મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જુલાઈ 2027 › 11 જુલાઈ
ઓર્થોડોક્સ પંચાંગ · 28 જૂન (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 11 જુલાઈ 2027
રવિવાર · સ્વર 2
પર્વો અને સંતો
પચાસમાના પર્વ પછીનો ત્રીજો રવિવાર
પ્રેરિતોનો ઉપવાસ
માછલીની છૂટ
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
પ્રભાત-પ્રાર્થનાની ત્રીજી સુવાર્તા
9(હવે અઠવાડિયાના પહેલા દિવસની સવારે ઈસુ પાછા ઊઠીને મગ્દલાની મરિયમ, જેનાંમાંથી તેમણે સાત દુષ્ટાત્માઓ કાઢ્યાં હતા, તેને તેઓ પ્રથમ દેખાયા. 10જેઓ તેમની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રુદન કરતા હતા, ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી. 11ઈસુ જીવિત છે અને તેના જોવામાં આવ્યા છે, એ તેઓએ સાંભળ્યું પણ વિશ્વાસ કર્યો નહિ. 12એ પછી તેઓમાંના બે જણ ચાલીને એમ્મૌસ ગામે જતા હતા, એટલામાં ઈસુ અન્ય સ્વરૂપે તેઓને દેખાયા. 13તેઓએ જઈને બાકી રહેલાઓને કહ્યું. જોકે તેઓએ પણ તેઓનું માન્યું નહિ. 14ત્યાર પછી અગિયાર શિષ્યો જમવા બેઠા હતા, ત્યારે ઈસુ તેઓને દેખાયા; અને તેમણે તેઓના અવિશ્વાસ તથા હૃદયની કઠણતાને લીધે તેઓને ઠપકો આપ્યો; કેમ કે તેઓ પાછા ઊઠ્યાં પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું ન હતું. 15ઈસુએ તેઓને કહ્યું કે, ‘આખી દુનિયામાં જઈને સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. 16જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે ઉદ્ધાર પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે. 17વિશ્વાસ કરનારાઓને હાથે આવાં ચમત્કારિક ચિહ્નો થશે, મારે નામે તેઓ દુષ્ટાત્માઓને કાઢશે, નવી ભાષાઓ બોલશે, 18સર્પોને ઉઠાવી લેશે અને જો તેઓથી કંઈ પ્રાણઘાતક વસ્તુ પિવાઈ જશે તો તેઓને કંઈ ઈજા થશે નહિ; તેઓ બિમારો પર હાથ મૂકશે અને તેઓ સાજાં થશે.’” 19પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજ્યા. 20તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી; અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતા અને તેઓને હાથે થયેલા ચમત્કારિક ચિહ્નોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા.)
પત્ર
1આપણે વિશ્વાસથી ન્યાયી ઠરાવાયેલાં છીએ, તે માટે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રયે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ; 2આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તેમાં ઈસુને આશ્રયે વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ; વળી આપણે ઈશ્વરમાં મહિમાની આશાથી આનંદ કરીએ છીએ. 3માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિથી ધીરજ, 4ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે; 5આશા શરમાવતી નથી; કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવેલો છે. 6કેમ કે જયારે આપણે હજી નિર્બળ હતા ત્યારે યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા. 7ન્યાયી મનુષ્યને માટે કયારેક જ કોઈ પોતાનો જીવ આપે, સારા મનુષ્યને માટે મરવાને કદાચ કોઈ એક હિંમત પણ કરે. 8પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા. એવું કરવામાં ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. 9તેથી હવે આપણે હમણાં તેમના રક્તથી ન્યાયી ઠરાવાયા છીએ જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરના ક્રોધથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે! 10કેમ કે જયારે આપણે ઈશ્વરના વિરોધી હતા, ત્યારે તેમના દીકરાના મૃત્યુથી ઈશ્વરની સાથે આપણું સમાધાન થયું. તેથી હવે તેમના જીવનને લીધે આપણે બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!
સુવાર્તા
22શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તમારી દ્રષ્ટિ સારી હોય, તો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે. 23પણ જો તમારી દ્રષ્ટિ ખરાબ હોય, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું થશે. માટે તમારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો! 24કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ. 25એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી? 26આકાશના પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે. તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું? 27ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળમાં એકાદ પળનો વધારો કરી શકે છે? 28વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી અને કાંતતાં પણ નથી. 29તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. 30એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે? 31માટે ‘અમે શું ખાઈશું?’, ‘શું પીશું?’ અથવા ‘શું પહેરીશું?’ એમ કહેતાં ચિંતા ન કરો. 32કારણ કે એ સઘળાં વાનાં અવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે એ બધાની તમને જરૂર છે. 33પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 28 જૂન એટલે નાગરિક પંચાંગનો 11 જુલાઈ. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો