Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › સપ્ટેમ્બર 2027 › 5 સપ્ટેમ્બર

ઓર્થોડોક્સ પંચાંગ · 23 ઑગસ્ટ (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 5 સપ્ટેમ્બર 2027

રવિવાર · સ્વર 2

પર્વો અને સંતો

પચાસમાના પર્વ પછીનો 11મો રવિવાર

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

પ્રભાત-પ્રાર્થનાની 11મી સુવાર્તા

યોહ 21:15–25

15હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુએ સિમોન પિતરને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, ‘હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુએ તેને કહ્યું કે, ‘મારાં ઘેટાંને પાળ.’” 16તેઓ બીજી વખત તેને કહે છે કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, ‘હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુ તેને કહે છે કે, ‘મારાં ઘેટાંઓની સંભાળ રાખ.’” 17તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’” 18હું તને નિશ્ચે કહું છું કે, ‘જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે. 19હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’” 20ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો અને પૂછ્યું હતું કે, ‘પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?’ ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો. 21ત્યારે પિતરે તેને જોઈને ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, એ માણસનું શું થશે?’” 22ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. 23તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું? 24જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે; અને તેની સાક્ષી સાચી છે, એ અમે જાણીએ છીએ. 25ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ, એવું મારું માનવું છે.

પત્ર

1 કરિં 9:2–12

2જોકે હું બીજાઓની દ્રષ્ટિમાં પ્રેરિત ન હોઉં, તોપણ નિશ્ચે તમારી નજરે તો છું જ, કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપદનો પુરાવો છો. 3મારી પૂછપરછ કરનારાને મારો એ જ પ્રત્યુત્તર છે; 4શું અમને ખાવાપીવાનો અધિકાર નથી? 5શું જેવો બીજા પ્રેરિતોને, પ્રભુના ભાઈઓને તથા કેફાને છે તેવો મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈ ફરવાનો અધિકાર નથી? 6અથવા શું ધંધો રોજગાર કરીને ગુજરાન ચલાવવાનું કેવળ મારે તથા બાર્નાબાસને માટે જ છે? 7એવો કયો સિપાઈ છે કે જે પોતાના ખર્ચથી લડાઈમાં જાય છે? દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ કોણ ખાતો નથી? અથવા કોણ જાનવર પાળીને તેના દૂધનો ઉપભોગ કરતો નથી? 8એ વાતો શું હું માણસોના વિચારોથી કહું છું? અથવા શું નિયમશાસ્ત્ર પણ એ વાતો કહેતું નથી? 9કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યું છે, કે પારે ફરનાર બળદના મોં પર જાળી ન બાંધ. શું આવી આજ્ઞા આપવામાં શું ઈશ્વર બળદની ચિંતા કરે છે? 10કે વિશેષ આપણાં લીધે તે એમ કહે છે? આપણાં લીધે તો લખ્યું છે, કે જે ખેડે છે તે આશાથી ખેડે અને જે મસળે છે તે ફળ પામવાની આશાથી તે કરે. 11જો અમે તમારે માટે આત્મિક બાબતો વાવી છે, તો અમે તમારી શરીર ઉપયોગી બાબતો લણીએ એ કઈ વધારે પડતું કહેવાય? 12જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે તો તેઓના કરતા અમે વિશેષે દાવેદાર નથી શું? તોપણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવરૂપ ન થવાય માટે અમે સર્વ સહન કરીએ છીએ.

પત્ર (ઈશ્વરજનની માટે)

ફિલિ 2:5–11

5ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો 6પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ, 7પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા; 8અને માણસના રૂપમાં પ્રગટ થઈને, વધસ્તંભ પરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. 9તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે, 10સ્વર્ગમાંના, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; 11અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.

સુવાર્તા

માથ 18:23–35

23એ માટે સ્વર્ગના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ માગ્યો. 24તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ એક દેવાદારને તેમની પાસે લાવ્યા જેણે જીવનભર કમાય તો પણ ના ભરી શકે તેટલું દેવું હતું. 25પણ પાછું આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના માલિકે તેને, તેની પત્ની, તેનાં બાળકોને તથા તેની પાસે જે હતું તે સઘળું વેચીને દેવું ચૂકવવાની આજ્ઞા કરી. 26એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘માલિક, ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી આપીશ.’ 27ત્યારે તે ચાકરનાં માલિકને અનુકંપા આવી તેથી તેણે તેને જવા દીધો અને તેનું દેવું માફ કર્યું. 28પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો જેને, ત્રણ મહિનાના પગાર જેટલું દેવું હતું, ત્યારે તેણે તેનું ગળું પકડીને કહ્યું કે, ‘તારું દેવું ચૂકવ.’ 29ત્યારે તેના સાથી ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘ધીરજ રાખ અને હું તારું દેવું ચૂકવી આપીશ.’” 30તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેણે તેને જેલમાં પુરાવ્યો. 31ત્યારે જે થયું તે જોઈને તેના સાથી ચાકરો ઘણાં દિલગીર થયા, તેઓએ જઈને તે સઘળું પોતાના માલિકને કહી સંભળાવ્યું. 32ત્યારે તેના માલિકે તેને બોલાવીને કહ્યું કે, ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તારું તે બધું દેવું માફ કર્યું. 33મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી?’” 34તેના માલિકે ગુસ્સે થઈને તેનું બધું દેવું ચૂકવે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. 35એ પ્રમાણે જો તમે પોતપોતાનાં ભાઈઓના અપરાધ તમારાં હૃદયપૂર્વક માફ નહિ કરો, તો મારા સ્વર્ગીય પિતા પણ તમને એમ જ કરશે.”

સુવાર્તા (ઈશ્વરજનની માટે)

લૂક 10:38–42; 11:27–28

38તેઓ રસ્તે ચાલતા હતા એ દરમિયાન ઈસુ એક ગામમાં આવ્યા; અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાના ઘરમાં તેમનો આવકાર કર્યો. 39મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના પગ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી. 40પણ માર્થા કામ ઘણું હોવાથી વિચલિત થઈ, તેથી તેણે તેમની પાસે આવીને કહ્યું કે, ‘પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તમને ચિંતા નથી? એ માટે તેને કહો કે તે મને મદદ કરે.’” 41પણ ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને વિચલિત થાય છે; 42પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ. 11:27એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, ‘જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.’” 28પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.’”

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 23 ઑગસ્ટ એટલે નાગરિક પંચાંગનો 5 સપ્ટેમ્બર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો