Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › નવેમ્બર 2027 › 26 નવેમ્બર

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 26 નવેમ્બર 2027

શુક્રવાર · સામાન્ય કાળનું 34મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળના 34મા અઠવાડિયાનો શુક્રવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: લીલો

ઉપવાસ અને પ્રાયશ્ચિત્ત

પ્રાયશ્ચિત્તનો દિવસ

દરેક શુક્રવાર પ્રાયશ્ચિત્તનો દિવસ છે; તે કેવી રીતે પાળવો તે દરેક બિશપ પરિષદ નક્કી કરે છે: માંસનો ત્યાગ કે પ્રાયશ્ચિત્તનું બીજું કોઈ કાર્ય. ઉપવાસ 18 થી 59 વર્ષની ઉંમર સુધી, માંસનો ત્યાગ 14 વર્ષથી બંધનકારક છે.

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

દાનિ 7:2–14

2દાનિયેલે કહ્યું કે, “રાત્રે મને થયેલાં સંદર્શનોમાં મેં જોયું તો, જુઓ, આકાશના ચાર પવનો મોટા સમુદ્રને હલાવી રહ્યા હતા. 3એકબીજાથી જુદાં એવા ચાર મોટાં પ્રાણીઓ સમુદ્રમાંથી બહાર નીકળ્યાં. 4પહેલું સિંહના જેવું હતું પણ તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં, તેની પાંખો ખેંચી લેવામાં આવી અને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું. તેને બે પગ પર માણસની જેમ ઊભું રાખવામાં આવ્યું. તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. 5વળી જુઓ બીજું એક પશુ રીંછ જેવું હતું, તે પંજો ઉપાડીને ઊભું હતું. તેના મુખમાં તેના દાંતોની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, ‘ઊભું થા અને ઘણા લોકોનો ભક્ષ કર.’” 6આ પછી મેં ફરીથી જોયું. ત્યાં બીજું એક પશુ હતું, તે દીપડાના જેવું દેખાયું. તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી, તેને ચાર માથાં હતાં. તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો. 7આ પછી રાત્રે મેં મારા સ્વપ્નમાં ચોથું પશુ જોયું. તે ભયાનક, ડરામણું અને ઘણું બળવાન હતું. તેને મોટા લોખંડના દાંત હતા; તે ભક્ષ કરતું, ભાંગીને ટુકડેટુકડા કરતું હતું અને બાકી રહેલાઓને પોતાના પગ નીચે કચડી નાખતું હતું. તે બીજા પશુઓ કરતાં અલગ હતું અને તેને દસ શિંગડાં હતાં. 8જ્યારે હું એ શિંગડાં વિષે વિચાર કરતો હતો તેવામાં, મેં જોયું તો, જુઓ તેઓની મધ્યે બીજું નાનું શિંગડું ફૂટી નીકળ્યું. અગાઉના ત્રણ શિંગડાં મૂળમાંથી ઊખડી ગયાં. આ શિંગડામાં મેં માણસની આંખો જેવી આંખો અને મોટી બાબતો વિષે બડાઈ કરતું મુખ જોયું. 9હું જોતો હતો ત્યારે, સિંહાસનો ગોઠવવામાં આવ્યાં, એક પુરાતન કાલીન માણસ તેના પર બેઠો હતો, તેનાં વસ્ત્રો હિમ જેવાં સફેદ હતાં, તેના માથાના વાળ શુદ્ધ ઊન જેવા હતાં. તેનું સિંહાસન અગ્નિની જ્વાળારૂપ હતું, તેનાં પૈડાં સળગતા અગ્નિનાં હતાં. 10તેમની આગળથી ધગધગતા અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો. હજારોહજાર લોકો તેમની સેવા કરતા હતા લાખો લોકો તેમની આગળ ઊભા હતા. ન્યાયસભા ભરાઈ હતી, પુસ્તકો ખોલવામાં આવ્યાં હતાં. 11પેલું શિંગડું બડાઈની વાતો કરતું હતું તે હું જોતો હતો, એટલામાં તે પશુને મારી નાખવામાં આવ્યું. તેનું શરીર નાશ પામ્યું, તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયું. 12બાકીનાં ચાર પશુઓનો રાજ્યાધિકાર છીનવી લેવામાં આવ્યો, પણ તેઓને લાંબા સમય સુધી જીવતાં રહેવા દેવામાં આવ્યાં. 13તે રાત્રે મારા સંદર્શનમાં, મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ઊતરતો મેં જોયો. તે પુરાતનકાલીન પુરુષની પાસે આવ્યો, તેમની સમક્ષ હાજર થયો. 14તેને સત્તા, મહિમા તથા રાજ્યાધિકાર આપવામાં આવ્યો, જેથી બધા લોકો, પ્રજાઓ તથા વિવિધ ભાષા બોલનારાઓ તેને તાબે થાય. તેની સત્તા સનાતન છે તે કદી લોપ થશે નહિ, તેનું રાજ્ય જે કદી નાશ નહિ પામે.

પ્રત્યુત્તર ગીત

આ અનુવાદમાં નથી

સુવાર્તા

લૂક 21:29–33

29ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, અંજીરી તથા સર્વ વૃક્ષોને જુઓ. 30હવે તેઓ જયારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને સમજો છો કે ઉનાળો નજીક છે. 31તેમ જ તમે પણ આ સઘળું થતાં જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે છે. 32હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. 33આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો