Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑક્ટોબર 2026 › 31 ઑક્ટોબર

ઓર્થોડોક્સ પંચાંગ · 18 ઑક્ટોબર (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 31 ઑક્ટોબર 2026

શનિવાર · પચાસમાના પર્વ પછીનું 22મું અઠવાડિયું · સ્વર 4

પર્વો અને સંતો

Holy Apostle and Evangelist Luke (1st C)

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 યોહ 1:1–7

1જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનનાં શબ્દ સંબંધી અમે તમને કહી બતાવીએ છીએ. 2તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, તે અનંતજીવન જે પિતાની પાસે હતું અને અમને દર્શિત થયું, તે તમને કહી બતાવીએ છીએ. 3હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ જાહેર કરીએ છીએ; અને ખરેખર અમારી સંગત પિતાની સાથે તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. 4અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ. 5હવે જે સંદેશો અમે તેમના દ્વારા સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે અને તેમનાંમાં કંઈ પણ અંધકાર નથી. 6જો આપણે કહીએ કે, તેમની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. 7પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

યાકૂ 1:1–12

1વિખેરાઈ ગયેલા બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ. 2મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો; 3કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. 4તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. 5તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે. 6પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. 7એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. 8આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે. 9જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે; 10જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે. 11કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે. 12જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

યહૂ 1:1–7, 17–25

1ઈશ્વર પિતાને વહાલા; ઈસુ ખ્રિસ્તને માટે સાચવી રખાયેલા અને તેડાયેલાઓને પત્ર લખનાર, ઈસુ ખ્રિસ્તનો દાસ, યાકૂબનો ભાઈ યહૂદા. 2તમને દયા, શાંતિ તથા પુષ્કળ પ્રેમ પ્રાપ્ત થાઓ. 3પ્રિયો, આપણા સામાન્ય ઉદ્ધાર વિષે તમારા પર લખવા માટે હું ઘણો આતુર હતો, એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર સોંપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્રદ્વારા તમને કરવાની મને અગત્ય જણાઈ. 4કેમ કે જેઓને શિક્ષાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા છે, તેવા કેટલાક માણસો ગુપ્ત રીતે આપણામાં આવ્યાં છે; તેઓ અધર્મી છે અને આપણા ઈશ્વરની કૃપાનો ઉપયોગ હવસખોરીમાં કરે છે અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા પ્રભુ તથા ઈશ્વર છે તેમનો ઇનકાર કરે છે. 5હવે તમે બધું જાણી ચૂક્યા છો ખરા, તોપણ હું તમને યાદ કરાવવા ચાહું છું કે પ્રભુએ મિસર દેશમાંથી લોકોને છોડાવ્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો. 6અને જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયચુકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે. 7તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, અનંતઅગ્નિ દંડ સહન કરીને ચેતવણી માટે નમૂનારૂપ જાહેર થયેલાં છે. 17પણ, પ્રિયો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રેરિતોએ જે વચનો અગાઉ કહેલા છે, તેઓને તમે સંભારો; 18તેઓએ તમને કહ્યું છે કે, “છેલ્લાં કાળમાં નિંદાખોરો ઊભા થશે, તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે.” 19તેઓ ભાગલા પાડનારા અને વિષયી છે, તેઓમાં પવિત્ર આત્મા નથી. 20પણ પ્રિયો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાને દૃઢ કરીને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને 21અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો. 22અને કેટલાક જેઓ સંદેહમાં છે તેઓ પર દયા કરો. 23અને કેટલાકને અગ્નિમાંથી બહાર ખેંચી લાવીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો અને ભ્રષ્ટ દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો. 24હવે જે તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ તથા પરમાનંદમાં રજૂ કરવા, સમર્થ છે, તેમને 25એટલે આપણા ઉદ્ધારકર્તા એકલા ઈશ્વરને, મહિમા, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન.

પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા

યોહ 21:15–25

15હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુએ સિમોન પિતરને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, ‘હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુએ તેને કહ્યું કે, ‘મારાં ઘેટાંને પાળ.’” 16તેઓ બીજી વખત તેને કહે છે કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, ‘હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુ તેને કહે છે કે, ‘મારાં ઘેટાંઓની સંભાળ રાખ.’” 17તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’” 18હું તને નિશ્ચે કહું છું કે, ‘જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે. 19હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’” 20ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો અને પૂછ્યું હતું કે, ‘પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?’ ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો. 21ત્યારે પિતરે તેને જોઈને ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, એ માણસનું શું થશે?’” 22ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. 23તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું? 24જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે; અને તેની સાક્ષી સાચી છે, એ અમે જાણીએ છીએ. 25ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ, એવું મારું માનવું છે.

પત્ર

2 કરિં 5:1–10

1કેમ કે અમને ખબર છે કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી શરીર નષ્ટ થઈ જાય, તો સ્વર્ગમાં ઈશ્વરે સર્જેલું, હાથોથી બાંધેલું નહિ એવું અનંતકાળનું અમારું ઘર છે. 2કેમ કે અમારું જે ઘર સ્વર્ગમાં છે તેને પામવાની બહુ અભિલાષા રાખીને અમે આ માંડવારૂપી ઘરમાં નિસાસા નાખીએ છીએ. 3અને જો સ્વર્ગીય ઘર પામીએ તો અમે નિ:વસ્ત્ર ન દેખાઈએ. 4કેમ કે અમે આ માંડવારૂપી શરીરના ભારને લીધે નિસાસા નાખીએ છીએ; તેને ઉતારવા કરતાં સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થવા ઇચ્છીએ છીએ એ સારુ કે જીવન મરણમાં ગરકાવ થઈ જાય. 5હવે જેમણે અમને એને અર્થે તૈયાર કર્યા તે ઈશ્વર છે તેમણે અમને આત્માની ખાતરી પણ આપી છે. 6માટે અમે સદા હિંમતવાન છીએ અને એવું જાણીએ છીએ કે શરીરમાં રહીએ છીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી દૂર રહેતાં પ્રવાસી છીએ. 7કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહિ. 8માટે હિંમતવાન છીએ અને શરીરથી અલગ થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે. 9એ માટે કે અમે જો શરીરમાં હોઈએ કે શરીર બહાર હોઈએ તોપણ તેમને પસંદ પડીએ એવી ઉત્કંઠા અમે ધરાવીએ છીએ અને પ્રયાસ કરીએ છીએ. 10કેમ કે દરેકે શરીરથી જે કર્યું છે, સારુ કે ખરાબ હોય, તે પ્રમાણે તે બદલો પામવા સારુ આપણને સર્વને ખ્રિસ્તનાં ન્યાયાસનની આગળ હાજર થવું પડશે.

પત્ર (સંત લૂક માટે)

કલો 4:5–9, 14, 18

5બિનવિશ્વાસીઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સદુપયોગ કરો. 6તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત અને સારું લાગે એવું હોય કે, જેથી દરેકને યોગ્ય જવાબ આપવાનું તમે સમજી શકો. 7પ્રભુમાં વહાલા ભાઈ, વિશ્વાસુ સેવક તથા સાથીદાસ તુખિકસ મારા વિષેની બધી માહિતી તમને આપશે. 8તેના દ્વારા તમને અમારી જાણકારી મળશે અને તે તમારા હૃદયને દિલાસો આપે, તે માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે. 9તેની સાથે તમારા વિશ્વાસુ તથા વહાલો ભાઈ ઓનેસીમસને પણ મોકલ્યો છે. તેઓ અહીંના સર્વ સમાચાર તમને જણાવશે. 14વહાલો વૈદ લૂક તથા દેમાસ તમને સલામ પાઠવે છે. 18હું પાઉલ, મારે હાથે તમને સલામ લખું છું. મારાં બંધનો યાદ રાખજો. તમારા પર કૃપા હો.

સુવાર્તા

લૂક 6:1–10

1“એક વિશ્રામવારે ઈસુ ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યો ઘઉંના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતા. 2આથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘વિશ્રામવારે જે કરવું ઉચિત નથી, તે તમે કેમ કરો છો?’” 3ઈસુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ‘દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેઓએ જે કર્યુ, તે શું તમે વાંચ્યું નથી કે 4તેણે ઈશ્વરના ઘરમાં જઈને જે અર્પેલી રોટલી યાજક સિવાય બીજા કોઈને ખાવી ઉચિત ન હતી તે તેણે લઈને ખાધી, અને પોતાના સાથીઓને પણ આપી?’” 5તેમણે તેઓને કહ્યું કે, ‘માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.’” 6બીજા એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં જઈને બોધ કરતા હતા; ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો. 7વિશ્રામવારના દિવસે ઈસુ કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તેમને જોયા કરતા હતા, એ માટે કે ઈસુ પર દોષ મૂકવાની તેઓને તક મળે. 8પણ ઈસુએ તેઓના વિચારો જાણી લઈને જે વ્યક્તિનો હાથ સુકાઈ ગયેલો હતો તેને કહ્યું કે, ‘ઊઠીને વચમાં ઊભો રહે.’ તે ઊઠીને વચમાં આવીને ઊભો રહ્યો. 9ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને પૂછું છું, કે વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું, જીવને બચાવવો કે તે જીવનો નાશ કરવો, એ બન્નેમાંથી કયું ઉચિત છે?’” 10ઈસુએ બધી બાજુ નજર ફેરવીને તે વ્યક્તિને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’ તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ સાજો થયો.

સુવાર્તા (સંત લૂક માટે)

લૂક 10:16–21

16જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે; અને જે તમારો નકાર કરે છે તે મારો પણ નકાર કરે છે; અને જે મારો નકાર કરે છે તે મારા મોકલનાર ઈશ્વરનો નકાર કરે છે.’” 17તે સિત્તેર ખુશ થતાં પાછા આવ્યા, અને તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, તમારા નામથી દુષ્ટાત્માઓ પણ અમારે તાબે થયાં છે.’” 18ઈસુએ તેઓને કહ્યું કે, ‘મેં શેતાનને વીજળીની જેમ સ્વર્ગથી પડતો જોયો. 19જુઓ, સર્પો તથા વીંછીઓ અને દુશ્મનની બધી શક્તિ પર મેં તમને અધિકાર આપ્યો છે; કશાથી પણ તમને ઈજા થશે નહિ. 20પણ દુષ્ટાત્માઓ તમારે તાબે થયા છે, તેને લીધે ખુશ થતાં નહિ; પણ તમારાં નામ સ્વર્ગમાં લખવામાં આવ્યા છે, તેને લીધે હરખાઓ.’” 21તે જ સમયે તે પવિત્ર આત્માથી હરખાયા, અને બોલ્યા કે, ‘ઓ ઈશ્વરપિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમંતોથી તમે એ વાતો ગુપ્ત રાખી અને બાળકોને પ્રગટ કરી છે; હા ઈશ્વરપિતા, કેમ કે તમને તે સારું લાગ્યું.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 18 ઑક્ટોબર એટલે નાગરિક પંચાંગનો 31 ઑક્ટોબર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો