Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑગસ્ટ 2027 › 9 ઑગસ્ટ

ઓર્થોડોક્સ પંચાંગ · 27 જુલાઈ (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 9 ઑગસ્ટ 2027

સોમવાર · પચાસમાના પર્વ પછીનું આઠમું અઠવાડિયું · સ્વર 6

પર્વો અને સંતો

Holy Great Martyr and Healer Panteleimon († 305)

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

પત્ર

1 કરિં 9:13–18

13એ શું તમે નથી જાણતા કે જેઓ ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરે છે તેઓ સભાસ્થાનનું ખાય છે; જેઓ યજ્ઞવેદીની સેવા કરે છે, તેઓ યજ્ઞવેદીના અર્પણના ભાગીદાર છે એ શું તમે નથી જાણતા? 14એમ જ પ્રભુએ ઠરાવ્યું કે, જેઓ સુવાર્તા પ્રગટ કરે છે, તેઓ સુવાર્તાથી પોતાનું ગુજરાન ચલાવે. 15પણ એવો કશો વહીવટ મેં નથી કર્યો; મને એવા લાભ મળે તે માટે હું આ લખું છું એવું નથી. કેમ કે કોઈ મારું અભિમાન કરવાનું કારણ વ્યર્થ કરે, એ કરતાં મરવું તે મારે માટે બહેતર છે. 16કેમ કે જો હું સુવાર્તા પ્રગટ કરું, તો મારા માટે એ ગર્વનું કારણ નથી; કેમ કે એ મારી ફરજ છે, અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે. 17જો હું ખુશીથી તે પ્રગટ કરું, તો મને બદલો મળે છે; પણ જો ખુશીથી ના કરું, તો મને એનો કારભાર સોંપવામાં આવ્યો છે. 18માટે મને શો બદલો છે? એ કે સુવાર્તા પ્રગટ કરતાં હું ખ્રિસ્તની સુવાર્તા મફત પ્રગટ કરું, એ માટે કે સુવાર્તામાં મારો જે અધિકાર તેનો હું પૂરેપૂરો લાભ લઉં નહિ.

પત્ર (સંત પેન્તેલેઇમોન માટે)

2 તિમ 2:1–10

1માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા. 2જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે. 3માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર. 4યુદ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી કે, જેથી તે પોતાના ઉપરી અધિકારીને સંતોષ પમાડે. 5વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી. 6મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ. 7હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશે 8ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા, (અને) જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ; 9જે (સુવાર્તા) ને કારણે હું ગુનેગારની જેમ બંદીખાનાં સુધીનું દુઃખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી. 10હું પસંદ કરેલાઓને સારુ સઘળું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે તે (ઉદ્ધાર) તેઓ અનંત મહિમાસહિત પામે.

સુવાર્તા

માથ 16:1–6

1ફરોશીઓએ તથા સદૂકીઓએ આવીને ઈસુનું પરીક્ષણ કરતાં સ્વર્ગથી કોઈ ચમત્કારિક ચિહ્ન કરી બતાવવાની માંગણી કરી. 2પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ‘હવામાન સારું થશે, કેમ કે આકાશ લાલ છે.’” 3સવારે તમે કહો છો કે, ‘આજે વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ તથા અંધરાયેલું છે.’ તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા. 4દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાના ચમત્કારિક ચિહ્ન વગર બીજું કોઈ ચમત્કારિક ચિહ્ન તેઓને અપાશે નહિ.” ત્યાર પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા. 5શિષ્યો સરોવરને પેલે પાર ગયા, પરંતુ તેઓ રોટલી લેવાનું ભૂલી ગયા હતા. 6ઈસુએ તેઓને કહ્યું કે, “ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન થાઓ અને સચેત રહો.”

સુવાર્તા (સંત પેન્તેલેઇમોન માટે)

યોહ 15:17–16:2

17તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું. 18જો જગત તમારો દ્વેષ રાખે છે તો તમારા પહેલાં તેણે મારો દ્વેષ કર્યો છે, એ તમે જાણો છો. 19જો તમે જગતના હોત તો પોતાના હોવાથી જગત તમારા ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યાં છે, તેથી જગત તમારા પર દ્વેષ રાખે છે. 20દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓએ મને સતાવ્યો છે, તો તમને પણ સતાવશે. જો તેઓએ મારાં વચનોનું પાલન કર્યું તો તમારા પણ પાળશે. 21પણ એ બધું મારા નામને માટે તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને જાણતા નથી. 22જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ લાગત નહિ; પણ હવે તેઓના પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી. 23જે મારો દ્વેષ કરે છે, તે મારા પિતાનો પણ દ્વેષ કરે છે. 24જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે કર્યાં ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને તોપણ દ્વેષ રાખ્યો છે. 25તેઓના નિયમશાસ્ત્રમાં વચન લખેલું છે કે, ‘તેઓએ વિનાકારણ મારા પર દ્વેષ રાખ્યો છે, તે પૂર્ણ થાય તે માટે એવું થયું. 26પણ સહાયક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી આવે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ; તે જયારે આવશે, ત્યારે મારા સંબંધી સાક્ષી આપશે. 27તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો. 16:1‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે. 2તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 27 જુલાઈ એટલે નાગરિક પંચાંગનો 9 ઑગસ્ટ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો