મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑક્ટોબર 2027 › 24 ઑક્ટોબર
ઓર્થોડોક્સ પંચાંગ · 11 ઑક્ટોબર (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 24 ઑક્ટોબર 2027
રવિવાર · સ્વર 1
પર્વો અને સંતો
પચાસમાના પર્વ પછીનો 18મો રવિવાર
સાતમી વિશ્વવ્યાપી મહાસભાના પિતૃઓ
ઉપવાસ
ઉપવાસ નથી
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
સંધ્યા-પ્રાર્થના: વાંચન
14જયારે ઇબ્રામે સાંભળ્યું કે દુશ્મનોએ તેના સગાં સંબંધીઓને તાબે કર્યાં છે, ત્યારે તેણે પોતાના ઘરમાં જન્મેલા અને તાલીમ પામેલા ત્રણસો અઢાર પુરુષોને લઈને દાન સુધી સૈન્યનો પીછો કર્યો. 15તે રાત્રે તેણે તેઓની વિરુદ્ધ પોતાના માણસોના બે ભાગ પાડીને તેઓ પર હુમલો કર્યો અને દમસ્કસની ડાબી બાજુના હોબા સુધી તેઓનો પીછો કર્યો. 16પછી તે પોતાના સંબંધી લોતને, તેની સંપત્તિને, સ્ત્રીઓને તથા બીજા દાસોને પાછા લાવ્યો. 17કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા, તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો ત્યારે તેને મળવા સારુ સદોમનો રાજા શાવેહની ખીણમાં એટલે રાજાની ખીણમાં આવ્યો. 18સાલેમનો રાજા મલ્ખીસદેક, રોટલી તથા દ્રાક્ષારસ લઈને આવ્યો. તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો. 19તેણે ઇબ્રામ આશીર્વાદ આપીને કહ્યું, “પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા છે તેમનાંથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ. 20જે સર્વશ્રેષ્ઠ ઈશ્વરે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, પરાત્પર ઈશ્વરની સ્તુતિ થાઓ.” પછી ઇબ્રામે સર્વ સંપત્તિમાંથી તેને દસમો ભાગ આપ્યો.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
8જુઓ, તમારી આગળ આ જે દેશ હું દર્શાવું છું; તેમાં પ્રવેશ કરો. એ દેશ વિષે યહોવાહે તમારા પૂર્વજો એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ પ્રતિજ્ઞા લીધી હતી કે હું તમને તથા તમારા વંશજોને તે દેશ આપીશ તેનું વતન પ્રાપ્ત કરો.’” 9“તે સમયે મેં તમને એવું કહ્યું હતું કે, હું પોતે એકલો તમારો બધાનો બોજો ઉપાડવાને શક્તિમાન નથી. 10તમારા યહોવાહે તમારો વિસ્તાર વધાર્યો છે, અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી છે. 11તમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહે તમને આપેલા વચન પ્રમાણે તમે છો તેના કરતાં તમને હજારગણા વધારો અને આશીર્વાદ આપો. 15“તેથી તમારાં કુળોમાંના આગેવાનો જેઓ બુદ્ધિમાન અને અનુભવી પુરુષો હતા તેઓને લઈને મેં તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે તમારાં કુળો પ્રમાણે હજાર-હજારના આગેવાનો તથા સો-સોના આગેવાનો, પચાસ-પચાસના આગેવાનો દસ-દસના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા. 16અને તે સમયે મેં તમારા ન્યાયીધીશોને એવી આજ્ઞા કરી હતી કે, તમારા ભાઈઓ વચ્ચેની તકરાર તમારે સાંભળવી. અને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશી વચ્ચે તમારે નિષ્પક્ષ ન્યાય કરવો. 17ન્યાય કરતી વખતે તમારે આંખની શરમ રાખવી નહિ; નાના તથા મોટા સૌનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ, કેમ કે ન્યાય કરવો એ ઈશ્વરનું કામ છે. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમારે મારી પાસે લાવવો એટલે તે હું સંભાળીશ.
સંધ્યા-પ્રાર્થના: વાંચન
14જો, આકાશ તથા આકાશોનાં આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવાહ તમારા ઈશ્વરનું છે. 15તેમ છતાં તમારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાહને સારું લાગ્યું. અને તેમણે તેઓની પાછળ તેઓનાં સંતાનને એટલે સર્વ લોકોના કરતાં તમને પસંદ કર્યા જેમ આજે છે તેમ. 16તેથી તમે તમારાં પાપી હૃદયોને શુદ્વ કરો અને હઠીલાપણું છોડી દો. 17કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી. 18તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે. 19તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા. 20તમે યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો; તેમને જ તમે વળગી રહો. અને તેમના જ નામે સમ ખાઓ. 21તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભૂત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.
પ્રભાત-પ્રાર્થનાની સાતમી સુવાર્તા
1હવે અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે અંધારું હતું તેવામાં મગ્દલાની મરિયમ કબરે આવી અને તેણે કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. 2ત્યારે તે દોડીને સિમોન પિતર તથા બીજો શિષ્ય, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેમની પાસે આવીને તેઓને કહે છે કે, ‘તેઓએ પ્રભુને કબરમાંથી ઉઠાવી લીધા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યાં છે તે અમે જાણતા નથી.’” 3તેથી પિતર તથા તે બીજો શિષ્ય કબર તરફ જવા રવાના થયા. 4તેઓ બંને સાથે દોડ્યા; પણ તે બીજો શિષ્ય પિતરથી વધારે ઝડપથી દોડીને કબર આગળ પહેલો પહોંચ્યો. 5તેણે નમીને અંદર જોયું તો શણનાં વસ્ત્રો પડેલાં તેના જોવામાં આવ્યા; પણ તે અંદર ગયો નહિ. 6પછી સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને તે કબરની અંદર ગયો; તેણે શણના વસ્ત્રો પડેલાં જોયાં; 7અને જે રૂમાલ તેમના માથા પર વીંટાળેલો હતો, તે શણનાં વસ્ત્રોની પાસે પડેલો ન હતો, પણ વાળીને એક જગ્યાએ અલગથી મૂકેલો હતો. 8પછી બીજો શિષ્ય કે જે કબર પાસે પહેલો આવ્યો હતો, તેણે પણ અંદર જઈને જોયું અને વિશ્વાસ કર્યો. 9કેમ કે ઈસુએ મૃત્યુ પામેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, તે શાસ્ત્રવચન ત્યાં સુધી તેઓ સમજતા ન હતા. 10ત્યારે શિષ્યો ફરી પોતાને ઘરે પાછા ગયા.
પત્ર
6એ તો ખરું છે કે, જે કંજૂસાઈથી વાવે છે, તે લણશે પણ કંજૂસાઈમાં; અને જે ઉદારતાથી વાવે છે; તે ઉદારતાથી લણશે. 7જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી નક્કી કર્યું છે, તે પ્રમાણે તેણે આપવું; પરાણે નહિ, ફરજિયાત પણ નહિ; કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે. 8ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામો કરવામાં વધતા જાઓ. 9જેમ લખેલું છે કે, ‘તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.’” 10જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે; 11એમ તમે સર્વ પ્રકારે ધનવાન થાઓ કે જેથી તમે ઉદાર બની શકો અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય.
પત્ર (પિતૃઓ માટે)
7જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરનું વચન કહ્યું છે, તેઓનું સ્મરણ કરો, તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસને અનુસરો. 8ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે. 9તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઈ જશો નહિ; કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે; અમુક ખોરાક ખાવા કે ના ખાવાથી એ પ્રમાણે વર્તવાથી કશો લાભ થતો નથી. 10આપણને એવી યજ્ઞવેદી છે કે તે પરનું ખાવાનો અધિકાર મંડપની સેવા કરનારાઓને નથી. 11કેમ કે પાપોના બલિદાનને માટે જે પશુઓનું લોહી પ્રમુખ યાજક પવિત્રસ્થાનમાં લાવે છે, તેઓનાં શરીર છાવણી બહાર બળાય છે. 12એ માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મૃત્યુ સહન કર્યું. 13તેથી આપણે પણ તેમનું અપમાન સહન કરીને તેમની પાસે છાવણી બહાર જઈએ. 14કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયાં નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ. 15માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ. 16ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવાં અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.
સુવાર્તા
11થોડા દિવસ પછી નાઈન નામના શહેરમાં ઈસુ ગયા, અને તેમના શિષ્યો તથા ઘણાં લોકો પણ તેમની સાથે ગયા. 12હવે તેઓ શહેરના દરવાજા પાસે આવ્યા ત્યારે જુઓ, તેઓ એક મરેલા માણસને બહાર લઈ જતા હતા; તે તેની માનો એકનો એક દીકરો હતો, અને તે વિધવા હતી; શહેરના ઘણાં લોક તેની સાથે હતા. 13તેને જોઈને પ્રભુને તેના પર અનુકંપા આવી, અને ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘રડીશ નહિ.’” 14ઈસુએ મૃત્યુ પામેલી વ્યક્તિની પાસે જઈને તેની ઠાઠડી અડક્યા એટલે તે મૃતદેહ ઊંચકનારા ઊભા રહ્યા. અને ઈસુએ કહ્યું કે, ‘જુવાન, હું તને કહું છું કે, ઊઠ સજીવન થા.’” 15જે મૃત્યુ પામેલો હતો તે ઊભો થયો, અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો. 16આ જોઈને સર્વને ઘણો ભય લાગ્યો; અને તેઓએ ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકોની મુલાકાત લીધી છે.’”
સુવાર્તા (પિતૃઓ માટે)
1ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગ તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે. 2કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે. 3અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે. 4જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે. 5હવે, ઓ પિતા, સૃષ્ટિની ઉત્પત્તિ અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તેથી તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો. 6માનવજગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે; તેઓ તમારાં હતાં, તેઓને તમે મને આપ્યાં છે; અને તેઓએ તમારાં વચન પાળ્યા છે. 7હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી જ છે. 8કેમ કે જે વાતો તમે મને કહેલી હતી તે મેં તેઓને કહી છે; અને તેઓએ તે સ્વીકારી છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું છે, તમે મને મોકલ્યો છે, એવો વિશ્વાસ તેઓએ કર્યો છે. 9જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું; માનવજગતને સારું હું પ્રાર્થના કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે; 10જે બધા મારાં તે તમારા છે અને જે તમારા તે મારાં છે; હું તેઓમાં મહિમાવાન થયો છું. 11હું લાંબા સમય સુધી દુનિયામાં નથી, પણ તેઓ આ દુનિયામાં છે અને હું તમારી પાસે આવું છું. ઓ પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તેમાં તેઓને પણ આપણા જેવા એક થવા માટે સંભાળી રાખો. 12હું તેઓની સાથે જગતમાં હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્રવચનો પૂરા થાય માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો વિનાશ થયો નહિ. 13હવે હું તમારી પાસે આવું છું; ‘તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,’ માટે હું આ બાબતો દુનિયામાં કહું છું.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 11 ઑક્ટોબર એટલે નાગરિક પંચાંગનો 24 ઑક્ટોબર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો