુ બાર વરસના થયા, ત્યારે તેઓ રિવાજ પ્રમાણે પર્વમાં ત્યાં ગયા. 43પર્વના દિવસો પૂરા કરીને તેઓ પાછા જવા લાગ્યાં, ત્યારે ઈસુ યરુશાલેમમાં રોકાઈ ગયા, અને તેમના માતાપિતાને તેની ખબર પડી નહિ. 44પણ તે સમૂહમાં હશે, એમ ધારીને તેઓએ એક દિવસ સુધી મુસાફરી કરી અને પછી પોતાનાં સગામાં તથા ઓળખીતામાં ઈસુને શોધ્યા. 45ઈસુ તેઓને મળ્યા નહિ, ત્યારે તેઓ તેમને શોધતાં શોધતાં યરુશાલેમમાં પાછા ગયા. 46ત્રણ દિવસ પછી તેઓએ તેમને ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતાં તથા તેઓને સવાલો પૂછતાં જોયા. 47જેઓએ તેમનું સાંભળ્યું તેઓ બધા તેમની બુદ્ધિથી તથા તેમના ઉત્તરોથી વિસ્મિત થયા. 48તેમને જોઈને તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા; અને તેમની માએ તેમને કહ્યું કે, ‘દીકરા, અમારી સાથે તું આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા પિતાએ તથા મેં દુઃખી થઈને તારી કેટલી શોધ કરી!’ 49ઈસુએ તેઓને કહ્યું કે ‘તમે મારી શોધ શા માટે કરી? શું તમે જાણતા નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?’” 50જે વાત ઈસુએ તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ. 51ઈસુ તેઓની સાથે ગયા, અને નાસરેથમાં આવ્યા, માતાપિતાને આધીન રહ્યા અને તેમની માએ એ સઘળી વાતો પોતાના મનમાં રાખી. 52ઈસુ જ્ઞાનમાં તથા કદમાં, ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા.

સુવાર્તા (સંત બેસિલ માટે)

લૂક 6:17–23

17પછી ઈસુ શિષ્યોની સાથે પહાડ પરથી ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો સમુદાય તથા આખા યહૂદિયામાંથી, યરુશાલેમમાંથી, તેમ જ તૂર તથા સિદોનના દરિયાકિનારાંનાં લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે, જેઓ તેમના વચનો સાંભળવા તથા પોતાના રોગથી સાજાં થવા આવ્યા હતા; 18જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજાં કરવામાં આવ્યા. 19સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનાંમાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું. 20ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું કે, ‘ઓ નિર્ધનો, તમે આશીર્વાદિત છો કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે. 21અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે તૃપ્ત થશો. અત્યારે રડનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે હસશો. 22જયારે માણસના દીકરાને લીધે લોકો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, તમારું અપમાન કરશે, તમારા નામને કલંકિત માનીને તમને કાઢી મૂકશે, ત્યારે તમે આશીર્વાદિત છો. 23તે દિવસે તમે આનંદ કરો અને ખુશીથી કૂદો કેમ કે જુઓ, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે; કેમ કે તેઓના પૂર્વજોએ પ્રબોધકોની પ્રત્યે એવું જ વર્તન કર્યુ હતું.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 1 જાન્યુઆરી એટલે નાગરિક પંચાંગનો 14 જાન્યુઆરી. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો