Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જૂન 2027 › 29 જૂન

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 29 જૂન 2027

મંગળવાર · સામાન્ય કાળનું 13મું અઠવાડિયું

પર્વો અને સંતો

પ્રેરિતો સંત પિતર અને પાઉલ

મહોત્સવ · ધાર્મિક વિધિનો રંગ: લાલ

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

પ્રે.કૃ 12:1–11

1આશરે તે જ સમયે હેરોદ રાજાએ વિશ્વાસી સમુદાયના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા. 2તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો. 3યહૂદીઓને એ વાતથી ખુશી થાય છે તે જોઈને તેણે પિતરની પણ ધરપકડ કરી. તે બેખમીર રોટલીના પર્વના દિવસો હતા. 4તેણે પિતરને પકડીને જેલમાં પૂર્યો, અને તેની ચોકી કરવા સારુ ચાર ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને આધીન કર્યો, અને પાસ્ખાપર્વ પછી લોકોની સમક્ષ તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો. 5તેથી તેણે પિતરને જેલમાં રાખ્યો; પણ વિશ્વાસી સમુદાયે તેને સારુ આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરી. 6હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બંધાયેલી સ્થિતિમાં ઊંઘતો હતો; અને ચોકીદારો જેલના દરવાજા આગળ ચોકી કરતા હતા. 7ત્યારે જુઓ, પ્રભુનો સ્વર્ગદૂત તેની પાસે ઊભો રહ્યો, અને જેલમાં પ્રકાશ પ્રગટ્યો; તેણે પિતરને કૂખમાં હલકો હાથ મારીને જગાળ્યો, અને કહ્યું કે, જલદી ઊઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી સરકી પડી. 8સ્વર્ગદૂતે તેને કહ્યું કે, કમર બાંધ, અને તારાં ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી સ્વર્ગદૂતે કહ્યું કે, તારો કોટ પહેરી લે અને મારી પાછળ આવ. 9તે બહાર નીકળીને સ્વર્ગદૂતની પાછળ ગયો; અને સ્વર્ગદૂત જે કરે છે તે વાસ્તવિક છે એમ તે સમજતો નહોતો, પણ તે દર્શન જોઈ રહ્યો છે એમ તેને લાગ્યું. 10તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોખંડના દરવાજે પહોંચ્યા; અને તે દરવાજો આપોઆપ ખૂલી ગયો; તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો; એટલે તરત સ્વર્ગદૂત તેની પાસેથી ચાલ્યો ગયો. 11જયારે પિતર સભાન થયો ત્યારે તેણે કહ્યું કે, હવે હું ચોક્કસ રીતે જાણું છું કે પ્રભુએ પોતાના સ્વર્ગદૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સર્વ ધારણાથી મને છોડાવ્યો છે.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 34:1–8

1દાઉદનું ગીત; તેણે અબીમેલેખની આગળ ગાંડાઈનો ઢોંગ કર્યો, અને એણે તેને કાઢી મૂકયાથી તે જતો રહ્યો, તે વખતનું. હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે. 2હું યહોવાહની સ્તુતિ કરીશ; દિન લોકો તે સાંભળીને આનંદ કરશે. 3મારી સાથે યહોવાહની સ્તુતિ કરો; આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ. 4મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને વિજય અપાવ્યો. 5જેઓ તેમની તરફ જુએ છે, તેઓ પ્રકાશ પામશે અને તેઓનાં મુખ કદી ઝંખવાણા પડશે નહિ. 6આ લાચાર માણસે પોકાર કર્યો અને યહોવાહે તે સાંભળીને તેને તેના સર્વ સંકટમાંથી બચાવ્યો. 7યહોવાહના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે અને તે તેમને સંકટમાંથી છોડાવે છે. 8અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે; જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.

બીજું વાંચન

2 તિમ 4:6–8, 17–18

6હું તને આ બાબતો એ માટે કહું છું, કે હું જલ્દી મરણ પામીશ અને આ દુનિયાને છોડીશ. હું જાણે કે દ્રાક્ષારસનાં પ્યાલા જેવો છું કે જે તેઓ વેદી પર રેડીને ઈશ્વરને બલિદાન આપે છે. 7હું એક રમતવીર જેવો છું જેણે સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કર્યો છે. હું એક દોડવીર જેવો છું જેણે પોતાની દોડ પૂરી કરી છે. ઈશ્વરને આધીન થવા મેં મારું શ્રેષ્ઠ કર્યું છે. 8હવે મારે માટે ઈનામ રાહ જોવે છે કેમ કે હું ઈશ્વર માટે યોગ્ય જીવન જીવ્યો છું. ઈશ્વર મારો યોગ્ય રીતે ન્યાય કરશે.જયારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ મને તે ઈનામ આપશે.અને જેઓ તેમના આવવાની આતુરતા પૂર્વક રાહ જોવે છે તેઓ દરેકને પણ તે આપશે. 17પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને મદદ કરી. તેમણે મને બળવાન કર્યો, કે જેથી મેં સંપૂર્ણપણે તેમનું વચન જણાવ્યું અને જેથી દરેક વિદેશીઓ તે સાંભળે.આ રીતે ઈશ્વરે મને મૃત્યુથી બચાવ્યો. 18પ્રભુ મને તેઓએ કરેલી સર્વ દુષ્ટ બાબતોથી બચાવશે. તેઓ મને સ્વર્ગમાં જ્યાં તેઓ રાજ કરે છે ત્યાં સુરક્ષિત લાવશે. લોકો હંમેશા તેમની સ્તુતિ કરો. આમેન.

સુવાર્તા

માથ 16:13–19

13ઈસુએ કાઈસારિયા ફિલિપ્પીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?” 14ત્યારે તેઓએ કહ્યું કે, “કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક એલિયા, કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંના એક.” 15ઈસુએ તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” 16ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, “તમે ખ્રિસ્ત, જીવતા ઈશ્વરના દીકરા છો.” 17ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, “તું આશીર્વાદિત છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને એ જણાવ્યું છે. 18હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સ્થાપીશ, તેની વિરુદ્ધ પાતાળની સત્તાનું જોર ચાલશે નહીં. 19આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે.”

આજના સંતો

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો