Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જુલાઈ 2027 › 12 જુલાઈ

ઓર્થોડોક્સ પંચાંગ · 29 જૂન (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 12 જુલાઈ 2027

સોમવાર · પચાસમાના પર્વ પછીનું ચોથું અઠવાડિયું · સ્વર 2

પર્વો અને સંતો

The Holy Glorious and All-Praised Leaders of the Apostles, Peter and Paul

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 પિત 1:3–9

3આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ, 4અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વારસાને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલો છે. 5છેલ્લાં સમયમાં જે ઉદ્ધાર પ્રગટ થવાની તૈયારીમાં છે, તેને માટે ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળવામાં આવે છે. 6એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડા સમય માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો. 7એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય. 8તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો, જોકે અત્યારે તમે તેમને જોતાં નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો અને તમે તેમનાંમાં અવર્ણનીય તથા મહિમા ભરેલા આનંદથી હરખાઓ છો. 9તમે પોતાના વિશ્વાસનું ફળ, એટલે આત્માઓનો ઉદ્ધાર પામો છો.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 પિત 1:13–19

13એ માટે તમે પોતાના મનને નિયંત્રણમાં રાખો અને જે કૃપા ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ તમારા પર થશે તેની સંપૂર્ણ આશા રાખો. 14તમે આજ્ઞાકારી સંતાનો જેવા થાઓ, અને પોતાની અગાઉની અજ્ઞાન અવસ્થાની દુષ્ટ ઇચ્છાઓ પ્રમાણે ન ચાલો. 15પણ જેમણે તમને તેડ્યાં છે, તે જેવા પવિત્ર છે તેમના જેવા તમે પણ સર્વ વ્યવહારમાં પવિત્ર થાઓ. 16કેમ કે એમ લખ્યું છે કે, “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.” 17અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો. 18કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યા આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ, 19પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લેવાયેલા છો.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 પિત 2:11–24

11પ્રિયજનો, તમે પરદેશી તથા પ્રવાસી છો, માટે હું તમને વિનંતી કરું છું કે, જે દુષ્ટ ઇચ્છાઓ આત્માની સામે લડે છે, તેઓથી તમે દૂર રહો. 12વિદેશીઓમાં તમે પોતાનો વ્યવહાર સારો રાખો, કે જેથી તેઓ તમને ખરાબ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તમારાં સારાં કામ જોઈને તેઓ તેમના પુનરાગમનના દિવસે ઈશ્વરનો મહિમા કરે. 13માણસોએ સ્થાપેલી પ્રત્યેક સત્તાને પ્રભુને લીધે તમે આધીન થાઓ; રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો. 14વળી ખોટું કરનારાઓને દંડ આપવા અને સારું કરનારાઓની પ્રશંસા કરવાને તેણે નીમેલા અધિકારીઓને પણ તમે આધીન થાઓ 15કેમ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે સારાં કાર્યો કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનપણાની વાતોને તમે બંધ કરો. 16તમે સ્વતંત્ર છો પણ એ સ્વતંત્રતા તમારી દુષ્ટતાને છુપાવવા માટે ન વાપરો; પણ તમે ઈશ્વરના સેવકો જેવા થાઓ. 17તમે સર્વને માન આપો, ભાઈઓ પર પ્રેમ રાખો, ઈશ્વરનો ભય રાખો, રાજાનું સન્માન કરો. 18દાસો, તમે પૂરા ભયથી તમારા માલિકોને આધીન થાઓ, જેઓ સારા તથા નમ્ર છે કેવળ તેઓને જ નહિ, વળી કઠોર માલિકને પણ આધીન થાઓ. 19કેમ કે જો કોઈ માણસ ઈશ્વર તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠતાં દુઃખ સહે છે તો તે ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે. 20કેમ કે જયારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો તમે સહન કરો છો, તો તેમાં શું પ્રશંસાપાત્ર છે? પણ જો સારું કરવાને લીધે દુઃખ ભોગવો છો, તે જો તમે સહન કરો છો એ ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે. 21કારણ કે એને માટે તમે તેડાયેલા છો, કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું છે અને તમને નમૂનો આપ્યો છે, કે તમે તેમને પગલે ચાલો. 22તેમણે કંઈ પાપ કર્યું નહિ, ને તેમના મુખમાં કપટ માલૂમ પડ્યું નહિ. 23તેમણે નિંદા પામીને સામે નિંદા કરી નહિ, દુઃખો સહેતાં કોઈને ધમકાવ્યાં નહિ, પણ સાચો ન્યાય કરનારને પોતાને સોંપ્યો. 24લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે સાજાં થયા.

પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા

યોહ 21:15–25

15હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુએ સિમોન પિતરને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, ‘હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુએ તેને કહ્યું કે, ‘મારાં ઘેટાંને પાળ.’” 16તેઓ બીજી વખત તેને કહે છે કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, ‘હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુ તેને કહે છે કે, ‘મારાં ઘેટાંઓની સંભાળ રાખ.’” 17તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’” 18હું તને નિશ્ચે કહું છું કે, ‘જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે. 19હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’” 20ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો અને પૂછ્યું હતું કે, ‘પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?’ ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો. 21ત્યારે પિતરે તેને જોઈને ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, એ માણસનું શું થશે?’” 22ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. 23તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું? 24જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે; અને તેની સાક્ષી સાચી છે, એ અમે જાણીએ છીએ. 25ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ, એવું મારું માનવું છે.

પત્ર (પ્રેરિતો માટે)

2 કરિં 11:21–12:9

21જાણે કે અમે અબળ હતા, એવું હું પોતાને હલકો ગણતાં કહું છું; પણ જેમાં કોઈ હિંમતવાન છે તેમાં હું પણ હિંમતવાન છું; આ હું મૂર્ખાઈથી બોલું છું. 22શું તેઓ હિબ્રૂ છે? હું પણ છું. શું તેઓ ઇઝરાયલી છે? હું પણ છું. શું ઇબ્રાહિમનાં સંતાન છે? હું પણ છું. 23શું તેઓ ખ્રિસ્તનાં સેવકો છે? હું મૂર્ખની માફક બોલું છું હું તેઓના કરતાં વિશેષ છું. કેમ કે મેં વધારે સેવા કરી છે; વધુ પ્રમાણમાં જેલવાસ કર્યો છે; વધારે વખત ગણતરી વિનાનાં ફટકાનો માર ખાધો છે; વારંવાર મૃત્યુના મુખમાં ધકેલાયો છું. 24પાંચ વાર મેં યહૂદીઓથી ઓગણ ઓગણ ચાળીસ ફટકા ખાધા, 25ત્રણ વાર મેં ડંડાનો માર ખાધો, એક વાર પથ્થરનો માર ખાધો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક રાતદિવસ હું દરિયામાં પડી રહ્યો હતો. 26ઘણી સફરો કરી, નદીઓનાં સંકટોમાં, લૂંટારાઓમાં, સ્વદેશીઓમાં, વિદેશીઓમાં તથા પાખંડી ભાઈઓએ મને ભયગ્રસ્ત કર્યો. મેં નગરમાં, જંગલમાં, સમુદ્રમાં જોખમો વેઠ્યાં. 27શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરાઓ, ભૂખ તથા તરસ, વારંવારના ઉપવાસો, ઠંડી તથા વસ્ત્રોની અછત એ બધું મેં સહન કર્યું. 28આ બીજી વાતો ઉપરાંત, રોજ મારા પર બોજ, એટલે સર્વ વિશ્વાસી સમુદાયની ચિંતા, રહે છે. 29કોણ અબળને જોઈને, હું અબળ થતો નથી? કોણ ઠોકર ખાય છે અને મારું હૃદય બળતું નથી? 30જો અભિમાન કરવું પડશે, તો હું મારી નિર્બળતાનું અભિમાન કરીશ. 31આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સુધી સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી. 32દમસ્કસમાં અરિતાસ રાજાના રાજ્યપાલે મને પકડવા ચાહીને, દમસ્કીઓનાં નગર પર ચોકી પહેરો ગોઠવ્યો. 33પણ ટોપલીમાં બેસાડીને બારીમાં થઈને કોટ પરથી મને નગરની બહાર ઉતારી મૂકવામાં આવ્યો. એ રીતે હું તેના સકંજામાંથી બચી ગયો. 12:1અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું જોઈએ. હું પ્રભુના દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ. 2ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી, ઈશ્વર જાણે છે, કે જેને ચૌદ વર્ષ ઉપર સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યો. 3એવા માણસને હું ઓળખું છું શરીરમાં હતો કે શરીર બહાર હતો, તે હું જાણતો નથી, ઈશ્વર તો જાણે છે 4કે, તેને પારાદૈસમાં લઈ જવાયો અને જે વાતો બોલવી માણસને ઉચિત નથી એવી અકથનીય વાતો તેણે સાંભળી. 5તેને લીધે હું અભિમાન કરીશ; પોતાને વિષે નહિ પણ કેવળ મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ. 6હું સત્ય બોલું છું કે જો હું અભિમાન કરવા માગુ છું તો હું મૂર્ખ નહીં થાઉં; કોઈ માણસ જેવો મને જુએ છે, અથવા મારું સાંભળે છે; તે કરતાં મને કંઈ મોટો ન ગણે માટે હું મૌન રહું છું. 7મને જે પ્રકટીકરણના અસાધારણ અનુભવો થયા તેને લીધે હું ફુલાઉં નહિ માટે શેતાનના દૂત તરીકે મને મનુષ્યદેહમાં પીડા આપવામાં આવી છે કે જેથી હું વધારે પડતી બડાઈ ન કરું. 8તે વિષે મેં ત્રણ વાર પ્રભુની પ્રાર્થના કરી કે તે મારી પાસેથી પીડા દૂર કરે. 9પણ તેમણે મને કહ્યું કે ‘તારે માટે મારી કૃપા પૂરતી છે; કેમ કે નિર્બળતામાં મારું પરાક્રમ સંપૂર્ણ થાય છે’ એ માટે વિશેષે કરીને હું ઘણી ખુશીથી મારી નિર્બળતાનું અભિમાન કરીશ કે ખ્રિસ્તનું પરાક્રમ મારા પર ઊતરી આવે.

સુવાર્તા (પ્રેરિતો માટે)

માથ 16:13–19

13ઈસુએ કાઈસારિયા ફિલિપ્પીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?” 14ત્યારે તેઓએ કહ્યું કે, “કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક એલિયા, કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંના એક.” 15ઈસુએ તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” 16ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, “તમે ખ્રિસ્ત, જીવતા ઈશ્વરના દીકરા છો.” 17ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, “તું આશીર્વાદિત છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને એ જણાવ્યું છે. 18હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સ્થાપીશ, તેની વિરુદ્ધ પાતાળની સત્તાનું જોર ચાલશે નહીં. 19આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે.”

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 29 જૂન એટલે નાગરિક પંચાંગનો 12 જુલાઈ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો