મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › નવેમ્બર 2027 › 25 નવેમ્બર
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 25 નવેમ્બર 2027
ગુરુવાર · સામાન્ય કાળનું 34મું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળના 34મા અઠવાડિયાનો ગુરુવાર
વૈકલ્પિક સ્મૃતિદિન · ધાર્મિક વિધિનો રંગ: લીલો
આલેકસાંદ્રિયાનાં સંત કૅથરિન · વૈકલ્પિક સ્મૃતિદિન
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
11ત્યારે આ માણસો જેઓએ ષડ્યંત્ર રચ્યું હતું તેઓએ દાનિયેલને પોતાના ઈશ્વરની પ્રાર્થના કરતો અને તેમની સહાય માટે યાચના કરતો જોયો. 12તેથી તેઓએ રાજા પાસે જઈને તેના હુકમ વિષે કહ્યું, “હે રાજા, શું તમે એવો હુકમ ફરમાવ્યો ન હતો કે જે કોઈ ત્રીસ દિવસ સુધી આપના સિવાય બીજા કોઈપણ દેવ કે, માણસને અરજ કરશે તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે?” રાજાએ જવાબ આપ્યો, “આ વાત સાચી છે, માદીઓ તથા ઇરાનીઓનો કાયદા પ્રમાણે તે છે; જે કદી રદ થતા નથી.” 13તેઓએ રાજાને જવાબ આપ્યો, “યહૂદિયાના કેદીઓમાંનો એક દાનિયેલ, હે રાજા તમારી વાતો પર કે તમે સહી કરેલા હુકમ પર ધ્યાન આપતો નથી. તે દિવસમાં ત્રણ વખત પોતાના ઈશ્વરને પ્રાર્થના કરે છે.” 14જ્યારે રાજાએ આ સાંભળ્યું, ત્યારે તેને ખૂબ જ દુ:ખ થયું, દાનિયેલને બચાવવાનો રસ્તો શોધવાનો મનમાં વિચાર કરવા લાગ્યો. સૂર્યાસ્ત થતાં સુધી દાનિયેલને બચાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. 15આ માણસો જેઓએ એકત્ર થઈને રાજા સાથે ષડ્યંત્ર રચ્યું હતું તેઓએ આવીને તેને કહ્યું, “હે રાજા, આપે જાણવું જોઈએ કે, માદીઓ અને ઇરાનીઓના કાયદા એવા છે કે, રાજાએ કરેલો કોઈ હુકમ કે, કાયદો બદલી શકાતો નથી.” 16ત્યારે રાજાએ હુકમ કર્યો, તેઓએ દાનિયેલને લાવીને તેને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું, “જે ઈશ્વરની તું સતત ઉપાસના કરે છે તે તને બચાવો.” 17એક મોટો પથ્થર લાવીને બિલના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવ્યો, રાજાએ તેના ઉપર પોતાની તથા પોતાના અમીરોની મુદ્રા વડે સિક્કો માર્યો, જેથી દાનિયેલની બાબતમાં કંઈ પણ ફેરફાર થાય નહિ. 18પછી રાજા પોતાના મહેલમાં ગયો અને આખી રાત તેણે કંઈ ખાધું નહિ. તેમ વાજિંત્રો પણ તેની આગળ લાવવામાં કે વગાડવામાં આવ્યાં નહિ, તેની ઊંઘ ઊડી ગઈ. 19પછી રાજા બીજા દિવસે વહેલી સવારે ઊઠીને સિંહોના બિલ આગળ ગયો. 20જ્યારે તે બિલ આગળ પહોંચ્યો ત્યારે વેદનાભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારી. તેણે દાનિયેલને કહ્યું, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું સતત સેવા કરે છે, તે તારા ઈશ્વર તને સિંહોથી બચાવી શક્યા છે?” 21ત્યારે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, “હે રાજા, સદા જીવતા રહો. 22મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોનાં મોં બંધ કરી દીધાં એટલે તેઓ મને કશી ઈજા નથી કરી શક્યા. કેમ કે, હું તેઓની નજરમાં તથા તમારી આગળ પણ નિર્દોષ માલૂમ પડ્યો છું. અને હે રાજા, મેં આપનો પણ કોઈ ગુનો કર્યો નથી.” 23ત્યારે રાજાને ઘણો આનંદ થયો. તેણે હુકમ કર્યો કે, દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવે. તેથી દાનિયેલને બહાર કાઢવામાં આવ્યો. તેના શરીર ઉપર કોઈપણ ઈજા જોવા મળી નહિ, કેમ કે તેણે પોતાના ઈશ્વરમાં વિશ્વાસ રાખ્યો હતો. 24પછી જે માણસોએ દાનિયેલ પર તહોમત મૂક્યાં હતા તેઓને રાજાના હુકમથી પકડી લાવીને તેઓને, તેઓનાં સંતાનોને અને તેઓની પત્નીઓને સિંહોના બિલમાં નાખવામાં આવ્યા. તેઓ બિલમાં નીચે પહોંચે તે પહેલાં જ સિંહોએ તેમના પર તરાપ મારીને તેઓનાં હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા. 25પછી રાજા દાર્યાવેશે આખી પૃથ્વી પર રહેતા લોકોને, પ્રજાઓને તથા વિવિધ ભાષા બોલનારાઓને પત્ર લખ્યો કે, “તમને અધિકાધિક શાંતિ થાઓ. 26હું હુકમ કરું છું કે, મારા આખા રાજ્યના લોકોએ દાનિયેલના ઈશ્વરની આગળ કાંપવું તથા બીવું. કેમ કે તે જીવતા તથા સદાકાળ જીવંત ઈશ્વર છે. તેમના રાજ્યનો નાશ થશે નહિ; તેમની સત્તાનો અંત આવતો નથી. 27તે આપણને સંભાળે છે અને મુક્ત કરે છે, તે આકાશમાં અને પૃથ્વી પર, ચિહ્નો તથા ચમત્કારો કરે છે; તેમણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે.”
પ્રત્યુત્તર ગીત
આ અનુવાદમાં નથી
સુવાર્તા
20પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો નાશ થવાનો સમય પાકી ગયો છે. 21ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ ખેતરોમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ. 22કેમ કે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય. 23એ દિવસોમાં જેઓ સગર્ભા હશે તથા જેઓ સ્તનપાન કરાવતી હશે તેઓની હાલત દુઃખદાયક થશે. કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે. 24તેઓ તલવારની ધારથી માર્યા જશે, અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે; અને વિદેશીઓના સમયો પૂરા થશે, ત્યાં લગી યરુશાલેમ તેઓથી ખૂંદી નંખાશે. 25સૂર્ય તથા ચંદ્ર તથા તારાઓમાં ચમત્કારિક ચિહ્નો થશે; અને પૃથ્વી પર દેશજાતિઓ, સમુદ્રના મોજાંઓની ગર્જનાથી ત્રાસીને ગભરાઈ જશે. 26દુનિયા ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની આશંકાથી માણસો બેભાન થઈ જશે; કેમ કે આકાશમાં પરાક્રમો હલાવાશે. 27ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત વાદળામાં આવતા જોશે. 28પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચા કરો, કેમ કે તમારો છુટકારો પાસે આવ્યો છે, એવું સમજવું.
આજના સંતો
- આલેકસાંદ્રિયાનાં સંત કૅથરિન
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો