Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › નવેમ્બર 2026 › 8 નવેમ્બર

ઓર્થોડોક્સ પંચાંગ · 26 ઑક્ટોબર (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 8 નવેમ્બર 2026

રવિવાર · સ્વર 6

પર્વો અને સંતો

પચાસમાના પર્વ પછીનો 23મો રવિવાર

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન

યશા 63:15–64:5, 8–9

15આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ. તમારો ઉત્સાહ અને તમારાં મહાન કાર્યો ક્યાં છે? તમારી લાગણી અને તમારા દયાળુ કાર્યો અમારાથી દૂર રાખવામાં આવ્યાં છે. 16કેમ કે તમે અમારા પિતા છો, જો કે ઇબ્રાહિમ અમને જાણતા નથી અને ઇઝરાયલ અમને કબૂલ કરતા નથી, તમે, હે યહોવાહ, તમે અમારા પિતા છો. પ્રાચીન કાળથી “અમારો ઉદ્ધાર કરનાર” એ જ તમારું નામ છે. 17હે યહોવાહ, તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો અને અમારાં હૃદયો કઠણ કરો છો, જેથી અમે તમારી આજ્ઞા પાળીએ નહિ? તમારા સેવકોની ખાતર, તમારા વારસાનાં કુળોને માટે પાછા આવો. 18થોડો જ વખત તમારા લોકોએ પવિત્રસ્થાનનું વતન ભોગવ્યું છે, પણ પછી અમારા શત્રુઓએ તેને કચડ્યું છે. 19જેઓના પર તમે ક્યારેય રાજ કર્યું નથી, જેઓ તમારા નામથી ઓળખાતા નથી તેઓના જેવા અમે થયા છીએ. 64:1જો તમે આકાશોને ફાડીને નીચે ઊતરો! જો પર્વતો તમારી હાજરીમાં કંપે, તો કેવું સારું, 2જેમ અગ્નિ ઝાડીને સળગાવે છે, જેમ અગ્નિ પાણીને ઉકાળે છે. તેમ તમારું નામ તમારા શત્રુઓ જાણી જશે, જેથી પ્રજાઓ તમારી હાજરીમાં ધ્રૂજી ઊઠશે! 3અગાઉ, અમારી કલ્પનામાં ન આવે એવાં અદ્દભુત કામો તમે કરતા હતા, તમે નીચે ઊતર્યા અને પર્વતો તમારી હાજરીથી કંપી ઊઠયા. 4આદિકાળથી કોઈએ સાંભળ્યું નથી કે માનવામાં આવ્યું નથી, કે કોઈ આંખે તમારા સિવાય બીજા કોઈ ઈશ્વરને જોયો નથી, કે જે તેમની રાહ જોનારને માટે એવું કરે. 5જેઓ આનંદથી જે યોગ્ય છે તે કરે છે, જેઓ તમારા માર્ગોને ધ્યાનમાં રાખીને તેને પાળે છે, તેઓને સહાય કરવાને તમે આવો. તમે કોપાયમાન થયા હતા કેમ કે અમે પાપ કર્યું. તમારા માર્ગોમાં અમારો હંમેશા ઉદ્ધાર થશે. 8અને છતાં, હે યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ. 9હે યહોવાહ, તમે અતિશય કોપાયમાન ન થાઓ, કે સર્વકાળ અમારાં પાપનું સ્મરણ ન કરો. અમે વિનંતી કરીએ છીએ, અમને જુઓ, અમે સર્વ તમારા લોકો છીએ.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

યર્મિ 2:2–12

2“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે કે, ‘યહોવાહ આ પ્રમાણે કહે છે કે; અરણ્યમાં, ઉજ્જડ પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે વખતે યુવાવસ્થામાં જે તારો પ્રેમ તથા વિવાહસંબંધ થતી વખતની તારી પ્રીતિ તે હું તારા લાભમાં યાદ કરું છું 3ઇઝરાયલ યહોવાહને માટે પવિત્ર છે. અને તેમના પાકની પહેલી ફસલ છે. જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ દોષિત ઠરશે! તેઓ પર આફત આવશે એમ યહોવાહ કહે છે. 4હે યાકૂબનાં કુટુંબો તથા ઇઝરાયલના સર્વ કુળસમૂહો, યહોવાહનું વચન સાંભળો; 5યહોવાહ કહે છે; તમારા પિતૃઓને મારામાં કયો દોષ માલૂમ પડ્યો છે કે તેઓ મને તજીને દૂર ચાલ્યા ગયા? તેઓ વિસાત વગરની મૂર્તિઓની પાછળ ગયા છે અને પોતે પણ વ્યર્થ થયા છે? 6તેઓએ પૂછ્યું નહી કે, “યહોવાહ ક્યાં છે, જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા? જે અમને અરણ્યમાં, ઉજ્જડ તથા ખાડાટેકરાવાળી ભૂમિમાં, નિર્જળ તથા અંધકારની ભૂમિમાં, જ્યાં કોઈ માણસ ક્યારેય જતું નહોતું કે જ્યાં કોઈ માણસે ક્યારેય વસવાટ કર્યો નથી તેમાં થઈને ચલાવ્યાં તે યહોવાહ ક્યાં છે?” 7હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઊપજ ખાવા માટે લાવ્યો! પણ તમે તેમાં પ્રવેશ કરી અને મારી ભૂમિને અશુદ્ધ કરી તથા મારા વારસાને તિરસ્કારપાત્ર બનાવી દીધો! 8યાજકોએ કદી પૂછ્યું નથી કે, “યહોવાહ ક્યાં છે?” શાસ્ત્રના જાણકારોએ મને ઓળખ્યો નથી. અને અધિકારીઓએ મારી સામે બળવો કર્યો છે. પ્રબોધકોએ બઆલને નામે પ્રબોધ કર્યો. અને જે હિતકારક નથી તેની પાછળ તેઓ ગયા. 9આથી હું તમારી સાથે વિવાદ કરીશ એમ યહોવાહ કહે છે. અને હું તમારા દીકરાઓના દીકરાઓ સાથે વિવાદ કરીશ. 10પેલી પાર કિત્તીમના દ્રિપોમાં જઈને જુઓ અને કેદારમાં મોકલીને ખંતથી શોધો અને જુઓ કે આવું કદી બન્યું છે ખરું? 11શું કોઈ પ્રજાએ પોતાના દેવોને બદલ્યા છે? જો કે તેઓના દેવો તો દેવો જ નથી પણ જેનાથી હિત થતું નથી તેને સારુ, મારા લોકોએ તો પોતાનું ગૌરવ બદલ્યું છે. 12ઓ આકાશો, આ બાબતને લીધે તમે વિસ્મય પામો અને ધ્રૂજો એવું યહોવાહ કહે છે.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

આ અનુવાદમાં નથી

પ્રભાત-પ્રાર્થનાની પહેલી સુવાર્તા

માથ 28:16–20

16પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા. 17તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો. 18ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, “સ્વર્ગ તથા પૃથ્વી પરનો સર્વ અધિકાર મને અપાયો છે. 19એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. 20મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”

પત્ર

એફે 2:4–10

4પણ જે દયાથી ભરપૂર છે તે ઈશ્વરે, જે પ્રીતિ આપણા પર કરી, તે પોતાના અત્યંત પ્રેમને લીધે, 5આપણે પાપમાં મરણ પામેલા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા, કૃપાથી તમે ઉદ્ધાર પામેલા છો; 6અને તેમની સાથે ઉઠાડીને ખ્રિસ્ત ઈસુની મારફતે સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે આપણને બેસાડ્યા; 7એ સારુ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પર તેમની દયાથી તે આગામી કાળોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત બતાવે. 8કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા ઉદ્ધાર પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે; 9કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે; 10કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.

પત્ર (ધરતીકંપ વખતે)

હિબ 12:6–13, 25–27

6કેમ કે જેનાં પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે, જે પુત્રનો તે અંગીકાર કરે છે, તે દરેકને તે કોરડા મારે છે.’” 7જે શિક્ષા તમે સહન કરો છો, તે શિક્ષાણને માટે છે જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે, કેમ કે એવું કયું બાળક છે જેને પિતા શિક્ષા કરતા નથી? 8પણ જે શિક્ષાના ભાગીદાર સઘળાં થયા છે, તે શિક્ષા તમને ન થાય, તો તમે દાસીપુત્રો છો, ખરા પુત્રો તો નહિ. 9વળી પૃથ્વી પરના આપણા પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન રહીને જીવીએ નહિ? 10કેમ કે તેઓએ તો થોડાક દિવસો સુધી પોતાને જે વાજબી લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ તેમણે તો આપણા હિતને માટે શિક્ષા કરી કે આપણે તેમની પવિત્રતાના સહભાગી થઈએ. 11કોઈ પણ શિક્ષા તે સમયે આનંદકારક નહિ, પણ ખેદકારક લાગે છે; પણ પછી તો તેથી કસાયેલાઓને તે ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે. 12એ માટે ઢીલા પડેલા હાથોને તથા અશક્ત થએલાં ઘૂંટણોને તમે ફરી મજબૂત કરો; 13પોતાના પગોને સારુ રસ્તા સુગમ કરો; જેથી જે અપંગ છે, તે ઊતરી ન જાય પણ એથી વિપરીત તે સાજું થાય. 25જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો; કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ નકાર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો સ્વર્ગમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ચોક્કસ બચીશું નહિ. 26તેમની વાણીએ તે સમયે પૃથ્વીને કંપાવી, પણ તેમણે એવું આશાવચન આપ્યું છે કે, હવે ફરી એક વાર હું એકલી પૃથ્વીને જ નહિ, આકાશને પણ હલાવીશ. 27‘ફરી એક વારનો’ અર્થ એ છે કે, કંપાયમાન થયેલી વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની માફક નાશ પામે છે, જેથી જેઓ કંપાયમાન થયેલી નથી તે હંમેશા ટકી રહે.

પત્ર (સંત દેમેત્રિયસ માટે)

2 તિમ 2:1–10

1માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા. 2જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે. 3માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર. 4યુદ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી કે, જેથી તે પોતાના ઉપરી અધિકારીને સંતોષ પમાડે. 5વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી. 6મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ. 7હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશે 8ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા, (અને) જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ; 9જે (સુવાર્તા) ને કારણે હું ગુનેગારની જેમ બંદીખાનાં સુધીનું દુઃખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી. 10હું પસંદ કરેલાઓને સારુ સઘળું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે તે (ઉદ્ધાર) તેઓ અનંત મહિમાસહિત પામે.

સુવાર્તા

લૂક 16:19–31

19એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના વણાયેલા કિંમતી વસ્ત્ર પહેરતો હતો, અને નિત્ય મોજમઝામાં રહેતો હતો. 20લાજરસ નામે એક ભિખારી જેને આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડી રહેતો હતો. 21શ્રીમંતની મેજ પરથી પડેલા ભોંયમાંના કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો; વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. 22પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, સ્વર્ગદૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો. 23પાતાળમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા. 24તેણે બૂમ પાડીને કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ આગમાં હું વેદના પામું છું. 25પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે. 26વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યાં આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ. 27તેણે કહ્યું કે, પિતા, એ માટે હું તમને વિનંતી કરું છું કે, લાજરસને મારા પિતાને ઘરે મોકલો, 28કેમ કે મારા પાંચ ભાઈઓ છે. લાજરસ તેઓને સાક્ષી આપે, એમ ન થાય કે તેઓ પર પણ આ પીડા આવી પડે. 29પણ ઇબ્રાહિમે કહ્યું, તેઓની પાસે મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો છે; તેઓનું તેઓ સાંભળે. 30અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી સજીવન પામીને તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે. 31અને ઇબ્રાહિમે તેને કહ્યું કે, જો તેઓ મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.’”

સુવાર્તા (ધરતીકંપ વખતે)

માથ 8:23–27

23જયારે ઈસુ હોડી પર ચઢ્યાં, ત્યારે તેમના શિષ્યો તેમની પાછળ ગયા. 24જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું, જેથી હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ; પણ ઈસુ પોતે ઊંઘતા હતા. 25ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું કે, “ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ!” 26પછી ઈસુ તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યાં; અને મહાશાંતિ થઈ. 27ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “એ કયા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?”

સુવાર્તા (સંત દેમેત્રિયસ માટે)

યોહ 15:17–16:2

17તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું. 18જો જગત તમારો દ્વેષ રાખે છે તો તમારા પહેલાં તેણે મારો દ્વેષ કર્યો છે, એ તમે જાણો છો. 19જો તમે જગતના હોત તો પોતાના હોવાથી જગત તમારા ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યાં છે, તેથી જગત તમારા પર દ્વેષ રાખે છે. 20દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓએ મને સતાવ્યો છે, તો તમને પણ સતાવશે. જો તેઓએ મારાં વચનોનું પાલન કર્યું તો તમારા પણ પાળશે. 21પણ એ બધું મારા નામને માટે તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને જાણતા નથી. 22જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ લાગત નહિ; પણ હવે તેઓના પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી. 23જે મારો દ્વેષ કરે છે, તે મારા પિતાનો પણ દ્વેષ કરે છે. 24જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે કર્યાં ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને તોપણ દ્વેષ રાખ્યો છે. 25તેઓના નિયમશાસ્ત્રમાં વચન લખેલું છે કે, ‘તેઓએ વિનાકારણ મારા પર દ્વેષ રાખ્યો છે, તે પૂર્ણ થાય તે માટે એવું થયું. 26પણ સહાયક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી આવે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ; તે જયારે આવશે, ત્યારે મારા સંબંધી સાક્ષી આપશે. 27તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો. 16:1‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે. 2તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 26 ઑક્ટોબર એટલે નાગરિક પંચાંગનો 8 નવેમ્બર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો