Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › નવેમ્બર 2026 › 29 નવેમ્બર

ઓર્થોડોક્સ પંચાંગ · 16 નવેમ્બર (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 29 નવેમ્બર 2026

રવિવાર · સ્વર 1

પર્વો અને સંતો

પચાસમાના પર્વ પછીનો 26મો રવિવાર

નાતાલનો ઉપવાસ

માછલીની છૂટ

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 પિત 1:1–2:6

1ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર લખે છે કે, વેરવિખેર થઈને પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં પરદેશી તરીકે ઈશ્વરથી પસંદ કરેલાઓ; 2જેઓને ઈશ્વરપિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માનાં પવિત્રીકરણથી આજ્ઞાકારી થવા અને ઈસુ ખ્રિસ્તનાં રક્તથી છંટકાવ પામવા સારુ પસંદ કરેલા છે, તેવા તમ સર્વ પર પુષ્કળ કૃપા તથા શાંતિ હો. 3આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ, 4અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વારસાને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલો છે. 5છેલ્લાં સમયમાં જે ઉદ્ધાર પ્રગટ થવાની તૈયારીમાં છે, તેને માટે ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળવામાં આવે છે. 6એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડા સમય માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો. 7એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય. 8તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો, જોકે અત્યારે તમે તેમને જોતાં નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો અને તમે તેમનાંમાં અવર્ણનીય તથા મહિમા ભરેલા આનંદથી હરખાઓ છો. 9તમે પોતાના વિશ્વાસનું ફળ, એટલે આત્માઓનો ઉદ્ધાર પામો છો. 10જે પ્રબોધકોએ તમારા પરની કૃપા વિષે ભવિષ્યકથન કર્યું તેઓએ તે ઉદ્ધાર વિષે તપાસીને ખંતથી શોધ કરી. 11ખ્રિસ્તનો આત્મા જે તેઓમાં હતો તેણે ખ્રિસ્તનાં દુઃખ તથા તે પછીના મહિમા વિષે સાક્ષી આપી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો તેનું સંશોધન તેઓ કરતા હતા. 12જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી. સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે વાતોને જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે. 13એ માટે તમે પોતાના મનને નિયંત્રણમાં રાખો અને જે કૃપા ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ તમારા પર થશે તેની સંપૂર્ણ આશા રાખો. 14તમે આજ્ઞાકારી સંતાનો જેવા થાઓ, અને પોતાની અગાઉની અજ્ઞાન અવસ્થાની દુષ્ટ ઇચ્છાઓ પ્રમાણે ન ચાલો. 15પણ જેમણે તમને તેડ્યાં છે, તે જેવા પવિત્ર છે તેમના જેવા તમે પણ સર્વ વ્યવહારમાં પવિત્ર થાઓ. 16કેમ કે એમ લખ્યું છે કે, “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.” 17અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો. 18કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યા આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ, 19પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લેવાયેલા છો. 20તેઓ તો સૃષ્ટિના પ્રારંભ પૂર્વે નિયુક્ત કરાયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્લાં સમયમાં પ્રગટ થયા. 21તેમને મારફતે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, જેમણે તેમને મરણમાંથી ઉઠાડયા અને મહિમા આપ્યો, એ માટે કે તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર રહે. 22તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો. 23કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે. 24કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે, 25પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે. 2:1એ માટે તમામ દુષ્ટતા, કપટ, ઢોંગ, દ્વેષ તથા સર્વ પ્રકારની નિંદા દૂર કરીને, 2નવાં જન્મેલાં બાળકોની જેમ શુદ્ધ આત્મિક દૂધની ઇચ્છા રાખો, 3જેથી જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો તે વડે તમે ઉદ્ધાર પામતાં સુધી વધતાં રહો. 4જે જીવંત પથ્થર છે, મનુષ્યોથી નકારાયેલા ખરા, પણ ઈશ્વરથી પસંદ કરાયેલા તથા મૂલ્યવાન છે. 5તેમની પાસે આવીને તમે પણ આત્મિક ઘરના જીવંત પથ્થર બન્યા અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્તને ધ્વારા ઈશ્વરને પ્રસન્ન છે તેમનું અર્પણ કરવા પવિત્ર યાજકો થયા છો. 6કારણ કે શાસ્ત્રવચનમાં લખેલું છે કે, ‘જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન, એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું અને જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહિ.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 પિત 2:21–3:9

21કારણ કે એને માટે તમે તેડાયેલા છો, કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું છે અને તમને નમૂનો આપ્યો છે, કે તમે તેમને પગલે ચાલો. 22તેમણે કંઈ પાપ કર્યું નહિ, ને તેમના મુખમાં કપટ માલૂમ પડ્યું નહિ. 23તેમણે નિંદા પામીને સામે નિંદા કરી નહિ, દુઃખો સહેતાં કોઈને ધમકાવ્યાં નહિ, પણ સાચો ન્યાય કરનારને પોતાને સોંપ્યો. 24લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે સાજાં થયા. 25કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા, પણ હમણાં તમારા આત્માનાં પાળક તથા રક્ષક ખ્રિસ્તની પાસે પાછા આવ્યા છો. 3:1તે જ પ્રમાણે, પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, એ માટે કે જો કોઈ પતિ વચન માનનાર ન હોય તો તે પોતાની પત્નીના આચરણથી, 2એટલે તમારાં ઈશ્વર પ્રત્યે મર્યાદાયુક્ત શુદ્ધ વર્તન દ્વારા વચન વગર મેળવી લેવાય. 3તમારો શણગાર બાહ્ય, એટલે ગૂંથેલા વાળનો, સોનાનાં ઘરેણાંનો અથવા સારાં વસ્ત્ર પહેરવાનો ન હોય; 4પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે નમ્ર તથા શાંત આત્માનો, જે ઈશ્વરની નજરમાં ઘણો મૂલ્યવાન છે, તેના અવિનાશી આભૂષણોનો હોય. 5કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર ભરોસો રાખતી હતી, તેઓ પોતપોતાનાં પતિને આધીન રહીને, તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી. 6જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી તેમ; જો તમે સારું કરો છો અને ભયભીત ન બનો, તો તમે તેની દીકરીઓ છો. 7તે જ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળી વ્યક્તિ છે તેમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, તમે તેની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ સમજીને, તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓમાં કંઈ અવરોધ આવે નહિ. 8આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ. 9દુષ્ટતાનો બદલો વાળવા દુષ્ટતા ન કરો અને નિંદાનો બદલો વાળવા નિંદા ન કરો, પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તેને સારુ તમને તેડવામાં આવ્યા છે કે જેથી તમે આશીર્વાદના વારસ થાઓ.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 પિત 4:1–11

1હવે ખ્રિસ્તે આપણે માટે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ; કેમ કે જેણે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે, 2કે જેથી તે બાકીનું જીવન માણસોની વિષયવાસનાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિતાવે. 3કેમ કે જેમ વિદેશીઓ જેમાં આનંદ માને છે તે પ્રમાણે કરવામાં તમે તમારા જીવનનો ઘણો સમય વિતાવ્યો છે, તે બસ તે છે. તે સમયે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં, તથા તિરસ્કૃત મૂર્તિપૂજામાં મગ્ન હતા. 4એ બાબતોમાં તમે તેઓની સાથે જે દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામે છે અને તમારી નિંદા કરે છે. 5જીવતાંઓનો તથા મૃત્યુ પામેલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે; 6કેમ કે મૃત્યુ પામેલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરાઈ હતી કે જેથી શરીરમાં તેઓનો ન્યાય થાય, પણ આત્મા વિષે તેઓ ઈશ્વરમાં જીવે. 7બધી બાબતોનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ અને સાવચેત રહો જેથી તમે પ્રાર્થના કરી શકો. 8વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે. 9કઈ પણ ફરિયાદ વગર તમે એકબીજાનો સત્કાર કરો. 10દરેકને જે કૃપાદાન મળ્યું છે તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું. 11જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન.

પ્રભાત-પ્રાર્થનાની ચોથી સુવાર્તા

લૂક 24:1–12

1અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી. 2તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. 3તેઓએ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ. 4એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા. 5તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, ‘મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો? 6તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું? 7પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.’” 8તેમને ઈસુની વાતો યાદ આવી. 9કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી. 10હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ મગ્દલાની, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી. 11એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેઓનો વિશ્વાસ કર્યો નહિ. 12પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘરે ગયો.

પત્ર (સંત માથ્થી માટે)

1 કરિં 4:9–16

9માટે હું વિચારું છું કે, ઈશ્વરે અમો પ્રેરિતોને જાણે કે છેલ્લાં મરણદંડ પામનારા હોય એવા બતાવ્યા છે; કેમ કે અમે વિશ્વની, સ્વર્ગદૂતોની તથા માણસોની આગળ તમાશા જેવા ખુલ્લાં થયા છીએ. 10ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે નિર્બળ પણ તમે બળવાન; અને તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા થયા છીએ. 11અત્યાર સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા વસ્ત્રો વિનાના છીએ, સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ. 12અમે હાથે કામ અને મહેનત કરીએ છીએ; નિંદા પામવા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ; સતાવણી સહન કરીએ છીએ; 13તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરીએ છીએ; અમે હજી સુધી માનવજગતથી ધિક્કાર પામેલા તથા કચરા જેવા છીએ. 14હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી; પણ તમને મારાં પ્રિય બાળકો સમજીને શિક્ષણ આપું છું. 15જોકે તમને ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણાં પિતા નથી; કેમ કે ખ્રિસ્ત ઈસુમાં, સુવાર્તાદ્વારા હું તમારો પિતા થયો છું. 16તેથી હું તમને વિનંતી કરું છું કે, તમે મારા અનુયાયીઓ થાઓ.

પત્ર

એફે 5:8–19

8કેમ કે તમે પહેલાં અંધકારમાં હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો; પ્રકાશનાં સંતોને ઘટે એ રીતે ચાલો. 9કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારના સદાચારમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે. 10પ્રભુને શું પસંદ પડે છે, તે પારખી લો. 11અંધકારનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ; પણ તેઓને વખોડો. 12કેમ કે તેઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે. 13જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે પ્રગટ કરાયેલું છે, તે પ્રકાશરૂપ છે. 14માટે કહેલું છે કે, ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, અને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે. 15તો સાંભળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો; 16સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે. 17તેથી તમે અણસમજુ ન થાઓ, પણ ઈશ્વરની ઇચ્છા શી છે તે સમજો. 18દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ; 19ગીતોથી, સ્ત્રોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે પ્રભુની વાતો કરીને તમારાં હૃદયમાં પ્રભુનાં ભજનો તથા ગીતો ગાઓ;

સુવાર્તા (સંત માથ્થી માટે)

માથ 9:9–13

9ઈસુએ ત્યાંથી જતા માથ્થી નામના એક માણસને જકાત લેવાની ચોકી પર બેઠેલો જોયો; તેમણે તેને કહ્યું કે, ‘તું મારી પાછળ આવ.’ ત્યારે તે ઊઠીને તેમની પાછળ ગયો. 10ત્યાર પછી એમ થયું કે, ઈસુ માથ્થીના ઘરે જમવા બેઠા ત્યારે જુઓ, ઘણાં જકાત લેનારાઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા. 11ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે કેમ ખાય છે?” 12ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું કે, “જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે. 13પણ, ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.”

સુવાર્તા

લૂક 10:25–37

25જુઓ, એક નિયમશાસ્ત્રીએ ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું કે, ‘ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?’” 26ઈસુએ તેને કહ્યું કે, ‘નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તું શું વાંચે છે?’” 27તેણે ઉત્તર આપતા કહ્યું કે, ‘તમારા ઈશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી તથા પૂરા મનથી પ્રેમ રાખવો અને જેવા પોતાના પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો.’” 28ઈસુએ તેને કહ્યું કે, ‘તેં સાચો ઉત્તર આપ્યો છે; એમ કર અને તું જીવીશ.’” 29પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાં ચાહીને ઈસુને કહ્યું, ‘તો મારો પડોશી કોણ છે?’” 30ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, તેઓ તેનાં વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા. 31સંજોગોવસાત એક યાજક તે રસ્તે થઈને જતો હતો. તે તેને જોઈને બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો. 32એમ જ એક લેવી પણ તે જગ્યાએ આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો. 33પણ એક સમરૂની તે રસ્તે મુસાફરીએ જતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને એને જોઈને તેને અનુકંપા આવી. 34તે તેની પાસે ગયો, અને તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને તેને સરાઈમાં લઈ ગયો, અને તેની સારવાર કરી. 35બીજે દિવસે તેણે બે દીનાર ઉતારાવાળાને આપ્યા, અને તેને કહ્યું કે, તેની સારવાર કરજે, એ કરતાં જે કંઈ વધારે ખર્ચ તને લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને ભરપાઈ કરીશ.’” 36‘હવે તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંથી કોણ કહેવાય?’” 37તેણે કહ્યું કે, ‘જેણે તેના પર દયા કરી તે.’ અને ઈસુએ તેને કહ્યું કે, ‘તું જઈને એ પ્રમાણે કર.’”

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 16 નવેમ્બર એટલે નાગરિક પંચાંગનો 29 નવેમ્બર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો