Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑગસ્ટ 2027 › 9 ઑગસ્ટ

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 9 ઑગસ્ટ 2027

સોમવાર · સામાન્ય કાળનું 19મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળના 19મા અઠવાડિયાનો સોમવાર

વૈકલ્પિક સ્મૃતિદિન · ધાર્મિક વિધિનો રંગ: લીલો

ક્રૂસનાં સંત ટેરેસા બેનેડિક્ટા (એડિથ સ્ટાઇન), કુમારિકા અને શહીદ · વૈકલ્પિક સ્મૃતિદિન

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

પુન 10:12–22

12હવે હે ઇઝરાયલ, તું યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખે, તેમના માર્ગોમાં ચાલે અને તેમના પર પ્રેમ રાખે અને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તારા ઈશ્વરની સેવા કરે. 13અને આજે હું તમને યહોવાહની જે આજ્ઞાઓ અને નિયમો તારા હિતાર્થે ફરમાવું છું તેનું પાલન કરે. 14જો, આકાશ તથા આકાશોનાં આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવાહ તમારા ઈશ્વરનું છે. 15તેમ છતાં તમારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાહને સારું લાગ્યું. અને તેમણે તેઓની પાછળ તેઓનાં સંતાનને એટલે સર્વ લોકોના કરતાં તમને પસંદ કર્યા જેમ આજે છે તેમ. 16તેથી તમે તમારાં પાપી હૃદયોને શુદ્વ કરો અને હઠીલાપણું છોડી દો. 17કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી. 18તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે. 19તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા. 20તમે યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો; તેમને જ તમે વળગી રહો. અને તેમના જ નામે સમ ખાઓ. 21તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભૂત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે. 22જયારે તમારા પિતૃઓ બધા મળીને મિસર ગયા હતા ત્યારે તેઓ ફક્ત સિત્તેર જ હતા. પણ અત્યારે તમારા ઈશ્વર યહોવાહે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી છે.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 147:12–15, 19–20

12હે યરુશાલેમ, યહોવાહની સ્તુતિ કર; હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર. 13કારણ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં તારાં સંતાનોને આશીર્વાદિત કર્યાં છે. 14તે તારી સરહદમાં શાંતિ સ્થાપે છે; સારા ઘઉંથી તે તારા કોઠારોને ભરપૂર કરે છે. 15તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેમની આજ્ઞા બહુ ઝડપથી દોડે છે. 19તેમણે યાકૂબને તેમનાં વચનો પ્રગટ કર્યાં, તેમણે તેમના વિધિઓ અને નિયમો ઇઝરાયલને પણ પ્રગટ કર્યા. 20અન્ય કોઈ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યું નથી; તેઓએ તેમનાં ન્યાયવચનો જાણ્યાં નથી. યહોવાહની સ્તુતિ થાઓ.

સુવાર્તા

માથ 17:22–27

22જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે; 23તેઓ તેને મારી નાખશે, પણ ત્રણ દિવસ પછી તે પાછો ઊઠશે.” ત્યારે શિષ્યો બહુ દિલગીર થયા. 24પછી તેઓ કપરનાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું કે, “શું તમારો ઉપદેશક ભક્તિસ્થાનના કરનાં પૈસા નથી આપતા?” 25પિતરે કહ્યું કે, “હા.” અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે, “સિમોન, તને શું લાગે છે, દુનિયાના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પરદેશીઓ પાસેથી?” 26પિતરે ઈસુને કહ્યું કે, “પરદેશીઓ પાસેથી.” ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તો પછી દીકરાઓ તો કરમુક્ત છે. 27રખેને આપણે તેઓનું અપમાન કરીએ, તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ; અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, જયારે તું તેનું મુખ ઉઘાડશે ત્યારે તેમાંથી તને પૈસા મળશે, તે લઈને મારે અને તારે માટે તેઓને આપ.”

આજના સંતો

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો