Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑગસ્ટ 2027 › 3 ઑગસ્ટ

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 3 ઑગસ્ટ 2027

મંગળવાર · સામાન્ય કાળનું 18મું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળના 18મા અઠવાડિયાનો મંગળવાર

અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: લીલો

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

ગણ 12:1–13

1અને મૂસાએ એક કૂશી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. તેને લીધે મરિયમ અને હારુન મૂસાની વિરુદ્ધ બોલ્યા. 2તેઓએ કહ્યું, “શું યહોવાહ ફક્ત મૂસા મારફતે જ બોલ્યા છે? શું તેઓ આપણી મારફતે બોલ્યા નથી? “હવે યહોવાહે તેઓએ જે કહ્યું તે સાંભળ્યું. 3મૂસા ખૂબ નમ્ર હતો, પૃથ્વી પર નમ્ર તેના જેવો બીજો કોઈ ન હતો. 4યહોવાહે મૂસા, હારુન અને મરિયમને એકાએક કહ્યું; “તમે ત્રણે મુલાકાતમંડપની પાસે બહાર આવો.” અને તેઓ ત્રણે બહાર આવ્યાં. 5પછી યહોવાહ મેઘસ્તંભમાં ઊતર્યા. અને તેઓ તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. તેમણે હારુનને અને મરિયમને બોલાવ્યાં. અને તેઓ બન્ને આગળ આવ્યાં. 6યહોવાહે કહ્યું, “હવે મારા શબ્દો સાંભળો. જ્યારે તમારી સાથે મારો પ્રબોધક હોય, તો હું પોતે સંદર્શનમાં તેને પ્રગટ થઈશ. અને સ્વપ્નમાં હું તેની સાથે બોલીશ. 7મારો સેવક મૂસા એવો નથી તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. 8હું મૂસા સાથે તો મુખોપમુખ બોલીશ, મર્મો વડે નહિ. તે મારું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ બીધા નહિ?” 9પછી યહોવાહનો કોપ તેઓના પર સળગી ઊઠ્યો અને તે તેમની પાસેથી ચાલ્યા ગયા. 10અને તંબુ પરથી મેઘ હઠી ગયો મરિયમ કુષ્ટરોગથી બરફ જેવી શ્વેત થઈ ગઈ. જ્યારે હારુને પાછા વળી મરિયમ તરફ જોયું, તો જુઓ તે કુષ્ઠરોગી થઈ ગયેલી હતી. 11હારુને મૂસાને કહ્યું કે, “ઓ મારા માલિક, કૃપા કરીને અમારા પર આ દોષ ન મૂક. કેમ કે અમે મૂર્ખાઈ કરી અને પાપ કર્યું છે. 12પોતાની માતા જન્મ આપે તે વખતે જેનું અડધું શરીર ખવાઈ ગયું હોય એવી મૃત્યુ પામેલા જેવી તે ન થાઓ.” 13તેથી, મૂસાએ યહોવાહને વિનંતી કરી. તેણે કહ્યું કે, ઓ ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે તેને સાજી કરો.”

પ્રત્યુત્તર ગીત

ગી.શા 51:1–4, 10–11

1મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; બાથશેબાની પાસે ગયા પછી તેની પાસે નાથાન પ્રબોધક આવ્યો, તે વખતનું. હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ કૃપાથી મારા અપરાધો માફ કરો. 2મારા અપરાધથી મને પૂરો ધૂઓ અને મારા પાપોથી મને શુદ્ધ કરો. 3કેમ કે હું મારા અપરાધો જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે. 4તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તમારી દ્રષ્ટિમાં ખરાબ છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તમે બોલો, ત્યારે તમે ન્યાયી ઠરો; અને તમે ન્યાય કરો, ત્યારે તમે નિર્દોષ ઠરો. 10હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો. 11મને તમારી સંમુખથી દૂર ન કરો અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.

સુવાર્તા

માથ 14:22–36

22પછી તરત તેમણે શિષ્યોને આગ્રહથી હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા અને તેણે પોતે લોકોને વિદાય કર્યા. 23લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા. 24પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. 25રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા. 26શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, “એ તો કોઈ ભૂત છે” અને બીકથી તેઓએ બૂમ પાડી. 27પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, “હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ.” 28ત્યારે પિતરે તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.” 29ઈસુએ કહ્યું કે “આવ.” ત્યારે પિતર હોડીમાંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. 30પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, મને બચાવો.” 31ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, “અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?” 32પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો. 33હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.” 34તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા. 35જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા. 36તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો