મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑક્ટોબર 2027 › 4 ઑક્ટોબર
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 4 ઑક્ટોબર 2027
સોમવાર · સામાન્ય કાળનું 27મું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળના 27મા અઠવાડિયાનો સોમવાર
સ્મૃતિદિન · ધાર્મિક વિધિનો રંગ: સફેદ
આસીસીના સંત ફ્રાન્સિસ · સ્મૃતિદિન
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
1હવે ઈશ્વરનું વચન અમિત્તાયના દીકરા યૂના પાસે આવ્યું કે, 2“ઊઠ મોટા નગર નિનવે જા, અને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની વધી રહેલી દુષ્ટતા મારી નજરે ચડી છે.” 3યૂના ઊઠ્યો તો ખરો, પણ તેણે ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા માટે યાફામાં ગયો. ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેનું ભાડું તેણે ચૂકવ્યું. અને ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા તે વહાણમાં બેઠો. 4પણ ઈશ્વરે સમુદ્ર પર ભારે ઝંઝાવાત મોકલ્યો. સમુદ્રમાં મોટું તોફાન ઝઝૂમ્યું. ટૂંક સમયમાં જ એવું લાગવા લાગ્યું કે હવે વહાણ તૂટી જશે. 5તેથી ખલાસીઓ ખૂબ ભયભીત થયા અને દરેક માણસ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હળવું કરવા માટે તેઓએ તેમાંનો માલસામાન સમુદ્રમાં ફેંકી દીધો. આવું હોવા છતાં યૂના તો વહાણના સૌથી અંદરના ભાગમાં જઈ, ભરનિદ્રામાં પડ્યો. 6વહાણના ટંડેલે તેની પાસે આવીને કહ્યું, “તું શું કરે છે? ઊંઘે છે? ઊઠ! તારા ઈશ્વરને વિનંતી કર, કદાચ તારો ઈશ્વર આપણને ધ્યાનમાં લે, અને આપણે નાશ પામીએ નહિ.” 7તે પ્રવાસીઓએ એકબીજાને કહ્યું, “આવો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે આપણા પર આવેલા આ વિધ્ન માટે જવાબદાર કોણ છે?” તેથી તેઓએ ચિઠ્ઠીઓ નાખી. ત્યારે ચિઠ્ઠી, યૂનાના નામની નીકળી. 8એટલે તેઓએ યૂનાને કહ્યું, “કૃપા કરીને અમને જણાવ કે તું કોણ છે કે જેના લીધે આ સંકટ આવી પડ્યું છે? તારો વ્યવસાય શો છે? તું ક્યાંથી આવ્યો છે? તારો દેશ કયો છે? તું કયા લોકોમાંથી આવે છે?” 9યૂનાએ તેઓને કહ્યું, “હું એક હિબ્રૂ છું; સાગરો અને ભૂમિના સર્જક ઈશ્વર પ્રભુનો ડર રાખું છું.” 10ત્યારે તે માણસો વધારે ભયભીત થયા. તેઓએ યૂનાને કહ્યું, “તેં આ શું કર્યું?” કેમ કે તેના કહેવાથી તેઓના જાણવામાં આવ્યું કે તે ઈશ્વરની સમક્ષતામાંથી ભાગી રહ્યો છે. 11પછી તેઓએ યૂનાને પૂછ્યું, “આ સમુદ્ર, અમારે સારુ શાંત થાય તે માટે અમે તને શું કરીએ?” કેમ કે સમુદ્રમાં વાવાઝોડું વધતું જતું હતું. 12યૂનાએ તેઓને કહ્યું, “મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો. એમ કરવાથી સમુદ્ર શાંત થઈ જશે કેમ કે હું સમજું છું કે મારે લીધે જ આ મોટું વાવાઝોડું તમારા પર ઝઝૂમેલું છે.” 13કિનારે પાછા પહોંચી જવા માટે ખલાસીઓએ બહુ હલેસાં માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહિ કેમ કે સમુદ્ર વધુ ને વધુ તોફાની બની રહ્યો હતો. 14એથી તેઓએ ઈશ્વરને પોકારીને કહ્યું, “હે ઈશ્વર, અમે વીનવીએ છીએ કે આ માણસનાં જીવના લીધે અમારો નાશ થવા દેશો નહિ અને તેના મરણનો દોષ અમારા પર મૂકશો નહિ. કેમ કે હે ઈશ્વર, તમને જે ગમ્યું તે મુજબ જ કર્યું છે.” 15એવું કહીને તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર તરત જ શાંત પડ્યો. 16ત્યારે તે માણસોને ઈશ્વરનો અતિશય ડર લાગ્યો. તેઓએ ઈશ્વરને બલિદાનો ચઢાવ્યાં અને માનતાઓ માની. 17ઈશ્વરે એક મોટી માછલી યૂનાને ગળી જવા સારુ તૈયાર રાખી હતી. માછલી તેને ગળી ગઈ. યૂના ત્રણ દિવસ તથા ત્રણ રાત્રી પર્યંત તેના પેટમાં રહ્યો. 2:10પછી ઈશ્વરે માછલીને આજ્ઞા કરી. અને તેણે પેટમાંથી યૂનાને બહાર કાઢીને કોરી જમીન પર મૂક્યો.
પ્રત્યુત્તર ગીત
2તેણે કહ્યું, “મારી વિપત્તિ સંબંધી મેં ઈશ્વરને વિનંતી કરી, અને તેમણે મને જવાબ આપ્યો; શેઓલના ઊંડાણમાંથી સહાયને માટે મેં પોકાર કર્યો! અને મારો અવાજ સાંભળ્યો.” 3“હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો, મારી આસપાસ પાણી હતા; તેના સર્વ મોજાં અને છોળો, મારા પર ફરી વળ્યાં.” 4અને મેં કહ્યું, “મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ.’ 7જયારે મારો આત્મા મારામાં મૂર્છિત થયો, ત્યારે મેં ઈશ્વરનું ધ્યાન ધર્યું; અને મારી પ્રાર્થના તમારી સંમુખ, તમારા પવિત્ર ઘરમાં પહોંચી.
સુવાર્તા
25જુઓ, એક નિયમશાસ્ત્રીએ ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું કે, ‘ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?’” 26ઈસુએ તેને કહ્યું કે, ‘નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તું શું વાંચે છે?’” 27તેણે ઉત્તર આપતા કહ્યું કે, ‘તમારા ઈશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી તથા પૂરા મનથી પ્રેમ રાખવો અને જેવા પોતાના પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો.’” 28ઈસુએ તેને કહ્યું કે, ‘તેં સાચો ઉત્તર આપ્યો છે; એમ કર અને તું જીવીશ.’” 29પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાં ચાહીને ઈસુને કહ્યું, ‘તો મારો પડોશી કોણ છે?’” 30ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, તેઓ તેનાં વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા. 31સંજોગોવસાત એક યાજક તે રસ્તે થઈને જતો હતો. તે તેને જોઈને બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો. 32એમ જ એક લેવી પણ તે જગ્યાએ આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો. 33પણ એક સમરૂની તે રસ્તે મુસાફરીએ જતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને એને જોઈને તેને અનુકંપા આવી. 34તે તેની પાસે ગયો, અને તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને તેને સરાઈમાં લઈ ગયો, અને તેની સારવાર કરી. 35બીજે દિવસે તેણે બે દીનાર ઉતારાવાળાને આપ્યા, અને તેને કહ્યું કે, તેની સારવાર કરજે, એ કરતાં જે કંઈ વધારે ખર્ચ તને લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને ભરપાઈ કરીશ.’” 36‘હવે તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંથી કોણ કહેવાય?’” 37તેણે કહ્યું કે, ‘જેણે તેના પર દયા કરી તે.’ અને ઈસુએ તેને કહ્યું કે, ‘તું જઈને એ પ્રમાણે કર.’”
આજના સંતો
- આસીસીના સંત ફ્રાન્સિસ
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો