મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › સપ્ટેમ્બર 2027 › 5 સપ્ટેમ્બર
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 5 સપ્ટેમ્બર 2027
રવિવાર · સામાન્ય કાળનું 23મું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળનો 23મો રવિવાર
રવિવાર · ધાર્મિક વિધિનો રંગ: લીલો
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
4જેઓ ભયભીત હૃદયના છે તેઓને કહો, “દૃઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર વેર લેવા આવશે, ઈશ્વર તમને યોગ્ય બદલો આપશે અને તે પોતે આવીને તમને તારશે.” 5ત્યારે અંધજનોની આંખો ઉઘાડવામાં આવશે અને બધિરોના કાન સાંભળશે. 6ત્યારે અપંગો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ ગાયન કરશે, કેમ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળાં ફૂટી નીકળશે. 7દઝાડતી રેતી તે તળાવ, અને તરસી ભૂમિ તે પાણીના ઝરણાં બની જશે; શિયાળોનાં રહેઠાણમાં, તેમના સૂવાને સ્થાને, ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે.
પ્રત્યુત્તર ગીત
7તે પીડિતોનો ન્યાય જાળવી રાખે છે અને તે ભૂખ્યાઓને અન્ન પૂરું પાડે છે. યહોવાહ કેદીઓને છોડાવે છે. 8યહોવાહ દૃષ્ટિહીનોની આંખો ખોલે છે; યહોવાહ ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે; યહોવાહ ન્યાયી લોકોને પ્રેમ કરે છે. 9યહોવાહ દેશમાંના વિદેશીઓનું રક્ષણ કરે છે; તે અનાથો તથા વિધવાઓને ઊંચાં કરે છે, પણ તે દુષ્ટોનો વિરોધ કરે છે. 10યહોવાહ સદાકાળ રાજ કરશે, હે સિયોન, તમારા ઈશ્વર પેઢી દરપેઢી રાજ કરશે. યહોવાહની સ્તુતિ કરો.
બીજું વાંચન
1મારા ભાઈઓ, તમે પક્ષપાત વિના આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો. 2કેમ કે જેની આંગળીએ સોનાની વીંટી હોય તથા જેનાં અંગ પર સુંદર કિંમતી વસ્ત્ર હોય, એવો માણસ જો તમારી સભામાં આવે અને જો ગંદા વસ્ત્ર પહેરેલો એક ગરીબ માણસ પણ આવે; 3ત્યારે તમે સુંદર કિંમતી વસ્ત્ર ધારણ કરેલા માણસને માન આપીને કહો છો, ‘તમે અહીં ઉત્તમ સ્થાને બેસો,’ પણ પેલા ગરીબને કહો છો, ‘તું ત્યાં ઊભો રહે,’ અથવા ‘અહીં મારા પગનાં આસન પાસે બેસ;’ 4તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતયુક્ત વિચારો સાથે આચરણ કરતા નથી? 5મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો; વિશ્વાસમાં ધનવાન થવા સારુ તથા ઈશ્વરે પોતાના લોકો પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું આશાવચન આપ્યું છે તેનું વતન પામવા સારુ, ઈશ્વરે આ માનવજગતના ગરીબોને પસંદ નથી કર્યા?
સુવાર્તા
31ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા. 32લોકો એક મૂક બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી. 33ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું; 34અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું કે, ‘એફફથા,’ એટલે ‘ઊઘડી જા.’” 35તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો. 36ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, ‘તમારે કોઈને કહેવું નહિ;’ પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું. 37લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, ‘તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતાં અને મૂકજનોને બોલતાં કરે છે.
આજના સંતો
- કલકત્તાનાં સંત ટેરેસા, કુમારિકા
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો